STORYMIRROR

DIPIKA CHAVDA

Romance

4  

DIPIKA CHAVDA

Romance

મૈથિલીનો પ્રેમ

મૈથિલીનો પ્રેમ

8 mins
221

આમ તો સંસ્કૃતિ આ વ્યવસાયમાં મજબૂરીથી આવી ચડી હતી. સ્વર્ગલોકની અપ્સરા જેવી રૂપરૂપનાં અંબાર સમી સંસ્કૃતિ વખાની મારી કામની શોધમાં ભટકતી હતી. માતાનાં મૃત્યુ પછી પિતા અને નાના ભાઈ – બહેનની જવાબદારી પોતાનાં શિરે આવી પડી. એક લાલચુ અને વાસનાભૂખ્યા નગરશેઠની નજર તેનાં પર પડી. તેણે કામ અપાવવાના બહાને તેને બોલાવીને એક અંધારી ઓરડીમાં પૂરીને પોતાનું નરપિશાચી સ્વરૂપ બતાવી દીધું. તે સંસ્કૃતિને આખી રાત પીંખતો રહ્યો. પેલી કણસતી રહી, પીડાતી રહી, પણ મોં ખોલી ના શકી. સવારે કેટલાક રૂપિયા આપીને રાત્રે ફરીથી આવવાની ધમકી આપીને નગરશેઠે તેને રવાના કરી.

સંસ્કૃતિ મજબૂર હતી. પિતાને દારૂની લત અને ભાઈ – બહેનની જવાબદારી ! કરે તો શું કરે ? એકવાર પીંખાઈ ગયેલા શરીર પ્રત્યે તેને નફરત થઈ ગઈ. આજે એ ભગવાનને કોશવા લાગી કે, "શા માટે તેને આટલું બધું રૂપ આપ્યું ? શા માટે ગરીબનાં ઘરમાં જન્મ આપ્યો ? મારાં રૂપની હું જ ગુનેગાર ?" ભાગ્યને દોષ દઈને બેસી રહેતી. નગરશેઠની હવસનો ભોગ બનતી રહેતી. ગરીબી અને જરૂરિયાત હોવાથી એની મજબૂરીનો લાભ નગરશેઠે ભરપૂર લીધો. હવે નગરશેઠને વધારે પૈસાની લાલચ થઈ અને તેણે સંસ્કૃતિને વેશ્યાલયમાં વેચી દીધી.

સંસ્કૃતિ હવે ‘ગુલાબો‘ બની ગઈ. તેનાં મનમાં સતત એક જ પ્રશ્ન ઘુમરાયા કરતો કે,   "મારો શું વાંક ?” લાચાર અને મજબૂર ગુલાબો હવે આવું જ જીવન જીવવા માટે ટેવાઈ ગઈ હતી. રોજ સંધ્યા ઢળતાની સાથે જ ઘેરાતા જતાં અંધકારમાં એનાં ઘરનાં ઓરડામાં આછી રોશની પ્રસરી જતી અને એ રાત્રિનાં અંધકારના ઓછાયા તળે એના એ ઓરડામાં પ્રવેશતા લોકો રોજ બદલાતા રહેતા. નશામાં ચૂર એવા લોકો રોજ એને નવા નામથી બોલાવતા. જે પિતાની દારૂની લતથી ત્રસ્ત હતી, જેનાથી નફરત હતી, એવાજ લોકોને હવે રોજ ખુશ રાખવા નવુંનવું રૂપ ધારણ કરવું પડે છે. રોજ રોજ નવા નવા ચહેરાઓ દારૂના નશામાં આવીને એને પીંખીને નોટો ફેંકીને જતાં રહેતાં ને એ કણસતી રીબાતી પડી રહેતી.

સમય જતાં ગુલાબો એક દીકરીની ‘મા‘ બની ગઈ હતી. માતૃત્વ ધારણ કરવુ પણ એની માટે મોટો ગુનો હતો. કોણ હતો એનો બાપ ? કેમ કહી શકે ? આ પાપની દુનિયામાં એણે પોતાનાથી પણ વધારે સુંદર એવી દીકરીને જન્મ આપ્યો હતો. એ નહોતી ઈચ્છતી કે એની દીકરી એની માટે એક શ્રાપ બની જાય. એણે એનું નામ મૈથિલી રાખ્યું. મૈથિલીનું રૂપ એનું જ દુશ્મનના બને તેથી એણે સમાજથી એને છુપાવીને રાખી હતી. એની ઝલક પણ કોઈએ જોઈ નહોતી. એક ઓરડીમાંજ મૈથિલીની આખી દુનિયા હતી.

