મા દીકરીની યાદો
મા દીકરીની યાદો


"મા" કોઈ પણ સંબોધન વગર પત્ર લખી રહી છું. કારણ દુનિયામાં જેટલા સંબોધનો છે એ બધા મારે તારા માટે લખવા પડે અને પત્ર તેમાં જ પૂરો થઈ જાય માટે સંબોધન તું જાતે નક્કી કરી લેજે.
પહેલાં તો મારે તને ફરિયાદ કરવી છે તને આમ મને એકલી મૂકીને જતાં જરા પણ વિચાર ન આવ્યો કે તારા વગર હું શું કરીશ? ચોવીસ કલાક માટે પણ ક્યારેય મને એકલી ન મૂકનાર તું આમ કાયમ માટે મને એકલી મૂકીને જઈ જ કેમ શકે?
તને ખબર છે ? એક પ્રેમિકા જેમ એના પ્રેમીનાં વિરહમાં જેમ તડપે તેનાથી પણ વધુ હું તારા વિરહમાં તડપું છું. પ્રેમિકાને તો તેના પ્રેમીની પાછા ફરવાની આશા છે, પણ તું તો એટલી દૂર જતી રહી છે કે જ્યાં સુધી મારા શ્વાસ છે ત્યાં સુધી મારે આમ જ તારા વિરહમાં તડપવાનું છે. હા આમાં મને જીવવા માટે એક જ સહારો છે તે છે આપણે સાથે વિતાવેલા જીવનની યાદોનો.
"મા" તારા જતાં આ ઘરનો ખૂણેખૂણો આમ તો બીજા બધા માટે સાવ સૂનો થઈ ગયો છે. પણ મારા માટે તો ઘરમાં દરેક જગ્યાએ તારી યાદો સમાયેલી છે.
એટલે તો ક્યારેય મારે આ ઘરને નથી છોડવું.
"મા" યાદોમાં તો તું મારી સાથે જ છે તો પણ ક્યારેક એમ થાય કે કાશ તું પ્રત્યક્ષપણે મારી જોડે હોય તો મારી પ્રગતિમાં તું મારો પીઠ થાબડે અને હું ક્યારેય પણ કંઈ મુંઝાયેલી હોવ ત્યારે પ્રેમથી મારી પીઠ પસવારે.
તારા જતાં જ મારી તો વાચા જ જાણે હણાય ગઈ હોય તેવું લાગે છે આ ભર્યા પૂર્યા પરિવારમાં પણ મારા દિલની વાત હું કોઈને કંઈ કહી શકતી નથી. અને તું હતી ત્યારે મારું બોલવાનું સતત ચાલુ જ હોતું તું ક્યારેક જવાબ આપે કે ન આપે મારી વાત તું સાંભળે
કે ન સાંભળે પણ મારે તને બધી વાતો કહેવી જ
હોય. રાતે મોડે સુધી આપણી વાતો ચાલુ જ હોય હા વાતો કરતા કરતા બંને વચ્ચે ક્યારેક નોંક ઝોંક પણ થઈ જતી, એકબીજાથી રિસાઈ પણ જતાં પણ આ આપણા અબોલા રિસામણા અડધો કલાકથી વધુ ક્યારેય પણ ન રહેતા. હવે તો રાતે મોડે સુધી હું આકાશના તારાઓ જોતી હોઉ છું કેમકે બધા કહે છે કે આપણાથી ખૂબ જ દૂર ગયેલા સ્વજનો તારા બની જાય છે તો તું પણ તારો બની મને જોતી હોઈશ એમ માની તારાઓ જોતા જોતા હું ઉંઘમાં સરી પડુ છું અને સવારે એલાર્મના અવાજથી જાગું છું તું હતી તો મને પ્રેમથી માથામાં હાથ ફેરવી જગાડતી હવે એમ કોણ જગાડે?
અને વરસતા વરસાદ સાથે તો આપણી કેટલી બધી યાદો જોડાયેલી છે, વરસાદ આવતા જ તું અમારા બધા માટે ગરમ ગરમ વાનગીઓ બનાવવામાં લાગી જતી અમે જ્યારે વરસાદની મજા લેતા હોય ત્યારે
તું અમે જ્યારે પલળીને આવીએ ત્યારે ઝાઝીવાર ભીના રહી બિમાર ન પડીએ એટલે અમારા કપડાં અને ટોવેલ તૈયાર કરવામાં વ્યસ્ત હોય તેમાં પણ જ્યારે હું સાંજે ક્યારેક પલળીને ઓફિસથી આવું ત્યારે તે મારા માટે ગરમ ગરમ કોફીનો કપ તૈયાર જ રાખ્યો હોય, હું આવીને ફળિયામાં હિંચકે બેસું ત્યાં
તે મને કોફીનો કપ હાથમાં આપી જ દીધો હોય કેમકે તને ખબર કે વરસાદ જોતાં જોતાં મને કોફી પીવી બહુ જ ગમે. મારા કરતા તો તે મને વધારે જાણી છે. મારે ક્યારે શું જોઈએ છે, શું કરવું છે એ બધું તને મારા કહ્યા પહેલાં જ ખબર પડી જતી.
"મા" આપણા સંબંધો આપણી યાદો વિશે બધુ લખવા બેસુ તો નવલકથા પણ ટૂંકી પડે પણ પત્રની એક મર્યાદા હોય છે એટલે અહીં વિરમવું પડે છે. આમ પણ હું વધુ લખીશ તો મારી આંખોમાં પરાણે રોકી રાખેલાં આંસુઓ વહેવા લાગશે અને પત્ર પર પડતાં એ આંસુઓથી પત્રના શબ્દોની સ્યાહી રેલાઈ જશે તો તું આ પત્રનો અક્ષરે અક્ષર નહીં વાંચી શકે માટે વિરમું છું.
લિ.તારી વ્હાલી દીકરી