Megha Kapadia

Drama Fantasy Thriller

3  

Megha Kapadia

Drama Fantasy Thriller

માન્યાની મંઝિલ ચેપ્ટર - 28

માન્યાની મંઝિલ ચેપ્ટર - 28

6 mins
15.4K


કોલેજમાં એડ્મિશન લીધાનાં બીજા જ દિવસથી પિયોની અને માન્યાએ શોપિંગ કરવાનું શરૂ કરી દીધું. કોલેજ બેગથી લઈને કપડાં અને તેને મેચિંગ એક્સેસરિઝ બધું જ બંનેનાં વોર્ડરોબમાં આવીને સજી ગયું હતું. માન્યા માટે તો શોપિંગ કરવા માટે ઘરમાંથી એક લિમિટ આપવામાં આવી હતી પણ પિયોની માટે તો દરેક બ્રાન્ડેડ શોપનાં દરવાજા ખુલ્લા હતાં.

કોલેજમાં પોતાનો વટ પાડવાં માટે 3 થી 4 કોલેજ બેગ્સ, મહિનાં સુધી એક પણ કપડું રિપીટ ન થાય તેટલાં આઉટફિટ્સ, તે આઉટફિટની સાથે મેચિંગ થાય તેવી એરિંગ્સ, એન્કલેટ, બ્રેસલેટ અને નેકલેસ બધું જ આવી ગયું હતું. કોલેજ શરૂ થવાનાં આગલાં દિવસે બંને જણાં મેકઓવર કરવાં સલુનમાં ગયા અને હેર કટ અને ક્લીનઅપ કરાવીને બહાર નીકળ્યા તો બંને ફ્રેન્ડ્સ સ્વિટ સિક્સટીન લૂકમાંથી બહાર નીકળીને હોટ બેબ્સ બની ગઈ હતી. શોલ્ડર કટ ઘુંઘરાળા વાળ સાથે પિયોની ગ્લેમરસ લૂકમાં આવી ગઈ હતી જ્યારે પોતાનાં કમર સુધીનાં વાળને શોર્ટ કરાવી માન્યા પણ પોતાનાં સિમ્પલ લૂકમાં એલિગ્ન્ટ લાગી રહી હતી. બંનેનાં ચહેરા ઉપર એક અનોખી તાજગી જોવા મળી રહી હતી.

‘માનુ, આઈ કાન્ટ બિલીવ, કાલથી આપણે કોલેજ ગર્લ્સ કહેવાઈશું.' પિયોની માન્યાને વળગી પડતા બોલી. ‘યસ પિયોની, આઈ એમ ઈગરલી વેઇટિંગ ફોર અવર ફર્સ્ટ ડે ઈન કોલેજ.' પોતાના પ્લાનને સફળ બનાવવાંનાં જુસ્સા સાથે માન્યાની આંખોમાં એક ચમક દેખાઈ. ‘જો હું તને અત્યારથી જ કહી દઉં છું તારી કોલેજમાં તારે ગમે તેટલાં ફ્રેન્ડ્સ બનાવવાં હોય એટલાં બનાવી લેજે પણ તારી બેસ્ટફ્રેન્ડ તો હું જ રહીશ ઓકે!!!' પિયોની માન્યાને અલ્ટિમેટમ આપતાં બોલી. ‘અફ કોર્સ પિયુ, મારી બેસ્ટ ફ્રેન્ડ તો તું જ છે અને તું જ રહીશ.' માન્યા અને પિયોની બંનેની કોલેજનો ટાઈમિંગ સવારે 9 વાગ્યાનો હતો. કાલે શું પહેરવું, કેવી રીતે જવું, ક્યાં મળવું એ બધાનું ડિસ્કશન થઈ ગયું હતું. ભલે બંનેની કોલેજનાં રસ્તા અલગ હતાં પણ જ્યાં સુધી જોડે જવાય ત્યાં સુધી જોડે જવાનું નક્કી કરીને બંને ઘરે જવા માટે છુટા પડ્યા.

