Megha Kapadia

Drama Inspirational Thriller

3  

Megha Kapadia

Drama Inspirational Thriller

માન્યાની મંઝિલ - 27

માન્યાની મંઝિલ - 27

6 mins
14.2K


આવતીકાલનો દિવસ પિયોની અને માન્યા બંને માટે બહુ અગત્યનો હતો. 3 મહિનાં પહેલાં જે બોર્ડની પરીક્ષા આપી હતી તેનું રિઝલ્ટ કાલે તેમનાં હાથમાં આવવાનું હતું. રાત પડી ગઈ હતી અને બીજા દિવસે સવારે કમ્પ્યુટરમાં રિઝલ્ટ જોવાનું હોવાથી માન્યા પિયોનીનાં ઘરે જ રોકાઈ ગઈ હતી. પિયોની ભણવામાં એવરેજ હતી જ્યારે માન્યા પહેલેથી જ ભણવામાં હોંશિયાર હતી. માન્યાનો જીવનમાં એક ગોલ હતો. સારો કોર્સ કરીને તેને બહુ જલ્દી પગભર બનવું હતું. બહુ બધાં પૈસા કમાવવાં હતાં અને પોતાની લાઇફ એક લેવલ ઉપર સેટ કરી દેવી હતી. જેનાં માટે માન્યાએ પહેલેથી જ વિચારી લીધું હતું કે આગળ કઈ લાઈનમાં જવું અને શું બનવું. જ્યારે પિયોનીનાં વિચારો આ બાબતે તદ્દન ભિન્ન હતાં.

પિયોનીની લાઇફમાં કોઈ ગોલ ન હતો. તેના ડેડી મોટાં બિઝનેસમેન હતાં તેથી આગળ જઈને જો કામ કરવાની ઈચ્છા થઈ તો પિયોની માટે તો ઓફિસમાં ટેબલ-ખુરશી રેડી જ હતાં. લિટલ બોસ બનીને તે ઈચ્છા થાય ત્યારે તેનાં ડેડીની ઓફિસમાં એન્ટ્રી લઈ શકે તેમ હતી. બારમાં ધોરણની પરીક્ષામાં ગમે તેટલા ટકા આવે તેનાથી પિયોનીને કંઈ બહુ મોટો ફરક નહોતો પડવાનો અને એટલે જ તે ચિંતાને એકબાજૂ મૂકીને ઘસઘસાટ નસકોરાં બોલાવતાં ક્યારની સુઈ ગઈ હતી પણ પિયોનીની બાજૂમાં સૂતેલી માન્યા ક્યારની આમથી તેમ પડખાં ઘસી રહી હતી. વારંવાર તે ઘડિયાળમાં સમય જોઈ રહી હતી. તેને આજની રાત બહુ લાંબી લાગી રહી હતી. વિચારોનાં વમળમાં ઘેરાયેલી માન્યાને અચાનક અંશુમન યાદ આવી ગયો. અંશુમનને પાઠ ભણાવવા માટે તે છેલ્લાં ઘણાં દિવસથી કોઈ પ્લાન વિચારી રહી હતી પણ તેનાં મગજમાં કોઈ આઈડિયા નહોતો આવી રહ્યો. એમાં પણ અત્યારે રિઝલ્ટની ચિંતાના કારણે માન્યાનું મગજ બીજું કંઈ પણ વિચારવા માટે સુન્ન થઈ ગયું હતું.

