STORYMIRROR

Priti Shah

Drama

3  

Priti Shah

Drama

લાગણી કે પ્રેમ

લાગણી કે પ્રેમ

3 mins
249

ડૉ. પીંકલ : "હેલો માર્ગીભાભી, તમે મારી ક્લીનીક પર આવી જાવ. મૃગેનની તબિયત થોડીક ખરાબ છે.'

માર્ગી : "શું થયું પીંકલભાઈ ? એની થીંગ સીરીયસ ?"

ડૉ. પીંકલ : "મૃગેન છાતીમાં દુ:ખાવાની ફરિયાદ લઈને આવ્યો છે. આમ તો, ગભરાવા જેવી કોઈ વાત નથી. એ તો હું રિપોર્ટ કાઢું પછી જ ખબર પડે. ચાલો, હમણાં હું એને તપાસી લઉં. પછી વાત કરું."

માર્ગી : "હે..લો, હે..લો, પીંકલભાઈ ?"

* * * * * *

માર્ગી દોડતી -દોડતી ક્લીનીકનાં પગથિયાં ચડીને જેવી ડૉ.પીંકલની કેબીન તરફ ગઈ, ત્યાં જ એક નર્સે આવીને કહ્યું, "તમે અહીંયા જ બેસો. સાહેબ બીઝી છે. પછી તમને બોલાવશે."

માર્ગીએ ચિંતાતુર ચહેરે થોડીક વાર લોબીમાં આંટાફેરા કર્યાં.. પછી ખુરશીમાં બેઠી. સાડીનો છેડો આંગળીમાં વીંટાળતી જાય ને ઘડિયાળમાં નજર કરતી જાય. દસ મિનિટ તો એને જાણે દસ કલાક જેવી લાગી. થોડી-થોડીવારે આંખો ભરાઈ આવતી. કોઈ જોઈ ના જાય એ રીતે આંખોનાં ખૂણાં લૂછી નાંખતી.

રીસેપ્શન કાઉન્ટર પર જઈને એણે કેટલીયે વાર પૂછપરછ કરી. ત્યાંથી એક જ જવાબ મળતો.."થોડીક વાર બેસો..સાહેબ તમને બોલાવશે."

હવે એનાથી ના રહેવાયું. એ સીધી ડૉ.ની કેબીન તરફ ધસી. નર્સે રોકી. "સાહેબ તમને બોલાવશે."

ડૉ. બેલ માર્યો. એક નર્સ ઝડપથી અંદર ગઈ. એટલી જ ઝડપથી બહાર આવી ને માર્ગી તરફ જોઈને કહ્યું, "જાવ."

દરવાજો ખોલીને માર્ગી અંદર પ્રવેશી.

મૃગેનને સૂતેલો જોઈને માર્ગી તેની પાસે ગઈ ને રડવા લાગી. ક્યારનો સીસીટીવીમાંથી દરેક હલન-ચલન પર નજર રાખી રહેલા મૃગેનથી હવે ના રહેવાયું. તે ઊભો થઈ ગયો ને હસી પડ્યો. માર્ગી સમજી ગઈ. પગ પછાડતી પીંકલ પાસે ગઈ અને કહેવા લાગી, "આ બધું શું છે ?"

"એ તમે તમારા પતિદેવને જ પૂછો ?"

"હું તમને પૂછું છું. તમે એક ડૉક્ટર થઈને આવી મજાક કરો છો ? તમને શરમ નથી આવતી." માર્ગી હજુ પણ મૃગેન સાથે વાત કરવાનાં મૂડમાં ના હોય એમ બોલી.

"કેમ, ડૉક્ટર માણસ નથી હોતા ?"

"મને સમજાવશો આ બધું શું છે?"

પીંકલે કહ્યું, "થોડીકવાર પહેલાં મને મૃગેનનો ફોન આવ્યો."

મૃગેન : "હેલો, પીંકલ"

પીંકલ : "હા, બોલ"

મૃગેન : "તું ફ્રી છે ? તને મળવું હતું."

પીંકલ : "હા, હમણાં જ ઓપીડી પૂરું થયું ને હું જમવા બેઠો છું. ક્લીનીક પર આવી જા.."

મૃગેન : "હા, આવ્યો."

(થોડીક વાર પછી મૃગેન ક્લીનીકે પહોંચ્યો.)

પીંકલ : "આવ..બેસ.. શું થયું ?'

મૃગેન: "અરે ! યાર, શું કહું તને ? માર્ગી રિસાઈ ગઈ છે."

પીંકલ : "લે, તો એમાં શું મોટી વાત છે ? મનાવી લે."

મૃગેન : "બહુ મનાવી પણ કેમે કરી માનતી નથી. આજે પંદર દિવસ થયાં. એક શબ્દ નથી બોલતી. યાર, હવે તો ચિંતા થાય છે. આવું તો ક્યારેય નથી બન્યું. આટલા વર્ષોમાં પહેલી વખત એનાં અબોલા આટલાં લાંબા ચાલ્યા હશે."

પીંકલ : "તે શું કહ્યું ? સાચું કહેજે."

મૃગેન : "દાળમાં સહેજ મીઠું ઓછું પડી ગયું અને મેં એને ધમકાવી નાંખી કે આજકાલ કોઈ કામમાં તારું ધ્યાન જ નથી રહેતું. આખો દિવસ વિડિયો કોલ ને મોબાઈલમાં જ ધ્યાન હોય છે. એવું બધું તો કોણ જાણે હું કેટલુંયે બોલી ગયો હોઈશ."

પીંકલ : "બોલો, એક નાની વાતમાં આટલું બધું બોલી નાંખવાનું. તો તો બરાબર જ છે. તું એ જ લાગનો છે."

મૃગેન : "ના, યાર એવું નથી..તને ખબર છે ને હું ખાવાનો કેટલો શોખીન છું. એ દિવસે હું ખૂબ થાકેલો હતો. વળી, નાઈટશીફ્ટ કરીને આવેલો હતો. એટલે જરાક વધારે ગુસ્સો આવી ગયો. હું બધું ચલાવી લઉં પણ ખાવામાં..નો કોમ્પ્રોમાઈઝ."

પીંકલ : "રહેવા દે, રહેવા દે, તું કશામાં કશું ચલાવે એવો નથી. એ તો, માર્ગીભાભી જ તારાં નખરાં ઝીલે. બાકી, મારી પમ્મી જેવી હોય ને તો તને ખબર પડી જાય."

મૃગેન : "અરે ! યાર, હું અહીંયા તારી પાસે આવું બધું સાંભળવા નથી આવ્યો. ચાલ, હું જાઉં પછી મળીશ." (ખુરશીમાંથી ઊભા થતાં)

પીંકલ : "બેસ ને યાર, હું કંઈક કરું છું."

"બસ, પછી આ દોસ્તારે દોસ્તી નિભાવી." પીંકલે વાત પૂરી કરતાં કહ્યું.

"એટલે તમે મારી લાગણીનો ગેરફાયદો ઉઠાવ્યો ?" માર્ગી મૃગેન સામે જોઈને બોલી.

"લાગણી કે પ્રેમ ?" મૃગેન માર્ગીની નજીક આવીને, તેની આંખોમાં આંખો પરોવીને, તેનાં બે હાથ પોતાનાં હાથમાં લેતાં બોલ્યો.

માર્ગી શરમાતાં-શરમાતાં બોલી,

"ઠીક છે હવે, આ વખતે જવા દઉં છું. પણ હવે પછી 'ઈમોશનલી બ્લેકમેલ' કરી છે ને તો..."

" ઓકે, મેડમ આપકા હુકમ સર આંખો પર.."પીંકલ એક નાટ્ય અદાકારનાં સ્વરમાં માર્ગીની સામે જરાક નમીને બોલ્યો.

ડૉક્ટરની કેબીનમાં એક રમૂજભર્યો કિસ્સો પૂરો થયો ને ત્રણેયની હસી ગૂંજી ઊઠી.


Rate this content
Log in

Similar gujarati story from Drama