‘ ળ ‘ કોઇનો નહીં
‘ ળ ‘ કોઇનો નહીં


શાળાથી છૂટીને ઘેર આવ્યો પણ આજે તેને મનમા ખુબ અશાંતિ હતી. એક નાના છોકરાના સહજ સવાલે તેને ચલીત કરી દીધો હતો, વિચલીત કરી દિધો હતો. દરરોજની જેમ શાળામાં બેલ પડતા, છોકરાઓ દોડી દોડીને વર્ગમાં ગોઠવાઇ ગયેલ. લોઅર કે.જી. ના એ બાળકોનો કલરવ આસ્તે આસ્તે શાંત થયો અને નિત્ય ક્રમ મુજબ તેણે ભણાવવાનું શરુ કર્યું. તેણે કહ્યું કે બોલો ‘ક’ કમળનો ‘ક’, ‘ખ’ ખટારાનો ‘ખ’, ‘ઘ’ ઘરનો ‘ઘ’ એમ બારાખડી આગળ ચાલતી ગઇ, બાળકોનું જોશ વધતું ગયું અને ‘ળ’ આવ્યો એટલે તેણે કહ્યું બોલો ‘ળ’ કોઇનો નહીં. પરંતુ, એ બારાખડી આગળ બોલાવે તે પહેલા જ ચાર વરસના એ માસુમ બાળકે તેને માત્ર એટલું જ પુછયું, સર ‘ળ’ કેમ કોઇનો નહીં? કોણ જાણે કેમ પણ એ બાળકના માસુમ મુખારવિંદ જોઇને તેને પોતાના પુત્ર કમલની યાદ આવી ગઇ.
આજે તેને વિચારોએ બરાબરનો ઘેરી લીધો હતો. આ બાળક્નો સવાલ, પોતાના પુત્રની જિંદગીને અનુરૂપ હતો. એને એહસાસ થઇ ગયો કે જેમ ‘ળ’ કોઇનો નહીં, તેમ તેનો પુત્ર ‘કમલ’ પણ કોઇનો નહીં થઇ રહ્યો હતો. જીવનના સામાન્ય બનાવો ને, સામાન્ય સમસ્યાઓને અસામાન્ય રૂપ આપીને, પોતાના અહમના ટકરાવમાં એણે અને તેની પત્નીએ ‘કમલ’ ને પણ ‘કોઇનો નહીં’ કરી દીધો હતો.
એના દોસ્તે તો એને ત્યારે પણ સમઝાવ્યું હતું કે દોસ્ત, છૂટાછેડા પછી જિંદગીમા જે સમજૂતીઓ કરવી પડશે તેના કરતા લગ્ન જીવન વિતાવવામાં ઓછી સમજૂતીઓ કરવી પડશે. પરંતુ, બન્ન્નેના અહમ ના ટકરાવ મા, આ સચ્ચાઇ બન્નેને સમઝાતી ન હતી અને બંનેએ છુટા થવાનું નક્કી કરી નાખ્યું હતું. કમલ માટે હજી કાંઇ નક્કી કરાયું ન હતું અને બન્ને વચ્ચે કમલ કોઇનો નહીં થઇ ને રહી ગયો હતો. બન્ને કમાતા તો હતા, પણ શું ગુમાવતા હતા તેમનો તેમને અનુમાન ન હતું. બન્ને વચ્ચે લગાવનો જે અભાવ હતો તે કમલને ઘાવ આપતો રહેતો હતો. બન્ને સમય નહોતા આપી શકતા કુટુંબ પાછળ, તેમા તેમની જિંદગી લય ગુમાવી બેઠી હતી. આજે એને વિચારોની અજગર ભીંસમાં પોતાના પુત્ર કમલની ચીસ સંભળાતી હતી.
પરંતુ, આજે નિર્દોષ રીતે પૂછાએલા એક સવાલે તેને ઢંઢોળી નાખ્યો હતો. તેણે મનોમન નક્કી કરી લીધુ કે ‘ળ’ ભલે કોઇનો નહીં હોય, પરંતુ કમલ તો બન્નેનો થઇને રહેશે અને એના માટે પોતાના અહમને ઓગળાવી નાખશે. પોતાના કૌટુમ્બીક જીવનને નવું રૂપ આપવાનું તેણે નક્કી કરી લીધું. ટ્રેન બોગદામાંથી પસાર થઇ ગઇ અને બધુ પ્રકાશમય થઇ ગયું. બાજુના મોબાઇલમાં કોઇ ગીત વગાળતું હતુંં જે તેના મનના ભાવ પ્રતિબિંબિત કરતું હતુંઃ
યે ન સોચો ઇસમેં અપની હાર હૈ કી જિત હૈ
ઉસે અપના લો, જો ભી જીવનકી રીત હૈ
યે જીવન હૈ, ઇસ જીવન કા યહી હૈ, યહી હૈ રંગરૂપ,
થોડે ગમ હૈ, થોડી ખુશીયા, યહી હૈ, યહી હૈ.