લાલ બંગડી
લાલ બંગડી


"એય ડોસલાં રસ્તા પરથી ઉઠને..અહીંયા મરવા માટે બેઠો છે કે શું ?" રોજ ટ્રાફીક પોલીસ દ્વારા ડંડો પછાડીને ઉચ્ચારાતું આ વાક્ય વૃધ્ધનાં મનોમસ્તિષ્ક પર કોઈ અસર ઉપજાવતું નહિ હોય એમ નીરાંતને લાગ્યું.
નીરાંત રોજ ગાડી લઈને જતો. કેટલાંક દિવસથી ત્યાં રોડ પર લાકડી ને એક થેલો લઈને એક વૃધ્ધ માણસ ત્યાં જ બેસી રહેતો. તેને થતું, "આ અહીંયા જ બેસી રહેતો હશે કે એનાં ઘરે પણ જતો હશે ? ના, ના એનું ઘર તો શું ઝૂંપડું પણ હોય એવું એનાં દેખાવ પરથી લાગતું નથી. ઘણાં દિવસથી નાહ્યો હોય એવું પણ લાગતું નથી. તેનાં વધેલાં વાળ અને દાઢી પરથી તે કોઈ ભિખારી હોય એમ લાગતું હતું. પરંતુ, તેને ક્યારેય ભીખ માંગતાં નહોતો જોયો."
પાછળથી કાન ફાડી નાંખે એવાં હોર્નનાં ઢગલો અવાજે તે લીલી બત્તીની રાહ જોઈને ઊભો છે તેવું ભાન કરાવ્યું. ગાડી સ્ટાર્ટ કરીને વૃધ્ધનાં વિચારોને મનમાં મમળાવતો, ચાર રસ્તા ઓળંગી ગયો.
"આજે તો મારે જાણવું જ છે કે, એ કોણ છે ? આટલી વખત ટ્રાફીક પોલીસ ખદેડે છે પણ એ ફરી ત્યાં જ આવીને બેસી જાય છે." મનથી નક્કી કરીને નીકળ્યો ને તેની ગાડી સડક પર પૂરપાટ ઝડપે દોડવા લાગી.
ગાડી થોડીક આગળ પાર્ક કરીને પેલાં વૃધ્ધની નજીક આવ્યો. નિરાંત ઘણું બધું બોલતો રહ્યો, બબડતો રહ્યો, પૂછતો રહ્યો, પણ પેલાં વૃધ્ધનાં પેટનું પાણી ના હાલ્યું. એ તો બસ, એને ધારી-ધારીને જોવાં લાગ્યો. તેની આંખોમાં અનેરી ચમક આવી ગઈ. તેને નિરાંતનાં માથે હાથ ફેરવ્યો. જાણે તે તેની જ રાહ જોઈ રહ્યો હોય એમ લાગ્યું.
નિરાંત કંઈ સમજી ના શક્યો. તેને ગાડી તરફ ચાલવા માંડ્યું. પેલો માણસ એની પાછળ-પાછળ આવ્યો. નિરાંતે પણ જાણે એક અજાણ્યું આકર્ષણ અનુભવ્યું. નિરાંતે કંઈપણ કહ્યાં વગર ગાડીનો દરવાજો ખોલ્યો, પેલો માણસ કંઈ જ બોલ્યાં વગર ચૂપચાપ ગાડીમાં બેસી ગયો. નિરાંતને સમજમાં નહોતું આવતું કે પોતે આવું શું કામ કરી રહ્યો છે ? જો કે નાનપણથી દુ:ખી માણસની સેવા કરવાની ભાવના સેવતો. અત્યાર સુધી સડક પર સૂતાં હોય એવાં અનેક અનાથ બાળકોને અને વૃધ્ધોને અનાથાશ્રમ ને વૃધ્ધાશ્રમમાં ભરતી કરાવ્યાં છે. એટલે એનાં માટે આ ખાસ કંઈ નવાઈની વાત નહોતી.
ઘરનાં બારણે ગાડી થોભી. વૃધ્ધે પોટલાંને તેની સોડમાં દબાવ્યું. નિરાંતે દરવાજો ખોલ્યો. તે ડરતાં-ડરતાં ઉતર્યો તો ખરો પણ, તેની આંખો ચકળ-વકળ ફરતી કોઈકને શોધી રહી. નિરાંત તેનો હાથ પકડીને ઘરમાં દોરી ગયો.
"બેસો, અહીંયા બેસો, હું તમારા માટે પાણી લઈ આવું." નિરાંત એ વૃધ્ધને સોફા પર બેસાડીને કીચનમાં ચાલ્યો ગયો.
"લો, આ પાણી." એ આગળ બોલે તે પહેલાં તેની નજર સૌમ્યાનાં ફોટો પાસે ઊભા રહીને તેને તાકી રહેલાં એ વૃધ્ધ ઉપર પડી. ધીરે રહીને તેનાં થેલામાંથી લાલ બંગડી અને લાલ સાડી કાઢીને તેનાં ફોટા પાસે મૂકી દીધી.
"તમે..તમે..વડીલ..તમે.." નીરાંત આગળ કંઈ બોલે તે પહેલાં વૃધ્ધે થેલામાંથી સ્વરા-નીરાંતનાં ફોટા સાથે એક ચીઠ્ઠી કાઢીને નીરાંતનાં હાથમાં મૂકી.
તેમાં લખ્યું હતું, "પપ્પા, તમે આ ચાર રસ્તે મારી રાહ જો જો. હું નીરાંતને લઈને આવીશ. અમે મંદિરમાં લગ્ન કરી લીધાં છે. પપ્પા, મારી સાવકી માને કારણે હું ઘરે તો નહિ આવી શકું.
મારી મમ્મીની યાદગીરીરૂપે, મારા લગ્ન માટે સાચવી રાખેલી, લાલ બંગડી ને લાલ સાડી લાવવાનું ભૂલતાં નહિ.
લિ. તમારા આશીર્વાદની તરસી, તમારી પ્રેમાળ દીકરી સ્વરા.
નીરાંત તેમનાં પગમાં પડી ગયો. "પપ્પા, તમે ? તમે.. તમારાં શું હાલ કર્યાં છે ? હું તમને કેટલાં દિવસથી શોધું છું. તે દિવસે કાર અકસ્માતમાં સ્વરા.."
નીરાંત આગળ કંઈ બોલે તે પહેલાં વૃધ્ધ ઢળી પડ્યાં. નિરાંતે તેમનું માથું પોતાનાં ખોળામાં મૂકી દીધું. એ વૃધ્ધ નિરાંતે નિરાંતનાં ખોળામાં ચિર નિંદ્રામાં પોઢી ગયા.