Kalpesh Patel

Drama Tragedy

4.9  

Kalpesh Patel

Drama Tragedy

કુમખો

કુમખો

11 mins
1.3K


"આ મારી ક્યડી જણ તરસે તરસે તલવલાંસ, બે બોઘરાં ઈને પાણી પાઈસ બુન ?" (જે ઘોડીની કેશવાળી તથા પૂંછડાનો રંગ કાળો અને શરીર રાતું હોય, તેને ક્યડી કહેવાય. - આ મારી ક્યડી ઘોડી તરસે ટળવળે છે, બે ધડાં તેને પાણી પાઈશ, બહેન?)

"ભલેં, ઈ તે મને બહેન કીધી એટ્લે તારી ઘોડી હવે મ્હારી, પાઈસ, જરા ખમી જા, મારા વીરા. !"

તરસ મીટે ત્યાં લગી પનિયારીએ જામ ખંભાળિયાના પાદરે આવેલા કૂવેથી પાણી ખેંચી તરસી ઘોડીને પાયું, તરસ છીપતાં ઘોડીએ મોં ઊંચું કરી જોરથી હણહણાટી નાંખી, એના ધણીને સાન કરી કે "હવે હું તૈયાર છું !"

ક્યડીનો અસવાર સોરઠનો સુમો ચારણ હતો. સુમો જામનગર પોતાની બેનના સાસરે મળવા ગયેલો તે આજે દ્વારકા ભણી પાછો વળ્યો હતો, રસ્તો જામ ખંભાળિયા પાસે થઈને પસાર થતો હતો તેથી અત્યારે તે ખંભારિયાના પાદર સુધી આવ્યો હતો, અને તરસી થયેલી ઘોડીએ જોર કરી સુમાને ખેંચી વાવ તરફ લાવતાં, તે વાવની નજીક આવ્યો હતો. તે સમયે પાણી ભરવા આવેલી પનિયારી તે કણબીયાણી (પટલાણી) ચંપા હતી, અને ચારણ અને ચંપા વચ્ચે ઉપર પ્રમાણે વાતચીત થઈ હતી.

પાણી પાનારનું કરજ ફિટાડવા સારુ સુમા ચારણે ત્રણ કોરીઓ પનિયારીના પગ તરફ થોડે દૂર ફેંકી અને બોલ્યો : "લે બેની, તારા વીરા સુમા તરફથી પસલી જો ના પાડ, તો તુંને આ ભાઈના સ્હમ છે."

પનિહારી બોલી : "વીરા, એની કાંઈ જરૂર નથી. મારે માથે દ્વારિકાધીશનો પરતાપ છે, તમે સ્હમ દીધા છે એટલે લાચાર; હું આ તારી પસલી લઈસ, પણ એક વાતે. ખરા બપોરે "રોંઢો" (બપોરનું ભોજન) કીધા વિના બીનને ઘરેથી ભૂખ્યા ના જવાય." કહેતા તેની સાથે આવેલી કૂતરીને બૂચકારીને હાંક નાખે છે, હાલ શ્યામલી. શ્યામલી એ ભૂરાએ પળેલી કૂતરી હતી, ભલે તે ઊંચી નસલની નહતી પણ ચકોર હતી, ભૂરાની ગેરહાજરીમાં તે ફળોથી લચી પડેલી વાડીની ચોકી કરતી હતી. 

સુમાએ ઘણી આનાકાની કરી, બેનીના ભાવ અને આગ્રહવશ થઈ તેણે પોતાની ઘોડી ચંપા અને તેની કૂતરીની પાછળ ધીમે ધીમે હાંકી અને બહેનને ખોરડે આવ્યો. એની એાસરીની થાંભલીએ ઘોડીને બાંધી અને ચંપાએ ઓસરીમાં ઢાળી આપેલા ઢોલિયા ઉપર તે બેઠો.

ચંપાની ઉમર આશરે વીસ વરસની હતી; એના ભરાયેલા અંગમાંથી રૂપ નીતરતું હતું. ચંપાએ ફટાફટ ઘોડીને ચણાનો તોબરો બાંધ્યો અને પાણી આપ્યું અને શ્યામલી કૂતરીને દૂધ રોટલો ભરી આપ્યો.

ચંપાના પતિનું નામ ભૂરો હતું. ચંપા તેની નવી પરણેલી પત્ની હતી. પોતાની જૂની સ્ત્રી સવિતાને પિસ્તાળીસ વર્ષ લગી કાંઈ છેારુ ન થયું ત્યારે ભૂરા કણબીએ પુત્રની લાલસાએ ત્રણ વરસ પહેલા આ બીજુ લગ્ન કર્યું હતું અને બંને શોક્યો વચ્ચે સારો બનાવ ન રહેવાથી પહેલી વહુ સવિતાને તેણે થોડે થોડે દૂર નવા ઘરમાં રાખી હતી. ભૂરો હવે મોટા ભાગે સવિતાના ઘરનો મે'માન રહેતો. સવિતાને મન આ એક ખટકો હોઈ ચંપા તેની ઈર્ષ્યાનું કારણ હતી. દિવાળીની ચૌદસના દા'ડે પણ ભૂરો ઘેર નહોતો, શહેરમાં ભેરુ ભેગો ગયેલો, ત્યાં શે'રમાં શી વાતની કમી હોય, તે ભૂરાને 'ઘર' કે ઘરવાળીઓ સાંભરે ? આમ ચંપા ભેગી સવિતા પણ એકલીજ હતી.

શ્યામલી કૂતરીએ તેનો દૂધ રોટલાનો કટોરો પતાવી, સુમાની ઘોડી પાસે આવી બે પગે ઊભી થઈ, ચણાનાં તોબરામાં તેનું મો નાંખતી, અને ક્યડી ક્યારેક તેને ચણા ખાવા દેતી તો ક્યારેક હડસેલતી હતી. સુમો ઢોલીએ બેસી આ બંને મૂંગા અને વફાદાર પ્રાણીઓની હરકત જોતો હતો. આમ ક્યડી અને શ્યામલી કૂતરીને સાથે ખાતા અને ગેલ કરતાં જોતાં જોતાં થાક ગણો કે હેત ભરી પરોણાગત, સુમો કુદરતને યાદ કરતો જોકે ચડી ગયો. અને ચંપા ચૂલા ઉપર સુમા ચારણ હાટું ખાવાનું બનાવતી હતી.

ચંપાએ આંબાના પાન જેવા રંગના, અને હથેળી જેવા જાડા,ગરમા ગરમ બાજરાના બે રોટલા ઘડયા, ટોયલી ભરી જામ ખંભાળિયાનું ધી, તાંસળી દૂધ, માથે ગોળનું એક મોટું દડબું, લસણની લાલ ચટ્ટક ચટણી  અને લીલી ડુંગળીનું શાક, પૂરે ભાવે પરોણા ગણી નોતરેલા સુમા ચરણને પીરસ્યાં. અને હેતથી તેના પાલવડે વીઝોંણો ઢાળતી બોલી "વીરા હાલ, ગળચી લે ( ખાઈ લે )" સુમાએ પોતાની જામ-ક્સી જમો, સાફો અને બંડી કાઢી ઢોલિયા ઉપર મૂકી, કોગળા કરી તથા હાથ પગ ધોઈ ઓરડામાં જમવા બેઠો.

બસ સવિતાને જોઈતું હતું તેવું કૂથલીનું કારણ મળી આવ્યું, "અલી એઈ, જોવો આ ચંપાડી કૂંણને લાડ લડાવી ખવરાવે છે ?" આમ મમરો વહેતો મૂકી નઠારી ચર્ચા તેણે પાડોશમાં ચાલુ કરાવી. અને જોત જોતામાં ફળિયાની કૂથલીખોર કણબીયાણીઓ નિર્દોષ ચંપાની નિંદા કરવા લાગી. અને માહે માહે કહેવા લાગી આ ચંપાને લાવી ભૂરાએ તો ભાઈ ધોકો ખાધો !

જમી રહ્યા પછી સુમા ચરણે ચંપાને ઘેર ઓસરીએ બે ઘડી તડકો ગાળ્યો.

બહેનનું મફત ન ખવાય, એવી માન્યતાથી વિદાય થતી વખતે સુમાએ , ચંપાના હાથમાં પચીસ કોરી મૂકી. પણ તે પાછી આપતાં ચંપા બોલી : " ભાઈ, જગતમાં મહિયરમાં મારે કોઈ નથી. આજથી તું મારો ધરમનો ભાઈ ! જો સાચો ભાવ હોય તો કોઈ વસમી વેળાએ આવી ઊભો રહેજે. પરભુ તને ખેમ રાખે." એટલું બોલી સજળ નયને તેણે સુમાનાં દુખણાં લીધાં. દુખણાં લેતાં ચોળાફળી જેવી તેની કોમળ આંગળીઓમાંથી ફૂટેલા અનેક ટચાકા વિદાય લેતા સુમાએ સાંભળ્યા. બહેનને પગે લાગી તેને પાઘડી ખોલી 'કુમખો  બેનને માથે ઓઢાડયો અને ખુલ્લા માથે  ક્યડીએ સવાર થઇ રવાના થતાં થતાં તેણે ટપકતે નેત્રે બહેન ચંપાને હાથ જોડ્યા.

એ વખતે આઘે ઊભેલા સ્ત્રીઓના એક ટોળામાંથી ખડખડાટ હસવાનો અવાજ થયો.