વિધિની વક્રતા તો જુઓ ! ગુલાબોનું કેન્સરમાં મૃત્યુ થયું. મૈથિલી હવે એકલી પડી ગઈ. ગુલાબોનાં ગ્રાહકો તો રોજ એનાં દ્વારે આવી જ જતાં હતાં. નશામાં ચકચૂર લોકોએ મૈથિલીને પણ ના છોડી. ગુલાબો જે નહોતી ઈચ્છતી એ જ થઈને રહ્યું. મૈથિલીનું રૂપ જ એનું દુશ્મન બન્યું. લોકો હવે મૈથિલીનું શોષણ કરવા લાગ્યા, એની સાથે રાત વીતાવતા અને પૈસા આપી જતાં.

મૈથિલીએ કદી બહારની દુનિયા તો જોઈ જ નહોતી. તેથી એને મન તો આ વ્યવસાય અને આવું જ જીવન એની દુનિયા હતી. એની માતાથી સાવ જ વિપરીત વિચારો ધરાવતી મૈથિલીને રોજ આ રીતે જીવવું ફાવી ગયું હતું.એને તો રોજ મુખ પર બનાવટી હાસ્ય, બિભત્સ ઈશારા, બિભત્સ વાતો, મોઢા ઉપર મેકઅપ, અને પોતાનાં અંગ ઉપાંગોનાં ઉભારને વધારે સેક્સી અને આકર્ષક લાગે એવા વસ્ત્રો રોજ પહેરીને લોકોને લલચાવી ને એમની વાસના સંતોષવી અને પોતાનાં મોજશોખ પુરા કરવા. આ બધું બહુજ ગમતું હતું. ના કોઇ બંધન કે કોઇ રોકટોક ! સંપૂર્ણ આઝાદી ! 

મૈથિલી ખૂબજ સુંદર હતી. એનું અંગેઅંગ મરોડદાર અને ઘાટીલું હતું. કેટલાય લોકો એની અદાઓના દીવાના હતા. મોં માંગ્યા રૂપિયા આપીને પણ એની સાથે શૈયા સુખ માણવા અધીરા રહેતા. મૈથિલીને આજે ક્યાંય ગમતું નહોતું. એ ઉદાસ હતી ને થોડી બેચેન અને વિહ્વળ પણ હતી એ સમજી નહોતી શકતી કે એને શું થયું છે ?

મંથન એક એવો યુવાન હતો જેણે બાળપણમાં જ પોતાનો પરિવાર ગુમાવી દીધો હતો. એકલો જ રહીને મોટો થયો હોવાથી પરિવારનો પ્રેમ કદી પામી જ ના શક્યો. મિત્રો પણ ઓછા અને વળી સ્વાર્થી પણ ખરા ! એટલે મિત્રો તરફથી પણ એને લાગણી કે પ્રેમ ના મળી શક્યો. એ ઘણીવાર ફિલ્મોમાં પ્રેમનાં કે લાગણીનાં દ્રશ્યો જોઈને વિચલીત થઈ જતો. એને થતું કે આ બધું માત્ર સિનેમા કે નાટકોમાં જ હોય. હકીકતમાં આવું ક્યાંય ના હોય. જે જોવા મળે છે એ તો અભિનય છે અને કરવાવાળાને એનાં પૈસા મળે છે. મંથનના મનમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ કે પૈસાથી બધું જ ખરીદી શકાય છે. પ્રેમ અને લાગણી પણ ! 

સિનેમાની અંદર એકવાર એણે જોયું કે હીરો પ્રેમનો ભૂખ્યો છે. એકલો છે. એની પાસે પૈસો ઘણો છે પણ પોતાને હૂંફ આપે કે પ્રેમ કરે એવી કોઈ જ વ્યક્તિ નથી. તેથી એ એક ગણિકા પાસે જવા લાગે છે,અને એની એકલતાને દૂર કરે છે. મંથન પાસે પણ એની મહેનતનો રૂપિયો તો હતો જ ! એકવાર એ પણ મૈથિલીને દ્વારે જઈ ચડે છે. મૈથિલી માટે તો કોઇ જ નવાઈ નથી એને તો રોજ નવા ગ્રાહકો આવતા એટલે મંથનનું આવવું એની માટે નવું નહોતું. હાસ્ય સાથે મંથનને આવકારીને હાથ પકડીને પલંગ પર બેસાડ્યો. દરવાજો બંધ કરીને પોતાનાં વસ્ત્રોને ઢીલાં કર્યા અને મંથનની નજીક જઈને બેસી ગઈ. મૈથિલીની છાતીનો ઉભાર બ્લાઉઝમાંથી બહાર દેખાતો હતો. શરીર પર સાડી તો હતી જ નહીં ! ચણિયો પણ ઢીલો કરીને બેઠી હતી એટલે કમરની નીચેનો ભાગ પણ ખુલ્લો જ સ્પષ્ટ દેખાતો હતો. મંથને આ બધું જોયું પણ એનામાં કોઈ વાસના જાગી નહીં. મૈથિલીએ મંથનના અંગો સાથે અડપલાં કરવા શરૂ કર્યા. મંથન દૂર ખસી ગયો. બસ શાંતિથી એક નજરે મૈથિલીને નીરખી જ રહ્યો. મૈથિલીથી રહેવાયું નહીં. એણે મંથનને કહ્યું કે, "જોઈ શું રહ્યો છે ? આ રહી હું ને આ રહ્યું મારું શરીર ! જલ્દી કર ! મારે બીજા ગ્રાહક રાહ જોતાં હશે !”

