Bhairvi Maniyar

Inspirational

4.5  

Bhairvi Maniyar

Inspirational

પેરાશૂટ જમ્પિંગ

પેરાશૂટ જમ્પિંગ

3 mins
191


અપરિચિત શબ્દ સાથે ઘણુંબધું વણી શકાય.

કોઈ અપરિચિત વ્યક્તિ, માહોલ, સ્થળ, ઘટના, પત્ર, ડોક્યુમેન્ટ્સ, પ્રાણી, પંખી, અજાણ્યું પાણી, વિસ્તાર, ત્યાંના લોકો વગેરે વગેરે.

આજે એવી અસંખ્ય અનુભૂતિ કરાવતું વર્ષ અને એક વિશિષ્ટ અનુભવ અંગે વાત કરવી છે.

મારાં જીવનમાં 1978 -'79 નું વર્ષ વિવિધતાસભર રહ્યું.

એક તરફ કૉલેજનાં યુનિયનમાં સક્રિયતા.

ગુજરાત યુનિવર્સિટીમાં બોર્ડ ફોર સ્ટુડન્ટસ વેલ્ફેરના સભ્ય તરીકે વિદ્યાર્થીઓનાં કલ્યાણકારી કાર્યો કરવાં.

ડિબેટ સેક્રેટરી તરીકે રાજ્યસ્તરની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન અને જીતવાની તૈયારી.

એનસીસી દ્વારા વેસ્ટઝોન - આંતરરાજ્ય - બાસ્કેટબોલ ટીમની કેપ્ટન તરીકેની જવાબદારી.

નોર્થઝોન એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ મેળવવી.

કૉલેજની લેડીઝ ક્રિકેટ ટીમની કેપ્ટન તરીકેની જવાબદારી અને જીત.

કોલેજ અને યુનિવર્સિટીમાં રેન્કર બનવું.

અને સૌથી સાહસિક પ્રવૃત્તિ માટેનો અલગ જ ઉત્સાહ..એટલે..

એનસીસી દ્વારા પેરાશૂટ જમ્પિંગ નો રોમાંચક અનુભવ !

અમદાવાદ ખાતે એનસીસી હેડક્વાર્ટરમાં વિવિધ ટેસ્ટ માટે જવું. અનેક કેડેટ્સની વચ્ચે પસંદગી માટે સજ્જ થવું. ફીઝીકલ ફીટનેસ અને આઇ ક્યુ ટેસ્ટ પાસ કરવા માટે તૈયારી કરવી. માત્ર 13 કેડેટ્સની પસંદગી થવાની હતી. આ તબક્કે અમદાવાદ બહારના ચાર કેડેટ્સમાં એક મારું પણ નામ હતું.

પછી 35 દિવસની સખત પરિશ્રમથી ભરપૂર તાલીમ અમદાવાદ એનસીસી Ground & Police Head Quarters માં આપવામાં આવી.

જમીન પર ચોક્કસ પદ્ધતિએ રોલ કરવાની શરૂઆત બાદ 10ફૂટ ઊંચેથી પણ જમ્પ કર્યા બાદ રોલ કરીને ત્વરિત ઊભા થવા માટે અલગ અલગ પ્રકારે જમ્પ કરવાની તાલીમ અપાઈ.

હવે આગ્રા ખાતે બીજી 35 દિવસની તાલીમ અને જમ્પિંગ માટે સજ્જતા કેળવી.

આખા દેશમાંથી 351 કેડેટ્સની પસંદગી થયેલી. એમાં ગુજરાતમાંથી 3 છોકરીઓ અને 10 છોકરાઓ પણ હતાં.

અહીં પણ જમીન પર રોલ કરવાથી શરૂ કરીને 32ફૂટ ઉપરથી સીધો જમ્પ કરવાની તાલીમ આપવામાં આવી. એમાં વિવિધ તબક્કે આંતરિક કસોટીઓ પણ થતી.

સવારે 4 વાગે ઉઠી ઇસ્ત્રી કરેલો યુનિફોર્મ અને ચમકતાં બક્કલવાળો બેલ્ટ અને કેપ તેમજ પોલીશ કરેલાં બૂટમાં સજ્જ થઈને પ્રેક્ટિસ માટે 5વાગે પહોંચી જવાનું. લગભગ આખો દિવસ વિવિધ પ્રકારની તાલીમ અને સાંજે મનોરંજન કાર્યક્રમ.

હવામાં ઊડવા માટે 48 કિલો વજન પણ જાળવવાનું !

