nayana Shah

Tragedy

4.5  

nayana Shah

Tragedy

માફ ના કરે ?

માફ ના કરે ?

7 mins
628


"વંદન તારી પસંદગીમાં તો કંઈ જોવું જ ના પડે. પણ અમારે તારી પસંદ જોવી તો પડે જ ને ? "

"પરંતુ પપ્પા વેદિકા એકદમ સામાન્ય ઘરની છે. બેંકમાં નોકરી કરે છે. "

"બેટા, આપણે કયાં એના પૈસાની જરૂર છે ? આપણે ત્યાં આવશે એટલે નોકરી છોડાવી દઈશું. આપણે કયાં પૈસાની કમી છે ! તમારી ઉંમર હરવાફરવાની છે."

બીજા જ દિવસે વંદન વેદિકાને ધેર મળવા માટે લાવ્યો ત્યારે એના રૂપથી ઘરના અંજાઈ ગયા હતા. માત્ર રૂપ જ નહીં પરંતુ વાતચીત પરથી અત્યંત સંસ્કારી લાગતી હતી.આવી સંસ્કારી અને દેખાવડી યુવતી તો નસીબવાળાને જ મળે.

પરંતુ જયારે વંદનના પિતાએ કહ્યું, "વંદનની પસંદ એ જ અમારી પસંદ. પરંતુ અમે નથી ઈચ્છતા કે અમારા ઘરની પુત્રવધૂ નોકરી કરે એટલે તું રાજીનામું આપી દેજે. આ ડિસેમ્બર માસમાં જ તમારા લગ્ન ગોઠવી દઈશું. "

વેદિકા માત્ર એટલુંજ બોલી, "હું નોકરી છોડવા નથી ઈચ્છતી. હું મારા ભણતરનો ઉપયોગ કરવા માંગુ છું. "

"તું નોકરી છોડવા તૈયાર ના હોય તો અમારે અમારો નિર્ણય બદલવા મજબૂર થવું પડશે. તારે તારા નિર્ણયની ફેરવિચારણા કરવી જ પડશે. અમને વંદન ઘણો જ વહાલો છે એ નિરાશ થાય એમ અમે ઈચ્છતા નથી. "

વંદનના પપ્પાનું વાક્ય પૂરું થતાંની સાથે જ વેદિકા રુમ છોડી ઘરની બહાર નીકળી ગઈ.

ત્યારબાદ તો વંદને વેદિકાને એના ઘેર જઈને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો. પણ વેદિકા એના નિર્ણય બાબત મક્કમ હતી. પુરુષો કમાતા હોય એટલે એમની જાતને મહાન સમજતાં હોય છે. જાણે કે વર્ષોથી પુરુષોને સ્ત્રીઓને કમાતી નહિ હોવાથી હેરાન કરવાનો પરવાનો મળી ગયો ના હોય ! પરંતુ પુરુષો કયારેય સ્ત્રી જેટલું કોમળ હ્રદય કયાંથી લાવશે ? સાસુ વહુ ભલે ઝઘડતાં હોય પરંતુ બીજી જ પળે એક સાથે જમવા બેસતા હોય. હમેશાં આ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓને બદનામ કરવામાં આવે છે. કમાતી સ્ત્રી હોય તો એમને ડગલેને પગલે ડર રહે છે કે આડુંઅવળું બોલવાથી જો પુત્રવધૂ ઘર છોડીને જતી રહેશે તો એમના દીકરાની જિંદગી બગડશે. અરે, એક સ્ત્રી જ ઘર અને નોકરીનું સમતોલ જાળવી શકે.