મંથને કાંઈજ ના કર્યું અને રૂપિયા એનાં પલંગ પર મૂકીને નીકળી ગયો. મૈથિલી મોં મચકોડતી જોતી જ રહી. એને શું ? એને તો પૈસા મળતાં હતાને ! પણ નવાઈ તો લાગી જ. મંથન ઘરે ગયો આખી રાત સૂઈ ના શક્યો. મૈથિલીનાં જ વિચારો કરતો રહ્યો. એનામાં વાસના નહોતી જાગી. દિવસ જેમતેમ કરીને પસાર થયો. સાંજ ઢળતાની સાથે જ એ મૈથિલીને જોવા પહોંચી ગયો. રૂમ પર ગયો. આજે પણ મૈથિલીએ એને ઉત્તેજિત કરવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ! મંથન તો આજેય એને પ્રેમભરી નજરે નીરખી જ રહ્યો ને સમય થતાં પૈસા મૂકીને નીકળી ગયો. મૈથિલી વિચારવા લાગી કે મારા રૂપ અને શરીર પર બધું જ ન્યોછાવર કરીને મરવાવાળા કેટકેટલા આવે છે ! બધાને એક જ તીવ્ર ઈચ્છા હોય છે કે મારી સાથે શારીરિક સંબંધ બાંધીને મને ભોગવે ! એવા લોકોની તો રોજ લાઈન લાગે છે અહીં. એક આ મંથન છે જેને હું સામેથી મારું શરીર સોંપવા માટે નગ્ન પણ થવા તૈયાર છું પણ એ તો મને સ્પર્શતો પણ નથી !માત્ર મને નીરખવા જ આવે છે ને કલાકો સુધી મને નીરખીને પછી પૈસા આપીને જતો રહે છે. 

શું હશે એના મનમાં ? આજે મૈથિલીને પણ મંથન વિશે જાણવાની તાલાવેલી જાગી. એ રાહ જોવા લાગી. એનું મન મંથનમાં જ અટકેલું હતું. એનાં યૌવનનો નશો આજે એને ચડ્યો જ નહીં. સાંજ ઢળીને મંથન આવ્યો. મૈથિલીએ મારકણી અદાથી સ્મિત કરીને એનો હાથ પકડી લીધો ને એને પલંગ પર બેસાડ્યો. આજે પણ મંથન દૂર ખસી ગયો ને એને નીરખી રહ્યો. મૈથિલીથી ના સહેવાયું કે ના રહેવાયું. એણે મંથનને પુછી જ લીધું કે રોજ રોજ હું મારું શરીર તને સોંપવા તૈયાર હોઉં છું છતાંય તું મને સ્પર્શ પણ નથી કરતો ! કેમ ? શું છે તારા મનમાં? શા માટે અહીં આવે છે ?

હવે મંથન બોલ્યો કે, ”મને તો એમ હતું કે પૈસાથી બધું જ મળી જાય છે એટલે હું તો પ્રેમ મેળવવા માટે અહીં આવું છું મને એમ કે તું પૈસાની બદલે મને પ્રેમ કરીશ ! મને વાસનારૂપી પ્રેમની ભૂખ નથી ! મને તો હૃદયથી, દિલથી નિ:સ્વાર્થ પ્રેમ કરે, મને જ ચાહે, મારામય બની જાય અને હું પણ એનામય બનીને એનો જ થઈને જીવું અને ખૂબજ પ્રેમ કરું ! એવા પ્રેમની મને તીવ્ર ઝંખના છે મને એવો પ્રેમ જોઈએ છે તું મને કરીશ એવો પ્રેમ ?”

