Leena Vachhrajani

Drama Romance Thriller

4  

Leena Vachhrajani

Drama Romance Thriller

માઈગ્રેશન

માઈગ્રેશન

6 mins
564


ઉબરમાં બેઠેલી રમ્યાને જેમ જેમ ડેસ્ટિનેશન નજીક આવતું ગયું એમ એમ મનમાં એક અજબ મનોમંથન ચાલવા લાગ્યું. એક અલગ અકળામળ એને થવા લાગી. 

“શું હશે? અત્યારની પરિસ્થિતિ કેવી હશે?”

સમયના ઘણા મોટા અંતરાલ બાદ પોતાના જ ઘરમાં ગૃહપ્રવેશની પળ રમ્યાને ખુદને બહુ ભારે લાગી રહી હતી.

ટેક્સીના પૈસા ચૂકવી, બેગ લઇ, આંગણામાં પ્રવેશતાં તેણે ચારે તરફ જોયું. લીલોછમ રહેતો બાગ અત્યારે સૂકા રણ જેવો ભાસતો હતો. ભારે હૈયે તે ઘરમાં આવી. પણ ઘરની બંધિયાર હવામાં તેને હજી પણ એ જ આત્મિયતાનો અનુભવ થયો.

બેગ મુકી,દરવાજો બંધ કરી, તેણે ઘરના રાચરચીલા પર એક નજર નાખી. કેટલીય યાદો તેને ઘેરી વળી.

“ક્યાંથી શરુ કરવું?”

શ્રેયની સાથે આંગણામાં બાંધેલા ચકચકાટ પિત્તળના આંકડીયાવાળા હીંચકે ઝુલતાં ગાયું હતું એ ગીત..

“ચલો દિલદાર ચલો ,ચાંદકે પાર ચલો---હમ હૈં તૈયાર ચલો...”

વરંડામાં વરસાદી મોસમમાં ભિંજાવું અને ગરમાગરમ ભજીયાં અને મસાલાવાળી ચાની જ્યાફત ઉડાવાતી હતી એ દ્રશ્ય રમ્યાની નજર સામે સાક્ષાત ખડું થયું.

ડ્રોઇંગરુમમાં સંખેડાનું સુંદર આકર્ષક રાચરચીલું અને એમાં શ્રેયનો શોખીન સ્વભાવ.

હા,રમ્યાની રખાવટ પણ બહુ ચોક્કસ. બન્નેએ મળીને ઘરને ખુબ દિલથી સજાવ્યું હતું.

દિવાનખંડમાંથી જમણી તરફ જાવ એટલે પકવાનખંડ મતલબ રસોઈઘર કે કીચન આવે. રમ્યા પોતે હોમસાયન્સની સ્ટુડન્ટ એટલે પાકકલા એનો મનગમતો વિષય અને એમાંય પાર્ટનર સુગંધથી સમજી જાય એવો શોખીન મળ્યો એટલે એ હંમેશાં નિતનવા પકવાન બનાવવામાં મસ્ત રહેતી. એના હાથમાં પણ અન્નપૂર્ણાના આશીર્વાદ તે એ જે વ્યંજન બનાવે એમાં મહેમાન આંગળાં ચાટી જાય એવો સ્વાદ હોય અને દરેક પાર્ટી પછી શ્રેય 

આફરીન આફરીન હોય..

ડ્રોઇંગરુમથી ડાબી બાજુ શયનખંડ આવે. 

 રમ્યાએ શ્રેયની મહારાણી બનીને ગૃહપ્રવેશ કર્યો હતો ત્યારે શ્રેયે શયનખંડની ઓળખાણ આપતાં કહ્યું હતું કે, 

“આવ મારા ઘરની અને દિલની મલિકા, આખા ઘરમાં બધાની અવરજવર રહેશે પણ આ ઇલાકામાં માત્ર તારી હુકુમત ચાલશે.”

ઘરમાં એક બીજો બેડરુમ પણ ખરો જે ગેસ્ટરુમ તરીકે વપરાતો.

આખા ઘરમાં રમ્યા અગણિત યાદો સાથે ફરતી રહી.

કેટલીકવાર સવારે રમ્યા આંગણામાં તુલસીક્યારે દીવો કરતાં ગણગણતી હોય,

“જબ ઉજિયારા છાયે,મનકા અંધેરા જાયે,

કિરનોં કી રાની આયે, જાગો હે મેરે મનમોહન ...”