વેદિકાને વંદનને ઘણું બધું કહેવું હતું પરંતુ એ ચૂપ રહી. કારણ વંદન પણ એક પુરુષ જ હતો ને ! વેદિકા પર વંદનના મમ્મીનો ફોન હતો ત્યારે એમની વાણીમાં ભારોભાર નમ્રતા હતી. વાત કરતાં ભાવવિભોર થઈ ગયા હતાં. થોડી ક્ષણો માટે વેદિકાને થયું કે વંદનની મમ્મી ખાતર એને એનો નિર્ણય બદલવો જોઈએ. પણ જિંદગી તો વંદન જોડે જ વિતાવવાનીને ! એ પણ એના પપ્પાની વિચારસરણી મુજબ ચાલે એ તો કયારેય સહન ના થાય. જો કે વંદન કહેતો, "વેદિકા મારે તારી ઉન્નતિ જોવી છે. હું તો ગ્રેજ્યુએટ થઈને ધંધે બેસી ગયો છું. પણ તું બેંકની નોકરી છોડીને આગળ ભણવાનું ચાલુ રાખ. મારી પત્ની મારાથી પણ વધુ ભણેલી હોય તો મને ગમે. અને વેદિકા ભણવામાં તારી ઉજ્જવળ કારકિર્દી છે. તું કોલેજમાં દર વર્ષે ગોલ્ડ મેડલ મેળવતી રહી છું. તું તો એકવાર વાંચે તો પણ તને બધું જ યાદ રહી જાય છે. પપ્પા જુનવાણી છે. આપણે કોર્ટમાં લગ્ન કરી લઈશું. તું આઈ. એ. એસ. ની તૈયારી કર. 

પરંતુ વેદિકાને આ રીતે લગ્ન કરવા જ ન હતા. લગ્ન બાદ પણ એ ઘરમાં એના પપ્પા સાથે જ રહેવું પડે. એકવાર પડેલી તિરાડ જલદી સંધાય જ નહીં એ વાત વેદિકા સારી રીતે સમજતી હતી.

તેથી જ વેદિકા એ શહેર છોડીને જતી રહી. વંદને એને શોધવા ઘણા પ્રયત્ન કર્યા. પણ એની કોઈ ભાળ મળી નહિ.

આખરે એના પિતાના મિત્ર કે જે જાણીતા ઉદ્યોગપતિ હતાં એની પુત્રી ચૈતાલી સાથે લગ્ન કરી લીધા. એ વેદિકા જેટલી દેખાવડી ન હતી કે વેદિકા જેટલી સંસ્કારી પણ ન હતી. હા, એની સૌથી સારી વાત એ હતી કે એ નોકરી કરતી ન હતી. જો કે ઘરમાં નોકરચાકર હોવાને કારણે એને ઘરમાં પણ ખાસ કામ રહેતું ન હતું. નવરું મગજ શેતાનનું ઘર. નવરાશના સમયે શોપિંગ, પિકનિક, પિક્ચર, પિયર તથા કિટીપાર્ટી તો ચાલુ જ હતી. ઘરમાં હોવા છતાં પણ મોબાઇલ પર વાતો તો ચાલુ જ રહેતી. સામા જવાબ આપવા એ તો એનો નિત્યક્રમ બની ગયો હતો. વંદન મોડો આવે તો એને ઝગડવાનું બહાનું મળી રહેતું. નોકરચાકરોને વાતે વાતે ખખડાવવાનું પણ રોજનું થઈ ગયેલું. પરિણામ સ્વરૂપ વર્ષો જુના નોકરો પણ નોકરી છોડીને જતા રહ્યા. ઘરનું કામ કરવાની જવાબદારી વંદનના મમ્મીની આવી. ચૈતાલીએ તો સ્પષ્ટ કહી દીધું કે, "હું કશું જ કામ કરવાની નથી. તમને ઘરમાં કચરો લાગે તો જાતે વાળી લો. અથવા ઘરમાં સ્લીપર પહેરીને ફરો."

વંદનની મમ્મીને થતું કયાં ગઈ ભારતીય સંસ્કૃતિ ? કે જયાં સવારના સૌ પ્રથમ વાસી કચરો કાઢવાનો હોય કે સવારમાં નાહીધોઈને સૂર્યનારાયણની પૂજા કરવાની હોય પરંતુ ચૈતાલીની સવાર દસ વાગે પડે.

ચૈતાલીના વર્તનથી ઘરમાં બધા કંટાળી ગયા હતા. વંદનને મોડું થાય તો એના ચારિત્ર્ય પર જાતજાતના પ્રહાર કરતી કે એ સાંભળીને વંદનની આંખોમાં પાણી આવી જતાં. એક દિવસ જયારે ઝગડો પરાકાષ્ઠાએ પહોંચ્યો ત્યારે ચૈતાલી બેગ લઈને પિયર જતી રહી પરંતુ જતાં જતાં પણ ધમકી આપતી ગઈ કે હું છૂટાછેડા લઈશ પણ તારી પાસેથી તગડી રકમ વસૂલ કરીશ. તમે તમારી મિલકત ઈન્કમટેક્સ વાળાઓથી છૂપાવી શકશો મારાથી નહિ.

