Rakesh Thakkar

Inspirational Children

4  

Rakesh Thakkar

Inspirational Children

કાચ અને હીરો

કાચ અને હીરો

3 mins
542


પ્રિય પુત્ર

તારે કોલેજના ઉચ્ચ અભ્યાસ માટે બીજા રાજ્યમાં જવાનું થયું છે ત્યારે તને કેટલીક વાતો કહેવાનું મન થયું છે. જો હું તને મોઢે કહીશ તો એમાંની ઘણી વાતો ભૂલી જઈશ. તારા મોબાઈલમાં મેસેજ કરીને મોકલીશ તો એ કદાચ જાણતા–અજાણતા નીકળી જશે. પણ પત્ર સ્વરૂપે તારી પાસે લાંબા સમય સુધી સચવાશે.

તું બીજા રાજ્યમાં, બીજા માહોલમાં, બીજી સંસ્કૃતિમાં રહીશ એટલે જીવનચર્યામાં ઘણું પરિવર્તન કરવું પડશે. સમય સાથે જરૂર ચાલજે પણ એક વ્યક્તિ તરીકેનું સન્માન, આપણા પરિવારના સંસ્કાર, નીતિ-નિયમો વગેરેને ભૂલતો નહીં. તારે અભ્યાસ ઉપર તારું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. મિત્રો, મોબાઈલ, મસ્તી વગેરેથી ઉપર અભ્યાસમાં સિધ્ધિ મેળવવાનું તારું ધ્યેય રાખજે. આપણી પાસે પૈસા છે એનો અર્થ એ નથી કે એક વખત નાપાસ થઈશ તો વાંધો નહીં આવે. એમ કરવાથી પૈસા બરબાદ થશે એનાથી વધુ તારો કિંમતી સમય બગડશે. જીવનમાં એ સમય ક્યારેય પાછો આવશે નહીં.

તારે ભણીગણીને સફળ થવાનું છે. બીજા શું કરે છે એ જોવાનું નથી અને આપણાને એમના ચીલે ચાલવાનું કહે તો એમ કરવાનું નહીં. તારે સાચા લોકોને ઓળખવાના છે. અને સાચો હીરો બનવાનું છે. કોઈને ઓળખવાનું સરળ નથી. મને મારા દાદાએ કહેલી એક પ્રેરક કથા યાદ આવે છે. એક રાજાએ શિયાળાના દિવસોમાં મહેલની બહાર તડકામાં દરબાર ગોઠવ્યો હતો. રાજકાજની કાર્યવાહી ચાલતી હતી ત્યારે બીજા રાજ્યનો એક વ્યક્તિ આવ્યો. એણે રાજાની અનુમતિ લઈને દરબારીઓની બુધ્ધિમત્તાની પરીક્ષા માટે પોતાનો પ્રશ્ન રજૂ કર્યો. અને કહ્યું કે મારી પાસે બે એકસરખા ટુકડા છે. એમાં એક સાચા હીરાનો છે અને બીજો કાચનો છે. જો કોઈ દરબારી સાચો હીરો પારખવામાં સફળ થશે તો એ આ રાજ્યના ખજાના માટે આપી દઈશ. જો કોઈ એ હીરો પારખી નહીં શકે તો મને હીરાના મૂલ્ય જેટલી સોનામહોર આપવી પડશે. રાજાએ એની વાત માનીને દરબારીઓને જવાબ આપવા કહ્યું. દરબારીઓએ બારીકાઈથી બંને ટુકડાને જોયા પણ એ બે વચ્ચેનો ફરક તેમને દેખાયો નહીં. બંને અસલી હીરા જેવા જ લાગતા હતા. જો ખોટા ટુકડાને હીરો કહી દે તો એટલા મૂલ્યની રાજ્યની સોનામહોર જતી રહે. કોઈ દરબારીએ જવાબ ના આપ્યો એટલે રાજાએ પ્રજા સમક્ષ આ પ્રશ્ન મૂક્યો. એક વૃધ્ધ રાજા પાસે આવ્યા અને કહ્યું કે મને તક આપો હું બંને હીરા વચ્ચેનો ફરક ઓળખી બતાવીશ. રાજાએ એમને અનુમતિ આપી. વૃધ્ધે પોતાના અનુભવનો ઉપયોગ કર્યો. થોડીવાર સુધી બંને ટુકડાને તડકામાં મૂક્યા. બધાંએ જોયું કે બંને હીરા અસલી હોય એવા જ ચમકતા હતા. હવે વૃધ્ધ કેવી રીતે સાચો હીરો અલગ તારવી શકશે ? થોડીવાર એની સામે જ જોયા કર્યા પછી વૃધ્ધે બંને ટુકડા હાથમાં લઈ એક ટુકડો બીજા રાજ્યની વ્યક્તિને બતાવી કહ્યું કે આ સાચો હીરો છે. એ વ્યક્તિએ વૃધ્ધની પરખશક્તિના વખાણ કર્યા અને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી ? આ કામ બહુ મુશ્કેલ હતું. ત્યારે વૃધ્ધે કહ્યું કે મેં બંને હીરાની ચમક જોવા તડકામાં મૂક્યા ન હતા. મને ખબર હતી કે જે ટુકડો ગરમ થશે એ કાચનો હશે. કાચ ભારે તડકામાં ગરમ થઈ જાય છે. સાચો હીરો એવોને એવો જ શીતળ રહે છે. થોડીવાર પછી મેં બંને ટુકડા લઈ તપાસ્યા ત્યારે ખ્યાલ આવી ગયો કે ગરમ નથી થયો એ સાચો હીરો છે. રાજાએ વૃધ્ધની બુધ્ધિમત્તાની પ્રશંસા કરી. બેટા, આ પરથી તારે બીજું એ શીખવાનું છે કે માણસો વચ્ચેનો ફરક પણ આવી રીતે જ ઓળખી શકાય છે. જે વ્યક્તિ પરિસ્થિતિઓના તાપમાં પણ શાંત રહે છે એ સાચો હીરો છે. જે તાપમાં સ્વભાવથી ઉગ્ર થઈ જાય એ સામાન્ય કાચના ટુકડા જેવો છે. તારે આવો જ સાચો હીરો બનવાનું છે. સાચા હીરાનું મૂલ્ય હંમેશા વધારે જ હોય છે. તને સફળતા માટે મારા આશીર્વાદ અને શુભેચ્છાઓ.

લિ.તારા પિતા


Rate this content
Log in

Similar gujarati story from Inspirational