Rakesh Thakkar

Children Stories Inspirational

4  

Rakesh Thakkar

Children Stories Inspirational

કથીરમાંથી કંચન

કથીરમાંથી કંચન

5 mins
672


માનનીય પ્રોફેસર સાહેબ,

તમે સમયસર મને ઉગારી લીધો ના હોત તો આજે હું કદાચ જેલની હવા ખાતો હોત. તમે મારા પ્રત્યે હેત દાખવીને દિશા બતાવી ના હોત તો મારા જીવનમાં આ પરિવર્તન આવ્યું ના હોત. હું ભણવામાં ધ્યાન આપતો ન હતો. ખરાબ મિત્રોની સોબતમાં હતો. કોલેજમાં અમારી ટોળકીએ એટલા માટે પ્રવેશ મેળવ્યો હતો કે અમને ત્યાં આવવા-જવાનું લાયસન્સ મળી જાય. કેમકે અમારી ટપોરીગીરી માટે અમે આમ તો કોલેજમાં આવી શકતા ન હતા. હું મારા મિત્રોની દેખાદેખી અને પ્રોત્સાહનથી પોતાને મોટો ટપોરી સમજવા લાગ્યો હતો. મને જ્યારે કોઇ 'ગલીનો ગુંડો' કહે ત્યારે એ વાતનું ગૌરવ થતું હતું.

મને કોઇ રોકનારું કે ટોકનારું ન હતું. હું પાંચમા ધોરણમાં હતો ત્યારે જ માતાનું અવસાન થયું હતું. પિતા એમના ધંધામાં એટલા વ્યસ્ત રહેતા હતા કે મારા પર ધ્યાન આપી શકતા ન હતા. બીજા સગા-સંબંધીઓ ક્યારેક પિતાને મારી ફરિયાદ કરતા હતા. પણ હું એમને પટાવી લેતો હતો. પછી 'ભેંસના શિંગડા ભેંસને ભારે' એમ વિચારીને સંબંધીઓએ મારા વિશે ફરિયાદ કરવાનું બંધ કરી દીધું હતું. મને તો ખુલ્લુ મેદાન મળી ગયું. વળી હું દરેક ધોરણમાં પાસ થઇ જતો હતો.

પિતા માનતા હતા કે હું સારો અભ્યાસ કરી રહ્યો છું. એમને ખબર ન હતી કે દર વર્ષે ચોરી કરીને હું પરીક્ષામાં પાસ થતો હતો. પ્રાથમિક શાળાના ભલા શિક્ષકોને પણ અમારો ડર લાગતો હતો. એમણે અમને સારા માર્ગે વાળવાનો પ્રયત્ન કર્યો ત્યારે અમે એમને હેરાન કર્યા. એ વાતનો આજે અફસોસ થાય છે. ત્યારે મને એવા મિત્રો મળી ગયા હતા કે ધમાલ-મસ્તી અને ટપોરીવેળામાં જ મારો મોટાભાગનો સમય વ્યતીત થતો હતો. બાકી મા જીવતી હતી ત્યારે હું એક સારો છોકરો હતો. તે મને ભણીગણીને મોટો માણસ બનવાનું સપનું બતાવતી હતી. એમના અવસાન પછી હું ભણીગણીને એમનું નામ રોશન કરવાને બદલે બૂરી સંગત પામીને એમનું નામ માટીમાં મેળવવાનું કામ કરી રહ્યો હતો.

હું ભણીગણીને મોટો માણસ બનવાને બદલે મોટો ગુંડો બનવાની તાલીમ લઇ રહ્યો હતો. મારા મિત્રો કહેતા હતા કે પોલીસ પણ ગુંડાઓથી ડરતી હોય છે. મેં મારું બધું જ ધ્યાન અભ્યાસને બદલે ગુંડાગર્દીના પાઠ શીખવામાં લગાવી દીધું હતું. મને સાહિત્યમાં કોઇ સમજ પડતી ન હતી. કેમકે અમારી ભાષા જ અલગ હતી. અમારી ટપોરી ભાષાનું અમને અભિમાન હતું. ફિલ્મોના અનેક વિલનોની અમે નકલ કરતા હતા. કોલેજમાં અમારી ધાક વધી રહી હતી. કોલેજના આચાર્ય પણ અમારી હરકતોથી નારાજ હતા. તે અમારી પર પગલાં લેવા માગતા હતા પરંતુ અમારી સાથે જે છોકરાઓ હતા એમાં બે-ત્રણ કોલેજના ટ્રસ્ટીના અને બીજા તેમના સગાંના છોકરા હતા. એમના માટે અમારા પર કાર્યવાહી કરવાનું સરળ ન હતું.

