માધવની વેદના
માધવની વેદના
એક સરસ કાવ્યપંક્તિ છે.
"રાધાની વેદના તો સહુ એ જાણી પણ માધવની વેદના કોઈ એ ન જાણી.."
મારે જો કે એ માધવની વાત નથી કરવી.
મારે મારા એક હોનહાર અંધ વિદ્યાર્થી માધવની વાત તમને કહેવી છે.
લગભગ આઠ વર્ષથી હું અંધજનમંડળમાં સંગીતના લેક્ચર આપું. મારી પાસે ઘણા બધા બ્લાઈંડ સ્ટુડન્ટ શીખીને આગળ વધ્યા.
ચાર વર્ષ પહેલાં એક બેચમાં માધવ મળ્યો.
શરુઆતમાં તો રેગ્યુલર પરિચય થાય એમ આખા ક્લાસનો થયો.
પછી હર એક લેક્ચરમાં મારા રુટીન પ્રમાણે છેલ્લી દસ મિનિટ છોકરાંઓની ફરમાઈશ હોય એ હું ગાઈ સંભળાવું અને એ લોકોમાંથી પણ કોઈ સંભળાવે.
આમ ને આમ સેમેસ્ટર ચાલતું થયું. આ વખતે ક્લાસમાં સહુથી સુંદર અવાજ માધવનો હતો. એના અવાજમાં ગજબ ઉંડાણ. સૂરની પકડ પણ પરફેકટ.
ફિઝિકલી ચેલેન્જડ સ્ટુડન્ટસને ઈશ્વરે એક અજબ વરદાન આપ્યું હોય. ધીરે ધીરે માધવ સહુથી આગળ થતો ગયો.
એકવાર ક્લાસ પત્યા પછી મને મળવા આવ્યો કહે કે,
“દીદી મારી વિશારદની પરિક્ષામાં મારા રાઈટર તરીકે તમે આવશો?”
મેં હા પાડી. આમ પણ હું વિશારદનું રિવિઝન કરાવતી જ હોઉં.
બસ, માધવ રોજ જ પરિક્ષાની તૈયારી માટે મળે અને વાતો પણ શેર કરે.
સ્કુલમાં વેકેશન હોય ત્યારે બધા બ્લાઈંડ સ્ટુડન્ટને એમના મા-બાપ ઘેર લઈ જાય.
મેં એક વાર માધવને પૂછ્યું કે,
“તારે ઘેર નથી જાવાનું? તું આખું વેકેશન શું કરીશ?”
અને પછી માધવે પોતાની વાત માંડી,
કહે કે,
“દીદી હું છેલ્લાં ચાર વર્ષથી ઘેર નથી ગયો.”
મેં પૂછ્યું,
“કેમ?”
એના ચહેરા પર એક વેદનાની લહર ફરી વળી.
એણે વાત શરુ કરી,
“દીદી હું એક ગામડામાંથી આવું છું. ચૌદ વર્ષનો હતો ત્યારે ઘરના કાચા છાપરા પરથી પડ્યો અને આંખમાં નુકસાન થયું અને હું અંધ બની ગયો. પરિવાર એટલો સધ્ધર નહીં કે મારી ટ્રીટમેન્ટ કરાવી શકે. એકવાર પપ્પા મને લઈને અમદાવાદ આવ્યા અને પછી મને એક સીટી બસમાં બેસાડીને પોતે ઉતરીને ગામ જતા રહ્યા. હું થોડો સમય તો સમજી જ ન શક્યો કે મને મારા પરિવારે ત્યજી દીધો છે.
એક કલાક બસમાં ફર્યા પછી કન્ડક્ટર મારી પાસે આવીને કહે કે ,
“છોરા તારે ક્યાં ઉતરવાનુ છે?”
મેં કહ્યું કે,
“મારા પપ્પા ને ખબર.”
ત્યારે એણે અને આજુબાજુના બે ચાર પ્રવાસીઓએ કહ્યું કે,
“તારી સાથે કોઈ લાગતું નથી. ક્યારનો તું એકલો જ બેઠો છે.”
ને હું શુન્ય થઈ ગયો. બે-પાંચ મિનિટે કળ વળતાં ઉતરી ગયો.
