લવમેરેજ
લવમેરેજ
ક્યારની રૂમમાં આંટા-ફેરા કરી રહેલી વિભૂતિ ક્યારેક બારીની બહાર નજર કરે છે, તો ક્યારેક બેડ પર સૂતેલાં પોતાનાં પાંચ વર્ષનાં બાળક પર નજર કરે છે. શું હશે આ બાળકનું ભવિષ્ય ખબર નહિ ? હજુ સુધી કોઈ સમાચાર નથી. મોબાઈલ પર ગુસ્સો ઉતારતાં બરાડી ઊઠી, "આને પણ હમણાં જ બગડવાનું થયું. હવે હું કોને કહું ? ક્યાં જઉં ? શું કરું ?"
એટલામાં ડોર બેલ વાગી. સામે માસ્ક પહેરીને ઊભેલા ચેંગને જોતાં જ તેની આંખે તો જાણે ચોમાસું બેઠું. બેઘડી તેને તાકી રહ્યાં પછી મીઠો આવકાર આપતાં બોલી, "આવ, આ તરફ બાથરુમ છે. સીધો નાહીને આવ."
ફ્રેશ થઈને આવેલાં ચેંગને ભેટીને વિભૂતિ ખૂબ રડી. ચેંગે તેની પીઠ પસવારતાં કહ્યું, "તું ચિંતામુક્ત થઈ જા, હું સહી-સલામત આવી ગયો છું. ચૌદ દિવસ આઈસોલેશનમાં રહ્યા બાદ મારા બધાં ટેસ્ટ નેગેટીવ આવ્યાં છે. હું મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો તે વખતે તારી સાથે વાત થઈ પછી મેં કેટલી વખત તને ફોન કરવાનો પ્રયત્ન કર્યો પણ તારો ફોન બંધ આવતો હતો. એ તો સારું થયું કે મને એરપોર્ટથી લઈને ડૉક્ટર- નર્સીસ સુધીનાં તમામે મને ખૂબ સપોર્ટ કર્યો."
"મને તારી ખૂબ ચિંતા હતી. મમ્મી-પપ્પાએ આપણાં લગ્નનો અસ્વીકાર કર્યો અને હું પણ તારી સાથે ચીન આવી ગઈ. ત્યારથી મનમાં એક ખટકો હતો. એકવાર એમને મળીને માફી માંગવી હતી. તેથી તારા કહેવાથી સાત વર્ષે ઈન્ડિયા આવી, પણ અહીંયા તો બધું જ બદલાઈ ગયું હતું. ભાઈ-ભાભીએ એમ કહીને અપમાનિત કરી કે તારે કારણે જ મમ્મી-પપ્પા આ દુનિયા છોડીને ચાલ્યા ગયાં.. એ જાણીને ખૂબ દુ:ખ થયું. હું તને એ જ વખતે કહેવાની હતી પણ, ચીનમાં કોરોનાનો કહેર ફાટી નીકળ્યો છે તે જાણીને મને થયું તને અહીંયા જ બોલાવી લઉં. અત્યારે હું મારી બહેનપણીનાં મકાનમાં, એક રુમમાં રહું છું. સોરી, મેં તારાથી આ વાત છૂપાવી."
"અરે ! મારે તો તારો આભાર માનવો છે. આટલાં વર્ષોમાં તે મને ગુજરાતી અને હિન્દી બોલતા શીખવી દીધું. તેને કારણે જ હું સારી રીતે અહીંયા બધા સાથે વાતચીત કરી શક્યો, ને તારા સુધી પહોંચી શક્યો.. તે મને એડ્રેસનો જે મેસેજ કરેલો એ મેં પોલીસને બતાવ્યો અને એ લોકો મને છેક ઘર સુધી મૂકી ગયા."
ચેંગની મનપસંદ દૂધ વગરની ચા પીતાં-પીતાં બંને વાતોએ વળગ્યાં.
"હવે, આપણે શું કરીશું ? "
"તું ચિંતા ના કરીશ. મેં નક્કી કર્યું છે આપણે હવે કાયમ માટે ભારતમાં જ રહીશું. મેં વિચાર્યુ છે આપણે અહીંયા ચાઈનીઝ વાનગીઓનો સ્ટોલ ખોલીશું. પહેલાં નાના પાયેથી શરૂઆત કરીશું પછી મોટી રેસ્ટોરન્ટ ખોલીશું."
ચેંગે તેની વાત પૂરી કરતાં બેડ પર સૂતેલા પોતાનાં પાંચ વર્ષનાં બાળકને ગળે વળગાડ્યો.

