Dina Vachharajani

Drama

4  

Dina Vachharajani

Drama

લવ યુ, મા !

લવ યુ, મા !

5 mins
410


જિલ્લા ક્લેકટરે કન્યાશાળા વિસ્તરણ માટે આ ગામની પસંદગી કરી હતી તે હવે આ ગામની કન્યાશાળામાં જુનિયર કોલેજ સુધીનાં અભ્યાસની વ્યવસ્થા થશે. આ બહુ મોટી વાત હતી કારણ અત્યાર સુધી અહીં સાત ધોરણ સુધીની જ વ્યવસ્થા હતી અને જેણે ચૂલો જ ફૂંકવાનો છે એણે' આગે પઢનેકી કા જરુરત હોવે ? ' એવું જ અત્યાર સુધીની પંચાયતોનું માનવું હતું. આતો જેનું મોટું નામ હતું અને વગ હતી એ કલેકટરના હુકમને તો ' કૈસો ટાળે ' ?

આજે એ શાળા સંસ્થાના શીલાન્યાસ માટે કલેકટર આવવાના હતાં. એમણે પોતે ખાસ રસ લઈને આ પ્રોજેક્ટ ઊભો કરેલો અને આ શાળા સાથે જોડાયેલી સ્ત્રી વિકાસ સંસ્થા માટે તો એમણે પોતે મોટું દાન કર્યું છે અને એનું નામકરણ પણ એજ કરવાનાં છે સાંભળી ગામનાં આગેવાનો તો અકળાતાં હતાં પણ ગામની સ્ત્રીઓ તેમાંયે ઊગીને ઊભી થતી કન્યાઓનાં મનમાં ખૂબ જ ઉત્સાહ અને પોતાના બહેતર ભવિષ્યની આશા ઉભરાતી હતી. અત્યારની શાળાના નાના મકાન પાસે જ વિશાળ જગ્યા ખુલ્લી પડી હતી. તેમાં જ નવો પ્રોજેક્ટ ઊભો થવાનો હતો. તેમાં મોટો મંચ અને મંડપ બાંધેલા. આજુબાજુના નાનાં -નાનાં ગામથી પણ લોકો આવેલા કારણ આ અંતરિયાળ પ્રદેશમાં આવું કંઈ પહેલી વાર થઈ રહ્યું હતું જ્યાં સ્ત્રીઓ કેન્દ્રમાં હતી બાકી આ સમાજમાં તો એ વર્તુળની ત્રિજ્યાની જેમ કપાતી જતી અને હવે ભૃણ પરીક્ષણની શોધ થયા પછી તો વર્તુળની બહાર જ ફેંકાતી થઈ ગઈ હતી.

સરકારી ગાડીઓનો કાફલો અને એક મોટા બોક્સને લઈ એક મોટો ટેમ્પો આવી પહોંચ્યા. લાગતા-વળગતા આગેવાનો હાર-તોરા લઈ આ નવા 'પંકજ સાહબ કલેક્ટર ' ની ખુશામતમાં દોડી ગયાં. ગાડીનો દરવાજો ખુલ્યો એમાંથી પહોળા પટ્ટાની આછી પીળી સિલ્ક સાડી, મેચીંગ બ્લાઉઝ, એક ખભે પશ્મીના શાલ નાંખેલ એક જાજરમાન સ્ત્રી ઉતરી. આગેવાનો એને નઝરઅંદાઝ કરી ક્લેક્ટરને શોધવા ગાડીમાં ડાફોળીયાં મારતાં હતાં કે એક સેક્રેટરી જેવા માણસે આગળ આવી કહ્યું " યહી હૈ આપકે નયે કલેક્ટર -પંકજ સાહીબ ' એક સ્ત્રીને આ રૂપમાં જોઈ આ ખુશામતીયા અચકાણાં પણ પછી આઘાત પચાવી '' રામ-રામ સા. . . . ખમ્માઘણી . . . "કરતાં આગળ વધ્યા.

કલેક્ટર સાહેબ. . પેલી સ્ત્રી હારતોરા સ્વીકારતી વિશ્વાસ પૂર્વક આગળ વધી. આખા પરિસરની ઝાંકી લઈ શિલાન્યાસની પૂજા ભાવપૂર્વક કરી મંચ તરફ આગળ વધી. હવે એકઠી થયેલી મેદનીને સંબોધી સંસ્થાના નામકરણની વિધી બાકી હતી. ગામનાં બુઝર્ગ આગેવાનો મંચ પર ગોઠવાઈ ગયા હતાં. બધાંને સાહેબની રહેમ નજરમાં જો રહેવું હતું !

કલેક્ટરે વકતવ્ય શરૂ કર્યું " આ શાળા સાથે સંલગ્ન સંસ્થાનું નામ હશે . . . આશા ધામ. . . . હા , અહીં સર્વ ઉંમરની સ્ત્રીઓ માટે આશાનું એક કિરણ હંમેશા ઝગમગતું હશે. એમનું ઉત્થાન એજ આ સંસ્થાનો મંત્ર. પહેલાં બાળકીઓ ને દૂધપીતી કરાતી હવે તો ભૃણ પરીક્ષણ કરી માતાના પેટમાં જ હત્યા કરી દેવાય છે અને લાચાર મા કંઈ નથી કરી શકતી. હવે આ ગામની હરએક બાળકી શિક્ષા મેળવી સક્ષમ બનશે અને હરએક સ્ત્રી સન્માન મેળવશે. " સામે રહેલી સ્ત્રીઓએ તાળીઓથી એને વધાવતા એ આગળ બોલી " અને આ બધું થશે એક સ્ત્રીના આશીર્વાદથી " સાથે લાવેલા અને મંચ પર ગોઠવેલા પેઈન્ટીંગનું અનાવરણ કરતાં એ બોલી " અને એ સ્ત્રી છે આ. . . . . . આશાદેવી "

