મારી ઢીંગલીને રાખશે?
મારી ઢીંગલીને રાખશે?


રમાબહેન ઘર ચોખ્ખું કરી રહ્યા હતા, સેજલના કમરામાં જઈ તેની એક-એક વસ્તુઓ સજળ નેત્રે જોઈ રહ્યા હતા.તેમના હાથમાં સેજલની એ ઢીંગલી આવી, જે 4 વર્ષની હતી, ત્યારે મામાના ઘરે ઉનાળા વેકેશનના રોકાણ બાદ લાવી હતી. ગજબનું ઘેલું હતું સેજલને આ ઢીંગલી પ્રત્યે.
"સેજલના પપ્પા,યાદ છે? આપણી સેજુ આ ઢીંગલીની ઘરે લાવી ત્યારે મને પૂછતી હતી,મમ્મી મારી ઢીંગલીને રાખશે?"
"હા યાદ છે,અને અપને એને કહ્યું હતું બીટા આ તારું જ ઘર છે તું જેને ઈચ્છે તેની રાખી શકે છે. ચાલ, તું જલ્દી કમરો સાફ કરી નાખ, સેજુ અને ધ્રુવકુમાર આવતા જ હશે મુંબઈથી કારમાં."
થોડીવારે રમાબહેનના બારણે ટકોરા પડયા, 2-4 પોલીસના માણસો આવ્યા સાથે સેજુને અને ધ્રુવકુમારને લેતા આવ્યા. બન્ને સફેદ ચાદર સાથે મૃત્યુશૈયા પર હંમેશને માટે આંખ મીંચી ચુક્યા હતા.
"મિ. ત્રિવેદી તમને જણાવતા દુઃખ થાય છે કે તમારા દીકરી-જમાઈનો નવસારી નજીક અકસ્માત થયો હતો, બસ આ નાની બેબી જ ચમત્કારિક રીતે બચી છે. કાર ખૂબ જ ખરાબ રીતે કચડાઈ છે, પ્રાથમિક તપાસમાં કોઈ ટ્રક સાથે અથડામણ થઇ હોય એવું લાગે છે." પોલીસના એક જવાને વિધિવત રીતે વાત જણાવી અને સાથે જ સેજુની એ ઢીંગલી રમાબહેનને સોંપી.
રમાબહેનને સજળ નેત્રે સેજુની આ હેમખેમ બચેલી ઢીંગલી જોઈ એને તેમના મગજ અને મનમાં સેજુના એક જ વાક્યના સતત પડઘા પડી રહ્યા,"મમ્મી મારી ઢીંગલીને રાખશે તારા ઘરમાં?" અને રામબહેન માત્ર ઢીંગલીના માથે હેતભર્યો હાથ ફેરવીને પોતાની સંમતિ દર્શાવી રહ્યા.