તમે જ્યારે મારા વિશે જાણ્યું ત્યારે મારા પર ગુસ્સાને બદલે દયા આવી હતી. કેમકે હું એક ગરીબ ઘરનો છોકરો હતો અને માલેતુજાર છોકરાઓ સાથે ખોટા રસ્તે જઇ રહ્યો હતો. તમે જ્યારે જાણ્યું કે વર્ષોથી હું આવો ટપોરી બની ગયો છું ત્યારે તમે મને સમજાવવાને બદલે એક વાત કરવા બોલાવ્યો. હું એકલો મળવા ગયો ત્યારે મારા વખાણ કર્યા. મને નવાઇ લાગી. હું કોઇ સારું કામ કરી રહ્યો ન હતો અને છતાં તમે મારા વખાણ કરી રહ્યા હતા. તમે મારા શરીર સૌષ્ઠવ, શારિરીક શક્તિ, ચપળતા અને ઉત્સાહના વખાણ કરી કહ્યું કે તું એક દિવસ ગૌરવનું કામ કરીશ. મેં તમને પૂછ્યું કે હું તો ગુંડો છું. મારું કામ તો એવું છે કે જેલમાં જવું પડે. એ વાતની મને કોઇ સમસ્યા ન હતી. કેમકે એ સમય પર મને જેલમાં જવાનું થાય તો પણ ગૌરવ જેવું લાગતું હતું. કેમકે જેલમાં ગયા હોય એવા જ ટપોરીઓની મોટા ગુંડાઓમાં કિંમત થતી હતી.

તમે મને કહ્યું કે તારા લાયક તને એક નોકરી મળી શકે એમ છે. તમે એક અખબારમાં આવેલી પોલીસ કોન્સ્ટેબલની નોકરીની જાહેરાત બતાવીને એ માટે પ્રયત્ન કરવા કહ્યું. મેં એ વાતને હસી કાઢી. અને કહ્યું કે પોલીસ વિભાગ ગુંડાઓને પકડવાનું કામ કરે છે નોકરી આપવાનું નહીં. તમે કહ્યું કે તારી પાસે ક્યાં કોઇ ગુંડો હોવાનું પ્રમાણપત્ર છે ? તારા ધોરણ બારના સર્ટિફિકેટ પર તું આ નોકરીની પરીક્ષા આપી શકે છે. આ નોકરી માટે જે શારિરીક-માનસિક હિંમત અને શક્તિના ગુણો હોવા જોઇએ એ બધા જ તારામાં છે. અને રહી વાત સામાન્ય જ્ઞાનની તો એ પૂરું પાડવાનું કામ હું કરીશ. હું તો તમારી વાત સાંભળીને આભો જ બની ગયો હતો. તમે મને પોલીસ અને ગુંડો એ બે વચ્ચેના ભેદ સમજાવ્યા. કયામાં ભવિષ્ય સારું છે એ પણ સમજાવ્યું. મેં બે દિવસ તમારી વાત પર વિચાર કર્યો. મને મારી મા સાંભરી. મને થયું કે પોલીસ બનવાથી એનું સપનું પૂરું થાય એમ છે. અને હું મારા મિત્રોની સંગત છોડીને પોલીસની પરીક્ષા માટે મચી પડ્યો.

તમારા સાથ અને સહકારથી હું શારીરિક અને લેખિત બંને પરીક્ષામાં પાસ થઇ ગયો અને પોલીસ કોન્સ્ટેબલની નોકરી પણ મળી ગઇ. જ્યારે મેં પોલીસની વર્દી પહેરી ત્યારે મને તમે કહેલા બધા ફરક સમજાયા. હું ટપોરી હતો ત્યારે લોકો મારા પ્રત્યે ગુસ્સાની લાગણી વ્યક્ત કરતા હતા. જ્યારે પોલીસ તરીકે મને માન આપતા હતા. ત્યારે મારા હાથમાં જે હોકી સ્ટીક રહેતી હતી એ લોકોને ડરાવવા-ધમકાવવા હતી. અત્યારે મારી પાસે જે લાકડી અને બંદૂક છે એ લોકોની રક્ષા માટે છે. જો હું ટપોરી બની રહ્યો હોત તો પોલીસ લોકઅપમાં ગોંધાવાનો વારો આવ્યો હોત. આજે એ જ પોલીસ મથકમાં હું મુખ્ય અધિકારી તરીકે છું.

તમે મારા જીવનમાં આમૂલ પરિવર્તન લાવી દીધું. જો તમે મને સાચો રસ્તો બતાવ્યો ના હોત તો આજે મારું નામ ચોરી-લૂંટ કે મારામારીના કેસમાં છાપે ચઢતું હોત. પણ આજે હું ગુનેગારોને પકડું છું ત્યારે અખબારોમાં મારી કામગીરીની પ્રશંસા થાય છે. હું પોતે એક ગુંડામાંથી પોલીસ બન્યો છું અને આજના યુવાનોની માનસિક્તાથી પરિચિત છું એટલે 'યુવા માનસ પરિવર્તન' નામનું એક અભિયાન શરૂ કર્યું છે. જે યુવાનો સંજોગો કે અન્ય કોઇપણ કારણે ગુનાખોરીના રવાડે ચઢી ગયા હોય તો એમને એ રસ્તેથી પાછા ફરવા મદદરૂપ થઉં છું. મારી આ પ્રવૃત્તિના શુભ ફળ બહુ જલદી આવ્યા છે. મારી આ કામગીરીને કારણે અનેક યુવાનો ખોટા માર્ગેથી પાછા ફર્યા છે. એને ધ્યાનમાં લઇ આ વર્ષે સ્વતંત્રતા દિવસે રાજ્ય સરકાર તરફથી મને સોનાનો સિક્કો આપીને સન્માન કરવામાં આવ્યું છે. આ સોનાનો સિક્કો હું આપને અર્પણ કરું છું. કેમકે મને કથીરમાંથી કંચન બનાવનાર આપ જ છો.

લિ. આપનો ઋણી શિષ્ય


Rate this content
Log in