મૈથિલી બોલી ઊઠી, ’ ? એટલે શું ? એ કેવો હોય ? શું એ પણ મારા રૂપ કરતાંય રૂપાળો હોય ? એનાથી શું થાય ? મેં તો કદી જોયો જ નથી પ્રેમ ! મારી દુનિયા તો આ એક ઓરડીમાંજ સમેટાયેલી છે. તો પછી મને શું ખબર કે પ્રેમ એટલે શું ? અહીં તો રોજ જે આવે છે એ બધાજ મારું શરીર માંગે છે. મને ભોગવવા માંગે છે. મને ચૂંથીને પોતાની વાસના સંતોષવા માંગે છે. મને તો કોઈએ ન તો બીજું કશું આપ્યું કે બીજું માંગ્યું ! તો પછી મંથન ! આ પ્રેમ એ કઈ બલાનું નામ છે ? શું એ મારાથી પણ વધારે દેખાવડી છે ? તો પછી તું સીધો એની જ પાસે જા ને ! અહીં મારી પાસે પૈસા બગાડવા કેમ આવે છે ?

એક જ શ્વાસે મૈથિલી આ બધું બોલી ગઈ પછી શ્વાસ લેવા અટકીને મંથનની સામે જોઈ રહી. મંથન હસવા લાગ્યો અને એણે મૈથિલીને કહ્યું કે જો ખરેખર આજે તને તારા આ કામ સિવાય પણ મારા માટે બીજો કોઇ વિચાર આવે તો સમજજે કે તને પ્રેમનો અહેસાસ થયો છે. બાકી મને પણ ખબર જ નથી કે પ્રેમ એટલે શું ? એ કેવો હોય ? મને પ્રેમની ભૂખ છે એટલે જ હું તારી પાસે એ લેવા આવ્યો છું. એમ બોલીને મંથન નીકળી ગયો.

મૈથિલી આજે જાણે શિથિલ બની ગઈ. આજે એને ખરેખર એવો અહેસાસ થયો કે આ મદમસ્ત યૌવન, અપ્સરા જેવું રૂપ, આ લટકાં મટકાંથી લોકોને આકર્ષિત કરવા એ જ જીવન નથી ! એનાથી તો લોકો પોતાની વાસના સંતોષે છે ને હું મારા મોજશોખ પુરા કરું છું. પણ શું ખરેખર મને એનાથી સાચું સુખ મળે છે ? જો હું મારાં આ રૂપથી એક નવયુવાનને આકર્ષિત ના કરી શકી તો પછી એ રૂપ શા કામનું ? 

આજે એનો અંતરાત્મા જાગી ઉઠ્યો. એનાં કાનમાં મંથનના શબ્દો પડઘાવા લાગ્યા. મને પ્રેમ જોઈએ છે….તું મને પ્રેમ આપીશ ? પ્રેમ જોઈએ……અને મૈથિલીનાં હૈયામાં આજે મંથન માટે કૂણી લાગણી એ જન્મ લીધો. રોજ વાસના સંતોષવા માટે તડપતી મૈથિલી આજે મંથનની રાહ જોતી બેઠી હતી. આજે એણે કોઈજ સાજ શણગાર નથી કર્યા. એકદમ સાદગીથી તૈયાર થઈને મંથનના આવવાની રાહ જોતી બેઠી હતી. ઝરૂખેથી એણે મંથનને આવતો જોયો. એના હૈયાનાં તાર ઝણઝણવા લાગ્યા. ધબકારા વધી ગયા. પણ આજે કારણ જુદું હતું. મંથન દરવાજે આવીને ઊભો, એણે મૈથિલીને સંપૂર્ણ પોશાકમાં અને કોઈપણ મેકઅપ વગર સીધી સાદી અને હાથમાં આરતીની થાળી લઈને ઊભેલી જોઈ અને મંથનનું હૈયું પણ એ દીવાની પવિત્ર જ્યોતની જેમ પ્રજ્વલિત બન્યું.

મૈથિલીએ એની આરતી ઊતારી કપાળ પર તિલક કર્યું અને મંથન પણ મૈથિલીના હૈયાનાં ભાવને ઓળખી ગયો! એણે પણ એ જ કંકુથી મૈથિલીની સેંથીમાં સિંદૂર પૂરીને એનાં કપાળ પર એક મીઠું ચુંબન કર્યું. મૈથિલી મંથનની બાહોમાં સમાઈ ગઈ. આજે ખરેખર બે હૈયાનો પ્રેમ એક થઇ ગયો ! ત્યાં વાગતી ગીતની કડી સંભળાઈ રહી હતી ….” દો દિલ મીલ રહે હૈ, મગર ચૂપકે ચૂપકે…”

સાચા અર્થમાં આજે મંથનને પ્રેમ મળ્યો હતો. મંથને પોતાનાં પ્રેમથી મૈથિલીના હૈયામાં પ્રેમનો દીપક પ્રગટાવીને એને પોતાની બનાવી દીધી. બેઉનાં હૈયાનાં દીપકની જ્યોત એક બનીને સમાજને એક ઉદાહરણ આપી દીધું કે પ્રેમથી શું નથી થઈ શકતું ? 


Rate this content
Log in

Similar gujarati story from Romance