Vandana Patel

Drama Tragedy Inspirational

4.5  

Vandana Patel

Drama Tragedy Inspirational

લાલુનો પત્ર

લાલુનો પત્ર

5 mins
368


         લાલુ 'હત્યા એક કોયડો' વાર્તામાં ઘરડાઘરમાં હત્યા કરે છે. 'મુલાકાત' વાર્તામાં લીલા જોડે લગ્ન કરે છે. 'અંતિમ વિસામો' વાર્તામાં મૃત્યુ પામે છે. 

લાલુનો મરતા પહેલાં સ્વર્ગસ્થ બા- દાદાને પત્ર.


કાયમી સરનામું : સ્વર્ગ

રસ્તો : ઉદારતા, પરોપકાર, ધર્મ

તારીખ: તમારા ચરણોમાં મારું માથું ટેકવું એ,

           વિષય:  આપ બંનેની માફી માગવી.

આદરણીય બા-દાદા,

                  તમને બંનેને મારા ખુબ ખુબ પ્રણામ. તમે બંનેએ ઓળખ્યો મને ? હું લાલુ. દાદા, તમે મને આપેલ નામ.

               હું ખુબ ખુબ આભારી છું કે તમારા આશીર્વાદના પુણ્યપ્રતાપે પોલીસમાં ન પકડાયો. ત્યાં ડંડા ખાઈને કદાચ ન સુધરત, અને કાં તો ફાંસી. જીવનનું સાચુ મહત્વ ક્યારેય ન સમજાત. પણ પશ્ચયાતાપના ધોધમાં રોજ ન્હાય લેતો. કોઈકે સાચું જ કહ્યુ છે કે..

હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યુ છે,

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.

        બા, તમારા કહેવા પ્રમાણે એ મારી છેલ્લી ચોરી જ હતી. તમને ખબર નહી હોય, મારી પહેલી ચોરી પણ એ જ હતી. હું તમને ત્યારે કંઈ કહી ન શક્યો. બા, તમારો ચેન મેં ભંગાવ્યો કે વેચ્યો નથી, અવનીની દાઢીએ તલ અને પગના પંજા પર લાલ લાખ એ તમારી જ નિશાની. જાણે તમે જ અમારી વહુ બનીને પાછા આવ્યા. અવનીને એની સગાઈમાં એ જ ચેન આપ્યો. તમારી જ થાપણ તમને સોંપી, હું થોડોક હળવો થયો. 

            તમારા બંનેની મારા હાથે થયેલ હત્યાથી હું સંપૂર્ણ બદલાઈ ગયો. વૃધ્ધ અને અનાથ બાળકની મેં મારાથી બનતી મદદ કરી. દાદા, તમે આપેલ આશીર્વાદરૂપ ઘડિયાળ તમારા પરસેવાની કમાણી હોવાથી મને ખુબ ફળી. તેના દરેક હીરા મેં કાળજીથી કાઢીને વેચ્યા. એ રૂપિયામાંથી ધઉં કપાસ મગફળી વગેરેની લે- વેચનો કારોબાર ચાલુ કર્યો. તમારા આશીર્વાદથી પાછુ વળીને ન જોવું પડ્યુ. કાશ, તમે જ મારા સાચા બા- દાદા હોત તો જિંદગી જુદી હોત, એવું હું વિચારતો હતો. પણ આશીર્વાદ આપવા માટે તમારે તમારો જ પૌત્ર કે દીકરો જોઈએ એ ધારણાંને તમે ખોટી કરી. તમે મને તમારો લાલુ માની લીધો. તમે મને દીકરો કે પૌત્ર માની શકતા હોય તો હું તમને મારા બા- દાદા કેમ ન માની શકું ? એટલે જ મેં તમારા જ પૈસે ઘરડાઘર ને તમારું નામ આપવા જીર્ણોદ્ધાર કરાવ્યો. ઘરડાઘરની ફરતે મોટી દિવાલ કરાવી કે મારી જેમ કોઈ ઘુસી ન શકે.

         સમય મળ્યે, પૈસા મળ્યે હીરા પાછા ઘડિયાળમાં જડતો ગયો. મેં આકાશની સગાઈમાં એ જ ઘડિયાળ આકાશને આપી. એ ફેરવીને જોતો હતો કે ક્યાંક જોઈ છે. એને યાદ ન હોય, પણ મેં તમારી પરસેવાની કમાણીની ઘડિયાળ તમને પાછી આપી એનો ગજબનો સંતોષ મને એ દિવસે થયો. લીલાએ અવનીને ચેન આપ્યો ત્યારે બા ને જ આપતા હોય એવું લાગ્યું.

           તમને બંનેને ખબર છે ? એ દિવસે મારી પહેલી ચોરી હત્યામાં કેમ ફેરવાઈ ગઈ. મારો નવો બાપ દારૂડિયો ને મારી મા બીજાના ઘરના કામ કરી મને ભણાવતી હતી. કોલેજમાં નવુ સત્ર શરુ થતુ હોવાથી મને કપડાં લેવાનો શોખ થયો. મેં મારી મા ને બે- ત્રણ વાર કહ્યુ હતું . મા કાલે ને આવતે મહિને એમ કહીને ટાળી રહી હતી. બાપ બધા પૈસા દારૂમાં ઉડાવી દેતો. મા ઘણીવાર કહેતી કે આને સરખું ભણાવો તો આપણું ઘડપણ સુધરે. પણ નવા બાપને લાગણી ક્યાંથી હોય ? એમાંય વધારે પીવાથી મગજ કામ ન કરે. પુસ્તકોનો ખર્ચ અને ખાવાના ખર્ચને માંડ પહોંચી વળાય, એમાં જીન્સ ક્યાંથી મળે ? હું જ્યારે જ્યારે મા ને વાત કરું તો મારા મનપસંદ ઢોકળા ખવડાવીને મને મનાવી લેતી. તે દિવસે સાંજે ઢોકળા જ બનાવ્યા હતા. મેં કહ્યુ કે ક્યાં સુધી આવી રીતે ચાલશે ? ચાલ, આપણે જુદા રહેવા જતા રહીએ.

                        ત્યાં તો મારા બાપે મને સાઈકલની ચેઈનથી મારી મારીને અધમુઓ કરી નાખ્યો. તેના ગયા પછી મા એ બધે હળદરનો લેપ લગાડી મોંમા ઢોકળું આપ્યુ કે હું બધું ભૂલી જાવ. મને સતર વર્ષ હજી પુરા થયા હતા ને સાત-આઠ મહીનાથી એક પેન્ટ ન મળ્યુ, ને બાપનો દારુના નશામાં મારેલો પાશવી માર. મારા ક્રોધનો પારો ઉપર ચડી ગયો ને ઘર છોડી ચાલી નીકળ્યો. જન્મથી અત્યાર સુધી આવા જ વાતાવરણમાં રહેલ હોવાથી ક્રોધ, હતાશા, દુઃખ સિવાય કંઈ જોયુ નહતું. સરકારી શાળામાં તો થીંગડાં મારેલ કપડાં પણ પહેરી લેતો અને છૂટક કામ કરી મા ને મદદ પણ કરતો. કોલેજની વાત કંઈક અલગ હતી.

             તે દિવસે ખબર જ નહી ને કેમ મને ચોરીની વિચાર આવી ગયો. હું પહેલા તો ખુબ મનમાં મૂંઝાયો કે ચોરી ન કરાય, પણ કાળ જેવો ક્રોધ ને હંમેશની જેમ લંબાયેલા મા નો હાથ, પેલું ઢોકળું નજર સામે આવી ગયું. ક્રોધમાં જ ચાલતો જતો હતો, ત્યાં એક તાળા વગરની ગાડી મળી ગઈ. એ હંકારીને શહેર બહાર નીકળી જવું હતું. પણ પહેલી અને છેલ્લી ચોરી કરીને. કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. રસ્તામાં જ અનરાધાર વરસાદ અને વીજળીમાં ચમકયું ઘરડાઘર. મેં બંગલો ધારીને........આગળ તમને ખબર છે.

                   બા એ પણ ઢોકળુ ખવડાવવાની કોશિશ કરી, અને કાળાઝાળ ક્રોધ ભંયકર આંખમાં ને હાથમાં વ્યાપી ગયો.પહેલી ચોરીમાં સોનાના ચેન સિવાય કંઈ ન મળ્યુ એટલેથયુ કે પકડાઈ જઈશ કે તમે પકડાવી દેશો તો...નાની ઉંમર અને લાંબી બુધ્ધિ નહીં એમાં દાદાને મારી બેઠો. ઢોકળાને લીધે ઘર છોડ્યું એમાં બા ને પણ માર્યા.

            તમારી પ્રમાણિકતા, ઉદારતા મને સ્પર્શી ગઈ. તમે મને સાચા રસ્તે ચડાવ્યો. હું તમારી માફી જેટલી માંગુ એટલી ઓછી છે. લીલાએ સાદું જીવન જીવવામાં ખુબ સહકાર આપ્યો. મારા બાળકો તમારી કૃપાથી તંદુરસ્ત, સંસ્કારી છે.

             બા-દાદા, મારા બંને બાળકો મને માફ કરશે ? માણસ ચોર કે હત્યારો નથી હોતો, મજબૂર પરિસ્થિતિમાં મન નબળું પડે એટલે ન ઈચ્છીએ તો પણ આવું નામ બદનામ થઈ જાય. મેં સ્વપ્નમાં પણ આવું નો'તુ વિચાર્યુ. વાલિયો લૂંટારો વાલ્મિકી ઋષિ બની શકે તો મારો અપરાધ ક્ષમ્ય નહીં ગણાય ? હું તમારા બંને પાસે ઉપર આવું છું. આ અપરાધની સજા તમે બંને મને આપજો. જો આકાશ અને અવની રુપે તમે અહીં છો તો સુખેથી તમારી સંપતિ વાપરજો. ધરાને યોગ્ય જીવનસાથી પસંદ કરવામાં સહાય કરજો. મને માફ કરી દેજો. હું માફી મારા સંતોષ માટે માંગુ છું. તમે બંનેએ તો એ જ દિવસે મને છોકરું જાણી માફ કરી દીધો હતો અને સામેથી ઘડિયાળ પણ લાલુના નામ સાથે ભેટમાં આપી. બાકી મને પોલિસ પકડી ન શકી એ તમારા બંનેએ મને માફ કરી આશીર્વાદ આપ્યાની નિશાની હતી.

                   હવે મારાથી વધારે નહી લખાય કે નહી જીવાય. હું આવું છું......મને નવો જન્મ આપનાર મારા બા-દાદાને શત શત પ્રણામ.

લી. તમારો માની લીધેલ દીકરો લાલુ.

       


Rate this content
Log in

Similar gujarati story from Drama