nayana Shah

Tragedy

4  

nayana Shah

Tragedy

લખપતિ

લખપતિ

6 mins
217


તિલોત્તમા નામ તો સ્વર્ગની અપ્સરાનું હતું. પરંતુ આ રૂપાળી બાળકીને જોઈને બધા એક મતે બોલી ઉઠ્યા કે, "આટલી રૂપાળી દિકરી તો આપણા માટે ઈશ્વરે સ્વર્ગમાંથી જ મોકલી છે. માટે રાશિ પ્રમાણે પણ એનું નામ તિલોત્તમા જ હોવું જોઈએ એ પૃથ્વી પર પણ સ્વર્ગનું સુખ ભોગવશે."

મનુષ્ય હમેશા પોતાના તથા પોતાના સંતાનો વિષે ઉત્તમ કલ્પના જ કરતો હોય. જો કે આખરે તો ઈશ્વર નું ધાર્યું જ થતું હોય છે.

તિલોત્તમાની ઉંમર નેવું વર્ષની હતી અને એ પણ જાણતી હતી કે પોતે થોડા દિવસની મહેમાન છે.જો કે અત્યારે તો એનું પોતાનું કહેવાય એવું કયાં કોઈ હતું ? પોતે સૌથી નાની હોવા છતાં પણ સૌથી વધુ આયુષ્ય લઈને જન્મી હતી. કદાચ સ્વર્ગમાં અપ્સરાઓ લાંબુ આયુષ્ય ભોગવતી હશે. એનું રૂપ જ એનું દુશ્મન હતું. બધા એના રૂપના વખાણ કરતાં. એનામાં એ વાતનું અભિમાન પણ હતું. જો કે એની બહેનોના વારાફરતી લગ્ન થઈ ગયેલા. પરંતુ બહેનને જોવા છોકરાઓ આવે ત્યારે એને રૂમમાં પુરી દેવામાં આવતી જેથી એ છોકરો એની બહેનને બદલે એને પસંદ ના કરે. એને તો એના બંને બનેવીને લગ્નના દિવસે જ જોયેલા. એ પહેલાં એ બનેવીને જોવાની વાત કરે તો એને માર પડતો. ત્યારે એને થતું કે હું રૂપાળી છું એમાં શું મારો વાંક છે ?

એ ભણવામાં તો ખાસ ઉકાળી ના શકી. માંડ નવમાં ધોરણ સુધી પહોંચી. એ દરમ્યાન તો એને દરેક ધોરણમાં બબ્બે વર્ષ કરેલા. એ દરમ્યાન જ એક લખપતિના ઘરેથી એનું માંગુ આવ્યું. એના ભાઈઓ તથા ભાભીઓ ઘણા ખુશ હતાં કારણ છોકરાવાળા એ કહેલું કે, "અમારે તો કંકુ ને કન્યા જ જોઈએ." જોકે બીજી બહેનોની જેમ એને ૬ તોલા સોનું આપ્યું હતું. પરંતુ સાસરીમાંથી તો સિત્તેર તોલા સોનું મળેલું. કારણ એનો પતિ રિધમ એકનો એક હતો. મા અને દિકરો એકલા જ હતાં. એ વર્ષોમાં લખપતિ એટલે ઘણું જ કહેવાય. સમાજમાં બહુ મોટું નામ કહેવાય.

જો કે એને રિધમને જોયો ન હતો. ઘરનાં એ તો કહી દીધું કે એ લોકોએ તને એક લગ્નમાં જોઈ હતી તું એ લોકોને પસંદ છું. આથી વધારે શું જોઈએ ? દલીલ કરવાનું તો એના સ્વભાવમાં જ ન હતું. ઘરનાએ કહી દીધું કે, "નાનું કુટુંબ સુખી કુટુંબ" ઘરમાં મા તથા દિકરો જ છે. વિશાળ બંગલાના કમ્પાઉન્ડમાં "સર્વન્ટ હાઉસ" પણ છે. એટલે નોકર રજા જ ના પાડે. એ એના કુટુંબ સાથે રહે એટલે એ ના હોય તો એની પત્ની કે દિકરો દિકરી કોઈ પણ કામ કરી જાય. તિલોત્તમા તો રાણી બનીને રહેવા માટે જ સર્જાઈ છે.

તિલોત્તમાની આંખોમાં આંસુ આવી ગયા. લગ્ન બાદ એના જીવનમાંથી સુખ શબ્દની બાદબાકી થઈ ગઈ હતી. લગ્ન બાદ પતિનું ભરપૂર સાંનિધ્ય મળશે એવું વિચારેલું. પણ એ તો માત્ર એનું સ્વપ્ન બનીને રહી ગયું. પરણ્યા બાદ એને ખબર પડી કે રિધમના મમ્મીનો સ્વભાવ એટલો બધો ખરાબ હતો કે લાખોપતિ હોવા છતાં પણ કોઈ દિકરીના મા બાપ પોતાની દિકરીને રિધમ સાથે પરણાવવા તૈયાર ના થાય. લગ્નના બીજા દિવસે જ એના પિયરમાં જમવા જવાનું હતું ત્યારે એના સાસુએ રિધમને જતી વખતના જ પૈસા આપતાં કહેલું કે, "પાછા ફરવાના પૈસા તારા સાસરિયાં આપશે."

પરંતુ સાસરિયાંએ રિધમને પેન્ટ શર્ટનું કાપડ તથા તિલોત્તમાને સાડી આપી. ત્યારે તિલોત્તમાની આંખોમાં આંસુ આવી ગયા હતાં પરંતુ એ ખાનદાન હોવાના કારણે પતિને છાવરતાં કહેલું, "જલદીમાં અમે પાકીટ ભૂલી ગયા છે. રિક્ષાના પૈસા તમારે આપવા પડશે. મારી પાસે થોડા પૈસા હતાં એ મેં રિક્ષાવાળાને આપી દીધા." તે દિવસે તો આબરૂ સચવાઈ ગઈ.

ત્યારબાદ તો જયારે એને પિયર જવાનું હોય ત્યારે જવા માટે જ પૈસા આપે. પાછા ફરવાના પૈસા પિયરમાંથી જ લેવાના. કબાટમાં ઢગલો સાડીઓ પડેલી હોવા છતાં પણ સાસુ નવી સાડી પહેરવા ના દે. નવી સાડી પહેરવાની વાત કરે ત્યારે ઉચ્ચ પ્રકારના બિભત્સ શબ્દો સાંભળવા મળતાં. પતિ ખાસ ભણેલો તો હતો નહિ પણ લગ્નના બજારમાં બેકાર યુવકને કન્યા પ્રાપ્ત ના થાય એટલે સાડીઓની દુકાનમાં નોકર તરીકે કામ કરતો. એમાં એને સાડીઓની ગડી પણ કરવી પડતી અને કોઈ મોટો ગ્રાહક આવ્યો તો એના માટે ચા લેવા પણ જવું પડતું. કયારેક થાકીને આવે ત્યારે "નવરો માટી બૈયર પર શૂરો" એ ન્યાયે પત્નીને મારઝૂડ પણ કરતો. ત્યારે એની સાસુ ખુશ થઈને કહેતી, "એના લક્ષણો જ એવા છે કે પતિનો માર ખાય." જો કે ત્યારબાદ પણ પતિ શબ્દ કોષમાંથી સહન ના થાય એવા શબ્દોનો વરસાદ વરસાવતો. પોતાને બહાર જવું હોય તો સાસુ જોડે જવાનું.

જો કે સામેની વ્યક્તિની ભૂલો સહજ રીતે તમે શોધી શકો. એમાં ય રસોઈમાં તો તમે સહજ રીતે ભૂલો કાઢી શકો. લોકો માનતા હતાં કે તિલોત્તમા ખૂબ સુખી છે. કારણ એ ચૂપચાપ બધું જ સહન કરી હસતું મોં રાખતી હતી. એની સાસરિમાં એટલી મિલકત હતી કે ભાડાની આવક જ દર મહિને હજારાેમાં આવતી. એ સામે ખર્ચ તો હતો જ નહીં. એવામાં એને ઘરમાં સારા સમાચાર આપ્યા. ત્યારે એને લાગતું હતું કે હવે એના દુઃખના દિવસોનો અંત આવશે.

પરંતુ એક દિવસ દુકાનમાં શેઠ એની ભૂલ બદલ ગુસ્સે થયા અને એને બધો ગુસ્સો પત્ની પર ઉતાર્યો. એ દિવસે તો પત્નીને લાતેલાતે મારી. પરિણામ સ્વરૂપ તિલોત્તમા ને દવાખાને દાખલ કરવી પડી ડોક્ટરે કહી દીધું કે હવે એ કયારેય મા નહીં બની શકે કારણ ગર્ભાશયને વધુ નુકસાન થયું છે. ત્યારબાદ એના દુઃખના દિવસો ચરમસીમાએ પહોંચી ગયા. રિધમ જક્કી તો હતો એમાં ય હવે પત્ની તરફની નફરતમાં ઉત્તરોત્તર વધારો થતો રહેતો હતો. સાસુના મહેણાં ટોણાં તો સતતપણે ચાલુ જ રહેતાં.

સાસુના મૃત્યુ બાદ એક આશા બંધાઈ હતી કે પતિ પ્રેમથી રાખશે. એ આશા પણ ઠગારી નિવડી. પતિ ને કોઈ ભાઈ કે બહેન તો હતાં નહિ. પણ પૈસા હોવા છતાં પણ એ ઘરના નોકરો કરતાં ખરાબ વસ્ત્ર પહેરતી કારણ કપડાંનાં કબાટની ચાવી પતિ પાસે જ રહેતી. દિવસો તો જલદી પસાર થતાં હતાં. રિધમને નિવૃત્ત થવાની તો જરૂર જ ન હતી. ખાનગી દુકાનોમાં તો જુનો માણસ વર્ષોના વર્ષો સુધી કામ કરતો રહે.

એવામાં જ કોરોનાનો કેર ફેલાતો ગયો. એને પતિને કહ્યું પણ ખરું કે આપણી સોસાયટીની બહાર જ રસી આપે છે આપણે લઈ આવીએ. પરંતુ રિધમ માન્યો જ નહીં. આમ પણ એને બહાર નોકરી માટે જવું પડતું. એમાં એને કોરોના થયો. પરંતુ એના જક્કી સ્વભાવ મુજબ એને કહી દીધું કે કોરોના મારૂ કંઈ જ બગાડી ના શકે. પરંતુ બીજા દિવસે સવારે એ પથારીમાંથી ઊઠી જ ના શક્યો. હવે તિલોત્તમા સાવ એકલી પડી ગઈ હતી. એના ભાઈઓ, ભાભીઓ બહેનો તથા બનેવીઓએ તો પૃથ્વી પરથી વિદાય લઈ લીધી હતી. ભાણીયા ભત્રીજાઓ હતા પરંતુ એમની સાથે આત્મીયતા કયાં કેળવાઈ હતી !

એમાંય જયારે રિધમના મૃત્યુ બાદ એનું વસિયતનામું ખોલ્યું ત્યારે ખબર પડી કે રિધમ એની બધી મિલકત એના માસીનો દિકરો કે જે વકીલ હતો એના નામે કરી ગયો છે. તિલોત્તમા જીવે ત્યાં સુધી એ આ બંગલામાં રહે અને એને મહિને વીસ હજાર રૂપિયા મળે. કોઈ નવી વસ્તુ ખરીદી ના શકે કે ઘરની કોઈ વસ્તુ વેચી પણ ના શકે. જો કે એનો ભાણિયાે જે વકીલ હતો એને કહ્યું પણ ખરૂ,

"માસી સ્ત્રી ધન પર કોઈ હક્ક ના કરી શકે તું તારૂ બધુંજ સોનું વેચી ને લહેરથી રહે. આ વસિયતનામું ખોટું છે અને બળજબરીથી લખાવ્યું છે એવું આપણે સાબિત કરી શકીશું."

"પતિને જે ગમ્યું એ ખરૂં. હવે મારી ઉંમર થઈ છે. જુવાનીમાં ઈચ્છા મોજશોખ કરવાની હોય હવે મારે કેટલું જીવવું ! આમ થવાથી જો તારા માસાના આત્માને શાંતિ મળતી હોય તો હું એ જ રીતે જીવીશ"

ભાણિયો દલીલ કરતો જ રહ્યો, "માસી વર્ષો પહેલાં તમારૂ કુટુંબ લાખોપતિ કહેવાતું અત્યારે તો તમારી મિલકત કરોડોમાં થાય."

ભાણિયાના ગયા પછી તિલોત્તમા વિચારતી હતી કે કોણ કહે છે કે પૈસાથી જ લખપતિ બનાય ! મારી જિંદગી તો લગ્નના થોડા સમયમાં જ શારિરીક, માનસિક અને આર્થિક જેવા લાખો અત્યાચારો સહન કરી કરી ને હું લખપતિ બની જ ગઈ હતી. હવે પૈસાથી લખપતિ બનવાનું મને સ્વપ્ન પણ આવે એવું કયાં છે ! 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy