માર્ગી આઈ લવ યુ
માર્ગી આઈ લવ યુ
“માર્ગી, જરાક તો વિચાર કર, હું કે તું બે એકલાં નથી. હતો એક સમય કે જ્યારે આદમ અને ઈવ કદાચ આ પૃથ્વી પર એકલાં હશે પણ એ પછી આ સમસ્ત સંસાર રચાયો, એમાં મારાં-તારાં જેવી અનેક વ્યક્તિથી પરિવાર બન્યા બરાબર ? મારી કે તારી ઓળખ એ પરિવાર થકી છે, હવે એ જ પરિવારને પારાવાર દુઃખ આપીને હું કે તું સુખી રહી શકીશું ખરાં ?”
“તને એવું નથી લાગતું કે તું જરા વધારે પડતું વિચારે છે ?”
માર્ગી જરા શોર્ટ ટેમ્પર હતી. મનમોજી અથવા જરા મનસ્વી કહી શકાય એવી પ્રકૃતિ ધરાવતી હતી. બે ને બે ચાર જ થાય. એમાં ગણતરી મૂકવાનીય ક્યાં જરૂર કહીને જરા અમસ્તા વિચારને પણ આખરી નિર્ણય આપી દેતા વાર નહોતી કરતી. એની સામે ડેવિડ, મિતભાષી પણ વાતને, વિચારોને ઊંડાણથી સમજવાવાળો. લાગણીથી છલોછલ. પણ છલકાઈ જવાનું એની પ્રકૃતિમાં નહોતું. એના અતિ સંયમિત સ્વભાવ સાથે મનસ્વી માર્ગીનો મેળ કેવી રીતે પડ્યો એ પણ જરા આશ્ચર્યની વાત હતી.
માર્ગી. જૈન પરિવારમાં જન્મેલી બાળકીનું નામ એ સમયે નામમાં કંઈક નવિનતા હોવી જોઈએ એવા વિચારથી પાડ્યું હતું કે પછી એમાં કોઈ ઈશ્વરીય સંકેત હતો ? વાત છે આજથી લગભગ ૩૫ વર્ષ પહેલાંની. બારમા ધોરણમાં અભ્યાસ કરતી માર્ગી એ દિવસે ઘરની પાસે આવેલી લાયબ્રેરીમાં વિડીયો કેસેટ લેવા ગઈ. ડેવિડ આ વિડીયો લાયબ્રેરીનો ઑનર.
“'જ્યોતિ બને જ્વાલા’ લઉં કે ‘ટક્કર’, ‘અબ્દુલ્લા’ લઉં કે અલિબાબા ચાલીસ ચોર ?' માર્ગી એક પછી એક વિડીયો કેસેટ ઊપાડીને પાછી મૂકતી રહી. “હે ભગવાન, આ લોકો આટલી બધી ફિલ્મો કેમ બનાવતાં હશે અને પાછું મમ્મીને કઈ ગમશે અને પપ્પાને કઈ, એ તો પૂછવાનું જ રહી ગયું.” એકલી એકલી જાત સાથે વાતો કરતી માર્ગીને ડેવિડ જોઈ રહ્યો હતો અને એણે ‘અલિબાબા ઔર ચાલીસ ચોર’ ઊંચકી. ઝાઝું વિચારીને નિર્ણય લે એ બીજા, માર્ગી તો નહી જ.
“એક કામ કર, 'કર્ઝ' લઈ જા. બંનેને ગમશે અને તને પણ.” ડેવિડથી કહેવાઈ ગયું.
“હેં ?“
“હા. બધાએ સાથે જોવાની હોય તો અલિબાબા ચાલીસ ચોરના બદલે બીજી કોઈ લઈ જા.”
અહીં લાયબ્રેરી બની ત્યારથી માર્ગી વિડીયો કેસેટો લેવા આવતી પણ આજે પહેલી વાર ડેવિડની સાથે સીધો વાર્તાલાપ થયો. પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ કોને કહેવાય એ તો ડેવિડને પહેલાં ખબર નહોતી પણ આજે એને જે લાગણી થઈ એને જ પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ કહેવાય એ ડેવિડને સમજાઈ ગયું.
બીજા દસ દિવસ, અને ડેવિડે માર્ગીને પ્રપોઝ કરી દીધું.
‘માર્ગી, આઈ લવ યુ.”
“હેં ?
“હા…મારે તારા જવાબની કોઈ જલ્દી નથી. વિચારજે અને સાથે એ પણ કહી દઉં કે હવે હું તારા સિવાય કોઈ અન્ય છોકરી વિશે વિચારીશ નહીં.”
માર્ગીથી આઠ વર્ષ મોટો ડેવિડ પૂરેપૂરો પરિપક્વ હતો પણ આજે એ પ્રેમી બની ગયો. ડેવિડના શાંત, સૌજન્યપૂર્ણ અને સલૂકાઈભર્યા વર્તનથી માર્ગી જરા વિચલિત તો થઈ પણ એણે મૌન સેવ્યું. એના દિલમાં ઝણઝણાટી થઈ. પગમાં ઝાંઝર પહેર્યા હોય એમ રણઝણતી એ ઘરે પહોંચી.
હવે તો માર્ગીને મમ્મી-પપ્પા માટે દરરોજ વિડીયો કેસેટ લેવા આવવાનું થાય તો પણ એ વહાલું લાગવા માંડ્યું. માર્ગી અને ડેવિડ બહાર તો ક્યાંય મળતાં નહીં પણ માર્ગીનો સમય વિડીયો લાયબ્રેરી પર વધુ પસાર થવા માંડ્યો. સોળ વર્ષની સલૂણી ઉંમરે દિલના તાર ડેવિડના નામ માત્રથી રણઝણમાં માંડ્યા. માર્ગી મનમોજી તો હતી જ અને એમાં પ્રેમનો એવો કેફ ચઢ્યો કે સદંતર પોતાની મસ્તીમાં જ રહેવા, રાચવા લાગી.
