લાડલા
લાડલા
ફટ... ફટ... ફુગ્ગા ફૂટ્યા...
સર્વત્ર સ્નો સ્પ્રે છંટાયો...
ટેપરેકોર્ડર પર ફિલ્મ લાડલાનું ગીત વાગ્યું...
“માઁ... ઓ... મેરી માઁ... મેં તેરા લાડલા..”
વહુ કૌશલ્યા અને પુત્ર દિનકરે સોફા પર બેઠેલી તેમની માતા જમનામાસીને ઉભી કરી.
તેઓ વૃદ્ધ જમનામાસીને લઈને ગીતના બોલ પર ડાન્સ કરવા લાગ્યા.
“હેપ્પી બર્થ ડે ટુ યુ ડીઅર મધર” સાંભળી...
એ વૃદ્ધ જમનામાસીની આંખો આનંદથી છલકાઈ ગઈ.
જોનારની આંખોમાં ઈર્ષા ઉભરાઈ આવી.
તસવીરો પડાઈ... વિડીયો લેવાયા...
આખરે પાર્ટી પૂરી થઈ.
પાડોશી રમીલાએ જતાં પહેલા ટોણો મારતા કહ્યું, “કૌશલ્યા, સોશ્યલ મીડિયા પર મુકવા તને સારા એવા ફોટા અને વિડીયો મળી ગયા નહીં!!!”
આ સાંભળી ત્યાં ઉભેલા જમનામાસી બોલ્યા, “બેટા રમીલા, આજના ફોટો અને વિડીયો મેં જ વહુને પડાવા કહ્યા હતા! જાણે છે કેમ? કારણ હું ઈચ્છું છું કે ભવિષ્યમાં આ તસવીરોમાંથી બોધ લઇ મારો પૌત્ર મારા ભલાભોળા પુત્ર અને વહુની સેવાચાકરી કરે. સમજી? હજુયે તક છે... તું સુધરી જા. નહીંતર કાલે તારી વહુ આવીને તને સુધારશે..”