મારું ખેતર
મારું ખેતર
નારોલી ગામની પવિત્ર ધરતી ઉપર તુલસી માતાનાં દર્શન કરી તળાવની પાળ ઉપર ચાલતો ચાલતો કુદરતી હવાની લહેરખીનો સ્પર્શ થતાં ખૂબ જ રોમાંચિત થઈ જતો. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી, કેટલાક ખેડૂતો પોતાના પશુઓને તળાવમાં પાણી પાવી રહ્યા હતા "કેમ છો ભાઈ" કહીને મારા ખબર અંતર પૂછી રહ્યા હતા."
"એ... બાપુ મજામાં છું હો" કહીને પ્રત્યુતર આપતો રસ્તા તરફ પ્રયાણ કરતો. મારા ખેતરમાં પહોંચતા જ રઘુ નામનો છોકરો તરત "ચા" હાજર કરી દેતો; બીજા પણ મારા હેડી હેડીના જુવાનીયાઓ આવ્યા. "સાહેબ, હું આવું છું હો; પાંચ જ મિનિટમાં, તમારા માટે ખેતરમાંથી શાકભાજી લઈને કહીને દોટ મૂકે. શાકભાજી લાવીને મારા માટે એક થેલીમાં ભરતો અને પછી વધે એમાંથી ભોજન બનાવે. 'ખેતરમાં બેસીને ભોજન કરવાનો પણ એક લ્હાવો છે' એ વિચારથી હું અને મારા મિત્રો ભોજન કરવા બેઠા; રઘુ પણ સાથે.
ભોજન બાદ વાતોના ગપાટા માર્યા પછી અમે બધા મિત્રોએ ફરવા જવાનું નક્કી કર્યું; રઘુ પણ સાથે. એક મિત્રની ગાડીમાં બેસી બધા નીકળી ગયા. અરાવલીની પર્વતમાળાઓને નિહાળતા નિહાળતા સૌ રોમાંચિત થઈ રહ્યા હતા. પરંતુ ઘાટ ઉપર ચડતાં ચડતાં જ અમારી ગાડીને અકસ્માત થયો; જેમાં રઘુ વધારે ઘવાયો! એને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો: પણ માથાના ભાગે વધુ ઇજા થતાં એ કોમામાં જતો રહ્યો, સમય જતાં એ માનસિક અસ્થિર બની ગયો, યાદશક્તિ લુપ્ત થઈ ગઈ. મારા ઘરે, ખેતરમાં એને પકડીને મારી પાસે રાખું છું, પણ જતો રહે છે, ક્યાંક ગામની શેરીઓમાં ભટકતો હોય, ક્યારેક નાના બાળકો ચીડવતા હોય ત્યારે મારી આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે છે; રઘુને મેં ખોઈ દીધો એનો અફસોસ થયા કરે છે !