JHANVI KANABAR

Tragedy Inspirational Others

3.8  

JHANVI KANABAR

Tragedy Inspirational Others

મારું ઘર

મારું ઘર

5 mins
499


સવારનું વાસી કામ પતી ગયું હતું. સૌમ્ય આઠ વાગતા જ નાસ્તો કરી, ટિફિન લઈ ઓફિસ રવાના થઈ ગયો હતો. સાત વર્ષનો દીકરો સ્નેહ શાળાએ જતો રહ્યો હતો. સાસુમા રમાબેન અને સસરા રમેશભાઈના પૂજાપાઠ પતી ગયા હતા અને ડાઈનીંગ ટેબલ પર રમાબેન માટે મસાલાવાળુ દૂધ તથા રમેશભાઈ માટે ચા-નાસ્તો તૈયાર હતા.

`આજે દૂધીનું શાક અને તુવેરદાળ બનાવજો. સાંજે ચાર વાગ્યે મારા ભજનમંડળમાંથી બહેનો આવશે એમને માટે ગરમ ગોટા, મરચા અને ચા કરવાની છે.’ કહેતા રમાબેન નાસ્તો કરી ઊભા થયા અને પાઠ કરતા કરતાં હીંચકા પર બેઠા. હજુ તો સૃષ્ટિના ગળામાં સવારની ચા પણ ઉતરી નહોતી ત્યાં રમાબેનના હુકમો છૂટવા લાગ્યા. સૃષ્ટિએ `હા બા !’ કહી પોતાની ચા ગાળી અને ટેબલ પર નાસ્તો કરવા બેઠી પણ ચાનો ઘૂંટડો આજે ગળા નીચે ઊતરતો નહોતો. જેમ તેમ ચા ગટગટાવી પોતાના કામે લાગી ગઈ. સ્નેહ શાળાએથી આવી ગયો હતો અને બપોરનું ભોજન પણ પતી ગયું.

સૃષ્ટિ પ્લેટફોર્મ પરના ગેસ પરથી દાળના ડાઘા હટાવવામાં લાગી હતી પરંતુ વિચારો તો તેના ક્યાંક બીજે જ ચાલતા હતા. આગલા દિવસે સાંજે સૃષ્ટિના મા-બાપ અચાનક જ તેના ઘરે આવ્યા. બન્યું એવું કે તેઓ એ વિસ્તારમાં કોઈ સગાને ત્યાં આવ્યા હતા અને તેમને થયું કે, સૃષ્ટિ અને ભાણ્યા સૌમ્યને મળતા જઈએ. એક જ શહેરમાં હોવા છતાં સૃષ્ટિને માતા-પિતાને મળવાનો અવસર ઘણો ઓછો મળતો. આમ અચાનક પોતાના મા-બાપને જોઈ તેનો ચહેરો ખીલી ઊઠ્યો અને તેઓની આવોભગતમાં લાગી ગઈ. આ જોઈ રમાબેનને ન ગમ્યું. એમાંય તેણે આગ્રહ કરીને જમાડ્યા ત્યારે તો રમાબેન ગુસ્સો ગળી ગયા પણ વેવાઈના જતાં જ સૌમ્યની સામે સૃષ્ટિનો ઉધડો લઈ નાખ્યો.

`તમારા મા-બાપ આમ કશી જાણ કર્યા વગર આવી જાય ? સૌમ્ય બિચારાને એક દિવસ રજા હોય. એનેય આરામ કરવો હોય ! મારે ને તમારા બાપુજીને મંદિર લઈ જવાનો હતો એ પણ બધો પ્રોગ્રામ વિખેરાઈ ગયો. એ તો ઠીક પણ એ ના પાડતા હતા તોય તમારે પાછું એમને જમવાનો આગ્રહ કરવાની ક્યાં જરૂર ? એ બધો વેહવાર કરવા હજુ હું બેઠી છું.. આપણે આંગણે આવેલાને કોઈનેય જમ્યા વિના જવા દેતા નથી પણ તમારે તો તમારુ ચલાવવું છે. શેઠાણી થઈને રે'વુ છે. અમને વડીલોને કોણ ગણકારે ?’