છેક વહેલી સવારે માન્યાની આંખ લાગી પણ સાવચેતીના રૂપે તેણે મૂકેલો 8 વાગ્યાનો અલાર્મ વાગતાં જ તે ફટાક દઈને ઉઠી ગઈ. તેણે પિયોનીને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પણ 10 વાગ્યા પહેલા નહીં ઉઠનારી પિયોની આજે પણ કાન ઉપર ઓશિકું દબાવીને સુઈ ગઈ. માન્યાને ખબર હતી કે તે ભલે ગમે તેટલો ટ્રાય કરે પણ પિયોની ઉઠવાની નથી. એટલે તેને બાજુમાં મૂકીને તે ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ. પૂરા એક કલાક પછી તે નાહી ધોઈને નીકળીને સીધી કમ્પ્યૂટરની સ્ક્રિન સામે ગોઠવાઈ ગઈ. રિઝલ્ટ માટેની વેબસાઇટ પર તેણે લોગ ઇન કર્યું અને પોતાનો નંબર નાંખીને રિઝલ્ટ ડિક્લેર થાય ત્યાં સુધી રાહ જોવા માટે તે ખુરશી ઉપર પલાઠી વાળીને બેસી ગઈ. એટલામાં તો નાનીમાં રૂમમાં માન્યા અને પિયોની માટે દૂધનો ગ્લાસ અને નાસ્તો લઈને આવી ગયાં. નાનીમાંને ખબર હતી કે રિઝલ્ટની ચિંતામાં છોકરીઓ નીચે નાસ્તો કરવા પણ નહીં આવે પણ તેમણે આવીને જોયું તો પિયોની તો હજી પણ ઊંઘતી જ હતી. આ જોઈને નાનીમાં ગુસ્સે ભરાયાં અને તેમણે પિયોનીને ઉઠાડવાનો બહુ ટ્રાય કર્યો પણ પિયોનીની તો આંખ પણ ઊંચી નહોતી થઈ રહી. માન્યાનાં ગળેથી તો અત્યારે પાણી પણ નહોતું ઉતરી રહ્યું એવામાં દૂધ-નાસ્તો કરવાની વાત તો બહુ દૂર રહી. નાનીમાંએ માન્યાને થોડું કંઈક ખાઈ લેવાનો આગ્રહ કર્યો પણ માન્યાએ કંઈ પણ ખાવાની ચોખ્ખી ના પાડી દીધી. તેની નજર તો કમ્પ્યૂટર સ્ક્રિન સામેથી હટી જ નહોતી રહી.

વારંવાર તે એ અપેક્ષામાં રિફ્રેશનું બટન દબાવતી કે હવે તો રિઝલ્ટ આવી જ ગયું હશે. બરાબર 10 નાં ટકોરાં પડ્યા અને માન્યાએ જેવું ફરીવાર પોતાનો રિસીપ્ટ નંબર નાંખીને સબમિટ બટન પર ક્લિક કર્યું કે તેની માર્કશીટ ખુલી ગઈ. માન્યા જોરથી ચિલ્લાઈ. તેણે 89 પર્સન્ટેજ મેળવ્યા હતાં. તેની અપેક્ષા પ્રમાણેનું રિઝલ્ટ જોઈને માન્યાને સંતોષ થયો હતો અને બીજીબાજુ જોરથી માન્યાનો અવાજ સાંભળીને પિયોનીની આંખો ઉઘડી ગઈ. માન્યાનું રિઝલ્ટ જોઈને તે જોરથી ભેટી પડી. ‘કોન્ગ્રેચ્યુલેશન્સ માનુ...યુ રોક્ડ યાર...ચાલ હવે ફટાફટ મારું રિઝલ્ટ જો.' માન્યાનું રિઝલ્ટ જોઈને હવે પિયોની પણ પોતાની માર્કશીટ જોવા ઉતાવળી બની ગઈ. માન્યાને પિયોનીનો રિસીપ્ટ નંબર મોઢે હોવાથી તેણે ફટાફટ નંબર નાંખ્યો અને સબમિટ બટન પર ક્લિક કર્યું. બીજી જ મિનિટે કમ્પ્યૂટર સ્ક્રિન ઉપર પિયોનીની માર્કશીટ ખૂલી ગઈ હતી. પિયોનીએ 71 પર્સન્ટેજ મેળવ્યા હતા. ‘યસ!! યુપ્પી!! એટલીસ્ટ આઈ ગોટ ડિસ્ટીન્ક્શન!! પિયોનીએ તો વિચાર્યું જ નહોતું કે તેને ડિસ્ટીન્કશન આવશે. 60-65 ટકાની એવરેજ ધારીને બેઠેલી પિયોની 71 ટકા જોઈને બેડ ઉપર ઊભી થઈને કૂદવાં લાગી. માન્યા પણ પિયોની સાથે જોડાઈ ગઈ. બંને જણા પોતપોતાનાં રિઝલ્ટથી ખુશ હતાં.

