Parth Toroneel

Drama Romance

3  

Parth Toroneel

Drama Romance

માર છૂટાછેડા જોવ છ, બસ!

માર છૂટાછેડા જોવ છ, બસ!

3 mins
780


“તન પૈણ્યો એ મારા જીવનની મોટી ભૂલ કરી મી!” દાદાએ પસ્તાવો કરતાં દાદી પર ગુસ્સો ઠાલવતાં કહ્યું.

“હા હવે, રાડ્યું પાડવાનું રેવા દ્યો! તમાર હગલું બલડ પેસર (બ્લડ પ્રેસર) ચડી જશે ઓવ!” ડર બતાવીને દાદીમાએ દાદાને ઠંડા પાડવા કહ્યું.

“ભલ ચડી જતું મૂઉં...! તું મારા જોડે પૈણી જ ચમ? માર છૂટાછેડા જોવ છ!” હાંફતી છાતીએ ઉધરસ ખાતા કહ્યું.

“છૂટાછેડા? અત્યારે? આ ઉંમરે? ચસ્કી ગ્યું સ ક શુ!”

“ઓવ, ચસ્કી ગ્યું સ! તારા જોડ્ય રઇન!! માર છૂટાછેડા જોવ સ બસ!” દાદાએ તેમની જીદ પર અડી રહીને કહ્યું.

“પણ આ ઉંમરે મું ક્યો જોય? કૂણ મન રાખશે??”

“એ બધું મું કશું નો જોણું! માર છૂટાછેડા જોવ એટલ જોવ, બસ! ગળ હુધી આઈ ગ્યો સુ તારાથી તો!” ઉધરસ ખાતા ખાતા કહ્યું.

“ઓસી બીડીયો ફૂંકતા હોવ તો! કફથી બળ્યો ફેફસોયે ભરઈ હેડ્યો સ. હેઠા બેહીન ઉદરો ખો... અમણો ચ્યોક ગડથોલું ખાઈન હેઠા પડશો તો બાપ ઉપાધીના પોટલાં થશી!”

“નહીં બેહવું માર!”

“હારુ તાણ, ઊભા રો, માર હુ? મું તો આ બેહી... હાય રોમ... આ કેડય તો અવ આઈ રઈ સ...” કેડે હાથ મૂકીને દાદીમા ખાટલામાં બેસ્યા, પછી કહ્યું, “...ઊભા છો તે લોબા હાથે પેલા ગોખલામોથી મારી ડાયાબેટીકની ડબલી આલો”

“ચ્યમ તે? આજ હવારમો ભૂલી જઈ ‘તી?”

“ઓવ, આજ બળ્યું યાદ જ નો આયુ! અવ પે’લા જેવુ ચ્યો યાદ રે સ...”

“થોડીક ગળી હાહ (થાક) ખા. તાર માટ સૂપ-બુપ હોય તો બનાઇન લાવું સુ...”

દાદા રસોડામાં જઈને ગરમાગરમ ટોમેટો સૂપ બનાઇને લાવ્યા. વરાળ નીકળતા બાઉલમાં ચમચી સૂપ ભરી, ફૂંક મારી, દાદીના લગભગ બોખા જેવા મોંમાં મૂકીને પીવડાવ્યો – સાથે સાથે દાદાનું બોખું મોં પણ જરાક ખૂલી ગયું. દાદીએ હોઠ પર ઊતરતો રેલો લૂછતા સ્નેહપૂર્વક કહ્યું,

“અવ બોલો, તમાર જેટલી હારહંભાળ આ ઉંમરે બળ્યું કુણ રાખ મારી? રહોડાનું અડધુંઅડધ કોમ તો તમે જ કરી આલો સો!” દાદીમાએ મીઠા રોષમાં કહ્યું.

દાદાએ બીજી ચમચી સૂપ ભરી. ફૂંક મારીને દાદીની હડપચી નીચે હથેળી રાખીને સૂપ પીવડાવતા કહ્યું, “કોમ મોડુવેલું થાય તો ચાલ, પણ દવા ટેમ સર લઈ લેવાની. મું નઇ હોવ ત્યાણ કુણ યાદ દેવરાવશે તન?”

“નઇ હોવ ત્યાણ ક્ન! તમાર પેલા મું ઊકલી જઉં તો! હવારો મો ચા પીન તમે બી.પી ની ગોળી લીધી?”

દાદાએ ઝીણી આંખો કરીને વિચાર્યું, પછી કહ્યું, “ઉમ્મ... આજ રઈ જઈ સ... અમ્ણો લઉં સુ.”

દાદી બોખું હસી પડ્યા. દાદાએ હવામાં ઊંચકેલી ચમચી પાછી વળતી કરી દાદાના મોંમાં મૂકી તેમને સૂપ પીવડાવ્યો.

દાદા ખડખડ હસી પડ્યા. બોખું જડબું હલાવતા બોલ્યા, “તારા વન્યા મારુંયે કુણ ધ્યોન રાખ?”

“છૂટાછેડા જોવતા ‘તાન તમાર? હં...!?” દાદીએ ભ્રમરો ઊંચી ઉલાળી.

“શું... કીધું?”

“અવ બેરા થઈ જ્યા? ચ્યમ? છૂટાછેડા લેવા સન?” દાદીએ જરાક ઊંચા અવાજે કહ્યું.

“ના બાપ! તારા વન્યા મું હુ કરોય? ઝઘળવા હારુ કોક તો જોવક!”

“છૂટાછેડા લેવાનું ભૂત ચડ્યું ‘તુંન તે?”

“એતો ઉંમરે થઈ એટ્લે! નકર ચ્યારનાયે લઈ લીધા હોત! ઓવ...”

“ખબર સ બધીયે ઓવ... બી.પી ની ટીકળી હંભારીન લઈ લો અવ... નકર પાસા ભૂલી જસો...”

(બંને એકબીજા વિના એક પળ જુદા નથી રહી શકતા, છતાં તેમની આવી મીઠી નોકજોક એંસીનો ઉંબરો વટાવી ચૂકી છે. એકબીજા પ્રત્યેનો પ્રેમ હજુ પણ તેમના ઘરડા હૈયામાં યુવાન બની ધબકે છે.)

***


Rate this content
Log in

Similar gujarati story from Drama