મારી ભોળી મા
મારી ભોળી મા
મા ખુબ ભોળી. એટલી બધી ભોળી કે એને જે કહો તે માની લે. ભણેલી નહોતી, બિલકુલ અભણ, પૈસાના વ્યવહાર કરી શકે એટલું જ્ઞાન એણે પોતાની મેળે પ્રાપ્ત કરેલું. મજૂરી, દા'ડી ના પૈસા ગણી શકતી અને નાની નાની ખરીદી કરી શકતી.
મારા પિતા ઘરનો તમામ કાર વ્યવહાર કરે. તેઓ કમાણીના પૈસા એમની પાસે રાખતા નહિ અને જે કંઈ રકમ એમની પાસે આવી હોય તે તમામ મારી માતાને આપી દેતા. જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે તેઓ અમારી મા પાસે માગી લેતા. મારી મા કોઈપણ જાતની પૃચ્છા કર્યા વિના માગેલી રકમ મારા પિતાને આપી દેતી.
અમારે કોઈ કામ વશ પૈસાની જરૂર પડે તો અમારા પિતા પાસે માગણી કરતા, તેઓ અમારી માને સૂચના આપે ત્યાર પછી અમને જોઈતી રકમ મળી જતી. અમારા પિતા ખુબ કડક સ્વભાવના અને આદર્શવાદી હતા. બિન જરૂરી ખોટા ખર્ચાઓ કરવામાં માનતા નહોતા.
એક દહા'ડો મેં મારી માને કહ્યું.....
મા !
હા, બોલ, બેટા !
મને બે રૂપિયા આપને ? મેં મારા બાપાને વચ્ચે લાવ્યા વિના સીધી માગણી કરી.
મા બોલી : શું કામ છે ?
મેં ગરીબડા જેવું મોઢું કરી કહ્યું, બસ જોઈએ છે. તારે જાણીને શું કરવું છે ? તું તારે બે રૂપિયા આપ.
મા કહે એમ ન આપું. તારા બાપા બોલે અને વઢે પણ.
મેં હઠ કરી, વધારે દયામણું મોઢુ કરી કહ્યું, મારા બાપા કંઈ નહિ બોલે. તું એમને સમજાવી દેજે. તારું કહ્યું મારા બાપા માની જશે.
મા કહે સારું, પૈસા આપું પણ, કારણ તો તારે કહેવું પડશે. હું તારા બાપા આગળ ખોટું નઈ બોલું. તેઓ હિસાબ માંગે તો મારે શું કહેવું ? મા બોલી.
મેં કહ્યું ગમે તે કહી દેજે ને. છેડે બાંધેલા હતા તે ત્યાંથી ક્યાંક છૂટા પડી ગયા, એમ બોલજે.
એ સમયે સ્ત્રીઓ જરૂરી પૈસા સાડલાના છેડે બાંધી કમરમાં ભરાવી દેતી. ઘણી સ્ત્રીઓ પાલવ ના છેડા પર નાનું ખિસ્સું પણ બનાવરાવતી, એટલે મેં એવું બહાનું બતાવ્યું.
મા કહે ના, એમ ન કહું. એણે શંકાથી પૂછ્યું; પણ તું કારણ કેમ જણાવતો નથી ?
હું ખુબ ઢીલો થઈ રડમસ ચહેરે બોલ્યો, બસ એક વાર આપ. પછી કોઈ દિવસ નહિ માગું.
મા કહે ના, નહિ આપું.
મેં કહ્યું કારણ કહી શકાય એવું નથી. તારે આપવા હોય તો આપ, નહિતર કંઈ નહીં. હું વધારે ગરીબડા થવા સાથે સાથે થોડો કઠોર થયો.
મા ખુબ દયાળુ અને અનહદ પ્રેમાળ. એણે મારગ કાઢયો.
મને કહ્યું કે બે રૂપિયા તો આપું અને એનું તું જે કરે તે ! પણ મને કહેજે જરૂર.
મેં કહ્યું, સારું.
મા એ બે રૂપિયા સાડલાના છેડેથી કાઢી મને આપ્યા.
હું માને વધારેવાર છેતરી શકું તેમ નહોતો. એના સામે જોઈ હું બોલ્યો કે મા, મારે દારૂ પીવા બે રૂપિયા જોઈએ છે ! એ સમયે દારૂની કોથળી બે રૂપિયામાં મળતી.
હેં હેં ? શું કહ્યું ? ફરી બોલ જોઉં ? મારી મા વિચલિત પામી બોલી.
મેં જરાયે ખચકાયા વિના હક્કથી, સત્ય કહ્યું કે મારે બે રૂપિયા દારૂ પીવા જોઈએ છે તો જોઈએ છે. તું નહિ આપે તો ક્યાંક ચોરી કરીશ. હું અડગ હતો.
દારૂના દુષણો પર લાંબુ વ્યક્તવ્ય આપવાના કે ધમકાવવાના બદલે માએ સાડલાના છેડેથી બે રૂપિયા કાઢી મને આપ્યા. સાથે સાથે મને માર ન પડે તે માટે સૂચના પણ આપી કે પીને તરત ઘેર ન આવતો. મોઢું ગંધાશે. દારૂની વાસ આવશે તો તારા પિતાને ખબર પડશે અને તેઓ તને ખુબ માર મારશે.
હવે ડગી જવાનો, રોમહર્ષિત થવાનો, ગળગળા થવાનો વારો મારો હતો. મેં ક્યારેય દારૂ પીધો નથી. એવા પ્રકારનું કોઈ વ્યસન ક્યારેય કર્યું નથી. એ સમયે પણ કરવાનો નહોતો.
મારે તો ફક્ત માના દિવ્ય પ્રેમનો અનુભવ કરવો હતો. એના ભોળપણનો આનંદ લેવો હતો. મારા પરના એના સ્નેહનો સક્ષાત્કાર કરવો હતો.
ફક્ત માના નિર્વ્યાજ પ્રેમને નાણવા દારૂ પીવાની ખોટી વાતને ઉપજાવી એના હૃદયને આઘાત આપવા બદલ હું શરમ અનુભવી રહ્યો.
બે રૂપિયા આપવા માટે લંબાયેલા એના હાથને મારા માથે ગોઠવી હું બોલ્યો મા, મારે કોઈ દારૂ બારું પીવો નથી કે નથી એના માટે મારે કોઈ પૈસા જોઈતા. મારે તો તારો શુદ્ધ પ્રેમ જોઈએ છે. એ પૈસા એમ ને એમ ફરી બાંધી દે.
હું એનો પરમ વિશ્વાસુ, દિવ્ય, ભોળો અને સંતાનની જિદ સામે ઝૂકી જતો ચહેરો જોઈ રહ્યો. મમતાની મૂર્તિ, ભોળપણની દેવી, વાત્સલ્યની પ્રતિમા એવી મારી માના ચરણને ચૂમી લઈ રડી પડ્યો. આંસુ અટકાવવા એના પાલવમાં છૂપાઈ ગયો.
માનો મમતાભર્યો હાથ મારા માથા પર ફરી રહ્યો. હું અપ્રતિમ વહાલના વહેણમાં વહી રહ્યો હતો.
મારું સ્વર્ગ મારા મસ્તકે સ્નેહ વરસાવી રહ્યું હતું. તમામ સુખ ત્યાં માના પાલવમાં હતું !