‘માનુ...નાઉ વિ વિલ લીવ અવર કોલેજ લાઇફ. બહુ જ મસ્તી કરીશું. આખી કોલેજમાં ધમાલ મચાવીશું.' પિયોનીનો ઉત્સાહથી ખીલેલો ચહેરો જોઈને માન્યાનું દિલ ખૂબ ખુશ હતું કારણે કે પિયોનીની ઓરિજિનલ આઈડેન્ટીટીમાં તેનું કમબેક થઈ ગયું હતું. નાનીમાં પણ બંનેને નાચતા-કૂદતાં જોઈને હરખાઈ ગયા. ‘ચાલ પિયુ મારે હવે ઘરે જવું પડશે. મમ્મી-પપ્પા મારાં રિઝલ્ટની રાહ જોઈને બેઠા હશે. હું જઉં છું સાંજે મળું તને.' એમ કહીને માન્યા ફટાફટ નીચે ઉતરી ગઈ. ઘરે જઈને માન્યાએ જેવું તેના મમ્મી-પપ્પાને રિઝલ્ટ કહ્યું ઘરમાં ખુશીનો મહાલો છવાઈ ગયો હતો. તેનાં પપ્પા સુકેતુ ભાઈએ પહેલેથી ઘરમાં આઈસ્ક્રિમ લાવીને જ રાખ્યો હતો. માન્યાની ખુશીમાં ખુશ થઈને માન્યા અને તેનાં મમ્મી-પપ્પા ત્રણે જણાંએ મળીને આઈસ્ક્રિમ પાર્ટી કરી. ત્યારબાદ માન્યાએ ઘરવાળા સાથે મળીને ડિસ્કશન કર્યું કે હવે આગળ શું કરવું છે અને કઈ લાઇનમાં જવું છે. માન્યાએ મેનેજમેન્ટનો કોર્સ કરવાની પિતા સામે પ્રસ્તાવના મૂકી. આ કોર્સનાં ફાયદા તેમને સમજાવ્યા અને દીકરીની ખુશીમાં ખુશ સુકેતુ ભાઈએ દીકરીને જે ભણવું હોય તે ભણવાની પરમિશન આપી દીધી. માન્યાએ વિચારી લીધું હતું કે તેને એમબીએ કરવું છે. તેના માટે તેણે સારી બિઝનેસ મેનેજમેન્ટ કોલેજમાં એડ્મિશન લેવાનું વિચાર્યું. 3 દિવસ પછી કોલેજમાં એડ્મિશનની પ્રોસેસ શરૂ થવાની હતી. સાંજે પિયોનીએ પણ માન્યાને પોતાની ઈચ્છા જણાવી દીધી કે તે બી.કોમ કરવા માંગે છે.

‘માનુ, આપણે એક કોલેજમાં નહીં જઈ શકીએ.' માન્યા સાથે કોલેજ લાઇફ જીવવાનાં સપનાં જોતી પિયોનીને અંદાજો આવી ગયો હતો કે તેનાં અને માન્યા વચ્ચેનાં આટલાં મોટા પર્સન્ટેજ ગેપનાં કારણે બંને એક કોલેજમાં એડ્મિશન નહીં લઈ શકે. પિયોની આ વાતથી ઉદાસ થઈ ગઈ હતી. માન્યા પણ નિરાશ તો થઈ જ ગઈ હતી પણ બંનેમાંથી કોઈ કંઈ કરી શકે તેમ નહોતાં. ત્રણ દિવસ પછી એડ્મિશનની પ્રોસેસ શરૂ થઈ અને તેનાં બીજા બે દિવસ પછી દરેક કોલેજમાં મેરિટ લિસ્ટ બહાર પડ્યા. માન્યાએ તો જેટલી કોલેજમાં ફોર્મ ભર્યા હતાં દરેક કોલેજમાં તેનો નંબર લાગી ગયો હતો. જ્યારે પિયોની માટે અમુક કોલેજનાં જ વિકલ્પ બચ્યા હતાં. બીજા દિવસે જે કોલેજમાં એડ્મિશન લેવું હોય તે કોલેજમાં ફીઝ ભરી દેવાની હતી. તેથી પિયોનીનાં ઘરે આવીને બંને વિચારવાં લાગ્યા કે હવે ક્યાં એડ્મિશન લેવું? ‘પિયોની હું વિચારું છું કે આપણે બંને કે.જી.કોલેજ ઓફ કોમર્સમાં એડ્મિશન લઈએ.' બંનેને સાથે એક કોલેજમાં રહેવાય તે વિચારે માન્યા બોલી. ‘ના માનુ...તું ખરેખર બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે. તો તારી પાસે બહુ બધી સારી કોલેજનાં વિકલ્પ છે. તો તું તેને વેડફ નહીં અને જો મારા કારણે તું ના પાડતી હોય, કોઈ બીજી કોલેજમાં જવાનું, તો આવું બિલકુલ ના કરતી. આપણે ભલે અલગ કોલેજમાં હોઈશું કોલેજ લાઇફ તો સાથે જ એન્જોય કરીશું ડોન્ટ વરી.' પિયોની માન્યાને ઠપકો આપતા બોલી. ‘ઓકે મેડમ, જેવી તમારી આજ્ઞા.' માન્યા હસી પડી.