સૌમ્યને પણ માની વાત સાચી લાગી અને મનોમન સૃષ્ટિને વધુ પડતી છૂટછાટ આપવાનો વસવસો કરવા લાગ્યો. સૃષ્ટિની સાથે તેણે વાત કરવાની બંધ કરી દીધી. બે-ત્રણ દિવસ વીતી ગયા પણ સૌમ્યનો ગુસ્સો શાંત નહોતો થતો. રમાબેન દીકરાનો વહુ પ્રત્યેનો ગુસ્સો જોઈ મનોમન હરખાતા હતા.

સૃષ્ટિ બપોરે પરવારીને સ્નેહનું હોમવર્ક ચેક કરી રહી હતી. રમાબેન હીંચકા પર બેઠા માળા જપતા હતા. સૃષ્ટિનું મન અશાંત હતું. હજી પણ સૌમ્યની અવહેલના અને બાના શબ્દો તેને રાત-દિવસ ખૂંચતા હતા પણ ભાગ્ય સમજી તે પોતાની જવાબદારી યંત્રવત્ નિભાવી રહી હતી. એવામાં ફોનની ઘંટડી વાગી. સૃષ્ટિએ ફોન ઊઠાવ્યો. સામેથી અવાજ આવ્યો, `બેટા ! મમ્મી બોલું.’ મમ્મીનો અવાજ સાંભળી સૃષ્ટિનો ડૂમો ગળામાં જ રહી ગયો. `હા મમ્મી ! બોલ કેમ છે ? પપ્પા મજામાં ?’ સૃષ્ટિ માંડ માંડ બોલી. `હા બેટા ! અમે મજામાં હો.. તારા ઘરે બધા મજામાં ?’ “તારા ઘરે” એ બે શબ્દો સાંભળી જાણે કે સૃષ્ટિની અંદરનો ડૂમો જ્વાળા બની ફાટી ગયો અને તેણે રાડ પાડી, `શું “તારુ ઘર તારુ ઘર” ? મારુ ઘર નથી આ. પિયરમાં હતી તો, પારકી થાપણ છે કીધુ અને અહીં સાસરે આવી તો પારકી જણી. ક્યાંય નથી મારુ ઘર.’ કહી સૃષ્ટિએ ફોન મૂકી દીધો અને ડૂસકા ભરતી રૂમમાં ચાલી ગઈ. રમાબેન તો સૃષ્ટિને હતપ્રભ થઈ રૂમમાં જતી જોઈ જ રહ્યા. તે પણ ક્યાંક સૃષ્ટિના મનની સ્થિતિ સમજી ગયા હતા પણ હજુ પણ સૃષ્ટિની સાસુ જ હતા. એક સ્ત્રી તરીકે સૃષ્ટિની લાગણીઓને સમજી જ નહોતા શક્તા.

થોડા સમય પછી ઘરનું વાતાવરણ હળવું થયું. સૃષ્ટિએ રાતના જમવાની તૈયારીઓ આદરી દીધી. સૌમ્ય પણ ઓફિસથી આવી ગયો હતો. સ્નેહ ઘરમાં જ એની નાનકડી સાયકલ ચલાવી રહ્યો હતો અને મોટે મોટેથી બોલવા લાગ્યો `દાદા દાદા દાદા આવી ગયા..’ રમેશભાઈ ઘરમાં પ્રવેશ્યા પણ આજે તેમણે `દાદા દાદા’ કરતાં સ્નેહને ઊંચકી લેવાના બદલે રમાબેન પર રાડો પાડવાનું ચાલુ કર્યું. રમાબેન પતિનો ગુસ્સો જોઈ હેબતાઈ ગયા અને પૂજારૂમમાંથી `શું થયું ?’ કહેતા બહાર આવ્યા.

`મને પૂછ્યા વગર તે પાંચ હજાર રૂપિયા મનનને આપ્યા જ કેમ ? તારી બેનનો છોકરો છે એટલે કંઈ ઘર ખાલી કરીશ મારુ ? એક વાત સાંભળી લે.. આ મારુ ઘર છે અને મારી જાણ વગર એક પૈસો અહીંનો તહીં થયો છે તો મારા જેવું ભૂંડુ કોઈ નથી.’ રમેશભાઈની વાક્ધારા અસ્ખલિત વહી રહી હતી.

`પણ પણ એમાંથી ચાર હજાર મારી બચતના પૈસા હતા, માત્ર એક હજાર જ મેં સૌમ્ય દીકરા પાસેથી લીધા હતા.’ રમાબેન રડતા રડતા ધ્રૂજતા અવાજે બોલ્યા.

