Rakesh Thakkar

Crime Inspirational Others

4  

Rakesh Thakkar

Crime Inspirational Others

પુસ્તકથી ચમત્કાર

પુસ્તકથી ચમત્કાર

3 mins
266


પ્રિય મિત્ર પુસ્તક,

મારા પર જો કોઇનું સૌથી વધારે અહેસાન હોય તો એ તારું જ છે. જીવનમાં હું આજે જે કંઇ છું એ તારા જ સાથ અને માર્ગદર્શનને કારણે છું. એમ કહેવાય છે કે લાકડી માણસના જન્મથી મૃત્યુ સુધી સાથ નિભાવે છે. હું પુસ્તક વિશે કહીશ કે એ માણસના જન્મ પહેલાંથી અને મૃત્યુ પછી પણ જરૂરી બની રહે છે. માણસ જ્યારે માના પેટમાં હોય છે ત્યારે તેને પુસ્તકના વાંચનથી સંસ્કાર મળવાનું શરૂ થઇ જાય છે. ગર્ભવતી સ્ત્રીઓ પોતાનું મન શાંત અને સ્વસ્થ રહે તથા બાળક જન્મ પહેલાં જ સારું જ્ઞાન ગ્રહણ કરે એવા શુભ આશયથી પોતે ધાર્મિક પુસ્તક વાંચે છે કે કોઇ દ્વારા થતું પુસ્તક વાંચન સાંભળે છે. માણસ મૃત્યુ પામે એ પછી તેના આત્માની શાંતિ માટે ક્યાંક ગીતાપાઠ તો ક્યાંક ગરુડપુરાણનું વાંચન થાય છે.

જન્મ પછી ડગલે ને પગલે પુસ્તક માણસની સાથે સાથે રહે છે. વિદ્યાર્થીકાળમાં અભ્યાસ ઉપરાંત આખી દુનિયાની માહિતી અને મનોરંજન તારા સિવાય અધિકૃત રીતે આપી શકે એવું સરળ માધ્યમ મને તો કોઇ લાગ્યું નથી. પુસ્તકોએ કેટલાય લોકોની જિંદગી બદલી નાખી છે. જીવનમાં સૌથી મોટો ગુરૂ જો કોઇ હોય તો એ પુસ્તક જ છે. મારા જીવનને સુંદર અને પ્રગતિમય બનાવવા માટે તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. મને પુસ્તકોની દુનિયામાં ખોવાઇ જવાનું મન થાય છે. દરેક વ્યક્તિને એના રસના પુસ્તકો મળી રહે એટલું વિષયોનું વૈવિધ્ય છે.

પુસ્તકનું વાંચન કોઇના પણ જીવનને સમૃધ્ધ બનાવી શકે છે. ઘણા એવા પણ લોકો છે જેઓ પુસ્તકનું મહત્વ સમજતા નથી અને તેનો લાભ ઉઠાવી શકતા નથી. મારા મિત્રને મોડે મોડે પણ પુસ્તકનું મહત્વ સમજાયું હતું. મિત્રને પુસ્તકો વાંચવાનું બિલકુલ ગમતું ન હતું. અભ્યાસના પુસ્તકો મજબૂરીમાં વાંચતો હતો. તે ભણીગણીને સારી નોકરીએ લાગી ગયો.

એ પછી પુસ્તકને સાવ ભૂલી ગયો હતો. હું જાણતો હતો કે એને પુસ્તક વાંચવાનો બિલકુલ શોખ કે ઉત્સાહ નથી છતાં મેં એના લગ્ન પ્રસંગે એક મોટી ભેટ આપવા સાથે એક કિમતી પુસ્તકની પણ ભેટ આપી હતી. મારી ધારણા પ્રમાણે જ એણે એને ઘણા વર્ષ સુધી હાથ લગાવ્યો નહીં. તેણે પોતાની એ નબળાઇ મારી સમક્ષ વ્યક્ત કરી હતી અને માફી માગી હતી.

એક સમય એવો આવ્યો કે તેને પત્ની સાથે મતભેદ થઇ ગયો. સગા-સંબંધીઓ અને મારા જેવા અનેક મિત્રોએ બંનેને સમજાવ્યા પણ છૂટાછેડા લેવાનો તેમનો નિર્ણય અફર રહ્યો. બંને એવા મોડ પર આવી ગયા હતા કે ઇચ્છતા ન હોવા છતાં છૂટા પડવા સિવાય કોઇ રસ્તો ન હતો. છૂટાછેડાના કાગળો તૈયાર થતા હતા ત્યારે મેં એને વિનંતી કરી કે લગ્ન વખતે મેં તને પુસ્તક આપ્યું હતું એનું એક પ્રકરણ વાંચી જોજે. સારી વાત એ બની કે બંનેએ સાથે બેસીને એ પુસ્તક વાંચ્યું. એમાં દામ્પત્ય જીવનની સમસ્યાઓ અને ઉકેલની ઉદાહરણો સાથે વાતો હતી. બંનેએ એ પુસ્તક આખું વાંચીને મને કહ્યું કે પુસ્તકે ચમત્કાર કર્યો છે. અમને અમારી ભૂલ સમજાઇ છે. અમારી વિચારસરણી સુધારીએ તો સાથે રહી શકીએ છીએ. અને એ માટે થોડો સમય રાહ જોવી જોઇએ.

મને કહેતાં આનંદ થાય છે કે એ પુસ્તકને કારણે મારા મિત્રનું તૂટવાની અણી પર આવેલું દામ્પત્ય જીવન બચી ગયું. સાચી રાહ બતાવનાર એ પુસ્તકને બંને આજે ભગવાનની જેમ પૂજે છે. એટલું જ નહીં એમણે સારા પુસ્તકો વાંચવાનો શોખ કેળવી લીધો છે. મારું માનવું છે કે તારો પ્રભાવ જીવનભર દરેકના વ્યક્તિત્વ પર રહે છે. પુસ્તકથી માણસ માત્ર અભ્યાસની પરીક્ષામાં જ નહીં જીવનની પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થાય છે. જ્યારે પુસ્તકથી કોઇનું જીવન બદલાયું છે કે એનાથી લાભ થયો છે એવું જાણું છું ત્યારે તને માથા પર મૂકી નાચવાનું મન થાય છે.

તારો વાચક

રાકેશ ઠક્કર


Rate this content
Log in

Similar gujarati story from Crime