માનવતાનું ફળ
માનવતાનું ફળ
રાજનને સવારે મુંબઈ પહોંચવાનું હતું. ટ્રેનની રાહ જોઈને રેલવે સ્ટેશન પર બેઠો. મનમાં ગડમથલ ચાલતી હતી કે ત્યાં નોકરી મળશે કે કેમ ? અમદાવાદમાં ખૂબ પ્રયત્ન કરી જોયો, પણ ક્યાંય નસીબે સાથ ન આપ્યો. જાહેરાત વાંચી મુંબઈ ફોન કરીને પૂછ્યું તો ત્યાં હા પાડી, અને આજે તે મુંબઈ જવા નીકળ્યો.
રાજન ને ઘરમાં એક મા અને એક બહેન હતી, પિતા નાના હતો ત્યારે જ પ્રભુધામમાં જતા રહ્યા. માતાએ સ્કૂલમાં પટાવાળાની નોકરી કરી, તેને અને તેની બહેનને ભણાવ્યા. ઉંમર વધતા રાજનને થયું કે તે નોકરી કરે અને માતાને નિવૃત કરે, હવે તેની માતાની પણ ઉંમર થવાથી અને બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારી હોવાથી ઝાઝું કામ કરી શકે તેમ ન હતી. બહેન નાની હોવાથી ભણવાનું ચાલુ હતું.
રાજન આજનાં જુવાનીયાઓ જેવો છેલ છબીલો છોકરો ન હતો. નાની ઉંમરથી જ જવાબદારી તે સમજી ગયો હતો. વારે વારે, ઘડિયાળ તરફ જોતો, પણ ટ્રેન હજુ આવી નહોતી. સાંજનાં સાત વાગ્યાં હતાં. આકાશમાં વાદળો ખૂબ ઘેરાયા હતાં. વીજળીના કડાકા-ભડાકા સંભળાઈ રહ્યાં હતાં. રેલવેના પાટા પર તેના ચમકારા દેખાઈ રહ્યાં હતાં. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. રેલવે તરફથી જાહેરાત થઈ કે ટ્રેન બે કલાક મોડી આવશે, સાંભળી રાજાને ઊંડો નિસાસો નાખ્યો, અને પ્લેટફોર્મ પર આમથી તેમ ચક્કર મારવા લાગ્યો. વાદળોને કારણે જાણે રાત પડી ગઈ હોય અને ઘણો સમય થઈ ગયો હોય તેમ લાગતું હતું, તે ત્યાં ચા સ્ટોલ પર ગયો અને ચા મંગાવી પીધી, અને નોકરીનાં વિચાર કરતો ત્યાં ઊભો રહ્યો. એટલામાં તેણે જોયું કે એક બાંકડા પર ઉંમર લાયક વ્યક્તિ જાણે બીમાર હોય તેવું લાગ્યું. એક બે વખત તો નજર પછી હટાવી લીધી, પણ પછી તરત- " રાજનના મને કહ્યું કે કેવો છે, તું એક બીમાર લાગતો માણસ તારી સામે છે અને તું એને જોતો પણ નથી ? અરે ! ધિક્કાર છે ! તું માનવ નથી, તારામાં કોઈ માનવતા પણ નથી."
રાજન તરત જ પેલાં માણસ પાસે ગયો, હાથ લગાડી જોયું, તો તાવ ખૂબ હતો. રાજને એ માણસ ને પૂછ્યું " કાકા ! તમને તાવ છે. કોઈ દવા લીધી ? કોઈ તમારી સાથે છે ? હું કઈ મદદ કરું ? એકલા છો ? ક્યાં જવાના છો ? તમને દવાની જરૂર છે, હું તમને દવા આપું ?" રાજન તો ગભરાઈને તે વ્યક્તિને ઘણા સવાલ કરે છે પછી પોતાની બેગમાંથી દવા કાઢી તેમાંથી દવા આપી. પાણી સાથે પીવડાવી. થોડીવાર ત્યાં જ બેસી રહ્યો. લગભગ અડધો કલાક થયો હશે ને પેલા ભાઈને તાવ ઉતર્યા પછી બેઠો થયો, અને રાજનની સામે જોવા લાગ્યો.
રાજન :- "હવે તમને કેમ લાગે છે ? કયાં જવું છે."
પેલી વ્યક્તિએ કહ્યું," મુંબઈ જવું છે." પછી તો રાજનને એક સાથ મળી ગયો, આખી જિંદગી પિતા વિના તરસતો રહ્યો અને આજે એક ઉંમરલાયક વ્યક્તિ સાથે દોસ્તી થઈ ગઈ. બંને ટ્રેનમાં સાથે જ ગયા, આખા રસ્તે ખૂબ વાતો કરી, હસ્યાં, નાસ્તો કર્યો, અને જાણે સગા બાપ બેટા હોય તેમ સમય પસાર કર્યો. મુંબઈ આવતાં બંને છૂટાં પડ્યાં, એકબીજાને નંબર આપ્યા, ફોન પર વાત કરીશું કહી છૂટાં પડ્યાં.
રાજન ત્યાંથી સીધા નજીકની હોટલમાં ગયો, ફ્રેશ થયો, નિયત સ્થળે પહોંચવા હોટલમાંથી બહાર નીકળ્યો. ઇન્ટરવ્યૂ સ્થળે પહોંચી જોયું તો ઘણા બધા ઇન્ટરવ્યૂ આપવા આવ્યાં હતાં. તે લાઈનમાં બેઠો અને પોતાનો નંબર આવે તેની રાહ જોવા લાગ્યો. થોડીવારમાં નંબર આવ્યો, તેનો ઇન્ટરવ્યૂ સારો ગયો પણ તેને આશા થોડી ઓછી લાગી, છતાં ઇન્ટરવ્યૂનું પરિણામ જાણવા રોકાયો, થોડીવારમાં જ તેને કેબીનમાં બોલાવવામાં આવ્યો.
મિસ્ટર રાજન તમને નોકરી મળે છે. અને તે પણ અમદાવાદ, હા ! કંપનીની એક એક શાખા અમદાવાદમાં પણ છે. કંપનીના માલિકે જણાવ્યું આ નોકરી તમારા સર્ટિફિકેટ ને કારણે નથી મળી, અમને તમારામાં એક માનવ દેખાયો, ગઈ કાલે તમે અમારા પિતાજીને જે રીતે સાચવી અહીં સુધી લાવ્યા તેના બદલામાં નોકરી આપવામાં આવે છે. તમે માનવતા ધરાવનાર માણસની જરૂર છે.
આ જમાનામાં બીજા કોઈની તકલીફો કોણ દૂર કરે છે ? રાજન સમજી ગયો કે માનવતા બતાવીએ તો તેનું સારું ફળ મળે જ છે.