`એ હું કંઈ ના જાણું. બચત હોય કે સૌમ્યએ આપ્યા હોય, આ બીજીવાર બનવું ના જોઈએ. બહુ તારી બેન માટે જીવ બળતો હોય તો નીકળી જા મારા ઘરમાંથી.’ રમેશભાઈનો અવાજ મોટો થઈ ગયો હતો.

આસપડોશમાં ઘરનો કંકાસ જાય તો આબરૂ જાય એ ડરથી રમાબેન ચૂપ જ થઈ ગયા. રાતનું વાળુ કર્યા વગર પૂજા રૂમમાં બેઠા રહ્યા અને રડતા રહ્યા. રમાબેનના દુઃખથી જાણે કોઈ લેવાદેવા જ ન હોય એમ રમેશભાઈએ અને સૌમ્યએ જમી પણ લીધું. સૃષ્ટિને થોડા દિવસ પહેલા જ સાસુએ જે ડૂંભાણા માર્યા હતા એ યાદ આવ્યા હોત તો આજે તે પણ વહુ તરીકે મનોમન રાજી જ થઈ હોત પણ સૃષ્ટિ આજે વહુને સ્થાને સ્ત્રી તરીકે રમાબેનની મનઃસ્થિતિ સમજી રહી હતી. તે પૂજા રૂમમાં ગઈ અને રમાબેનની બાજુમાં બેસી ગઈ. રમાબેનનો હાથ પોતાના હાથમાં લઈ પસવારવા લાગી. તેમને પાણી આપ્યું અને થોડું ખાઈ લેવા સમજાવ્યું.

રમાબેન આશ્ચર્ય અને શરમથી સૃષ્ટિના ખોળામાં માથું નાખી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા. `મને માફ કરી દે બેટા ! ત્રણ દિવસ પહેલા આ જ સ્થિતિમાં મેં તને મૂકી હતી. તારુ દિલ કેટલું દૂભાયું હશે ? હવે મને સમજાય છે. આજે એ પણ સમજાઈ ગયું કે આ મારુ ઘર પણ નથી.’

`નહીં બા ! જો આપણે એકબીજાને ટેકો આપીશું તો આ પરિસ્થિતિ હજુ બદલાઈ શકે છે. આ મારું કે તમારું નહિ પરંતુ “આપણું ઘર” બની શકે છે. “આપણું ઘર” બની જશે પછી કોઈની તાકાત નથી કે આપણને કહે કે, `નીકળી જા મારા ઘરમાંથી.’ સૃષ્ટિએ રમાબેનને આત્મવિશ્વાસ અને હિંમત આપતા કહ્યું. રમાબેન પણ સૃષ્ટિને હવે એક સ્ત્રી તરીકે સમજવા લાગ્યા હતા.

આજે વીસ વર્ષ વીતી ગયા છે. રમાબેન અને રમેશભાઈ સ્વર્ગલોક સીધાવી ગયા છે. સૌમ્ય રીટાયર્ડ છે અને અત્યારે તે હમઉંમરના મિત્રો સાથે સોમનાથ ગયો છે. સ્નેહે લતા સાથે પ્રેમલગ્ન કર્યા છે અને અત્યારે તે ઓફિસ છે. લતાએ ઘરમાં કિટી પાર્ટી રાખી છે અને તેની ફ્રેન્ડસ સાથે એન્જોય કરી રહી છે. સૃષ્ટિ હીંચકા પર બેઠી બેઠી રૂમમાંથી આવતી સહેલીઓની ખીખીયારી સાંભળી ખુશ થઈ રહી છે. એટલામાં લતા બહાર આવી અને સૃષ્ટિને હીંચકા પરથી પરાણે ઊભી કરતા કહે છે, `ચાલો ને મમ્મી ! અમારી સાથે અંદર એન્જોય કરો ને..’ સૃષ્ટિ આનાકાની કરે છે પણ લતાની જીદ આગળ નમતુ મૂકે છે અને પાર્ટી એન્જોય કરે છે. પાર્ટી પતી ગયા પછી લતા સૃષ્ટિને કહે છે, `મમ્મી ! મારી ફ્રેન્ડસે બહુ જ એન્જોય કર્યું અને આપણા ઘરના ખૂબ જ વખાણ કરતી હતી. લતાના મોઢે “આપણું ઘર” સાંભળી સૃષ્ટિના મનમાં આનંદની લહેર દોડી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy