લીલાલ્હેર
લીલાલ્હેર


આ ગંગામાંનું તો મગજ જ ચસ્કી ગયું છે. એમના વર મરી ગયા પછી તો જાણે સાવ ગાંડા જેવા જ થઈ ગયાં છે. આવી વાતો કરતાં ગામલોકો હતાં પણ સાચા. . . સવાર પડે ને ગંગામાં ઉપડે સીમ ભણી,માથે હોય મોટો બધો ટોપલો. ટોપલામાં હોય કંઇ કેટલીય જાતનાં વર્ક્ષો નાં રોપા ને બીજ !! સીમમાં પહોંચી ખાલી જમીન જોઇ એ તો મંડી પડે એને માટીમાં રોપવા ને પછી થોડા મોટા થયેલ રોપાઓની માવજતમાં જ એમનો દિવસ પૂરો. ન ખાવાની સુધ ન પીવાની. . ગરમી-ઠંડી -વરસાદ પણ એમને ન રોકી શકતાં. કોઇ અવળચંડા છોકરાં ક્યારેક રમતા રમતા ત્યાં પહોંચી જાય ને ભૂલે ચૂકે ય રોપાને અડે કે ખલ્લાસ ગંગામાં લાકડી ઉગામી બૂમાબૂમ કરી મૂકે. બસ,ફક્ત આ સમયે જ એમનો અવાજ સંભળાતો. બાકી મૂંગામંતર.
હા!! રાતના એમના પડોશીઓ ને એમનો અવાજ અચૂક સંભળાતો. જાણે કે મૃત પતિ સાથે વાત કરતાં હોય. સાવ નાની વયમાં લગ્ન કરી એ આ ગામમાં આવ્યા. એમના પતિ ને એ, એક નાનું ખેતર ખેડી ખાતાં ને સંતોષથી રહેતા. પછી ખબર નહીં કેમ એમના પતિને શહેરમાં જઇ ખૂબ બધાં પૈસા કમાવાની ધૂન ઉપડી તે ગંગાને ગામમાં મૂકી એ તો ઉપડ્યો શહેરમાં ને એક મિલમાં નોકરી પણ લાગી ગઈ. દર દિવાળી એ ઘરે આવે ત્યારે જાત જાતની નવી વસ્તુઓથી ઘર ભરી દે ને ગંગાના આખા વરસના ખાલીપા ને ભરી દે. ક્યારેક ગંગા કહે"બસ. હાઉં! હવે અહીં જ રહે. " તો એ કહેતો બસ, હજી થોડો ખજાનો ભેગો થવા દે પછી લીલાલ્હેર.
આ વખતે તો એ બે વરસે ગામ આવ્યો. ખજાનો તો નહીં. . . ખૂબ બધી ખાંસી લઇને આવ્યો. આખો દિવસ ખોં. . ખોં. . ખોં. શરીર તો જાણે મૂઠી હાડકાં! હેબતાયેલી ગંગા તો મંડી સારવાર કરવા. ગામના સારામાં સારા હકીમને દવા કરવા બોલાવ્યો ને પતિને બચાવવા કરગરતી રહી. હકીમ કહે" શહેરમાં મિલનાં ધૂમાડા જ
ખાધા છે. ઓક્સિજન તો મળ્યો જ નથી તે ફેફસાં સડી ગયાં છે. " ગમાર એવી ગંગાને કંઇ બહુ સમજાયું નહીં. તો પણ પૂછી બેઠી" તે આ ઓક. . સ. . જન ક્યાં મળે? હું લેઇ આવું? " હકીમ હસી પડ્યા ને બોલ્યા "ગાંડી એ તો હવામાં હોય. . આ બધા ઝાડ આપણને એ આપે. શહેરમાં તો હવે ઝાડ કાપી -મકાનો જ મકાનો ને સાથે મિલ-. વાહનોને ફેક્ટરીના ધુમાડા. . . ગામમાં પણ હવે લાકડા માટે લીલોતરી કાપે જ છે ને?" બસ, પતિને બચાવવા હોય તો આસપાસ ઝાડપાન જોઇએ એવું કંઇક એને સમજાયું ને એ મંડી પડી વૃક્ષ વાવવા. . . . . પતિ તો ન બચ્યો પણ આ એક ધૂન એના મગજ પર સવાર થઇ ગઇ તેને આજે પંદર વરસ વીતી ગયાં.
આટલા વરસોમાં એના વાવેલ વૃક્ષોથી સીમમાં એક જંગલ બની ગયું. સૂકાં રહેતા ગામકૂવા હવે પાણીથી ઉભરાવા માંડ્યા, અનેક ફળ-ફૂલ જંગલમાંથી મળવા માંડ્યા. . ખેતીની આવક પણ વધી. ગામની બરકત જોઇ રાજ્યતંત્ર ચોંક્યૂં. . . તપાસ કરતાં બહાર આવ્યું કે આ તો પેલા સીમ-જંગલ નો પ્રતાપ! રાતોરાત ગાંડા ગણાતા ગંગામાં ગર્વ લેવા જેવા બની ગયાં. . .
આજે મંત્રીશ્રી ના હાથે એમના સન્માન નો કાર્યક્રમ હતો. . હાર-તોરા-ભાષણથી અલિપ્ત એવા ગંગામાં મંચ પર બેઠા છે. અંતમાં જતાં જતાં મંત્રીશ્રી એ પૂછ્યું "માજી! આટલું માન મળ્યું તે ખુશ ને?" જાણે કંઇ સભળાણું ન હોય એમ ભાવ શૂન્ય ચહેરે એ તાકી રહ્યા ને અચાનક બોલ્યાં "તે હેં સાહેબ. . હવે કોઇ ફેફડાંની બિમારીથી નહીં મરે ને?" કંઇ સમજાયું નહીં પણ સાહેબ બોલ્યાં "ના, માજી આ તમારા વાવેલ જંગલથી તો આ ગામ ની હવા શુધ્ધ થઈ ગઈ. હવે કોઇ એમ નહીં મરે. હવે તો લીલાલ્હેર. "
ગંગાડોશી ઉંચું જોઇ આકાશ માં કંઇક તાકી રહ્યાં. . . ને એમનાં હોઠ ફફડ્યાં. . . જાણે કોઈ સાથે વાત ન કરતાં હોય !