Rakesh Thakkar

Inspirational Children

3  

Rakesh Thakkar

Inspirational Children

બાપુનો આભાર

બાપુનો આભાર

2 mins
388


ગાંધી બાપુજી,

 હું આપને ભારત દેશના એક નાગરિક તરીકે આ આભારપત્ર લખી રહ્યો છું. દેશને આઝાદ કરાવવાની સાથે લોકોના જીવનનું ઘડતર કરવામાં તમારા જીવનનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. તમારું જીવન જ અતુલ્ય રહ્યું છે. તમારી આત્મકથા મને બાળપણથી જ જીવન જીવવાનું માર્ગદર્શન આપતી રહી છે. તમે 'સત્યના પ્રયોગો' લખીને માનવજીવનને એક અમૂલ્ય પ્રેરણા ભેટ આપી છે. તમે આઝાદી અપાવવાનો સત્ય અને અહિંસાનો જે માર્ગ બતાવ્યો એ રાજાનો નહીં પણ એક સંતનો હતો. આપણા દેશ પર રાજ કરતા અંગ્રેજોને પણ એક વ્યક્તિ તરીકે તમારી માનવતા માટે સલામ કરવાનું મન થાય એવો એ માર્ગ હતો. અને તમારા જીવનમાંથી લોકોને એટલા બધા માર્ગ સૂઝ્યા અને દિશાઓ મળી છે કે જીવન ધન્ય થઈ જાય. તમે પણ એક માનવી તરીકે કેટલીક ભૂલો કરી હોવાનો એકરાર આત્મકથા 'સત્યના પ્રયોગો' માં કર્યો છે. એ ભૂલોમાંથી જ અમે ઘણી પ્રેરણા મેળવી છે.

તમે સત્યનો જ માર્ગ પકડ્યો હતો. તમારો સત્યપ્રેમ મને હંમેશા પ્રેરણા આપતો રહ્યો છે. સત્યના માર્ગ પર ચાલીને મેં જીવનને સરળ બનાવી દીધું છે. સત્ય બોલ્યા પછી મન અને દિલને જે શાંતિ રહે છે એ કોઈની તોલે આવતી નથી. તમે આત્મકથામાં લખ્યું જ છે કે,'હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું. એ એક જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે.' તમે એમ પણ કહ્યું છે કે,'આ માર્ગ જોકે ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને એ સહેલામાં સહેલો લાગ્યો છે.'

તમારી આત્મકથામાં એવા અનેક પ્રસંગો છે જે આમ સામાન્ય લાગે પણ જીવનમાં પાઠ શીખવી જાય છે. એક વખત તમારે ત્યાં નારાયણ હેમચંદ્ર ધોતિયું અને પહેરણ પહેરીને આવ્યા. ઘરધણિયાણીએ બારણું ઉઘાડ્યું અને ઓળખાણ ના પડી એટલે તમારી પાસે આવીને બોલ્યાં કે, 'કોઈ ગાંડા જેવો માણસ તમને મળવા માગે છે.' તમે દરવાજે ગયા અને નારાયણ હેમચંદ્રને જોઈ આભા જ બની ગયા. તેમના મુખ પર રોજના જેવું જ હાસ્ય હતું. તમે પૂછ્યું કે,'પણ તમને છોકરાઓએ કનડગત ના કરી ? ત્યારે એમણે જવાબ આપ્યો કે,'મારી પાછળ દોડતા હતા. મેં કંઈ ધ્યાન ના આપ્યું એટલે તેઓ શાંત થઈ ગયા.' આ પ્રસંગ મને શીખવી ગયો કે કોઈની બિનજરૂરી વાત પર પ્રત્યાઘાત-પ્રતિસાદ ના આપીએ તો એ આપોઆપ શાંત થઈ જાય છે. જીવનના કોઈપણ તબક્કે આવા પ્રસંગ માર્ગદર્શન આપે છે. તમે આત્મકથામાં ધર્મવાર્તા સંભળાવતા રાયચંદભાઈ વિશે લખ્યું છે. આધ્યાત્મિક ભીડમાં તમે એમનો આશ્રય લેતા હતા તેમ છતાં લખ્યું કે,'રાયચંદભાઈ વિષે મારો આટલો આદર છતાં, તેમને હું મારા ધર્મગુરૂ તરીકે મારા હૃદયમાં સ્થાન ન આપી શક્યો. મારી એ શોધ આજ પણ ચાલુ છે.' આ વાત પરથી મને એ શીખવા મળ્યું કે કશું અંતિમ હોતું નથી. તમે આત્મકથાને સત્યના પ્રયોગોનું પુસ્તક ગણાવીને આ સંદેશ સૌથી પહેલાં જ આપી જ દીધો છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational