મા
મા
મમ્મી, આજે મારાં બાળપણની તારી સાથેની વ્હાલ નીતરતી તસવીર સામે ઊભો છું ત્યારે અતીત વર્તમાન થઈને મારી આંખ સામે આવી જાય છે. હું નાનો હતો ત્યારે તારો ખોળો મળે એટલે સ્વર્ગનું સામ્રાજ્ય મળી જતું. અલબત્ત પણ ત્યારે તું સ્વર્ગની મહારાણી હતી કે નહીં તેની મને ખબર ન હતી. તારા સાડલા ની ડૂચી કરીને મારાં હાથમાં દબાવીને સૂઈ જતો અને સ્વપ્નાંની દુનિયામાં સરી જતો. તારે પણ કોઈ સ્વપ્નાં હશે પણ હું તેનાથી અજાણ હતો. મારી હર જીદ, હર માંગ અને હર ઈચ્છાને તું પૂરી કરતી. જો કે તને પણ કોઈ ઈચ્છા હશે, કોઈ ચાહત હશે એનો વિચાર મેં ક્યારેય નથી કર્યો. રીસાઈ જાઉં કે ડરી જાઉં ત્યારે તારા પાલવમાં છુપાઈ જતો.
તું મૂંઝાતી હશે ત્યારે શું કરતી હશે તેની મને કલ્પના નથી. તેં મને ક્યારેય રડવા દીધો નથી. ક્યારેક કોઈ કારણસર આંખમાં આંસુ આવી જતાં તો તે ઓષ્ટ સુધી પહોંચે તે પહેલાં તું એને હાસ્યમાં પલટાવી દેતી. તેં કેટલાં છૂપાં આંસુ સાર્યા હશે તેની તો માત્ર ઈશ્ચરને જ જાણ હશે. મને ખવડાવવા તું કંઈ કેટલી યે જુદી જુદી યુક્તિ કરતી. વાર્તાઓ કરતી. લાલચ આપતી. જયારે હું ખાઈ લેતો ત્યારે તારી ભૂખ સંતોષાઈ ગઈ હોય એટલી ખુશ થઈ જતી. તેં શું ખાધું અને ક્યારે ખાધું તે જાણવાની મેં ક્યારેય દરકાર કરી નથી.
હું ઉંમરમાં મોટો થતો ગયો પણ તારી નજરમાં તો હંમેશા નાનો જ રહ્યો. તેથી જ શાળામાં ને પછી કોલેજમાં જતો ત્યારે પણ તું મારી એટલી જ કાળજી રાખતી. મારી ઉંમરની સાથે તારી ઉંમર પણ વધતી હતી એ વાતનો તો મને ખ્યાલ જ ન આવ્યો. હું સાધારણ પણ બિમાર પડતો તો તું હાંફળી ફાંફળી થઈ જતી. મારૂં માથું દબાવતી અને મારાં પગ દબાવતી. દવાની સાથે કંઈ કેટલાં યે ઘરનાં ઉપચાર કરતી. તું માંદી પડતી હશે પણ તારી બિમારીને ચહેરા પર લાવતી નહીં. તારી બિમારીનાં તું તારી મેળે જ ઉપચાર કરી લેતી. જેનાં ચરણોની પૂજા કરવી જોઇએ એ ચરણોની ક્યારેય સેવા કરી નહીં. કામ ધંધે લાગ્યા પછી તારી પાસે બેસવાનો સમય જ રહેતો નહીં અને તારો બધો જ સમય મારી સગવડ સાચવવામાં જતો રહેતો. તારા આશિર્વાદ સદા યે મારી સાથે રહેતા પણ તારો ખ્યાલ મને બહુ ઓછો રહેતો. હું હર પળ તારાં જીવનનાં કેન્દ્રમાં રહેતો ને તું કોણ જાણે કેમ પણ મારી જિંદગીના એક છેડા પર જ રહી. એક દિવસ ધીમે રહીને તું અમને છોડીને જતી રહી. હવે તું નથી રહી. માત્ર તારી યાદો અને પસ્તાવાનાં આંસુ જ અમારી પાસે છે. આજે 'મધર્સ ડે' છે અને મારે તને સાચા હ્રદયથી શ્રદ્ધાંજલિ આપવી છે. હુ શું કરૂં? મારા હર પ્રશ્ર્નનો જવાબ તારી પાસે રહેતો. મારી હર તકલીફમાં તું માર્ગદર્શિકા બની તું મને રાહ બતાવતી. મને કહે ને તને કઈ રીતે શ્રદ્ધાંજલિ આપું?
મારી આંખમાં આવેલા અશ્રુમાં અચાનક જ તારી વૃદ્ધાવસ્થાની છબી ઊભરાય આવી. મને જવાબ મળી ગયો. મેં એક ચોક્કસ નિર્ધાર સાથે વૃદ્ધાશ્રમની તરફ મારા કદમ વાળ્યાં.