માતૃત્વ
માતૃત્વ
લગ્નના આઠમા વર્ષે મેઘાની ગોદ ભરાય હતી. વેરાન રણ જેવી ધરતી અચાનક હરિયાળી થઈ હતી. ઘરમાં બધા ખુશ હતાં. મયુર પણ મેઘાનો પડ્યો બોલ ઝીલતો. બંને ખૂબ ખુશ હતાં. ડોક્ટરના કહેવા મુજબ તેઓ પૂરેપૂરી કાળજી રાખતાં હતાં. પૈસે ટકે સુખી હોવાથી સાસુજીએ આખા દિવસની કામવાળી બાઈ રાખી લીધી હતી.
પૂરે પૂરી તકેદારી રાખી હોવા છતાં એક દિવસ અચાનક મેઘાને દુઃખાવો ઉપડયો. તરત હોસ્પિટલ લઈ ગયાં. ડોકટર પણ ચિંતિત હતાં. મેઘાને હજી સાતમો મહિનો ચાલતો હતો. નિયમિત ચેક અપ થતું હતું છતાં આમ કમાસે દુઃખાવો...
આખરે ચિંતા ડરમાં પરિણમ્યો. દવા ને ઇન્જેક્શન આપવા છતાં દુઃખાવો વધતો રહ્યો. આખરે ડોકટરે ડિલિવરી કરાવી. બાળક મૃત જન્મ્યું. બધા પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. મયુર હતાશાથી ઘેરાઈ ગયો. મેઘાનું દુઃખ જાણે કાળમીંઢ પથ્થર બની તેના હદયમાં અટકી ગયું. આજે બીજો દિવસ થયો, આઘાત એટલો વસમો હતો કે મેઘા હજી રડી પણ નહોતી. સાવ જડ બની ગઈ હતી. ડોકટરે હજી એક દિવસ હોસ્પિટલમાં રહેવાની સલાહ આપી.
તો બીજી તરફ કોઈ અજાણી સ્ત્રી એક તંદુરસ્ત બાળકને જન્મ આપી તરત મૃત્યુ પામી. વળી તેનું કોઈ સગું પણ નહોતું. બાળક ભૂખનું માર્યું વલખી રહ્યું હતું. મેઘાની હાલત જોઈ નર્સે તે બાળક તેના પારણામાં મૂક્યું. પારણામાં બાળક ભૂખથી રડી રહ્યું હતું. મેઘાના કાને જુ પણ રેંગતી નહોતી. અચાનક નર્સને શું સૂઝ્યું તેણે પારણામાંથી બાળકને ઉંચકીને સીધું મેઘાની ગોદમાં મૂકી દીધું. મેઘાની તંદ્રા તૂટી. તેણે રડતાં બાળકને હાથમાં લીધું ત્યાં તો બાળક તેની છાતીએ વળગ્યું. તેની છાતીમાં ગંઠાઈ ગયેલી નસોમાંથી દૂધની ધારા વહી નીકળી અને તેના હૃદયમાં માતૃત્વનું ઝરણું ફૂટી નીકળ્યું. એક માતાને બાળક અને બાળકને માતા મળી ગઈ.