એ તસ્વીર પર નજર પડતાં જ અનેક લોકોને કંઈક જાણીતો ચહેરો લાગ્યો. . પણ સ્ટેજ પર બેઠેલા મુખી સોહનલાલ તો પસીનાથી રેબઝેબ થઈ ગયાં. એની આંખ સામે સૂકલકડી, વીખરાયેલા વાળ અને હતાશ ચહેરે પોતાના હાથમાં મરવાના વાંકે જીવતી એક બાળકીને પકડીને ઉભેલી એક સ્ત્રી તરવરી. . . એને છેલ્લે જોયેલી એ દિવસે પોતે એ બંનેને ધક્કો મારી બહાર પરસાળમાં બેઠેલો અને 'મા સા ' એ કરી મૂકેલી બૂમાબૂમ સાંભળતો રહેલો એ યાદ આવ્યું. મા સા બોલતાં હતાં " સોહન, આ તારી બાવળી બિંદણી આ છોરીને જણીને લાવી ને આપણા કુળનું સત્યનાશ કર્યું. પાછી આ બિમાર છોરીની દવા કરવાની વાત કરે છે. સાલ્લા મરવા દે બંનેને તે જાન છૂટે. " આમતો પોતાને પણ આ સાપના ભારા જેવી છોરીથી છૂટકો જ જોતો તો, તે પોતે પણ ઉશ્કેરાઈને બોલેલો " એ હુઈ, અણહુઈ કરને એક હી ઉપાય બચ્યો સે. આજ રાતે એ છોરી કો દૂધપીતી કર દે . " ને એ મધરાતે એ મા-દીકરીને જાણે અંધકાર ગળી ગયો. એ સ્ત્રી એટલે કે આશાનું કોઈ જ સગુવહાલું નહોતું એટલે એની ભાળ મેળવવાનું કોઈ ઠામ-ઠેકાણુંએ નહોતું. ને પોતે મા-દીકરાને તો એ મેળવવું એ નહોતું. મોટી જમીનનાં માલિકને તો દહેજ સાથે દીકરો જણી દે એવી કન્યા મળી ગઈ.

પણ અત્યારે આ તસ્વીર જોઈ સોહનલાલને ખુરસી છોડી અહીંથી સરકવામાં શાણપણ લાગ્યું. એણે સ્ટેજથી નીચે ઉતરવા પગ માંડ્યો ત્યાં માઈકમાં અવાજ ગૂંજ્યો. . . . . ''સોહનલાલ, તુમ જીસે બ્યાહકે લાયેથે વો બાવળી આશા ઓર તુમ જીસસે છૂટકારા પાના ચાહતે થે વો તુમ્હારી બેટીકા ભવ કૈસે ગયા નહીં જાણણા ક્યા ? "

સ્થિર થઈ ઉભેલાં સોહનલાલને જોતાં લોકોની યાદદાસ્ત સળવળવા લાગી. ત્યાં કલેક્ટર સાહિબા બોલ્યાં " હા, આ એજ આશા છે જેણે પોતાની પુત્રીનાં શ્વાસ ગૂંગળાવીને ખૂટાડવામાં આવે એ પહેલાં ફક્ત ભગવાનને ભરોસે ઘર છોડ્યું. જિંદગીમાં પહેલીવાર બહારની દુનિયામાં પગ મૂક્યો. કોઈ ભણતર -કોઈ હુન્નર પણ નહોતો પણ પેટની જણીને જીવાડવા એક 'મા' ઝનૂનભેર મથતી રહી. નસીબ એને મુંબઈ ખેંચી ગયું. ખૂબ મહેનત કરી. એક ભલી સ્ત્રીના સહારાથી બ્યૂટીપાર્લરનો હુન્નર શીખી સમાજમાં માન ભર્યું સ્થાન મેળવ્યું. . .આ બધું કરતાં એનાં મનમાં એક જ ઝનૂન હતું . . મારી દીકરીને મારા જેવું જીવન ન મળે. . એ ખૂબ સક્ષમ બને '. અને એ દીકરી ખૂબ સક્ષમ બની આજે તમારી સામે ઊભી છે.

સોહનલાલ માથું નીચું કરી ઊભો હતો. એના જેવા બીજા ઘણાં મર્દ 'હાશ ! પોતે તો ઢંકાયેલા રહ્યાં ' વિચારતાં ચૂપચાપ બેસી રહ્યાં. જ્યારે નવી પેઢીની તાળીઓ ઝીલતાં કલેક્ટર સાહીબા બોલ્યાં "તમે એક 'મા ' ને કરેલા અન્યાયનો જવાબ આપવા આજે એ તો જીવતી નથી ! પણ હું ગર્વથી કહું છું કે આજે હું છું. , જે પણ છું તે મારી મા ને આભારી છે. એ જ્યાં પણ હશે ત્યાં ખૂબ ખુશ હશે... "

માની તસ્વીર સામે જોતા પહેલી વાર કલેક્ટરનો અવાજ ધ્રૂજ્યો ને એ બોલી ઊઠી " લવ યુ, મા. . . "


Rate this content
Log in

Similar gujarati story from Drama