બસ, એકાદ દિવસ કોઈની થોડી દયા પર પસાર થયો અને રોજ એક સીટી બસમાં ચડું અને ગાઈ ને ભીખ માંગું. મને એક જ આઘાત સખત લાગે કે,
“અરે મા-બાપ આવું કરી શકે?”
લગભગ દસ દિવસ આમ જ આખો દિવસ બસમાં અને રાત કોઈ ઓટલે એમ પસાર થયા.
રોજનું મારું આ રુટીન જોઈને એક દિવસ એક કન્ડક્ટરને દયા આવી તે મને એ દિવસે એક અંધશાળામાં લઈ ગયા.
પ્રિન્સિપાલની ઓફિસમાં મને લઈને મારી કથની કહી. ઈશ્વરની કૃપા તે મને સ્કુલમાં દાખલો મળી ગયો અને ટ્રસ્ટીની ભલામણથી હોસ્ટેલમાં પણ ફી માફી સાથે રહેવાની સગવડ કરી આપી.
દીદી આજ એ વાતને ચાર વર્ષ થઈ ગયાં. મને કોઈએ યાદ નથી કર્યો.”
માધવની આ વાત સાંભળીને હું હરહરી ગઈ. આભ ફાટે ત્યાં થીગડું કેવી રીતે મરાય ?
પછીનાં થોડાં વર્ષ માધવને શિક્ષણ સાથે હુંફ પણ આપવી જરુરી છે એ અમે બધા શિક્ષકોએ નક્કી કર્યું. માધવ બહુ સરસ રીતે બી.એ. પાસ થયો અને વિશારદ પણ સરસ ટકા સાથે થયો.
પછી મારું સ્કુલ જવાનું ચાલુ રહ્યું પણ એ ક્યાં ગયો એ બહુ માહિતી ન હતી.
હમણાં થોડા મહિનાઓ પહેલાં અમે અમારા દિવ્યાંગ વિદ્યાર્થી ( આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ "મનકી બાત"નામના એક પ્રોગ્રામમાં શારિરીક અસહાય બાળકોને દિવ્યાંગ નામ આપ્યું છે.) દ્વારા એક મ્યુઝીકલ ઈવેન્ટ ટાઉનહોલમાં કરી ત્યારે હું લાગતી-વળગતી સંસ્થાઓને આમંત્રણના ફોન કરી રહી હતી. “સંસ્કારધામ” નામની એક સંસ્થામાં મેં ફોન જોડ્યો અને એના ટ્રસ્ટી સાથે વાત કરી. મેં આમંત્રણ આપ્યું ને આમતેમ વાત કરતાં એમણે અચાનક કહ્યું કે,
“તમારો એક સ્ટુડન્ટ અમારી સંસ્થામાં મ્યુઝીક ટીચર છે. માધવ નામ છે. સરસ્વતીની એના પર મબલખ કૃપા છે. અહીયાં સારા
પગારથી જોબ કરે છે. અમારા સહુનો એ લાડકો બની ગયો છે કેમકે હસમુખો અને હળવો છે.”
અને મને શબ્દોમાં વર્ણવી ન શકાય એવો આનંદ થયો.
મેં પૂછ્યું ,
“મને વાત કરાવશો?”
અને એમણે બીજો આંચકો આપ્યો કે,
“માધવ એને ઘેર ગયો છે. બહુ વખતે એના મા-બાપ લેવા આવ્યાં હતાં.”
અને મને રબના ન્યાય પર સજદા કરવાનું ગમ્યું.
એમ કંઈ બધું નેગેટીવ નથી થઈ ગયું હોં ને !!
શરુઆત ચોક્કસ દુ:ખદાયક પણ અંત સુખદ નીવડ્યો.
જિંદગીએ એક વધુ રંગ બતાવ્યો એટલે ડાયરીમાં લખાઈ ગયું.
આટલાં વર્ષની મારી અંધજનમંડળની યાત્રામાં આવો અનુભવ એક માત્ર રહ્યો અને બસ એટલી જ ખ્વાઈશ કે આવા બીજા અનુભવ ન જ થાય.
સહુની સુખદ જીવનયાત્રાની શુભકામના સાથે વિરામ.