‘પિયુ મારી ઈચ્છા એચ.આર.કોલેજમાં એડ્મિશન લેવાની છે.' માન્યાનાં મોઢે એચ.આર.કોલેજનું નામ સાંભળતા જ પિયોની ચમકી ગઈ. ‘પણ ત્યાં તો....' પિયોની અટકી ગઈ. ‘ત્યાં અંશુમન ભણે છે, તું એ જ કહેવા માંગે છે ને.' માન્યાએ શાંતિથી જવાબ આપ્યો. ‘હા માન્યા, તું જાણે છે તો પણ તારે એ જ કોલેજમાં જવું છે.' અંશુમન યાદ આવતાં પિયોની ટેન્શનમાં આવી ગઈ. ‘એ જ્યાં પણ ભણતો હોય એમાં આપણે શું પિયુ અને તેં જ મને કીધું હતું કે તે તો સાયન્સ સ્ટ્રીમમાં છે અને હું કોમર્સમાં જઈશ.' માન્યાએ પિયોનીને સમજાવ્યું. ‘પણ માન્યા એ બંને કોલેજનું કેમ્પસ તો એક જ છે ને.' પિયોની પણ માન્યાને તે કોલેજમાં ના જવા દેવાની વાત પર અડગ રહી. ‘તને પણ ખબર છે કે એ કોલેજ નંબર વન કોલેજ છે. એ કોલેજમાંથી કેમ્પસ પ્લેસમેન્ટમાં પણ સારી સેલરી સાથે સારી જોબ ઓફર થાય છે એન્ડ યુ નો માય ડ્રીમ પિયુ.' માન્યા પણ આ વખતે તો પોતાની વાત મનાવવાં અડગ રહી અને આ વખતે માન્યાને પિયોનીની નહીં પણ પિયોનીએ માન્યાની જીદ માનવી પડી. ‘ઓકે બેબ્સ...તારી ઈચ્છા એ કોલેજમાં જવાની છે તો તું ત્યાં જ જજે બટ બિ કેરફુલ ફોર અંશુમન.' પિયોનીએ હિમ્મતથી કામ લઈને માન્યાને પરમિશન આપી દીધી. તે માન્યા માટે ખુશ તો હતી પણ સાથે તે જ કોલેજમાં અંશુમનનાં હોવાથી તેને થોડો ડર લાગી રહ્યો હતો. તો બીજી બાજૂ માન્યાનાં મગજમાં ક્લીયર થઈ ગયું હતું કે હવે અંશુમન સાથે કેવી રીતે બદલો લેવો. મગજમાં એક પ્લાન વિચારીને તે મનોમન હસી રહી હતી.

(શું ઓરિજિનલ માન્યા અને અંશુમનનો આમનો-સામનો થશે? માન્યા કઈ યોજના સાથે અંશુમનને સબક શીખવાડવાનું વિચારી રહી છે? કેવી રીતે શરૂ થશે માન્યા અને અંશુમનની રીવેન્જ સ્ટોરી જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)


Rate this content
Log in

Similar gujarati story from Drama