લોભી
લોભી


આજે આપ સર્વ સમક્ષ હું મારી દાદીની એક મનપસંદ વાર્તા પ્રસ્તુત કરવા માંગું છું. બાળપણમાં તેઓ મને કાયમ આ વાર્તા કહી સંભળાવતા હતા... જોકે મારી દાદીમાં પોતે કોઈ લેખિકા કે કવિયત્રી નહોતા એટલે સ્વાભાવિક છે કે એ વાર્તા તેમણે કોઈ સ્વાધ્યાયમાં કે કથામાં સાંભળી હશે.
“એક કુંભારની આર્થિક હાલત ખૂબ જ ખરાબ હતી. ગામમાં કોઈ તેના માટલા ખરીદતું ન હોવાથી તેણે શહેરમાં જઈને પોતાનું નસીબ અજમાવવાનું વિચાર્યું. ઘરેથી નીકળતા પહેલા તેણે ઈશ્વરને પ્રાર્થના કરતા કહ્યું કે, હે ઈશ્વર! જો હું શહેરમાં જઈને કમાવવામાં સફળ થયો તો મને જે આવક થશે તેમાંથી તને થોડી રકમ ભેટ આપીશ.
પ્રભુ કૃપાથી કુંભારનો શહેરમાં ધમધોકાર વ્યાપાર થયો. ચપટી વગાડતામાં તેના સઘળા માટલા વેચાઈ ગયા. ખુશ ખુશાલ વદને તે પોતાના ગામમાં પાછો ફરી રહ્યો હતો ત્યાં તેને ભગવાનને કરેલી પોતાની પ્રાર્થના યાદ આવી. હવે કુંભાર બરાબરનો મૂંઝાયો કારણ જો તે ભગવાનને તેની આવકમાંથી અમુક રકમ મંદિરમાં ભેટ નહીં ચઢાવે તો તેઓ નારાજ થાય અને જો ચઢાવે તો તેની આવક ઓછી થાય. આખરે ખૂબ મનોમંથન બાદ કુંભારે વચલો માર્ગ શોધી કાઢ્યો. તેણે આસમાન તરફ જોઇને કહ્યું, "હે ઈશ્વર! તારો આ બંદો વચનનો ખૂબ પાકો છે. મેં તને ભેટમાં અમુક રકમ આપવાનું વચન આપ્યું હતું પરંતુ કેટલી રકમ તે વિષે મેં કશું કહ્યું નહોતું. તેથી હવે મને એ વાતની મૂંઝવણ થાય છે કે તને કેટલી રકમની ભેટ ચઢાવવી? હું મંદિરમાં ગમે તેટલી રકમ ભેટ ચડાવીશ તોય મારા મનમાં એ શંકા રહેશે કે મેં તને ઓછી રકમ તો આપી નથી ને! તેના કરતા તું જ તને જેટલી જોઈએ એટલી રકમ લઇ લે...” આમ કહી કુંભારે ઉપર આસમાન તરફ રૂપિયા ઉછાળ્યા. કાગળની એ નોટો હવામાં લહેરાતી લહેરાતી પાછી જમીન પર આવીને પડી. એ જોઈ કુંભાર બબડ્યો, “વાહ! પ્રભુ તને કોઈ વાતનો મોહ નથી! મને એમ કે તું બધા રૂપિયા રાખી લઈશ પરંતુ તેં એમ ન કરતા ઉલટાના બધા રૂપિયા મને આપી દીધા. ખરેખર ઈશ્વર તારી લીલા અપરંપાર છે.”
આમ કહી કુંભારે જમીન પર પડેલા બધા રૂપિયા ઉઠાવ્યા અને તેના ગામ તરફ રવાના થયો.
(સમાપ્ત)