સ્વચ્છતા ત્યાં પ્રભુતા
સ્વચ્છતા ત્યાં પ્રભુતા


ગંગાનગર નામે એક ગામ હતું, દૂર દૂર પહાડ ઉપર વીસેક કુટુંબ પોતપોતાના ઝુંપડા બનાવીને રહેતા હતા. આ ફળિયાના નાના નાના બાળકો સાથે મળીને અવનવી રમતો રમે:જેમાં ચડ્ડિ તો કોઈકને ભાગ્યેજ પહેરેલી જોવા મળતી. આઠેક વર્ષના જીવરામ નામના છોકરાને મનમાં વિચાર આવ્યો કે આજે તો આ બાજુમાં રહેલ ઝાડ ઉપર હીંચકો બાંધવો છે અને આ કામમાં તેની સાથે અન્ય નાના બાળકો પણ જોડાયા;અને સુંદર હીંચકો તૈયાર કરી બધા વારાફરતી હીંચકાનો આનંદ લેતા.
એક દિવસ જીવરામને શહેરમાં તેના મોસાળ જવાનું થયું. જ્યાં તેના હેડીના મિત્રો સાથે તે બજારમાં ફરતો, ક્યારેક મિત્રો નાસ્તો પણ કરાવતા; જો કે જીવરામને પહાડ ઉપરના વૃક્ષો નીચે બેસીને માતાએ બનાવેલા રોટલો અને કઢી ખાવાના આનંદ આવતો એવો આનંદ આ બજારના નાસ્તામાં આવતો ન હતો; નાસ્તાહાઉસમાં ચારે બાજુ માખીઓ ઊડતી અને આગળના ભાગે ગટર હતી એની દુર્ગંધ સતત
આવ્યા કરતી હતી. આ માખીઓ જીવરામ અને તેના મિત્રોની નાસ્તાની ડિશમાં પણ નાસ્તો ચાખવાનો આનંદ લેતી.
ચોમાસાના દિવસો હતા:વરસાદ બંધ થવાનું નામ જ નતો લેતો. બધા મિત્રો નાસ્તાહાઉસમાં વરસાદ બંધ થવાની રાહ જોઈ બેસી રહ્યા. ત્રણેક કલાક બાદ વરસાદ બંધ થયો અને ગટરો ઉભરાઈ. બધા પ્રદૂષિત પાણીમાંથી સોસાયટી તરફ પસાર થઈ રહ્યા હતા. ઘરે પહોંચ્યા બાદ બે દિવસ પછી વિવેક નામના છોકરાને પેટ અને માથાના ભાગે સતત દુખાવો થતો. ત્યારબાદ ઉલ્ટીઓ પણ શરૂ થઈ ગઈ અને રોગનો શિકાર બન્યો. જીવરામને પણ ઉલ્ટીઓ થવાની શરૂ થતાં એના મામા દવાખાને લઇ જાય છે. ત્યારબાદ જીવરામ આવા ગંદકી ભર્યા વાતાવરણને છોડી એ પોતાના ગામ તરફ જવા નીકળી જાય છે. જીવરામને પહાડો ઉપર આવતો જોઈ ફળિયાના નાના બાળકો ખુશ ખુશ થઈ જાય છે. જીવરામ તમામ નાના બાળકોને સમજાવે છે કે સાચું સુખ આ પહાડોમાં,આ ફળિયામાં છે.