બીજા દિવસે સવારે માન્યા 7 વાગ્યે ઉઠી ગઈ પણ પિયોનીની તો 10 વાર અલાર્મ બંધ કર્યા પછી માંડ-માંડ આંખ ખુલી હતી. 8:30 વાગ્યે માન્યા પિયોનીનાં ઘરે આવવાની હતી એટલે પિયોની પાસે તૈયાર થવા માટે હવે માત્ર પોણો કલાક જ બચ્યો હતો. એટલે ઉઠતાંની સાથે જ તે રોબોટની માફક તૈયાર થવા લાગી. બીજી બાજૂ ઘડિયા‌ળમાં 8 નાં ટકોરા પડતાં જ માન્યાનાં રૂમનો દરવાજો ખુલ્યો અને એમાંથી જે માન્યા બહાર આવી તે જોઈને તેના મમ્મી-પપ્પા તો આભા જ બની ગયાં. સ્ટાઈલિશ જીન્સ ઉપર સ્લીવલેસ ટીશર્ટ, છુટ્ટા વાળ અને આછા મેકઅપ સાથે કમરે ક્રોસ બેગ લગાવેલી માન્યા આજે રોજ કરતા વધારે સુંદર લાગી રહી હતી. તેના શાર્પ ફીચર્સ અને સિમ્પલ લૂક કોઈને પણ મોહિત કરી દે તેવું હતું. માન્યાને આ અવતારમાં જોઈને મમ્મીએ તેના ઓવારણાં લીધા તો પપ્પાએ તેને ભણીગણીને આગળ વધવાનાં ભરપૂર આશીર્વાદ આપ્યા. ઘરમાંથી નીકળતાં પહેલાં મમ્મીએ માન્યાને દહીં ખવડાવીને સારા શુકન કરાવ્યા. હસતાં ચહેરે અને ખુશ દિલથી મમ્મી-પપ્પાએ માન્યાને બાય કહ્યું.

માન્યા પિયોનીનાં બંગલાનાં કમ્પાઉન્ડમાં પહોંચી ત્યારે 8:25 થઈ ગઈ હતી અને પિયોની તેનું લાસ્ટ ટચઅપ કરી રહી હતી. માન્યાને ખબર હતી કે તે ગમે તેટલી બૂમો મારશે પણ જ્યાં સુધી તે પકડીને પિયોનીને નીચે નહીં લઈ આવીએ ત્યાં સુધી આ મેડમ નીચે નહીં આવે. ‘પિયોની તારે પહેલા જ દિવસે કોલેજમાં લેટ પહોંચવાનું છે?' કહેતાં જ માન્યાએ ધડામ દઈને પિયોનીનાં રૂમનો દરવાજો ખોલ્યો. તો સામે પિયોની એકદમ હિરોઈન સ્ટાઈલથી પાછળ ફરી. ડેનિમ શોર્ટ્સ ઉપર ક્રોપ ટોપ સાથે મેચિંગ એરિંગ્સ અને સ્નીકર્સ પહેરીને ઊભેલી પિયોની કોઈ હિરોઈનથી કમ નહોતી લાગી રહી. તેનાં છુટ્ટા ઘુંઘરાળા વાળ અને રેડ કલરની લિપસ્ટિક તેનાં ચહેરાને વધુ એટ્રેક્ટિવ બનાવી રહી હતી. ‘પિયુ લાગે છે આજે પહેલા દિવસે જ કંઈ કેટલાંય દિલ ઘાયલ થઈ જવાના છે.' માન્યા આંખ મારતા બોલી. ‘થતા હોય તો થાય, હું શું કરું એમાં?' પિયોનીએ પણ સામે આંખ મારીને જવાબ આપ્યો. ‘બાકી આજે તો મારી માનુનો લૂક પણ કંઈક હટકે છે. જોજે કોઈ બિચારો હલાલ ના થઈ જાય.' ‘થતો હોય તો થાય, હું શું કરું એમાં? માન્યાની સાથે પિયોની પણ ખડખડાટ હસી પડી. ‘સારું ચાલ હવે તારું સજવા સવરવાનું પત્યું હોય તો આપણે નીકળીએ?' માન્યાએ પિયોનીને નીચે આવવાનું ફરમાન આપ્યું. ‘યસ બેબ્સ બટ લેટ મી ટેક વન સેલ્ફી ફર્સ્ટ. ચાલ આવી જા. આપણી કોલેજ લાઇફનો ફર્સ્ટ ડેનો ફર્સ્ટ ફોટો તો હું સોનાની ફ્રેમમાં મઢાઈશ.' પિયોનીએ પોતાના ફોનમાં તેનો અને માન્યાનો ફોટો પાડ્યો.

‘ઓકે હવે તારા બધાં નખરાં પતી ગયા હોય તો નીકળીશું? આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ માય ફર્સ્ટ લેક્ચર.' માન્યાએ ઉતાવળા સ્વરે પિયોનીને કીધું. ‘કોલેજમાં યાર કોઈ ભણવા જતું હશે? અને એ પણ પહેલા દિવસે???' પિયોની મોઢું બગાડતાં બોલી. ‘હા સારું ચાલ હવે લેક્ચર પછી આપજે.' માન્યા પિયોનીને હાથ પકડીને નીચે લઈ આવી. નાનીમાંને બાય કહીને માન્યા અને પિયોની બંને પોતપોતાનાં એક્ટિવા ઉપર કોલેજ જવાં નીકળ્યા. ‘તને યાદ છે ને માન્યા હું 1 વાગ્યે તારી રાહ જોતી પેલાં સિટી કોર્નર વાળા કાફેમાં બેઠી હોઈશ. ત્યાં તુ આવી જજે.' પિયોનીએ ગઈકાલનું ડિસ્કશન માન્યાને યાદ કરાવ્યું. ‘હા આવી જઈશ પણ જો કદાચ થોડું વહેલું મોડું થાય તો મારી રાહ જોજે.' ‘ઓકે ડાર્લિંગ...બાય' કહીને પિયોની જમણી બાજૂ વળી ગઈ અને માન્યા સીધી દોરાઈ.