સાધન સંપન્ન, સુખી જૈન પરિવારની માર્ગી અને સાધારણ કેરાલિયન ક્રિશ્ચિઅન પરિવારનો ડેવિડ. આર્થિક, ધાર્મિક, સામાજિક અસમાનતાના લીધે રાજીખુશીથી આ સંબંધને માન્યતા નહીં મળે એવી બંનેને ખાતરી હતી. અને ખરેખર એમ જ બન્યું. પવનની પાંખે ચઢીને બંનેના પ્રેમનો પમરાટ પરિવારો સુધી પહોંચ્યો. અને પછી તો જેમ બનતું આવ્યું છે એમ જ બન્યું.
માર્ગી પર પાબંદીઓ લદાઈ ગઈ. ઘરમાં વિડીયો પર જોવાતી ફિલ્મો જ નહીં, ટી.વી પર પ્રદર્શિત થતી ફિલ્મોય જોવાનું મમ્મી-પપ્પાએ બંધ કરી દીધું. માર્ગી માટે ડેવિડ સુધી પહોંચવાના તમામ માર્ગો પર પહેરો મૂકાઈ ગયો. મમ્મી-પપ્પા ક્યાંય પણ જતાં તો માર્ગી અને મોટી સંધ્યાને સાથે લઈ જતાં. હા, એટલું હતું કે ક્યારેય માર્ગી માનસિક દબાણ કે ત્રાસ ન અનુભવે એવી ખાસ તકેદારી રાખવામાં આવતી. ક્યારેક એને પ્રેમથી સમજાવવાની કોશિશ કરતાં.
છેવટે બધાને ખાતરી થઈ કે હવે માર્ગી ડેવિડને નહીં મળે, ત્યારે એને એકલીને બહાર જવાની છૂટ મળી. અને પછી તો માર્ગીને દોડવું હતું ને ઢાળ મળ્યો જે સીધો જ ડેવિડની વિડીયો લાયબ્રેરી પર જઈને થોભ્યો. ડેવિડની તૈયારી અને એના પરિવારની સંમતિથી બંને જણે અત્યંત સાવધાનીપૂર્વક કોર્ટ મેરેજ કરી લીધાં. પણ ડેવિડની વૃત્તિ માત્ર માર્ગીને ભગાડી જવાની કે પામવાની નહોતી. માર્ગીના પરિવારનું ક્યાંય ખરાબ ન દેખાય, માર્ગીની મોટી બહેન સંધ્યાના લગ્નમાં વિઘ્ન ન આવે એના માટે માર્ગીને પાછી એના ઘરે જવા સમજાવી લીધી. સંધ્યાના લગ્ન ન થાય ત્યાં સુધી એકબીજાએ ન મળવું એવું વચન માર્ગી પાસેથી લઈ લીધું. ડેવિડના આ પગલાંથી માર્ગીના મનમાં ડેવિડ માટેનું સન્માન અને પ્રેમ પ્રગાઢ બન્યો.
ઘણાં લાંબા અરસા પછી માર્ગીના માતા-પિતાએ નમતું જોખ્યું પણ ડેવિડે જરાય નમતું ન જોખ્યું. સંધ્યાના લગ્ન થયાં એ પછી જ માર્ગીને વિધિસર પોતાના ઘેર લઈ આવ્યો.
પ્રેમનો ગઢ ડેવિડે જીતી લીધો પણ ખરી માવજત તો હવે કરવાની હતી. માર્ગીમાં ગૃહિણી તરીકેની કોઈ આવડત હતી નહીં ત્યારે ડેવિડ સાચા અર્થમાં ગૃહસ્થ બની ગયો. માર્ગીને પોતાને ઇચ્છા ન થાય ત્યાં સુધી ઘરકામમાં જોતરવાના બદલે ઘરનો સઘળો ભાર પોતાના ખભે લઈ લીધી. માર્ગીને ઊઠાડીને ભણાવવા સુધીની તકેદારી એણે લીધી. માર્ગીનું ગ્રેજ્યુએશન પૂરું કરાવ્યું. કમ્પ્યૂટરનો કોર્સ કરાવ્યો. જૈન માર્ગી માટે થઈને પોતે શાકાહારી બની ગયો. રવિવારે સવારે ચર્ચ તો સાંજે દેરાસરમાં દર્શન બંને માટેનો અફર નિયમ બની ગયો. ડેવિડના પરિવારવાળાએ પણ માર્ગીને પ્રેમથી અપનાવી લીધી.
પ્રેમજળથી સીંચીને ઉછેરેલી વેલ પર માત્રી નામનું પુષ્પ ખીલ્યું. ઘરમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મલયાલીનો સુભગ સમન્વય જળવાય છે. માત્રી નવકાર મંત્ર પણ શીખે છે અને ચર્ચમાં જઈને પ્રેયર પણ કરે છે. દિવાળીમાં દીવા અને ક્રિસમસમાં કેન્ડલ પ્રગટે છે. સૌને ડર હતો કે નાદાન વયનો પ્રેમ છે. સોડા વૉટરના ઊભરાની જેમ શમી જશે. પણ ના, આ નાદાન વયનો પ્રેમ નહીં જ હોય, કારણકે આજે પણ બંને જણા 'મેળ ફોર ઈચ અધર'ની લાગણીથી તરબતર છે

