mariyam dhupli

Drama Tragedy Inspirational

4  

mariyam dhupli

Drama Tragedy Inspirational

લિવ મી અલોન - ૪

લિવ મી અલોન - ૪

7 mins
251


'' મે આઈ કમ ઈન, સર ? " 

બોસની હિંચકા લેતી આરામખુરશી આજે એક જ સ્થિતિમાં સ્થિર હતી. કેબિનની અંદર તરફ અર્ધી ડોકાયેલી ગરદન તરફ ધ્યાન જતા કેબિનની અંદરનું ગંભીર વાતાવરણ હજી વધુ ગંભીર થઈ ઊઠ્યું. 

" કમ ઈન, પ્લીઝ. " બહાર તરફથી અંદર તરફ પ્રવેશેલી વ્યક્તિ હજી નિરાંતનો શ્વાસ ભરી શકે એ પહેલા સ્થિર આરામખુરશી ઉપરથી અવિશ્વાસભર્યા શબ્દો ગુંજી ઉઠ્યા. 

" આ હું શું સાંભળી રહ્યો છું, પ્રભાશંકર જી ? તમે કેટલા વર્ષોથી આ કંપની જોડે જોડાયેલા છો ? તમે મારી ટીમના સૌથી સિનયર અને સૌથી અનુભવી એમ્પ્લોયી છો. મને તમારાથી આવી અપેક્ષા ન હતી. "

જાતે અદાલતમાં ઊભો હોય અને જજ તરફથી પોતાની નિર્દોષ જાત પર કોઈ ઓચિંતો આરોપ આવી પડ્યો હોય એવી રીતે દંગ રહી ગયેલો પ્રભાશંકર બોસના ચહેરાની ગંભીરતા નિહાળી આંચકો ખાઈ બેઠો. 

" પણ સર, મારાથી..."

ગૂંચવણમાં સરી પડેલા મગજને કારણે જીભ જાણે ગોતા ખાવા લાગી. અધૂરા છૂટી ગયેલા વાક્ય સાથે એની નજર બોસની સામે તરફની બેઠક પર ગોઠવાયેલી વ્યક્તિ પર આવી પડી. પાછળ તરફથી એ આકૃતિ જાણીતી લાગી. મનમાં કોયડાનો ઉકેલ થઈ શકે એ પહેલા બોસના શબ્દોએ એ કોયડાને ક્ષણમાં ઉકેલી નાખ્યો. 

" તમે જાણો છો કે મિસ્ટર વશિષ્ઠ શાહને આપણી કંપનીમાં જોડાવાને નામના જ દિવસો થયા છે. તેઓ ખૂબ જ મહેનતુ અને હોનહાર માણસ છે. મને ગર્વ છે કે તેઓ આપણી ટીમના સભ્ય છે. " બોસ દ્વારા થઈ રહેલી એમના ગમતા એમ્પ્લોયીની પ્રશંસા વચ્ચે પ્રભાશંકર મનોમન પોતાની ભૂલનું ગણિત ચકાસી રહ્યો હતો. એ વાતનો પુરાવો એના ચહેરાના ગૂંચવણભર્યા હાવભાવોમાં સ્પષ્ટ ઝીલાઈ રહ્યો હતો. પરંતુ બોસની વાત વચ્ચે ટાપસી પૂરવાની ન પોતાની લાયકાત હતી, ન એ જોખમ ઉપાડવાનું એને પોષાય એમ હતું. એટલે જ ધીરજ ધરી એ એકેક શબ્દ લાચારીથી સાંભળી રહ્યો હતો. 

" મિસ્ટર શાહનું કહેવું છે કે તમે એમને કામની વચ્ચે વારેઘડીએ ખલેલ પહોંચાડો છો. જ્યારે મન ફાવે ત્યારે એમના કામના ટેબલ પર પહોંચી નકામી વાતો કરો છો. કેન્ટીનમાં પણ તમે એમનો પીછો છોડતા નથી. એટલું જ નહીં, એમની વારંવારની મનાઈ છતાં તમે પોતાનું જમણ જમવા એમને વિવશ કરો છો. એમના અંગત જીવન અંગે પૂછપરછ કરતા રહો છો. ઈઝ ઈટ ટ્રુ, પ્રભાશંકર જી ? " 

પોતાના અંગે થયેલી ફરિયાદો પર વિશ્વાસ ન બેસતો હોય એમ પ્રભાશંકરની કીકીઓ પહોળી થઈ ઊઠી. જાતબચાવમાં શું કહેવું અને શું નહીં એ સમજવાનો કે વિચારવાનો સમય જ ક્યાં મળ્યો ?

'' પણ સર, હું તો..."

'' ઈઝ ઈટ ટ્રુ ? યસ ઓર નો ? " જવાબ આપવા માટે હવે ફક્ત એક જ શબ્દની મંજૂરી હતી એ બોસ દ્વારા પુનરાવર્તિત થયેલા પ્રશ્નની ઉચ્ચારણ ઢબ પરથી નિશ્ચિત થઈ ચૂક્યું હતું. 

પણ એ એક શબ્દ પણ મોઢામાંથી નીકળી શક્યો નહીં. પ્રભાશંકરની ઢળેલી ગરદન અને દ્રષ્ટિમાં બોસને પોતાનો ઉત્તર મળી ગયો. 

" તમે આ કંપનીના અનુભવી કાર્યકર છો. આજ દિવસ સુધી મને તમારા વિરુદ્ધ કોઈ ફરિયાદ મળી ન હતી. આને હું તમારી પહેલી અને અંતિમ ભૂલ ગણી લઉં છું. પણ જો ફરીવાર આવી ભૂલ થઈ તો મારે તમારા વિરુદ્ધ કડક પગલાં ઉઠાવવા પડશે. એ વાત યાદ રાખજો. યુ મે ગો નાઉ. "

આચાર્યની ઓફિસમાંથી કોઈ ખખડાવાયેલો વિદ્યાર્થી મોઢું લટકાવી બહાર નીકળે એ રીતે ઉતરેલા ચહેરે બોસની કેબિનમાંથી બહાર નીકળી આવેલો પ્રભાશંકર ચૂપચાપ પોતાની જગ્યાએ આવી ગોઠવાયો. આંખો સામેના ફાઈલ અને દસ્તાવેજ નિહાળી ફરી ક્યાંથી કામ શરૂ કરવું એ જરાયે સમજાઈ રહ્યું ન હતું. એ જ સમયે બોસની કેબિનમાંથી બહાર નીકળી આવેલા ફરિયાદીના વિશ્વાસભર્યા ડગલાં એના ટેબલ પાસેથી પસાર થયા. પોતાના ટેબલ પર પહોંચી એ તરત જ પોતાના ફાઈલ અને દસ્તાવેજોમાં એવી રીતે પરોવાઈ ગયો જાણે કશું થયું જ ન હોય. પ્રભાશંકરની આંખો એને આઘાતથી એ રીતે તાકી રહી જાણે એને અંતિમવાર જોવાનું વચન આપતી હોય. 