પર નિંદા જેવું મીઠું જગતમાં બીજુ શું છે ? સવિતાએ પ્રસરાવેલી ચંપાની નિંદા આખા ખંભાળિયામાં ફેલાઈ ગઈ.

ચંપાએ જોયુ ના જોયું કર્યું અને કામે વળગી નવરી પડી બાહર આવી ઓશરીએ બેસીને સુમા ચરણે આપેલા કુમાખાને હાથમાં લઈ ગડી કરતી નવરી ભોંયને જોઈ રહી. એમાં ઊગી આવેલા ઝીણા ઝીણા ઘાસનેય ફૂલો આવ્યાં હતાંં. જાતભાતનું ઘાસ. સવિતાના શબ્દોમાં તો નકામું 'ખહલું' બધાંનાંય ફૂલો રંગરૂપ જુદાં જુદાં હતાંં. ઝીણાં જાંબલી ફૂલો એને વધુ ગમ્યાં, પણ એ ચપટીમાં ચૂંટી શકાય એવડાંય ક્યાં હતાં ? પણે નાળી ઉપર, સફેદ માથે રાતા જાંબુડિયા રંગની કલગીવાળાં લાંબડાનાં ફૂલો ડોલતાં હતાંં. આસો ઉતરતા વાડે વાડે વધેલો કાશ એની રૂંછાંદાર કલગીઓ સાથે સુકાવા માંડેલો. વાડવેલાનાં પાન સૂકાઈ સૂકાઈને ખરી ગયાં હતાંં. પડતર ભોંયમાં હવે જરા પણ ભેજ નહોતો એથી કઠણ લાગતી હતી. ચંપાને પણ તેની જિંદગી આ સૂકી ખેડાણ વગરની જમીન જેવી ભાસતી હતી. એણે નિરાશ મને ઢોલિયા પર બેઠાબેઠા પગના અંગુઠાના નાખની અણી મારી તોય સૂકું જમીનનું પડ ઊખડ્યું નહિ. એને લાગી આવ્યું: 'બળ્યો આ અવતાર.એકતો ખોળે ખૂંદનાર નહીં અને દિવાળીના હપરવા દા'ડોમાંય ધણી ઘેર ના હોય તો જીવતરનો હું અરથ?' એની આંખો ભીની થઈ. ગળામાં ડૂમો બાઝતો હતો. જમીન ખોતરતા તેના અંગૂઠાના નખ થંભી ગયા અને દિવાળીના દિવસોમાં કાલે જ પહેરેલી પગની ઝાંઝરી રણકતી બંધ થઈ હતી.

ત્યારે વાત એમ બની કે ભૂરાનો નાનો ભાઈ જગો સહિયારી જમીનની વહેચણીની જૂની ખારાશ સાથે ભૂરા હાટે અદાવતે ચડ્યો  'તો અને પોતાના માં'જાણ્યા ભાઈ સામે વસૂલાત માટે મોકો શોધતો હતો. તે શૌર્યવાન હતો તો સાથે તેનામાં કપટીપણું પણ ભારોભાર હતું, છતાંય જગો સમજદાર હતો ક્યારેય વટને ધ્યાનમાં રાખીને ભાઈ સાથે વેર ઊભું કરવાનો વિચાર પણ નહોતો કર્યો, પણ તેની જિંદગીએ દિશા જ એવી પકડી હતી કે તેણે નાછૂટકે ભાઈ સામે વેર લેવા ડાકુગીરીના રસ્તે વળવું પડ્યું હતું.

ડાકુ બનવા માટે જગાને એક નહીં, બબ્બે ઘટનાઓએ ઉશ્કેર્યો હતો. આ બેમાંથી એક ઘટના અંગત હતી તો બીજી ઘટના પોતાના ખાસ ભાઈબંધ એવા ઘેલાની હતી. બન્યું એવું કે ભૂરાના જોડીદારે એક દિવસે જુવાન જોધ ઘેલાની બહેન પર બળાત્કાર કર્યો. ઘેલો બદલો લેવા માટે જ્યારે પહોંચ્યો ત્યારે પેલા લોકોના ટોળાએ ઘેલા ઉપર હુમલો કર્યો. સમાચાર જાણી, બેનાળીના હવામાં ધડાકા કરી ઘેલાને એ સમયે જગાએ બચાવી લીધો, પણ બીજા દિવસે ખોટી ફરિયાદના આધારે ઘેલા અને જગાને પોલીસે પકડી લીધા. અને વગર વાંકે, ભાગે પડતી સજા કાપવી પડી. આમ જગાનો મોટોભાઈ ભૂરો મૂંગો રહ્યો બસ, અહીંથી અદાવત અને ઝનૂનની દિશાઓને વેગ મળવો શરૂ થયો. પરંતુ જગા પાસે સહનશીલતા હતી એટ્લે તેણે મોકાની રાહ જોઈ તે આજે તેને મળી ગયો હતો.

