લાપરવાહી
લાપરવાહી
નમ્ર નામ જેવો જ નમ્ર અને વિવેકી છોકરો હતો. પોતાનાંથી નાનાને પ્રેમથી રાખતો અને પોતાનાંથી મોટાં લોકોનો આદર કરતો હતો. નમ્રનાં માતા-પિતા તો આજનાં યુગમાં નમ્ર જેવો સરળ, સીધો અને આજ્ઞાકારી દીકરો પામી પોતાને ખૂબ ભાગ્યશાળી સમજતાં હતાં. નમ્ર ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો. બારમાં ધોરણમાં ખૂબ જ સારી ટકાવારી સાથે એ પાસ થયો. આગળનાં અભ્યાસ માટે હવે તેને અન્ય શહેરમાં જવાનું થયું.
શરૂઆતમાં નમ્રને નવી જગ્યા અને નવાં લોકો સાથે ફાવતું નહોતું પણ સમય સાથે એને બધું અનુકૂળ થવાં લાગ્યું હતું. કોલેજમાં મિત્રો બનતાં હવે તેને વધું મજા આવવાં લાગી હતી. પણ નમ્ર હવે પોતાનાં રોજિંદા જીવન શૈલીથી દૂર થઈ રહ્યો હતો. રોજ બહારનાં જંકફૂડ, ક્યારેક ક્યારેક દારૂનું સેવન પણ શરૂ થઈ ગયું હતું.
આ બધી જ બાબતની અસર ધીમે ધીમે તેનાં સ્વાસ્થ્ય પર પડી રહી હતી જેને એ નજરઅંદાજ કરી રહ્યો હતો.
કોલેજનું અંતિમ વર્ષ હતું અને નમ્રની પરીક્ષાઓ પણ શરૂ થવાની હતી, એજ દરમ્યાન તેને પેટમાં દુખવાની સમસ્યા વધી ગઈ હતી. એક ડોક્ટર નિષ્ણાતને બતાવ્યું તો એમણે કેટલાંક રિપોર્ટસ કરાવ્યાં. નમ્રનાં આંતરડામાં ચાંદા પડી ગયાં હતાં, અલ્સર વધી ગયું હતું તેથી તેને હોસ્પિટલમાં દાખલ થવું જ પડ્યું. માતા-પિતાને જાણ થતાં તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા. તેની સારવાર તો શરૂ થઈ ગઈ પણ એ પરીક્ષા ન આપી શક્યો તેથી તેને બીજા છ મહિના વધુ રાહ જોવી પડી ગ્રેજ્યુએશન માટે. નમ્રની લાપરવાહી એ તેને જીવનનો સૌથી મોટો દાખલો શીખવાડ્યો. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી દરેક બાબત કેટલી અગત્યની છે તે હવે એ સારી રીતે સમજી ગયો હતો. જીવનને ફરી રોજિંદી તંદુરસ્ત જીવનશૈલીમાં તેણે ઢાળી દીધું અને તેનાં મૂલ્યને આજીવન પાલન કર્યું.
