માંત્રિક - ભાગ 3
માંત્રિક - ભાગ 3


"કેશા આ વખતે તું સૂરત જાય છે? જવાની હોય તો મારા માટે બોમ્બે માર્કેટથી થોડાં ડ્રેસ મટીરીયલ્સ લઇ આવજે. મારી મમ્મી મંગાવે છે."
"ના માનસી, આ વખતે હું સૂરત નથી જવાની હું અહીં હોસ્ટેલમાં જ રહેવાની છું. દિવાળી પછી એક્ઝામ છે તો હું અહીં રહીને જ મારુ વાંચવાનું કાર્ય કરીશ."
"સાચે જ ને, કે રાજને લીધે તું અમદાવાદ રોકાઈ રહી છે. એમ પણ રાજ તો તને મળવા આવ્યા જ કરશે સેટેલાઇટથી ઘાટલોડિયા." માનસી મને હંમેશા આ જ રીતે ટીઝ કરતી એટલે જ લગભગ હું રાજ તરફ એટલો પ્રેમ અનુભવાતી હતી. ખરેખર તો મારી આ લાગણીના ઉદ્ભવનું કારણ પણ એ જ હતી, એ જ હંમેશા કહેતી હતી કે રાજ ક્લાસમાં તને જ જોયા કરે છે અને આ જ વાતોને લીધે હું રાજને ધ્યાનમાં લેતી થઇ અને પછી અમારી દોસ્તી થઇ અને મારે માટે તો એ દોસ્તીએ ક્યારનો પ્રેમનો રંગ પકડી લીધો હતો."
"ડિયર, પછી ક્યાં ખોવાઈ ગઈ, ચાલ તું નહિ જવાની હોય તો કઈ નહિ મને તો મદદ કર પેકીંગમાં. " માનસી મને હળવું ટપારતા બોલી.
માનસીને મદદ કરતાં કરતાં હું સતત પેલા વિડીયો વિશે જ વિચારી રહી હતી. એમાં જણાવ્યા મુજબ આ સાધના દિવાળીથી શરુ કરી સતત સાત દિવસ કરવાની હતી, હું મનોમન એની જ તૈયારી કરવા માંડી. અમારી કોલેજથી થોડે દૂર જ એક પૂજાની સામગ્રી વેચતી દુકાન હતી. સાંજે ત્યાં જઈ મેં યક્ષિણી યંત્ર, નવા ગુલાબી વસ્ત્રો અને અત્તર બધું જ લઇ આવી હું.
"ઓએમજી" હું એક જ ઝાટકે સફાળી જાગી ગઈ. જોયું તો શિયાળાની શીતલહેરને કારણે ખૂલી ગયેલ બારી માનસી બંધ કરી રહી હતી. એમ પણ અમદાવાદમાં આવી રીતે રાતે ખૂબ જ ઠંડો પવન ફૂંકાતો હોય છે.
"કેશા,તું તો ખરી ડરપોક છે.બારીના ખખડાટથી ડરી ગઈ અને સાત દિવસ એકલી રહેવાની મારા વગર ? હા.. હા..હા "
માનસીની વાત સાંભળી મને પણ હસવું આવી ગયું પણ પછી એની વાતની ગંભીરતા સમજાઈ. હું તો એકલી રહેવાની જ નહિ પણ સાત રાત જાગીને સાધના કરવાની હતી, પણ પછી રાજનો વિચાર આવતા મારામાં હિમ્મત આવી ગઈ. મેં ફરીથી એ "સર્વજન મોહની યક્ષિણી સાધના"નો વિડિઓ જોયો. બાબા બાલુરામ ખૂબ જ સરળતાથી સમજાવી રહ્યા હતા તેમને શાબર મંત્ર આપ્યો હતો તે મેં એક કાગળમાં લખી લીધો.
સાધના યક્ષિણી દેવીની હતી, યક્ષની પત્ની. મુખ્ય દેવોથી પછીના ક્રમે આવતાં દેવ-દેવીઓ. આમ સાધના તો દૈવી સાધના જ હતી તેથી ખાસ ડરવાની જરૂર ન હતી. જો સાધના સફળ થાય તો તેના પ્રભાવે દરેક લોકો તમારી વાત ખૂબ સરળતાથી માનતા અને સમજતા થાય. મારે પણ તો રાજ પાસે મારા પ્રેમની વાત માનવી જ હતી.
બીજે દિવસે કેશાના જતાં જ, હું ફૂલો લઇ આવી તથા ભગવાનને મંદિરે જઈ મારી સાધના સફળ રહેવાના આશીર્વાદ માંગ્યા. હોસ્ટેલમાં આવી બધી સામગ્રી ભેગી કરી એક ટેબલ પર મૂકી દીધી કારણ કે આવતી કાલે દિવાળી અને મારી સાધનાનો પહેલો દિવસ.
( ક્રમશ : )