કુટેવનો સદુપયોગ
કુટેવનો સદુપયોગ
મને કોલ્ડડ્રીંક પીવાની ખૂબ ખરાબ આદત છે. પુસ્તકો વાંચતા કે લખાણો લખતા મને કોલ્ડડ્રીંક જોઈએ જ! મારા પરિવારજનો મને વારંવાર આ બાબતે ટોકે છે પરંતુ હું તેમની વાત સાંભળતો નથી. પૂર્વે મારી રૂમમાં આવેલા ફ્રીજમાં હું મહિનાઓની કોલ્ડ ડ્રીંક ભેગી કરી રાખતો. એકદિવસ જયારે મારા મોટાભાઈએ આ જોયું ત્યારે તેઓ ખૂબ અકળાયા. તેઓએ મારો ઉઘાડો લેતા મને કહ્યું કે, “તને ખબર છે કોલ્ડ ડ્રીંકની આપણા શરીર પર કેટલી માઠી અસર થાય છે. તે ધીમું ઝેર છે તેમાં રહેલા એસીડીક તત્વને કારણે તેનો ટોયલેટ ક્લીનર તરીકે ઉપયોગ થાય છે. સમજ્યો?”
મારી તબિયતના હિસાબે મારા મોટા ભાઈએ કહેલી આ વાત કંઈ ખોટી નહોતી! અમસ્તા જ સદીના
મહાનાયકે તેની વિજ્ઞાપનમાં કામ કરવાનું બંધ કર્યું નહીં હોય. તેમના ટોક્યા પછી મેં કોલ્ડ ડ્રીંક પીવાની ઓછી કરી પરંતુ સદંતર બંધ તો નહીં જ! જોકે મને બીજું કોઈ વ્યસન નથી પરંતુ આ એક આદત સહજતાથી છૂટતી નથી. આજેપણ હું લાગ મળતા કોલ્ડ ડ્રીંક ગટગટાવી જઉં છું. મારા ફ્રીજમાં મહિનાઓની નહીં પરંતુ એકાદ કોલ્ડ ડ્રીંકની બોટલ હજુપણ તમને જોવા મળશે. મારા મોટાભાઈ તે જોઇને જયારે મારી સામે ડોળા કાઢે છે ત્યારે હું તેમને ટોઇલેટ સાફ કરવા રાખી મૂકી છે એમ કહીને બચી જઉં છું. જોકે હું જાણું છું કે તેઓ વિખવાદ ટાળવા જ મારી બેતુકી વાત પર વિશ્વાસ કરવાનો ડોળ કરે છે. પરંતુ હું પણ શું કરું? તેમના ગુસ્સાથી બચવા મારે પણ બતાવવો તો પડે જ ને મારી કુટેવનો કોઈક સદઉપયોગ!