Rakesh Thakkar

Classics Inspirational

4.2  

Rakesh Thakkar

Classics Inspirational

માલિક

માલિક

3 mins
556


      શેઠ સાહેબ,

આજે એક કંપનીનો માલિક છું એમાં આપનો આર્થિક નહીં પણ પ્રેરણાત્મક ફાળો અને આશીર્વાદ છે. આપની કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે મને કલ્પના ન હતી કે હું તમારી જેમ ઉદ્યોગપતિ બની શકીશ. હું તમારી કંપનીમાં એકાઉન્ટ સંભાળવા ઉપરાંત ધંધાના સોદામાં અને બીજા કામોમાં પણ એટલો જ મદદરૂપ થતો હતો. કંપનીના અન્ય કર્મચારીઓ મને તમારો ડાબો હાથ માનતા હતા. પણ મને એવી કલ્પના ન હતી કે મારી આટલી સારી કામગીરી છતાં તમે મારી કદર કરશો નહીં અને નોકરી છોડી દેવા માટે મજબૂર કરશો.

બે વર્ષ પછી મેં જ્યારે પગાર વધારવાની માગણી કરી ત્યારે તમે મને સારો પ્રતિભાવ આપ્યો નહીં અને મારા સહકર્મચારી કમ મિત્રને એમ કહ્યું કે વધારે નાણાં કમાવવા હોય તો મારે જાતે જ નાના પાયે ધંધો શરૂ કરી દેવો જોઇએ. મને એના કરતાં ઓછા પગારમાં બીજા માણસો મળી શકે એમ છે. એને ધંધો શરૂ કરવા મારી મદદની જરૂર હોય તો એ જણાવી શકે છે. તમારી આ વાત મને આંચકો આપનારી હતી. હું સ્વમાની હતો. મેં પણ નક્કી કરી લીધું કે હું તમને ધંધો કરીને બતાવી દઇશ.

મેં તમારી નોકરી થોડા જ દિવસમાં છોડી દીધી અને કેટલીક વસ્તુઓનો હોલસેલનો ધંધો શરૂ કર્યો. થોડા મહિનાઓમાં મેં મારું પોતાનું એક મોટું ગોડાઉન ખરીદી એના ઉદઘાટન કાર્યક્રમમાં પધારવા રૂબરૂ આવીને આમંત્રણ આપ્યું. પરંતુ તમે આવ્યા નહીં. મેં વિચાર્યું કે તમે મારી પ્રગતિથી ઇર્ષા કરવા લાગ્યો છો.

પછી હું સતત પ્રગતિ કરતો રહ્યો. મારા ધંધાનો વિકાસ થતો રહ્યો અને એ દિવસ આવી ગયો જ્યારે મેં પોતાની એક મોટી કંપની ઉભી કરી. હું ફરીથી તમને આમંત્રણ આપવા આવ્યો. પરંતુ તમે વ્યસ્તતાનું બહાનું કરી મળવાનું ટાળ્યું. મારી કંપનીનો ધંધો તમારી કંપની કરતાં બમણો થવાનો હતો. એનાથી તમને આંચકો લાગ્યો હશે એમ વિચારી હું ખુશ થતો હતો અને માનતો હતો કે મારી કંપનીના પ્રારંભના કાર્યક્રમમાં તમે પધારશો નહીં. અને ખરેખર જ એવું થયું. થોડા જ મહિનાઓમાં મારી કંપનીનું કામ ધમધમવા લાગ્યું. મારે ત્યાં તમારી કંપનીથી વધારે લોકો કામ કરવા લાગ્યા હતા.

આજે અચાનક તમે મારી કંપની પર આવ્યા અને મને જે વાતો કરી એ મારા માટે નવાઇ પમાડનારી હતી. તમે મને મારી પ્રગતિ માટે જ પગાર વધારવાની ના પાડી જાતે ધંધો શરૂ કરવાનું કહ્યું હતું. કેમકે ભૂતકાળમાં તમને તમારી યોગ્યતા જોઇને જીવનમાં આગળ વધવા કંપનીના માલિકે પગાર વધારવાની ના પાડી જાતે ધંધો શરૂ કરવાનો પડકાર ફેંક્યો હતો. અને તમે એ પડકાર ઝીલીને આગળ આવ્યા હતા. તમારી કંપનીનો હું સૌથી હોંશિયાર કર્મચારી હતો એટલે તમે એ ઇતિહાસને દોહરાવવા મને ધંધો કરવાનો પડકાર કે પ્રેરણા આપ્યા. અને હું પણ તમારી જેમ સફળ થયો છું એનો તમે આનંદ વ્યક્ત કર્યો.

તમે મને સતત અવગણીને આશીર્વાદ જ આપતા રહ્યા છો એ જાણી હું ભાવુક થઇ ગયો. તમારા જેવા શેઠ સૌ કોઇને મળે એવી પ્રાર્થના કરી છે. જો મને થોડો વધારે પગાર મળ્યો હોત તો હું તમારી કંપનીમાં જ હજુ નોકરી કરતો હોત. તમારી દીર્ઘદ્રષ્ટી અને બીજાને ઉપર લાવવાની લાગણીને હું બિરદાવું છું.

અને હા, હું મારા એક યોગ્ય કાર્મચારીને પણ આપણી જેમ જાતે ધંધો શરૂ કરી આગળ વધે એ માટે પ્રયત્ન કરવાનો છું. હું ઇચ્છું છું કે એ પણ આપણા ઇતિહાસનું પુનરાવર્તન કરે.

આપનો અભારી

એક સમયનો નોકર 


Rate this content
Log in

Similar gujarati story from Classics