ત્યારબાદ તો કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલ્યો. સામસામે દલીલો ચાલી. આખરે ઘણી મોટી રકમ લઈને ચૈતાલીએ છૂટાછેડાના કાગળો પર સહી કરી.

વંદનના પપ્પા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રેસીડન્ટ હતા.

એકસમયે એવું બન્યું કે નવા ઈન્કમટેક્સ કમિશનરનું ભાષણ હતું. જો કે બધા જાણતાં હતાં કે નવા ઈન્કમટેક્સ કમિશનર ખૂબ જ હોંશિયાર છે. તે દિવસે વંદને પણ કહ્યું, "પપ્પા આજનું ભાષણ સાંભળવા હું પણ આવીશ."

પરંતુ જયારે વેદિકાને ઈન્કમટેક્સ કમિશનરના રૂપમાં જોતાં વંદન તથા તેના પપ્પા સ્તબ્ધ થઈ ગયા.

વંદન તો બહુ જ ખુશ હતો. વર્ષો બાદ વેદિકા મળી હતી અને એના છૂટાછેડા પણ થઈ ગયા હતાં. વેદિકાના ગળામાં મંગળસૂત્ર ન હતું કે સેંથીમાં સિંદૂર. એનો અર્થ એ જ કે એ હજી પણ એની રાહ જુએ છે અને લગ્ન નથી કર્યા.

વંદન મીઠા સ્વપ્નમાં ખોવાઈ ગયો. ત્યારબાદ તો એણે વેદિકાને મળવાના ઘણા પ્રયત્ન કર્યા પણ વેદિકાના નોકર જ કહી દેતાં, "મેડમ બહુ જ કામમાં છે એમની પાસે સમય નથી. ચિઠ્ઠી મુકીને જાવ. પરંતુ વંદન ચિઠ્ઠીમાં શું લખે ? દર વખતે નિરાશ થઈને પાછો જતો રહેતો. જો કે કહેવાય છે કે લાખો નિરાશામાં પણ એક અમર આશા છૂપાયેલી હોય છે.

થોડા દિવસો બાદ વેદિકા પાસે એક માહિતી આવી કે વંદને એના બે નંબરના પૈસા મોરેશિયસ અને સ્વીઝ બેંકમાં મુક્યા છે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવે છે. છતાં પણ વેદિકાએ ખાનગી રાહે તપાસ કરાવી તો ખબર પડી કે માહિતી આપનાર ચૈતાલી એ વંદનની પત્ની હતી અને એને થોડા સમય પહેલાં જ વંદન જોડે છૂટાછેડા લીધા હતા. એટલુંજ નહિ એ બંને લગ્ન બાદ મોરેશિયસ જ ફરવા ગયેલા.

વેદિકાને જે માહિતી મળી હતી એ બાબતની સચ્ચાઈ જાણવા ચૈતાલીને મળવા બોલાવી. ચૈતાલી પાસે તો નાનામાં નાની માહિતી હતી. તેથી વેદિકા સમજી ગઈ હતી કે વંદનને ઘણી મોટી રકમ ભરવી પડશે. ચૈતાલીએ તો સ્વીઝ બેંકનો કોડ પણ આપેલો.

બીજા જ દિવસે વેદિકાએ ચીફ કમિશનરને અરજી કરી કે આ કેસ નજીકના સંબંધીનો હોવાથી મને આમાંથી મુક્ત કરો. જો કે ત્યારબાદ બીજા કમિશનર પાસે કેસ ગયો.

વંદનના પપ્પા ને ઘણી જ ઓળખાણ હતી. એતો માનતા હતાં કે થોડા પૈસા વેરવાથી કેસ દબાઈ જશે.

જિંદગીમાં પૈસાથી ભલે બધું જ ખરીદાતું હોય પણ તમે પૈસાથી કોઈની ઈમાનદારી ના ખરીદી શકો.

વંદનના પપ્પાએ ચીફ કમિશનરને અરજી કરી. પણ એમાં એમનું કંઈ ચાલ્યુ નહિ કારણ પુરાવા સજ્જડ હતાં. 

