લિફ્ટ
લિફ્ટ


રાત ના લગભગ ૧૨ વાગ્યા હતા. રાજદીપ ને ચાંગોદર ની ફેક્ટરી માં આજે મોડું થયું હતું.. સામાન્ય રીતે એ આઠ વાગે ઘરે જતો.. આજે એ રાત્રે બાર વાગે પોતાની ગાડી લઈને ચાંગોદર થી બોપલ પોતાના ઘરે જવા નિકળ્યો. ગાડી માં ધીમું ધીમું સંગીત વાગતું હતું.. સનાથલ ચાર રસ્તા આવતા રાજદીપ નું માથું દુખવા માંડ્યું. એણે સંગીત બંધ કર્યું... અને એણે એના બેગ તરફ જોયું.. માથું ચડ્યું છે તો એક બે પેગ મારી જ દઉ..એ મનમાં બબડ્યો... પછી થયું ના ના ચાલુ ગાડીએ નહીં..ઘરે જઈ ને.... એટલામાં શાંતિ પુરા ચાર રસ્તા આવ્યા.. એક કૂતરો દોડતો ગાડી પાસે આવ્યો. રાજદીપે કાર ને બ્રેક લગાવી.. બબડ્યો..આ રાત ના સમયે જન જનાવરો કેમ વચ્ચે આવતા હશે? કૂતરો પસાર થતા ધીમે ધીમે રાજદીપ ગાડી ચલાવી ને બોપલ તરફ આવતો હતો.. રસ્તો સુમસામ હતો.અવર જવર હતી નહીં. એટલામાં એપલ વુડ પાસે રસ્તાની બાજુમાં એક યુવતી ને જોઈ. એ લિફ્ટ માટે ઈશારો કરતી હતી. પહેલાં થયું નથી ઊભી રાખવી... પછી થયું આટલી રાતે કોઈ યુવતી લિફ્ટ માંગે તો આપવી જોઈએ.
એ યુવતી પાસે કાર ઊભી રાખી.રાજદીપ બોલ્યો," ક્યાં જવાનું છે? આમ અડધી રાત્રે!"
પેલી યુવતી બોલી,"આજે મારે મોડું થયું છે અને મારી એક્ટિવા બગડી છે એટલે અહીં સાઈડ માં મુકી અને લિફ્ટ માંગી. મારે ખ્યાતિ ચોકડી શીલજ જવું છે. મને લિફ્ટ આપશો તો તમારો ઉપકાર.".
રાજદીપ બોલ્યો," આટલી રાત્રે કોઈ એકલી યુવતી લિફ્ટ માંગે તો આપવી જ પડે ને! પણ મારે તો બોપલ જવાનું છે. ચાલો ત્યારે બેસી જાવ.". રાજદીપે કાર નો દરવાજો ખોલ્યો અને પેલી યુવતી કાર માં બેસી.
પેલી યુવતી બોલી," સારૂં ત્યારે હું બોપલ ચોકડી ઉતરી જઈશ..બીજી વ્યવસ્થા કરી લઈશ.".
રાજદીપ ને દયા આવી બોલ્યો," શું નામ તમારૂં?".
" અંજના મારૂં નામ.".
રાજદીપ," સારૂં ત્યારે હું તમને ખ્યાતિ ચોકડી શીલજ તમારા ઘર સુધી મુકી જઈશ. પછી બોપલ જઈશ. આ મોડીરાત્રે તમને કોઈ વાહન મળશે નહીં.".
" સારું ત્યારે ". પેલી યુવતી બોલી.
રાજદીપે ધીમે ધીમે કાર ચલાવી, ખ્યાતિ ચોકડી આવી એટલે પેલી યુવતી બોલી ," બસ અહીં જ ઊભી રાખો. નજીક જ મારો ફ્લેટ છે. થેંક્યું." રાજદીપે કાર ઊભી રાખી.પેલી યુવતી કારમાંથી ઉતરી અને એણે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું.બોલી," વન્સ અગેન થેંક્યું." પેલી યુવતી ને ઝડપ ભેર જતા જોઈ.
રાજદીપ કાર ચલાવી ને બોપલ ઘરે આવ્યો.
ઘરે આવી ને રાજદીપ ને પેલું કાર્ડ યાદ આવ્યું...કાર્ડ માં નામ વાંચ્યું એડવોકેટ અંજના.
રાજદીપ ને બે વર્ષ પહેલાં ની વાત યાદ આવી.એ દિવસે પણ પોતે ચાંગોદરથી મોડી રાત્રે ગાડી લઈને આવતો હતો ત્યારે એણે બે ત્રણ પેગ માર્યા હતા...ગાડી સ્પીડ માં હતી. એપલ વુડ આવતા એક સ્કુટર સાથે એની ગાડીની ટક્કર વાગી. એ પોતે પીધેલો હતો એટલે ગાડી ઊભી રાખી નહીં.. બીજા દિવસે પેપરમાં આ અકસ્માત ના સમાચાર વાંચ્યા હતા.. જેમાં એડવોકેટ અંજનાનું મૃત્યુ થયું હતું...આ યાદ આવતા ગભરાઈ ગયેલા રાજદીપે દારૂની બોટલ લીધી..એક બે પેગ પીધા હશે ને એના મોબાઈલ ની રીંગ વાગી.... કોઈ અજાણ્યો નંબર હતો.. રાજદીપ બબડ્યો આ અડધી રાત્રે પણ જપતા નથી...
રાજદીપે મોબાઇલ ઉપાડ્યો
હેલ્લો.......સામે થી અવાજ કોઈ મહિલાનો હતો ," હેલ્લો.. હું એડવોકેટ અંજના.. ઓળખી મને? એક જોરદાર અટ્ટહાસ્યનો અવાજ આવ્યો.
આ સાંભળી ને રાજદીપે દારૂ ની બોટલ ફેંકી દીધી.. ગભરાઈ ગયેલા રાજદીપ ને હાર્ટ એટેક આવ્યો અને ત્યાં ને ત્યાં ઢળી પડ્યો.