 અને પછી હળવેથી શ્રેયને કહે જાગો મોહન પ્યારે --

કોઇવાર ઘરકામ ચાલતું હોય, રસોઇમાં કંઇક સરસ બનતું હોય ત્ચારે મુડથી ગાતી હોય, અને એ પૂરું થાય ત્યાં સોડમથી ભરપુર ડીશ તૈયાર હોય એટલે શ્રેય પાસે જઇને ચમચી ભરીને એના મોઢામાં સરકાવીને મસ્તીથી ગાય-- “સપનાનાં વાવેતર..સપનાનાં વાવેતર...”

પણ..અરેરે..!

ક્યાં ગયાં એ સપનાં! થંભી ગયેલો હિંડોળો, બંધિયાર હવા, સુક્કો તુલસીક્યારો, ચીસો પાડતું એકાંત..

રમ્યા બે હાથે માથું પકડીને સંખેડાના સોફા પર બેસી પડી.

શ્રેય તેં એવું કેમ કર્યું! બે વર્ષ પહેલાં શ્રેયને કરેલો સવાલ આજે પણ ફેણ પછાડીને ઉભો થયો.

સાથે હતી એ વોટરબેગમાંથી પાણીનો ઘુંટ ભરીને સહેજ આંખો પર ભીનો હાથ ફેરવી રમ્યા સોફા પર બેસી રહી.

પિકચરના રિલની જેમ યાદ પસાર થવા માંડી.

શ્રેય સરસ, સુઘડ, આશાવાદી, મહાત્વાકાંક્ષી યુવાન. મેનેજમેન્ટનો માણસ એટલે માસ્ટર્સ કર્યા પછી પ્લેસમેન્ટ પણ મલ્ટી નેશનલ કંપનીમાં થઇ ગયું. સરસ ઘર, સરસ જોબ, સરસ લાઈફ પાર્ટનર -- મજ્જાની લાઈફ ચાલતી હતી.

આનાથી વધુ શું હોય? પણ સમયના ખોળામાં કેટલા યુ ટર્ન જિંદગીના હાઇ-વે પર હોય છે એ તો ટર્ન આવે ત્યારે જ મહેસુસ થાય.

લગ્નની પાંચમી એનીવર્સરી શ્રેય અને રમ્યાએ ખુબ દમામભેર ઉજવી. આગલી રાતે બાર વાગે ફ્રેન્ડ સર્કલ સાથે કેકકટીંગ ને મસ્તી. બસ નક્કી કર્યું હતું કે દિવસ આખો માત્ર આપણે બે. મેઇડ ફોર ઇચ અધર..

મોર્નિંગ વીશ વીથ રેડ રોઝીઝ-- લન્ચ પછી મુવી. બપોરે ઘેર આરામ ને કબૂતરની જેમ પ્રેમમાં-- સાંજે રમ્યાએ ઘરના બગીચામાં કેન્ડલલાઇટ ડીનર પ્લાન કર્યું હતું. આમ આખો મેરેજ ડે બધાના ફોન અને જન્નત જેવી ફિલિંગમાં ઉજવાયો.

બીજા દિવસથી ફરી રુટીનમાં. રમ્યા એના કીચન ને ઘરમાં મસ્ત અને શ્રેય એની જોબના ટારગેટ પૂરા કરવામાં વ્યસ્ત. હા, પ્રેમ વહેતો રહ્યો. પણ..

છેલ્લા કેટલાક સમયથી શ્રેય નિરુત્સાહ દેખાય. રમ્યાને પહેલાં એમ થયું કે કામના બોજને લીધે થાક લાગે છે. પણ એની ઉદાસીનતા શબ્દોમાં રજૂ થવા લાગી.પહેલાં પરફેકટ લાગતી રમ્યા એને દેશી લાગવા માંડી. 

રાતે કોઇ વાર એમ બોલવામાં આવી જાય કે,

“તું સ્ટાઇલમાં પાછળ છે. અમારી ઓફિસમાં લેડીઝ છે એ ઘર સાથે પોતે પણ અપ ટુ ડેટ રહે છે. મોર્ડન લાઇફ કોને કહેવાય એ તું શીખી જ નથી. રસોડામાં ચાર વાનગી બનાવીને ઘર સાચવવું એ કંઇ બહુ મોટી વાત ન કહેવાય. હાઇ સોસાયટીની પેટર્ન આવડવી જોઇએ. 