જયારે રેડ પડી ત્યારે બધુંજ સીલ કરી દીધું હતું. વંદન પણ ગભરાઈ ગયો હતો. તેથી એ ઓફિસમાં જ વેદિકાને મળવા ગયો. કહ્યું, "વેદિકા, ઘરમાં પૈસા જ નથી. બધુંજ સીલ કરી દીધુ છે. હવે શું કરવાનું ? તું જ કંઈક રસ્તો કાઢ. "

"એમાં શું ? બોલ, તારે કેટલા પૈસાની જરૂર છે ? હું તને પૈસા આપીને મદદરૂપ થઈ શકીશ. હા, પણ એ સિવાય મારી પાસે કોઈ અપેક્ષા ના રાખીશ. તને તો મારા ભૂતકાળનો અનુભવ છે કે હું મારા સિધ્ધાંતો સાથે બાંધછોડ નથી કરતી. મારી સૌથી મોટી મૂડી મારી ઈમાનદારી છે. હવે તારો સમય પૂરો થયો. પૈસાની જરૂર હોય તો મને મળજે. જય શ્રી કૃષ્ણ."

જયારે વંદન ઘેર આવ્યો ત્યારે નિરાશામાં સરી પડ્યો હતો. થોડો ગુસ્સામાં પણ હતો. એને એના પપ્પાને સ્પષ્ટ કહી દીધું કે આપણી આટલી સજ્જડ માહિતી એક જ વ્યક્તિ આપી શકે અને એ ચૈતાલી. પપ્પા મારી જિંદગી બરબાદ થઈ ગઈ. "કહેતાં એ ધૂસ્કે ધૂસ્કે રડી પડ્યો.

ત્યારબાદ તો એના પપ્પા ટ્રીબ્યુનલમાં ગયા. ત્યાંથી હાઈકોર્ટમાં ગયા. પણ દરવખતે ચૂકાદો એની વિરુદ્ધમાં જ આવતો. હાઈકોર્ટનો ચૂકાદો આવ્યો એ જ દિવસે વંદનના પપ્પાને એટેક આવ્યો અને આ દુનિયા છોડીને જતાં રહ્યાં.

વંદન સાવ એકલો પડી ગયો હતો. હવે એણે સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું હતું. જો કે ત્યાં સુધી પંદર વર્ષ નીકળી ગયા હતાં. પૈસેટકે ઘસાતાં જતાં હતાં છતાંય સારામાં સારા વકીલને રોક્યો હતો.

વંદન વેદિકા ને મળવા ગયો ત્યારે રડી પડ્યો હતો. બોલ્યો, "વેદિકા, તું મને માફ ના કરે ? "

"વંદન, માફ તો જેણે ગુન્હો કર્યો હોય એને થાય. તેં તો મને યુપીએસસીની પરિક્ષા આપવાની પ્રેરણા આપી. આજે હું જે કંઈ છું એ તારે કારણે."

"વેદિકા, તેં મને ખરેખર માફ કર્યાે હોય તો મારી સાથે લગ્ન કરી લે. હવે તો મારા પપ્પા પણ હયાત નથી. "

"વંદન, મિત્રતામાં માફી શબ્દને સ્થાન નથી. આપણી મિત્રતા અકબંધ રહેશે. છતાં પણ એક વાત યાદ રાખજે કે મારે લગ્ન કરવા નથી અને લગ્ન કરવાથી જ માફ કર્યુ ના કહેવાય. મેં તને કહ્યું જ છે કે ગુન્હાની માફી હોય. મારી દ્રષ્ટિએ તો તું મારી પ્રેરણામૂર્તિ છું. વંદન છેલ્લે એટલું સમજી લે કે માણસ કોઈને માફી નથી આપતો માફ તો માત્ર ઈશ્વર જ કરે છે. માટે તને એવું લાગતું હોય તો સાચા દિલથી ઈશ્વરને પ્રાર્થના કરજે. મારી પાસે હવે સમય નથી વંદન, જય શ્રી કૃષ્ણ. " વંદન જાણતો હતો કે વર્ષોથી એ બંને મળીને છૂટા પડતી વખતે આવજો કહેવાને બદલે જય શ્રી કૃષ્ણ કહે. એટલે એ છૂટા પડવાનો સંકેત હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy