Priti Shah

Tragedy Inspirational Others

3  

Priti Shah

Tragedy Inspirational Others

મારું સર્વસ્વ

મારું સર્વસ્વ

3 mins
231


ચંદાને પૂછા તારો સે,

તારોને પૂછા હજારો સે..

સબ સે પ્યારા કૌન હૈ ?

પાપા.. મેરે.. પાપા..

 આઠ મહિના પહેલાં મારા પપ્પા આ દુનિયા છોડીને ગયા. ત્યાર પછી આ મારું એકદમ પ્રિય ગીત બની ગયું છે. જ્યારે-જ્યારે પપ્પાની તીવ્ર યાદ આવે છે ત્યારે-ત્યારે આ ગીત સાંભળી લઉં. ગીતની સાથે ગણગણતી વખતે મારું હૃદય ભરાઈ આવે છે.

મારા પપ્પા, મારું સર્વસ્વ..

ત્યાગ, બલિદાનની સાક્ષાત મૂર્તિ જ જોઈ લો. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ હસતાં રહેવાનો ગુણ. એમનાં ચહેરા પર છલકાતાં હાસ્યથી ક્યારેય તેમની મનોસ્થિતિ કળી જ ના શકાય. ગમે તેવા કપરાં સંજોગો આવે, તેમના મજબૂત મનનાં મજબૂત ઈરાદાને કોઈ હલાવી ના શકે.

કામ કરવાની સ્ફૂર્તિ તો ખબર નહિ એ ક્યાંથી લાવતાં હશે ? કોઈપણ કામમાં પારંગતતા. બધાં એમના મનપસંદ વિષય. ક્યારેય કોઈ કામ પ્રત્યે અણગમો નહિ. ક્યારેક એમનાં ગુણ વિશે વિચારીએ તો થાય, એક માણસમાં આટલાં બધાં ગુણ કેવી રીતે હોઈ શકે ? પણ પછી થાય, હોય જ ને, જેમનાં નામમાં જ ગુણ છે. તે ગુણવાન કેમ ના હોય. 'ગુણવંત' એમનું નામ. એમણે એમના નામને સાર્થક કરી બતાવ્યું.

આળસ, કંટાળો તો એમની ડિક્શનરીમાં જ નહીં. અડધી રાત્રે ઉઠાડીને કોઈપણ કામ ચીંધોને, તો પણ એ એટલાં જ ઉત્સાહ અને આનંદથી કરે. કોઈપણ કામમાં ખૂંપી જાય, પૂરા દિલથી કરે. એમનું માનવું હતું કે, "અંતરનાં ઊંડાણથી કરેલું કામ દીપી જ ઊઠે." કદાચ, એટલે જ એમનું કોઈપણ કામ એટલું સુઘડ અને બારીકાઈ ભર્યું હશે.

ક્યારેક, અમારા ભાઈ-બહેનમાં હૂંસાતૂંસી થતી કે, આ કામ મેં કર્યું અને આ કામ તેં કર્યું તો એ કહેતાં "આપણે ના બોલવું પડે આપણું કામ બોલે." ક્યારેક સામા-સામી બોલવાનું થાય તો હસતાં-હસતાં કહેતાં, "બોલવા દે, જે બોલે એનું મોઢું ખરાબ લાગે. તારા શરીર પર ક્યાંય કશું ચોંટી ગયું ? ક્યાંય કોઈ ઉઝરડા પડ્યા ?" આ રીતે અમારો ઝઘડો મીટાવતાં. કોઈને ખોટું ના લાગે એવી એમની વાણી. અમારા ત્રણેય ભાઈ-બહેનમાં કોઈ પક્ષપાત ના કરતાં. એ બધું એમને અમને કહીને નહી પણ કરીને બતાવ્યું.

આ બધું ફક્ત અમારા ઘર પૂરતું જ સીમિત નહોતું. પરિવારની બહાર પણ એમને એક પરિવાર બનાવ્યો હતો. લોહીનાં સંબંધો સિવાયનાં સંબંધો પણ એમને સારી રીતે નિભાવ્યા. અજાણી વ્યક્તિને પણ કેવી રીતે પોતાના બનાવવા એ કળા એમની પાસેથી શીખવા જેવી હતી. તેમાં પણ એ સૌનાં માનીતા હતાં. કેમ કે હંમેશા બીજાને આપવાની ભાવના. કોઈકની ભૂલને પોતાના માથે લઈને બીજાને માન અપાવવું. એ એમના સ્વભાવમાં વણાઈ ગયેલું. બીજાને થતી તકલીફને એ પોતાની તકલીફ બનાવી દઈને એને કેવી રીતે દૂર કરવી એ જ શોધતાં. "પહેલાં બીજા ને પછી પોતે" એ ઉક્તિને સાર્થક કરી બતાવી.

એમની સાથેનો મારો લગાવ એટલો બધો કે હું વગર કહ્યે એમની બધી વાત સમજી જાઉં. એ તો ઠીક, એમના કોઈ દુ:ખ કે તકલીફને હું કેટલાંયે કિલોમીટર દૂર રહીને પણ અનુભવતી. એક ને ઠોકર વાગે તો દર્દ બીજો અનુભવે. આ અમે બંને પરસ્પર અનુભવતાં. પહેલાં તો અમે માત્ર આ એક સંજોગ છે એમ માની લેતાં પણ પછી ખ્યાલ આવ્યો કે આ ફક્ત એકતરફી વાત નહોતી. ટેલીપથી કહી શકાય એવી ગજબની ટ્યુનીંગ અમારા બંને વચ્ચે હતી.

છેલ્લો દોઢ મહિનો એ પથારીવશ રહ્યાં. તે વખતે સતત મને એમની પાસે રહેવાનો આગ્રહ રાખતાં. હું પણ તેમનું સાનિધ્ય ઝંખતી ને તેમની જિંદગીના સારરૂપી બોધપાઠ લેવાં સતત તેમની સાથે રહી. તે વખતની એમની વાતો આજે મારી જિંદગીભરનું સંભારણું બની ગયું.

જાતે હલનચલન કરી શકતાં નહોતા. કાંઈ ખાઈ શકતાં નહોતા. છેલ્લા ત્રણ દિવસ તો પાણીનું એક ટીપું પણ ગળાની નીચે ઉતરી નહોતું શકતું. છત્તાં એમનાં મોઢા પર દુ:ખની એક કરચલી જોવા નહોતી મળી. ક્યારેક સામાજિક, ક્યારેક આર્થિક, ક્યારેક માનસિક તો ક્યારેક શારિરીક રીતે જીવનનાં અંત સમય સુધી એ ઝઝૂમતાં રહ્યાં.

એમનો જીવ નીકળીને શ્રીચરણોને પામ્યો છત્તાં એમના ચહેરા પરનાં અકબંધ હાસ્ય પરથી લાગતું હતું કે જાણે હમણાં જ બોલી ઉઠશે. ચહેરા પરનાં તેજની આભા પરથી સ્પષ્ટ અનુભવાતું હતું કે જાણે પરમાત્માને પામીને એ પરમ સંતોષની લાગણી અનુભવતાં હશે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy