ક્યારની જતી રહી....
ક્યારની જતી રહી....
"તું તો અચાનક જ આમ મને છોડીને જતી રહી મુકતા. મને તારી જરૂર છે. મે તો બસ ગુસ્સામાં જ કીધું હતું કેના ફાવતું હોય તો જતી રે તારા ઘરે."
ચહેરા પર લાચારી સાથે બોલી રહેલા સમીરની વાત સાંભળીને આત્મવિશ્વાસથી ધબકતા મુક્તાના ચહેરા પર માત્ર એક સ્મિત ફરક્યું.
એ મનોમન બોલી, "જતી તો હું ક્યારની રહી હતી સમીર. રોજ રોજ થોડી થોડી કરીને ગઈ. તમારા મારા પર થયેલા એક એક અન્યાય અને એક એક અત્યાચાર પર મારા જવાની શરૂઆત થઇ ગઇ હતી, માત્ર તમને એનો અહેસાસ ન થયો કારણ કે તમારા તરફથી થયેલા દરેક અન્યાય પર ઉઠેલી મારી ચીસ ક્યારે તમારા સુધી ના પહોંચી શકી."
માણસ જ્યારે તમારા જીવનમાંથી જાય છે ત્યારે આમ એકાએક તો નથી જતું એ થોડું થોડું કરીને જાય છે, પોતાના પર થતા દરેક અત્યાચારની કિંમત પોતાના આંસુઓથી ચૂકવીને જાય છે અને મારી આ યાત્રાની શરૂઆત તો કદાચ નાનપણથી શરૂ થઈ ગઈ હતી. નાનપણમાં હંમેશા સાંભળતી કે દીકરી તો પારકી થાપણ કહેવાય, એતો પારકુ ધન કહેવાય, ત્યારે બહુ સમજ નહોતી પડતી. જ્યારે કોલેજમાં આવી તારે મમ્મી-પપ્પા એ નવું મકાન બનાવ્યું પણ એમાં મારો રૂમ ના બન્યો, જ્યારે મેં પૂછ્યું કે "મારો રૂમ ક્યાં ?" ત્યારે મમ્મી એ મારા માથા પર વહાલથી હાથ ફેરવતા જવાબ આપ્યો કે "જ્યારે તું લગ્ન કરીને તારા સાસરે જઈશ ત્યાં તારા ઘરમાં તારો પોતાનો રૂમ હશે, આ ઘર કરતાં પણ વધુ સારું ઘર શોધીશ તારા માટે."
ત્યારે બધું ખૂબ જ રોમાંચક લાગતું,નાનપણથી જ મમ્મી જે હાલરડુ ગાતી એ કાન ગુંજતું રહેતું, "પરીઓ કી નગરી સે એક દિન રાજકુંવરજી આયેંગે મહેલો મે લે જાયેંગે" અને હું મારા મનમાં સપનાની દુનિયા રચવામાં લાગતી. અને ખરેખર મારા જીવનમાં તમે સપનાના રાજકુમાર બનીને આવ્યા સમીર. મને રંગીન સ્વપ્ન બતાવી મારો હાથ માગી લીધો અને પોતાના આલીશાન મહેલ જેવા ઘરમાં મને ફર્નિચર વચ્ચે સજાવી દીધી.
ધીરે ધીરે તમારા અસલી રંગ અને મિજાજ સાથે મારા મનમાં રચાયેલા ઇન્દ્રધનુષી સપનાના રંગ પણ બદલાવા લાગ્યા. જ્યારે પણ મારા થકી તમારી કોઈનાની પણ વાતની અવગણના થતી અથવા તો તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ કામ થતું ત્યારે તમારો અહમ ગવાતો અને તમારા તરફથી મારા સ્વાભિમાન ને ઠેસ પહોંચતા શબ્દોનો પ્રહાર થતો અને મનને વીંધીનાખતો. એ દરેક વખતે તમારી પત્ની બનીને આવેલી મુકતા અંદરથી થોડી મરી જતી અને એ પત્નીની ભૂમિકામાં થી થોડી બહાર આવીને બીજી દિશા તરફ પ્રયાણ કરી જતી. જ્યારે માતા-પિતાનું ઘર છોડ્યું ત્યારે માના કહેલા છેલ્લા શબ્દ કાન માં પડ્યા હતા કે હવે એ જ તારું ઘર ! અને મનને મનાવી લેતી કદાચ પોતાનું ઘર બનાવવાની આ જ કિંમત હશે એમ વિચારીને મને સમજાવી લેતી.
ક્યારેક મા સામે પોતાનું હૈયું હળવું કરવા કોઈ વાત કહેતી ત્યારે હંમેશા એક જ વાત સાંભળવા મળતી કે દીકરા થોડુક તો સહન કરવું જ પડે. આ થોડું એટલે કેટલું એ ક્યારેય ન સમજાયું. એ થોડાનો માપદંડ કેટલું રાખવું એ પ્રશ્ન હંમેશા મનમાં ઉઠતો. ક્યારેક તમારા તરફથી થતા અન્યાયો સુધી કે પછી ક્યારેક થતા અપમાનનો સુધી ? કે પછી આપણા એ કહેવાતા ઘરમાં મારા પર થતી એ ઘરેલુ હિંસા સુધી. એ સહન કરવાનું માપદંડ કેટલું રાખવું, સમીર ? તમારા તરફથી મારા ગાલ પર પડેલા એ પહેલા તમાચાની ગુંજ આજે પણ મનમાં સંભળાય છે. એના અવાજથી અંતરમાં કંઈક તૂટી ગયું હતું જે પછી ફરી ક્યારેય ન સધાયું. અરે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મારી અંદર પાંચ મહિનાનો ગર્ભ આકાર પામી રહ્યો હતો અને તમે મારા વાળ પકડીને મને દિવાલ સાથે.... વિચારું છું તો આજે પણ કંપારી છૂટે છે.
એ દિવસે મનમાં એક અવાજ ઊઠ્યો હવે બસ ! હવે સહન નહીં થાય. હવે હું એક દીકરી અને એક પત્ની મટીને એક મા બનવા જઈ રહી હતી અને મારી અંદર રહેલા બાળકને કોઈ નુકસાન થઈ જાય તો ? એ વિચાર માત્રથી જ હિંમત આવી ગઈ. એ દિવસે મને આખી રાત ઊંઘ નહતી આવી. આખી રાત કાનમાં તમારા કહેલા શબ્દો ગુંજતા રહ્યા, 'ના ફાવતું હોય તો જતી રહે અહીંથી. બહારની દુનિયામાં જઈશ તો તને ખબર પડશે કેટલા વીસે સો થાય. અરે તું કરીશ શું અહીંથી બહાર નીકળીને. તને આવડે છે શું બે ટાઈમ રસોઈ કર્યા સિવાય ?' મનમાં ફરી ફરીને એ જ પ્રશ્નો ઉઠતો કે તને આવડે છે શું બે ટાઈમ રસોઈ કર્યા સિવાય અને અંતરઆત્મા એ જવાબ આપ્યો કે બે ટાઈમ રસોઈ તો આવડે છે ને અને બસ ત્યારથી મારી આ યાત્રાને એક અલગ દિશા મળી ગઈ. એ ઘર જે ક્યારે મારું હતું જ નહીં અને હંમેશ માટે છોડી દીધું.
હવે મને મારા ગર્ભમાં આકાર પામી રહેલા જીવની પણ જવાબદારી હતી. મારી સામે મારું એકદમ કોરી પાટી જેવું જીવન હતું અને મારે એને મારી રીતે મારા આત્મવિશ્વાસથી ચીતરવા નું હતું અને મેં પારકા ઘરે રસોઈ બનાવવાનું કામ શરૂ કરી દીધું. અને પછી મેં પાછળ ફરીને ક્યારેના જોયું. સમાજ તરફથી આવતા શબ્દોના પ્રહારને અવગણીને હું આગળ વધતી ગઈ.' થોડું તો સહન કરવું જ પડે ને, અભિમાનીનું પુતળું છે, પતિનું ઘર છોડી દીધું, સ્વચ્છંદી છે જેવા આરોપોની અવગણના કરતી રહી. મેં ધીરે ધીરે ટિફિન સર્વિસ અને પછી એમાંથી કેટરિંગ બિઝનેસ શરૂ કર્યો અને આજે આ મુકામ પર પહોંચી છું જ્યાં હવે મને બરાબર સમજાઈ ગયું છે કેટલા વીસે સો થાય .હવે મારે કોઇના સહારાની જરૂર નથી પણ હું કોઈનો સહારો બની શકું એટલી સક્ષમ બની ચૂકી છું.
આજે તમે મારા દરવાજે આવ્યા છો તો હું તમારું અપમાન નહીં કરું કારણ કે એ મારા સંસ્કાર નથી. હું તો માત્ર એટલું જ કહીશ કે મારી અંદરની એક પ્રતિભાશાળી અને મક્કમ મનોબળ ધરાવતી સ્ત્રીને ઘસડીને બહાર ખેંચી લાવવા બદલ તમારો ખુબ ખુબ આભાર. મારી આ સફળતા પાછળ તમારો હાથ હું ક્યારેય નહીં ભૂલું અને એટલે જ જો તમારે મારી જરૂરત હોય તો મારા આગળના દરવાજા તમારા માટે ખુલ્લા છે પણ એ ઘર જ્યાં હું તમારી સાથે રહેતી હતી ત્યાંથી તો હું ક્યારની જતી રહી છું..
