મારું ઘર
મારું ઘર
અચાનક ડોરબેલ રણકી ઊઠી. ભાવનાબેન ભરઊંઘમાંથી જાગી ગયાં. અને વિચારવા લાગ્યા કે આવા બપોરના સમયે કોણ હશે.? ફરીથી ડોરબેલ રણકી. તે દરવાજો ખોલવા ગયાં. દરવાજો ખોલતા જ તેમણે એક અજાણી વૃદ્ધાને જોઈ. તે કંઈ વિચારે એ પહેલાં જ વૃદ્ધાએ પ્રશ્ર્ન પૂછ્યો, "આ મારું ઘર છે ? " ભાવનાબેન સમજ્યા નહીં પણ તેમણે કહ્યું "હા, આ મારું ઘર છે."
"હા... શ, હું ઘણાં વખતથી શોધતી હતી. મારું ઘર પહેલાં તો ન હતું."
ભાવનાબેનને વૃદ્ધાના બોલવા પરથી કંઈક એવું લાગ્યું કે તેઓ કોઈક વ્યથામાં છે. તેમણે બહુજ પ્રેમથી આવકાર આપ્યો. અને તેના જોડે પ્રેમથી વાત કરી. વાત કરતાં તેમને ખબર પડી કે, તેઓ આ ઘર તારું નથી એવા શબ્દોના આઘાતમાં જ ઘર છોડીને નીકળી ગયાં હતાં. અને આ માનસિક આઘાતમા," મારું ઘર ક્યાં છે.?" તે બધાને પૂછતાં રહેતા.
ભાવનાબેને પોતાના ઘરનું નામ "મારું ઘર" રાખેલું અને એટલે આજે કોઈકને પૂછતાં તેમણે "મારું ઘર" બતાવી દીધું હતું.
ભાવનાબેન એક સમાજસેવિકા હતાં. અને જરૂરિયાતમંદને પોતાનાથી બનતી મદદ કરતા રહેતા. તેમણે બહુ જ પ્રેમથી આ વૃદ્ધાને પોતાની સાથે રાખવાનો નિર્ણય લીધો. તેમણે આ વૃદ્ધાની જરૂરી સારવાર કરાવી. તેમને પોતાની 'મા' હોય તે રીતે જ તેમને હૂંફ આપી. ભાવનાબેનની સ્નેહભરી સારવારથી વૃદ્ધા પણ હવે બરોબર થઈ ગઈ. ભાવનાબેને ધીર ધીરે તેમની પાસેથી તેના જીવનની વાતો જાણવા કોશિશ કરી.
તેનું નામ સ્નેહલત્તા હતું. તે માતા - પિતા ની એકની એક દીકરી હતી. લાડકોડથી ઉછરેલી હતી. પણ તેમના માતા પિતાના આકસ્મિક નિધનથી તેનું હવે પિયરમાં પણ કોઈ ન હતું. અને સાસરે આવી ત્યારથી તેની હંમેશા અવગણના થતી રહેતી. તેને કોઈ વાત કે કોઈ નિર્ણયને મહત્વ ન મળતું. તે ક્યારેક કોઈ સલાહ સૂચન આપે તો તેની વાતને સમર્થન ન મળતું. વારંવાર તેને સાંભળવું પડતું. આ ઘર તારું નથી. અમે કહીએ તેમ તારે કરવાનું. મારી ઉપરવટ જઈને કોઈ કામ કરજે નહીં. તેનામાં સામર્થ્ય હોવા છતાં તે દાંપત્ય જીવન ટકાવી રાખવા માટે તેણે મૂંગે મોઢે સહન કરીને જીવન વ્યતીત કરી લીધું. સંતાનના સુખે તેણે સહન કરી લીધું. પતિનું અવસાન થતાં નાના બાળકોને મહેનત કરી ભણાવ્યા. દીકરીને પરણાવી. દીકરાને પણ પરણાવ્યો. તેને થયું કે હવે મારા જીવનમાં સુખનો સૂરજ ઊગશે. પણ તેની એ આશા પણ ઠગારી નીકળી. રોજબરોજના ઝગડાએ એક દિવસ મોટું સ્વરૂપ લઈ લીઘું. અને જ્યારે તેના દીકરાએ પણ તેને કહ્યું કે "આ ઘર તારું નથી" દીકરાના મોઢે આવું સાંભળીને તેને ખૂબજ માનસિક આઘાત લાગ્યો. અને તે ઘર છોડી નીકળી ગયાં.
અને" મારું ઘર તો કયાંય નથી" એમ બોલતા - બોલતા ફરતાં રહેતા તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. અને આમ જ ફરતા ફરતા ભાવનાબેનના ઘર સુધી પહોંચી ગયાં.
ભાવનાબેનના "મારું ઘર" શબ્દોથી તેઓ માનસિક આઘાતમાંથી બહાર આવી ગયાં.