*

ઓફિસમાં ઓવરટાઈમ કરીને આવવામાં આજે થોડા લાંબા કલાકો થયા હતા. હાથમાં ઓફિસબેગની જોડે સુપર માર્કેટથી ખરીદેલી ગ્રોસરીના બબ્બે મોટા થેલા હતા. તાદાત્મ્ય એપાર્ટમેન્ટનો ગાર્ડન એરિયા આ સમયે સાવ સૂનો પડ્યો હતો. બધા સભ્યો પોતપોતાના ફ્લેટ ભેગા થઈ ગયા હતા. સાવ મોકળું મેદાન નિહાળી સંતુષ્ટ આંખોમાં રાહતનો ચળકાટ વ્યાપી ગયો. યાંત્રિક માનવી જેવી ઝડપે એ સીધો લિફ્ટ આગળ આવી ઊભો રહી ગયો. લિફ્ટના પ્રવેશદ્વાર નજીક તદ્દન મધ્યમાં એક મોટો પેક થયેલો ખાખી રંગનો ડબ્બો હતો. બંને વ્યસ્ત હાથ જોડે જેવી એ ડબ્બા ઉપર દ્રષ્ટિ પડી કે આંખોમાં ઘેરાઈ આવેલો ચળકાટ એક ક્ષણમાં અદ્રશ્ય થઈ ગયો. સખત, ટટ્ટાર ગરદન વારાફરતી બન્ને દિશામાં ફરી. પાર્કિંગ એરિયામાંથી ડગલાંઓનો આછો અવાજ પડઘાયો. એક પણ સેકન્ડની ધીરજ ધર્યા વિના એક કડક લાત ડબ્બાને લાગી અને ડબ્બો બીજી તરફ ગબડી ગયો. એના ગબડવાના પ્રચંડ અવાજ જોડે પાર્કિંગ એરિયામાંથી લિફ્ટ નજીક પહોંચી રહેલા ડગલાંઓ વધુ સ્પષ્ટ સંભળાવા લાગ્યા. એ ડગલાંઓ નજીક પહોંચ્યા જ કે લિફ્ટમાં પાંચમા માળ માટેનું બટન દબાવી દેવામાં આવ્યું. લિફ્ટ નજીક પહોંચી ગયેલા હાંફતા વૃદ્ધ શરીરના હાથમાં માંડ મહેનતે ઉઠાવી લાવવામાં આવેલો એવો જ બીજો એક પેક થયેલો ખાખી ડબ્બો હતો. વૃદ્ધ આંખો ડઘાઈને લિફ્ટમાં હાજર ચહેરાને તાકી ઊઠી. એ ચહેરાની આંખો તદ્દન સપાટ હતી. ન એની અંદર કોઈ હલનચલન હતું, ન કોઈ ભાવ. બીજી જ ક્ષણે લિફ્ટ બંધ થઈ ઉપરની દિશામાં ગતિ કરી ગઈ. ગ્રાઉન્ડ ફ્લોર પર ગબડી પડેલા ડબ્બાની ઉપરનું સ્ટીકર હજી પણ ભોંયને સ્પર્શી રહ્યું હતું. જે મોટા મોટા અક્ષરે નિર્દેશ કરી રહ્યું હતું, ' ડેલિકેટ પ્રોડક્ટ્સ. પ્લીઝ, હેન્ડલ વિથ કેર '

*

" અરે, પાણી આપો, પાણી..."

આંખોમાંથી નીકળી રહેલા પાણીને ટીસ્યુ વડે સાફ કરતા યુવાન પુરુષ રીતસર ચીસ પાડી ઊઠ્યો.

રસોડામાંથી દોડતી આવેલી યુવાન સ્ત્રીએ હાથમાં લઈ આવેલા પાણીના જગમાંથી ગ્લાસમાં ઉતાવળે પાણી રેડ્યું. પાણીનો ગ્લાસ તરત જ હાથમાં ઉંચકી એ આખો ગ્લાસ એક જ શ્વાસે ગટગટાવી ગયો. એટલી ઉતાવળ જોડે કે થોડું પાણી શર્ટને પણ અનાયાસે ભીંજાવી ગયું. 

" આ શું છે, કામના ? કેટલું મરચું છે આની અંદર ? તને ખબર છે ને મારાથી મરચું સહેવાતું નથી ? હાઉ કેન યુ બી સો કેરલેસ ? "

પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરમાં કોઈ શબ્દ ઉચ્ચારી શકે એ પહેલા સામે આવી ગોઠવાયેલી સ્ત્રીને ડાઈનિંગ ટેબલના ખૂણામાં ગોઠવાયેલી વૃદ્ધ સ્ત્રીનો વણમાંગેલ ટેકો મળ્યો.

" વશી, તું ફરી શરૂ થઈ ગયો ? એટલું પણ તીખું નથી. આ સામે જો. તારી સાત વર્ષની દીકરી પણ આરામથી જમી રહી છે. પ્રીતિ, આ તીખું છે, દીકરા ? "

વૃદ્ધ સ્ત્રીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં નાનકડી બાળકીએ તરત જ ગરદન નકારમાં ધૂણાવી મૂકી. 

" નો દાદી, ઈટ્સ યમ્મી. "

" જોયું ? " વૃદ્ધ સ્ત્રીના ચહેરા ઉપર તૃપ્તિ અને સ્નેહ એકીજોડે દર્શન આપી રહ્યા. 

" તમને બધાને ગમે છે તો ખાઓ ને. કોણે ના પાડી છે ? પણ બિચારા વશી માટે ઘરમાં જ કઈ બનાવી લો ને. એને બહારનું ફાવતું નથી. " ડાઈનિંગ ટેબલના બીજા ખૂણામાંથી વૃદ્ધ પુરુષે સમાચાર પત્રનું પાનું ફેરવતા પોતાનો અભિપ્રાય આપ્યો. 

" એ જ તો કહું છું, પપ્પા. પણ આ લોકો સમજે ત્યારે ને ? " તીખાશથી નાકમાં ઘેરાઈ આવેલું પાણી શબ્દો જોડે અવાજ કરતું ભળી ઊઠ્યું. 

" અરે, તમે જ એની ટેવ બગાડી રાખી છે. આખું અઠવાડિયું હું અને કામના રસોડામાં જ તો હોઈએ છીએ. એટલે મેં નક્કી કર્યું છે. રવિવારે અમારી પણ છુટ્ટી. આખો દિવસ આરામ કરીશું, ટીવી જોશું, ફરવા જઈશુ અને જલસા કરીશું, બસ. "

એ જ સમયે યુવાન સ્ત્રીએ માઈક્રોવેવમાંથી પ્લેટ કાઢી ડાઈનિંગ ટેબલ પર ગોઠવી. 

" આ ગઈકાલનો પુલાવ બચ્યો છે. "

" હાશ, બચી ગયો. " યુવાન પુરુષે બહારથી ઓર્ડર કરી મંગાવવામાં આવેલા જમણને એકતરફ હડસેલી પુલાવની પ્લેટ રીતસર પોતાની તરફ ખેંચી લીધી. સમાચારપત્રમાં વ્યસ્ત વૃદ્ધ પુરુષના મુખ પર મીઠું સ્મિત રેલાઈ ગયું. વૃદ્ધ સ્ત્રીના ચહેરા ઉપર અવિશ્વાસના ભાવો ખેંચાઈ આવ્યા. 

" કહું છું વશી, થોડું બહારનું પણ જમવાની ટેવ પાડ. થોડું તીખું ખાવાની પણ આદત રાખ. કોઈ દિવસ અન્ય શહેરમાં કામ માટે જશે ત્યારે શું ? ત્યાં હું કે કામના ન હોઈશું  જે તારા નખરા ઉઠાવે.  સમજ્યો ? "

સૂના ફ્લેટના ડાઈનિંગ ટેબલ પર સ્ત્રી જમણની થાળ રાખી હોલની સાફસફાઈ કરવા જતી રહી હતી. એ થાળની અંદર ભૂતકાળનું આખું દ્રશ્ય એણે નિહાળી લીધું. વર્તમાનમાં પરત થયેલા સક્રિય મગજના આદેશને અનુસરતા આખરે એણે જમવાની શરૂઆત કરી. 

