લાઈક્સ
લાઈક્સ
થાકેલા ચહેરે જેન્સીએ તેની મમ્મીને કહ્યું," પ્લીઝ મમ્માં, થાકી ગઈ..હવે નહિ"
"બેબી, બસ એક છેલ્લીવાર પછી આરામ કરજે."
"મમ્મા, મને આ લાઈટ યલ્લો સાડી નથી ફાવતી એમાં પણ તું જો તો વરસાદમાં કેટલું ઓકવર્ડ લાગે" જેન્સીએ પોતાના કપડાં સરખા કરતાં કહ્યું.
"બચ્ચાં,બસ જો તો કેટલો ફાઈન વીડિયો ઉતર્યો છે. ટીપ ટીપ બરસા પાની અને બારસો રે મેઘા બંને સોંગ ઉપર પરફેક્ટ સ્ટેપ છે. જો જે હમણાં સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરીશને ત્યાં તો એક કલાકમાં હજારો લાઈકસ મળી જશે."
મોબાઈલમાં શૂટ કરેલ વીડિયો હજુ જેન્સીની મમ્મી તેને બતાવતી હતી તે વીડિયો જોયાં વગર જ તેણી ગેલેરીમાં રહેલી ખુરશી ઉપર થાકીને બેસી ગઈ અને શેરીમાં રાખેલી ડંકી ઉપર નજર સ્થિર થઈ ગઈ. પોતાની જ ઉંમરની છોકરીઓ ત્યાં કપડાં ધોવા માટે આવી હતી. પણ, વરસાદ આવતાં જ નાચવા લાગી અને મોટે મોટેથી ગીત ગાવા લાગી,"ટીપ ટીપ બરસા પાની..."
બંને એક જ ગીતના બંને નૃત્યમાં ભેદ એટલો જ હતો કે, એકમાં બાળપણનો ભાર હતો અકળામણ હતી જ્યારે,બીજામાં મુક્ત મને આનંદ હતો...!