‘શું આજે જ અંશુમન મને જોવાં મળશે કે પછી મારે તેને તેની કોલેજમાં શોધવો પડશે?' માન્યામાં કોલેજ જવાનું એક્સાઇટમેન્ટ કરતાં અંશુમનનો સામનો કરવાની ઉતાવળ વધારે હતી.

જ્યારે બીજી બાજૂ એક્ટિવા ચલાવતાં-ચલાવતાં પિયોનીનાં મનમાં પણ એ જ વિચાર ચાલી રહ્યો હતો કે માન્યાનો ભેટો અચાનક અંશુમન સાથે થઈ જશે તો શું થશે? કદાચ અંશુમન માન્યા સામે આવી જાય તો માન્યા કેવું રીએક્ટ કરશે? ભગવાન પ્લીઝ કંઈક એવું કરજો કે ક્યારેય માન્યાની સામે અંશુમન આવે જ નહીં. પિયોની ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. બંને પોતપોતાની કોલેજ પહોંચી ગયાં. પિયોનીની કોલેજમાં ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ માટે ખાસ કોઈ વેલકમનો પ્રોગ્રામ રાખવામાં નહોતો આવ્યો. દરેક જણ પોતપોતાનાં ક્લાસમાં જઈને બેસતું હતું. પિયોનીને સંકોચ થતો હતો કે તે ક્લાસમાં એકલી કેવી રીતે બેસશે? તેને માન્યાની યાદ આવી રહી હતી. આજે પહેલો એવો દિવસ હતો કે તે એકલતાં અનુભવતી હતી. જ્યારે બીજી બાજૂ માન્યાની કોલેજનો સીન કંઈક અલગ જ હતો. જેવી તે કોલેજના કેમ્પસમાં પહોંચી તો તેણે જોયું કે કોલેજનું વાતાવરણ કંઈક અલગ જ હતું. બિલ્ડિંગને બલુન્સથી સજાવવામાં આવ્યું હતું. દરેક ફ્રેશરને પિંક રોઝ આપીને તેમનું વેલકમ કરવામાં આવતું. માન્યા પણ પાર્કિંગ કરીને જેવી ગેટમાં અંદર ગઈ કે તેને રોઝ આપવામાં આવ્યું અને સિનિયર્સ દ્વારા વેલકમ કરવામાં આવ્યું. માન્યા માટે આ બધું એકદમ નવું હતું. તે કોલેજ લાઇફનો પહેલો દિવસ એન્જોય તો કરી રહી હતી પણ સાથે પિયોનીને પણ એટલું જ મિસ કરી રહી હતી.

માન્યાની કોલેજમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સની કોલેજનાં અલગ બિલ્ડિંગ હતાં. અંદર જતાં માન્યાની સામે એક કોમન કેમ્પસ આવ્યું જ્યાંથી ત્રણે બિલ્ડિંગ દેખાતાં હતાં. કેમ્પસની વચ્ચે એક સ્ટેજ બનાવાયું હતું. જેમાં દરેક સ્ટ્રીમનાં સિનિયર્સ પોતાનાં જુનિયર્સને વેલકમ કરી રહ્યા હતાં અને વારાફરતી પોતાનું ઈન્ટ્રોડક્શન આપી રહ્યા હતાં. એવામાં અચાનક એક છોકરાનો માઈકમાં અવાજ આવ્યો, ‘હેલો ડેશિંગ બોય્ઝ એન્ડ ક્યુટ ગર્લ્સ, માય નેમ ઈઝ અંશુમન. યુ કેન કોલ મી અંશુ ઓલ્સો.' અંશુમનનું નામ સાંભળતા જ માન્યા ચોંકી ગઈ અને તેની આંખો સ્ટેજ તરફ મંડાઈ અને બીજી બાજૂ ધ મોસ્ટ પોપ્યુલર સ્ટુડન્ટ ઓફ ધ કોલેજ એટલે કે અંશુમન માટે પબ્લિકમાં ચિચિયારીઓ સંભળાવવા લાગી.

(શું કોલેજના પહેલા દિવસે જ અંશુમન અને માન્યાનો સામનો થશે? કેવો રહેશે માન્યા અને પિયોનીનો કોલેજનો પહેલો દિવસ? જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)


Rate this content
Log in

Similar gujarati story from Drama