રમ્યા પ્રયાસ કરે કે શ્રેયને ખુશ કેવી રીતે રાખે પણ આડંબરની ઔપચારિક દૂનિયામાં અંજાઇ ગયેલા શ્રેયની આંખો પર કૃત્રિમ ચમકદમકની પટ્ટી ફિટ મ ફિટ બંધાઈ ગઇ હતી. લવબર્ડ્સ કહેવાતા કપલની વચ્ચે વિચાર તફાવત વધતો ચાલ્યો.

રમ્યા દુ:ખી થતી ચાલી પણ મા-બાપના સંસ્કાર અને દરેક પરિસ્થિતિમાં સ્થિર રહી માર્ગ શોધવાની એની આવડત દુનિયાની બધી હોંશિયારીથી વધુ હતી.

શ્રેયની સરખામણી કરવાની વૃત્તિ વધુ કટ્ટર બની હતી. વાતવાતમાં રમ્યાને ઉતારી પાડે. હવે એને રમ્યામાં કંઇ જ સારું નહોતું દેખાતું. વાતવાતમાં અલગ થવાનો અછડતો ઉલ્લેખ થવા માંડ્યો.

રમ્યા રોજ જ ઇશ્વર સમક્ષ આ સમસ્યાનું સમાધાન માંગતી. એક દિવસ એને પ્રકાશ દેખાયો. રાતે એઝ યુઝવલ સરસ ડીનર રેડી કરીને રમ્યાએ શ્રેયને ટેબલ પર આમંત્ર્યો.

જમવાનુ પુરું થયું ત્યાં સુધી રમ્યા 

શ્રેયની રોજની ખાટી-મીઠી, કડવી વાત કોળિયા સાથે ઉતારતી રહી. શ્રેયને પ્રેમથી જમાડી મુખવાસ આપતાં એનો હાથ પકડીને બોલી, 

“આજ મારે તને કંઇક કહેવું છે.”

“ તારે શું નવું હોય! એ જ મરી મસાલા કે ઘરસફાઇની વાત હશે.”

“ના આજે કંઇક અલગ કહેવું છે.”

ફરી ઉપાલંભભરી દ્રષ્ટિથી શ્રેય બોલ્યો,

“ કહે શું કહેવું છે? આજ હું ય સાંભળું તારી નવી વાત.”

રમ્યાએ ઇશ્વરને મનોમન યાદ કરીને દ્રઢ અવાજે શરુ ક્યું ,

“જો ડીઅર , છેલ્લા કેટલાક સમયથી તારો અણગમો મને સમજાય છે. હું કદાચ લુકમાં અલ્ટ્રામોર્ડન નથી, વિચારમાં નથી પણ હું દિલ અને દિમાગથી વધુ મોર્ડન છું. કોઇને દેખાદેખીથી એક જ માપકોણથી મુલવવું એ વધુ સંકુચિતતા છે. જે જેવું છે એને પોઝીટીવ વે માં સ્વીકારીએ એ સહુથી વધુ આધુનિકતા કહેવાય એમ હું માનુ છું. હું મનની આધુનિકતાને વધુ પ્રાધાન્ય આપું છું. જો તમે ઉચ્ચ ભણતરનો દાવો કરતા હો તો સમાજના આ કહેવાતા મોર્ડન ગાડરીયા પ્રવાહનું મુલ્યાંકન કરતાં આવડવું જોઇએ.”

હવે શ્રેયની ભ્રમર ઊંચી થઈ..

“એટલે?”

“મને એમ લાગે છે કે આ માત્ર તારી અને મારી અંગત બાબત છે. આપણે પ્રેમ બે જ જણ શેર કરીએ તો સમસ્યા પણ આપણે બે જ વચ્ચે શેર થશે. 

તને ગમે ત્યારથી આપણે વધુ નહીં બે વર્ષ એકબીજાથી અલગ રહીને પરખ કરી લઇએ. કોઇ જ ઝગડો નહી, કોઇ જ પૂર્વગ્રહ નહી. સમતોલ લાગણીથી બે વર્ષ એકબીજા માટે વિચારવાનો સમય આપીએ. બરાબર બે વર્ષ પછી આજના દિવસે આપણા આ સ્વર્ગ સમાન ઘરમાં પાછા ફરીશું. જો આપણા બેમાંથી કોઇ એક આ દિવસે નહી આવે તો બીજું સમજી જશે કે પ્રયોગાત્મક અલગતા હવે કાયમી સ્થાન લઇ ચુકી છે. સમાજમાં એકમેકની સામે આક્ષેપ કર્યા વગર બિલકુલ સન્માનનીય વિચ્છેદ સ્વેચ્છાએ સ્વિકારી લઇએ એ જ અતિઆધુનિક વિચારધારા કહેવાય” અને...બીજે દિવસે સવારે બે બેગ પેક થઇ. કડવો નિર્ણય ન આવે એ મનની ખ્વાઇશ સાથે બંને અલગ થયાં.

રમ્યા શ્રેયના શ્રેયની પ્રાર્થના કરતી રહી. શ્રેય રમ્યા સાથે વિતાવેલી સુંદર પળ વાગોળતો રહ્યો અને બે વર્ષ દરમિયાન પોતાને જે કડવા અનુભવ આધુનિકતાના નામે થયા એ દિલમાં જમા કરતો ગયો.

રમ્યાની આધુનિકતા વિશેની આધુનિક સમજ, એની પ્રેમભરી કાળજી શ્રેયને રોજ પોતાના માટે નીચાપણું મહેસુસ કરાવવા લાગી. મોર્ડન તો પોતાના કરતાં રમ્યા સાબિત થઇ એ બે વર્ષને અંતે એને બરાબર સમજાઇ ગયું.

અને એ દિવસ આવી પહોંચ્યો..

રમ્યા ઝબકીને વિચારધારામાંથી બહાર આવી. ઝાંખી થઇ ગયેલી પોતાની સ્વપ્નસૃષ્ટિને ઉદાસ નજરે નિહાળતી રહી ને મનના એક ખૂણે શ્રેય આવશે કે નહીં એ ફફડાટ સાથે રાહ જોઇ રહી હતી ત્યાં અંદરના રુમમાં કંઇક ખખડાટ થયો.

“કોણ?”

 એ સવાલ હજી પુરો થાય ત્યાં રોઝપેટલ સાથે શ્રેયનો પહેલાં જેવો હસતો ને આંખોમાં પ્રેમ વરસાવતો ચહેરો દેખાયો. 

રમ્યા કંઇ સમજે એ પહેલાં એનો હાથ પકડીને શ્રેય ઉભડક પગે એની સમક્ષ બેસીને બોલ્યો,

“રમ્યા, મને માફ કરીશ? તારા જેવી અત્યાધુનિક લાઇફ પાર્ટનર હોય તો સામાજિક કોર્ટની કામગીરી બહુ ઓછી થઇ જાય...બે વર્ષ રખડી રઝળીને તારી પાસે આવ્યો છું. તેં મને બહુ ઉજળી રીતે કડવી સચ્ચાઇ સમજાવી છે. તેં પ્રેમ કરી ને પચાવી જાણ્યો.આ બે વર્ષ જિંદગીની કિતાબમાંથી છેકી નાખીને મને અપનાવીશ?”

આટલો સમય દિલમાં સાચવી રાખેલાં આંસુ ટપટપ શ્રેયના ખભે નીતરી રહ્યાં.

“મેં પ્રેમ કર્યો અને કસોટી પણ મેં જ નક્કી કરી એટલે અધ્ધર શ્વાસે આજના દિવસની રાહ જોતી હતી. તું નહી આવે તો! આ સવાલે મને થકવી નાંખી.”

બીજે દિવસે ફરી આંગણામાં મોર કળા કરતો દેખાયો. તુલસીક્યારે દીવો ઝળહળી ઉઠ્યો. રસોડામાંથી મસાલાવાળી ચાની સુગંધ પ્રસરી રહી અને રમ્યાનો અવાજ ગુંજી ઉઠ્યો,

“સત્યમ્ શિવમ્ સુંદરમ્ ..”

માઇગ્રેશનની મોસમ પૂરી થતાં પંખી પોતાના માળામાં પરત ફર્યા હતાં. 


Rate this content
Log in

Similar gujarati story from Drama