32 ફૂટ ઊંચેથી કૂદવાની તાલીમ અને મુખ્ય કસોટી પણ હતી. જેટલી ઝડપથી આપણને ઑર્ડર મળે દા.ત. "માત્ર જમણો હાથ આગળ કરો." "ડાબો હાથ અને પગ એકસાથે આગળ કરો.".......વગેરે વગેરે.

એમાં પાસ થનારને 'એર એક્સ્પિરિયન્સ માટે લઈ

જવામાં આવે. એમાં કોઈને ઉલટી કે અન્ય એલર્જી હોય તો ખ્યાલ આવે. અમારામાંથી મોટાભાગનાં પહેલી જ વાર વિમાનમાં બેઠાં !!

આ દરમિયાન દરેકને એરક્રાફ્ટનાં ખુલ્લાં બારણા પાસે લાવીને ફરીથી 'પ્રેઝન્સ ઑફ માઇન્ડ' ની ચકાસણી થાય. એ સમયે હવામાં હાથ કે પગ બહાર કાઢતાં જાણે 'હમણાં જ પડી જઈશું' એવો અહેસાસ થાય, છતાં સ્થિર રહેવાનું !

દરમિયાન રાત્રે થતાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં અમે ગુજરાતીઓએ રાસ કરવા માટે ઘણાબધા કેડેટ્સને તૈયાર કરેલાં. 

એ જ રીતે અમે પણ બિહુડાન્સ અને લાવણી તેમજ ભાંગડા માટે તૈયારી કરી હતી.

સાથોસાથ ઘણીબધી ભારતીય ભાષાનાં ગીતો, કેટલાક પ્રાથમિક વાક્યો અને 1 થી 100 શીખવાનો પણ અલગ જ આનંદ આવતો.

આટલે સુધી પહોચ્યા બાદ હવે પેરાશૂટ જમ્પિંગ માટે ડાઁગરી, પેરાશૂટ અને રીઝર્વ પેરાશૂટ સાથે સજ્જ થઈ એરક્રાફ્ટમાં બેસવાનું. સૌથી પહેલાં જમ્પ મારવા માટે મારી પસંદગી થયેલી. અને...........

"જમ્પ"ના ઑર્ડર સાથે એક પંખીની જેમ આકાશમાં ઊડવાનો આનંદ કંઈક ઓર જ હતો ! જોકે એ સમયે 'પ્રેઝન્સ ઑફ માઇન્ડ' ખૂબ જરૂરી છે. આપણે કઈ દિશામાં જઈ રહ્યાં છીએ એનું ધ્યાન રાખવાની સાથે છેલ્લાં 150ફૂટ તો પથ્થરની જેમ પડવાનું હોવાથી અગાઉની 'જમ્પ એન્ડ રોલ' વાળી તાલીમ કામે લગાડવી પડે.

નીચે ઉતરીને ચોક્કસ પ્રકારે પેરાશૂટ વાળીને ફરી પાછો એનાં કવરમાં મૂકીને દોડતાં નિશ્ચિત જગ્યાએ પહોંચી જવાનું.

બીજા જમ્પમાં ઊડતાં ઊડતાં સખીઓ મોટેમોટેથી વાત કરીને મજા લેતી હતી. શિસ્ત માટે જાગૃત પણ રહેવાનું.

ત્રીજા જમ્પ દરમિયાન ખિસ્સામાં ચોકલેટ લઈ ગયાં હતાં તે ખાવામાં કેટલાંક સફળ થયાં. 

ચોથા જમ્પમાં હવામાં બન ખવાનો પ્રયાસ કર્યો. 

અને છેલ્લે સૌથી વધુ ઊંચાઈથી પાંચમા જમ્પમાં હવામાં વધુ સમય રહેવાનો મનભરીને આનંદ માણ્યો.

એ દરમિયાન બે વાત અવિસ્મરણીય રહી. 

પહેલી બાબત એ કે, છેલ્લે છેલ્લે કમિટિએ બોલાવી અને સ્કાય ડાઇવિંગની તાલીમ માટે મારી પસંદગી થયાની વાત કહી. જોકે કૉલેજનું એ ફાઇનલ યર હોવાથી છ મહિના માટે લંડન જવાની મેં ના પાડી હતી.

બીજી બાબત એ હતી કે અમારી સખી શેફાલી શાહ તમામ કેડેટ્સમાં પ્રથમ ક્રમે આવી એનો આનંદ જ અલગ હતો.

આમ વિમાનમાં બેસવું અને હવામાં જમ્પ મારવાનો આહ્લાદક અનુભવ જીવનભર મારી કુદરતી હાર્ડડિસ્કમાં સેવ થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational