માંત્રિક-ભાગ 2
માંત્રિક-ભાગ 2
બપોરે જમીને થોડી વાર હજી તો હું માંડ સૂતી હોઈશ ત્યાં મારો ફોન રણક્યો.
"હેલ્લો,કેશા, શું કરે છે બેટા ?"
"મમ્મી કેટલા વાગ્યા? હું સૂતી હતી."
"કેમ તારા રુમમાં ઘડિયાળ નથી. 4 વાગ્યા છે. શું કર્યા કરે છે વાંચે તો છે ને બરાબર ?"
"હા મમ્મી, હજી હમણાં ઉઠી. તું શું કરે છે ? ઘરે બધા કેમ છે?"
"બધા સારા જ છે. આ રિદ્ધિ અહીં બેઠી છે અને તારા પપ્પા બહાર ગયા છે."
"બરાબર."
"સાંભળ, તારી કોલેજ પતવાને હજી કેટલી વાર છે ?"
"મમ્મી હજી તો બે દિવસ પછી દિવાળી છે એટલે કોલેજમાં ત્યાર પછી 10 દિવસનું વેકેશન છે."
અરે હા યાર વેકેશન હતું યેસ. હું તો કાલથી મારા મનમાં ચાલી રહેલી અવઢવને કારણે ભૂલી જ ગઈ હતી.- હું મનોમન જ બબડી રહી હતી.
"કેશા, શું કરે છે ? હું તને આ તારું કોલેજનું ત્રીજું વર્ષ પતવાને કેટલા મહિના બાકી છે એમ પૂછું છું.” મમ્મી અકળાઈને બોલી રહી હતી.
"સાત-આઠ મહિના તો ખરા જ દિવાળી પછી આ સેમેસ્ટરની એક્ઝામ છે અને પછી છઠ્ઠું સેમેસ્ટર અને તેની એક્ઝામ."
"સારું ચાલ, આ તો તારા મામાએ એક છોકરો જોયો છે. કેનેડા રહે છે. પોતાની કિરાના શોપ છે ત્યાં અને સારું ભણેલો પણ છે.ડિસેમ્બરમાં આવે છે કેનેડાથી. મામા કહે છે કે સારો છોકરો
છે કેશાને માટે, તારા ફોટા મોકલ્યા હતા, એને પસંદ પણ પડયા છે. એકવાર તું મળી લે જે એ છોકરાને જો તને ગમે તો સગપણ પાક્કું."
"પણ મમ્મી હજી તો બહુ વાર છે. મારે નોકરી કરવી છે. અત્યારમાં આ બધું?"
"હા બેટા એ તો એવું જ હોય જો પછી સારો છોકરો ના મળે તો?"
"ચાલ તું ભણવામાં ધ્યાન રાખજે અને સાચવજે, બાય બેટા." એટલું કહી મમ્મીએ તો ફોન મૂકી દીધો.
મમ્મીએ તો મારી વેકેશનની ક્ષણિક ખુશી પર ઠંડુ પાણી ઢોળી દીધું. દિવાળીનો ઉત્સાહ પણ જતો રહ્યો. મગજમાં વિચારો આવવા માંડયા કે જો આમ જ ચાલશે તો ડિસેમ્બરમાં સગાઇ થઇ જશે હજી રાજ પણ અમારી મિત્રતાને પ્રેમનું નામ નથી આપતો, પહેલ કરતાં મને પણ ડર લાગે છે. વળી સાથે રહેવાનો સમય પણ હવે ઝાઝો નથી રહ્યો ખાલી સાત-આઠ મહિના જ ! હું રાજ વગર ન જીવી શકું. મારી આંખોમાં તો અત્યારથી જ ઝળહળિયાં આવી ગયા. રાજ વગર રહેવું મારા માટે અશક્ય છે બિલકુલ અશક્ય.
તો શું હું આ સાધના કરી જોવ, સફળ જશે તો રાજ સાથે રહી શકીશ. મારા મગજમાં વિચારોના વંટોળ ઉઠયા. બધા વિચારો ખંખેરી મેં એ સાધના કરવાનો પાક્કો નિર્ણય કર્યો. સફળ થાય તો ઠીક નહિ તો હું જાતે જ રાજને કહી દઈશ મારા મનની વાત.
( ક્રમશ:)