Bhairvi Maniyar

Fantasy Inspirational

4.8  

Bhairvi Maniyar

Fantasy Inspirational

એક અનોખું વિહંગાવલોકન

એક અનોખું વિહંગાવલોકન

2 mins
250


એક દિવસ વિવિધ ધર્મના આઠ-દસ મિત્રો ધર્મ અને પરંપરા સાથે પોતાનાં જ્ઞાન વડે અર્થઘટન કરવા બેઠાં. આ વિદ્યાર્થીઓ પૈકી કોઈ વિજ્ઞાનના તો કોઈ તત્વજ્ઞાનના પણ હતા. શરૂઆત નીલેશે કરી, "દોસ્તો એક જાણવા જેવી વાત છે. કોઈપણ ધર્મમાં એક ફળનો ઉપયોગ વિવિધ રીતે થાય છે. એ ફળ એટલે શ્રીફળ - નાળિયેર."

તરત જ અબ્રાહમ બોલ્યો, "હા, એ પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ છે. નાળિયેરનું પાણી મોટાં પ્રમાણમાં ઑક્સીન નામનો વનસ્પતિઅંત:સ્રાવ ધરાવે છે. આ હોર્મોન નવાં કોષો બનાવવામાં ચાવીરૂપ કામ કરે છે."

અમીને ઉમેર્યું,"એટલે જ તો બિમાર હોઈએ ત્યારે ડૉક્ટર આપણને નાળિયેરનું પાણી પીવાની સલાહ આપે છે, જેથી આપણાં મૃતકોષોને સ્થાને નવા કોષો સર્જાય છે. ખરુંને !"

નિમા બોલી, "અને આ ફળ પૃથ્વી પર બધે જ સરળતાથી મળી રહે છે. એના અસંખ્ય ઉપયોગો છે. આપણાં વાળ અને ત્વચા સારાં થાય છે. આંખોનું તેજ વધે છે. એટલે તો ખોરાકમાં એનો ઉપયોગ થાય છે અને બહારથી એનું તેલ લગાવવામાં આવે છે."

ચિંતન બોલ્યો, "દોસ્તો પૂજા કરવાની રીત ભલે અલગ હોય, પણ આપણે એનું મહત્વ સમજીએ છીએ એ જ અગત્યનું છે. 

મહાવીરે ઉમેર્યું, "માંત્રિક હોય કે તાંત્રિક, એ સૌ આ ફળને એક 'જીવ' તરીકે ગણીને એનો ભોગ ચડાવે છે."

ચંદા બોલી, "હા, એટલે જ તો સગર્ભા સ્ત્રીને સિમંત વખતે ખોળામાં શ્રીફળ આપીને એક તંદુરસ્ત બાળકની કામના કરાય છે. એ શ્રીફળ વધેરવાનું નહિ, પણ એની પૂજા કરાય છે."

અત્યાર સુધી શાંત બેઠેલા નવરોઝે બીજી એકવાત કહી, "દોસ્તો આવું જ અગ્નિ અને પાણી માટે પણ છે ને ! ક્યાંક પાણીની અછત હોય ત્યાંના રિવાજો પર્યાપ્ત પાણીવાળા વિસ્તારના રિવાજો કરતાં અલગ હોય છે. અને અતિશય ઠંડા પ્રદેશોમાં અગ્નિનો ઉપયોગ ગરમ પ્રદેશ કરતાં વધુ હોય છે. એટલે કોઈ અગ્નિને પૂજે તો કોઈ સૂર્યને પૂજે."

અનંતા બોલી, "મને તો કવિશ્રી ઉમાશંકર જોશીની એક પંક્તિ યાદ આવી, 

"પૃથ્વી, પાણી, આકાશ, તેજ, વાયુ, 

આ પંચતંત્રનું સર્વ જગ કહેવાયું."

બધાં એકસાથે બોલી ઉઠ્યાં, "સાવ સાચીવાત"

નિલેશે કહ્યું, "હા, આ જ રીતે જ્યાં જેવું વાતાવરણ હોય એ મુજબની વનસ્પતિઓની ઉપયોગિતા પણ સહજ હોય છે. આપણે તુલસી, લીમડો, બિલીપત્ર અને પીંપળો, વડ જેવી વનસ્પતિઓનું મહત્વ સમજીને પૂજીએ કે આરોગ્યલક્ષી ઉપયોગ કરીએ છીએ."

સમાયરા બોલી, "તો 'An Apple a Day, Keeps Doctor Away.' આ કહેવત વિદેશીઓ લાવ્યાં ને ! ઠંડા પ્રદેશોમાં ઑલિવ કે સદાહરિત ક્રિસમસ ટ્રી મહત્વનાં છે. અને દરિયાઈ જીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે એ જીવોનો એ લોકો આદર કરે છે."

મિમોહ બોલ્યો, "આપણે સૌ કેટલી નિખાલસતાથી ધર્મ થકી વિજ્ઞાનને સાંકળતી વાતો કરી શકીએ છીએ ! મને લાગે છે કે આપણે રુઢિચુસ્ત ન બનીએ, અને સાચા માનવધર્મ તરફ આગળ વધીએ તો ભવિષ્યમાં વિશ્વશાંતિ તરફ એક ડગલું આગળ જઈ શકીશું.

કેતને કહ્યું, "આપણે સૌ આજની વાત વાગોળતાં રહીશું. છેલ્લે પૂ. ઉમાશંકર જોશીની આપણી પ્રિય પંક્તિઓ એકસાથે બોલીને છૂટાં પડીએ."

સૌ એકસાથે મોટેથી ખૂબ ભાવપૂર્ણ રીતે બોલે છે, 

"વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી,

પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ."


Rate this content
Log in

Similar gujarati story from Fantasy