એ જ સમયે હોલમાં ઊભું પાતળું, નબળું શરીર હોલનો દરેક ખૂણો એ રીતે નિહાળી રહી હતી જાણે ફ્લેટના નવા ભાડુતની શણગાર પ્રત્યેની બેદરકારી અંગે મૌન ફરિયાદ કરી રહી હોય. હાથમાં થમાયેલું સફાઈ માટેનું કાપડ હજી સ્વચ્છ હતું. ચારે તરફની ભીંત તરફ એક ગોળ ચક્કર કાપી જાસૂસ જેવી કીકીઓ નિરાશ થઈ ઊઠી. આંખો સામેની ડ્રોવરવાળી કબાટ તરફ જીજ્ઞાશા ભરી દ્રષ્ટિ ડોકાઈ. હાથમાંના કાપડને એક હળવો ઝાટકો આપી ધીમા ધીમા ડગલાં ડ્રોવર નજીક પહોંચ્યા. એક દ્રષ્ટિ અંદર તરફના રસોડા તરફ ગઈ. મનને ખાતરી થતાં ધીમે રહી ઢીંચણ ભોંયને અડક્યા. વારાફરતી દરેક ડ્રોવર અવાજ ન થવાની તકેદારી જોડે ખુલ્યા. જુદી જુદી ફાઈલ અને કાગળિયાઓના જથ્થા ઉપર નીરસ દ્રષ્ટિ ફરી વળી. મહેનતનું કશું ફળ હાથ ન લાગતા આશ છોડી ડ્રોવર એક પછી એક હળવા હાથથી બંધ થઈ ગયા. કશું મહત્ત્વનું અવગણના પામી ગયું હોય એ રીતે કુતુહલતા જોડે ફરીથી સૌથી નીચે તરફનું ડ્રોવર ધીમે રહી ખોલવામાં આવ્યું. ડ્રોવરમાં અંદરના ખૂણા તરફથી ડોકિયું કરી રહેલ ફોટોઆલ્બમ આંખોને અડકતાં જ ચહેરા પર એક લુચ્ચું સ્મિત રમી ગયું. ધીમે રહી આલ્બમ તરફ હાથ આગળ વધારવામાં આવ્યો જ કે પાછળ તરફથી એક પડછાયો હોલમાં ફેલાયો. જાણે આટલી વારથી સાફસફાઈ કરવામાં વ્યસ્ત હોય એવો ડોળ રચતા હાથ તરત જ હાથમાંના નિષ્ક્રિય કાપડને સક્રિય દેખાડવા મથી રહ્યા. 

" ગેટ લોસ્ટ, નાઉ. "

આંખો સામે આવી પડેલા પૈસા કોઈ સારો સંકેત તો ન જ આપી રહ્યા હતા. 

" પણ સાહેબ, હું તો..."

નબળું શરીર ટટ્ટાર થઈ ઊભું થઈ ગયું. એ તરફથી જાતબચાવ માટે ગોઠવાઈ રહેલા વાક્યમાં કોઈ રસ ન હોય એમ ફરીથી અગનજ્વાળા જેવા ત્રણ શબ્દોનું માતૃભાષામાં અનુવાદ થતા જ સામે ઊભું શરીર ડરથી ધ્રૂજી ઊઠ્યું. 

" હમણાં જ નીકળો. "

ગળાનું થૂંક કાંપતું નીચે ઉતર્યું. ભોંય પર વિખરાયેલ મહેનતાણું હેમખેમ ભેગું કરી જાણે કોઈ રાક્ષસથી જીવ બચાવવાનો હોય એમ સાડીનો પાલવ કમરમાં ચુસ્ત ખોસી નબળા, પાતળા શરીર વડે બારણું ઉઘાડી લિફ્ટ તરફ જોરદાર દોટ મૂકાઈ.

પાછળ તરફથી ફ્લેટનું બારણું એટલા બળ જોડે બંધ થયું કે એના અવાજથી લિફ્ટમાં ભાગીને પહોંચેલું શરીર જ નહીં, આખું એપાર્ટમેન્ટ થરથર ધ્રુજી ઊઠ્યું. 

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama