જુલમ
જુલમ


શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં સુમારે પાંચ વાગે રીનાકાકી ભેંસ દોહી રહ્યા હતા, ડોલમાં પડતી દૂધની ધારનો અવાજ સંભળાઈ રહ્યો હતો. રીનાકાકી બિચારા લગ્ન પછી માંડ ત્રણેક વર્ષ થયા હશેને વિધવા બની ગયા! એમનો એકનો એક દીકરો વિશાલ હજુ નાનો હતો. રીનાકાકી માંડ મજૂરી કરી દૂધ વેચીને ગુજરાન ચલાવતા હતા. વિશાલ મોટો થયો અને શાળાએ જવા તૈયાર થતો હતો. વિશાલને સારું શિક્ષણ મળે એવા આશયથી નજીકના શહેરમાં ખાનગી શાળામાં દાખલ કરવામાં આવ્યો. શરૂઆતમાં તો રીનાકાકીએ વિશાલની એક વર્ષની શાળાની ફી ભરી દીધી હતી, પણ બીજા વર્ષે ભેંસ મૃત્યુ પામી હોવાથી આર્થિક તંગી ઉભી થતાં ફી ભરી શક્યા નહીં. બીજી બાજુ સંચાલકો શાળાના આચાર્ય ઉપર ફી ઉઘરાવવા દબાણ કરી રહ્યા હતા, આચાર્ય બાળકો ઉપર જુલમ કરી રહ્યા હતા. ફી ના ભરેલ બાળકોને દરરોજ પ્રાર્થનાસભામાં ઊભા કરવામાં આવતા. જેમાં વિશાલ પણ હોય જ. એ દરરોજ રીનાકાકી પાસે પૈસા માગતો, પણ સગવડ વિના કેવી રીતે આપવા! રીનાકાકી મૂંઝાતા, હવે શું કરવું?
ગરીબી દિવસે ને દિવસે જુલમ કરી રહી હતી. આખરે પરીક્ષાનો સમય આવ્યો, ચાલુ પરીક્ષા દરમિયાન ફી ના ભરેલ તમામ બાળકોને ઓફિસમાં બોલાવાયા અને પેપર લીધા વિના બાળકોને સંચાલકોએ ઘરે મોકલી દીધા. રડતાં રડતાં બાળકો ઘરે ગયા! સ્વમાની બાળકોએ શાળામાં જવાનું જ બંધ કરી દીધું; અભ્યાસ છોડી દીધો, જેમાં વિશાલ પણ હતો. રીનાકાકીના સ્વપ્નો રોળાઈ ગયા. આજે પણ વિશાલને બજારમાં ફાટેલ-તૂટેલ કપડાંમાં, ચાની કીટલી હાથમાં જોઈને મારી આંખોમાં આંસુ આવી જાય છે!!