ભૂરાની ગેરહાજરી ને લઈને આખું ફળિયું વેરાન હતું. ચંપા પણ રોજીંદુ કામ પતાવી પોરો ખાતી હતી તો સવિતા પણ તેના ફળિએ જોકે ચડેલી હતી. જગાને મન આ આંકડે મધ ભળ્યા જેવુ હતું. તેને ઘેલાને સવિતાના ઘર તરફ ઈશારો કરી ઢકેલ્યો અને પોતે ચંપાને ઘમઘોરવા ચંપાને ખોરડે લપક્યો.

ચંપાને તેની આંખો ક્યારે ઘેરાઈ ને ક્યારે એ જંપી ગઈ એની એને કશી ખબર નહતી. ભરબપોરે પડખામાં કશોક ઊનો ઊનો સુંવાળો સ્પર્શ થતો હતો. એને તો એય ભ્રાંતિરૂપ લાગેલું. કોક એને બાથમાં લઈને ભીંસતું, મસળતું, ઊની ઊની જીભે ચાટતું હતું. બંગડીઓના ખરકલા જરાતરા રણકતા હતાં ને પગની ઝાંઝરી આછું આછું છમછમતી હતી. એની વ્યથિત ભ્રમણા જાણે કે ઘુંટાતી હતી. રીસની મારી એના ભરથાર ભૂરાને કોઈ પરાયા પુરુષને હડસેલી ધક્કો મારી રહી હોય એવુંય થયું. ચંપાને બીજી ઘડીએ ખ્યાલ આવી ગયો, આ સપનું નથી અરે, આ તેના પડખે ભરાયેલો થયેલો ભૂરો અડપલાં નથી કરતો પણ આ તો જગો, તેનો દિયર  હતો. ફડાક કરતો ડાબા હાથના કડલાનો ઘા જગલાના કપાળે જિંકી દીધો. અચાનક થયેલા ઘાએ જગાનું લમણું ચીરી નાખ્યું. પણ તેને લાગેલા ઘાએ તેને વધારે ઝનૂની બનાવી દીધો હતો. અને ચંપા ચૂંથવાનું છોડી તેના ગળા ઉપર તેના માંસલ હાથથી ભરડો લીધો. ચંપા પણ કસાયેલી પટલાની હતી, તે વાઘણની માફક પ્રતિકાર કરતી હતી. આ ધિંગાણું જોઈ શ્યામલી કૂતરી, કચડીનું પગેરું સૂંઘતી દોડી.

ક્યડીએ ચંપાના હાથે કેળવેલ તાજા કુણા ચણાનો ચારો ચરેલો હતો, તેને પણ આળસ ચડી હોય તેમ ઢળકતી ચાલે દ્વારિકાની વાટે હતી. ત્યાં તેના કાને પાછળ દોડી આવૈ રહેલી હાંફતી શ્યામલીનો પગરવ સાંભળ્યો, અને પગ સીસાના બનાવી ખડી પડી. સુમો ચારણ પણ તંદ્રામાં હતો અચાનક કચડીને ઊભી રહેલી જોઈ, લગામ ને હળવેથી પોતે જાગે છે તે જણાવવા ખેંચી, પણ કચડી ટસની મસ ન થઈ, એટ્લે તેને પણ જોયુ કે પાછળ ચંપાની કૂતરી દોડી આવી રહી હતી, અને જોતજોતામાં તે સુમા ચરણ પાસે આવીને તે પાયજામાને દાંતથી ખેંચી પાછા આવવા ખેચી રહી હતી. સોરઠના દરેક ઘાટના પાણી પીધેલા સુમા ચારણને શ્યામલીના ટકોરાના પડઘમ, કોઈ અમંગલની એંધાણી દઈ રહ્યા હતાં, તેને કૂતરી ને બાથમાં લીધી, અને ક્યડીને એડી મારી, અને પળ પહેલાની આળસ ખંખેરી, ક્યડીને પાંખો ફૂટી હોય તેમ, તેને ચંપાના ખોરડાનો મારગ પકડ્યો.

... ક્યડીએ સવાર થયેલો સુમો ચરણ અને શ્યામલીએ જ્યારે ફળીયામાં પગ મૂક્યા ત્યારે મોડું થઈ ગયું હતું, જગાના સાણસા જેવા હાથને જૂના વેરની ચડેલી રાઈએ તેનું કામ પૂરી કરી નાખેલું હતું, ચૂંથયેલી ચંપા તેણે આપેલા કુમખાને છાતીએ વરગાડી આખરી સ્વાસ ગણતી હતી, તેની આંખો શ્યામલીના ઈશારે આવી ઉભેલા સુમા ચારણને જોઈ વારિ (સજળ) ગઈ. લોખંડી છાતી વારો સુમો, ચંપાની હાલત જોઈ હલબલી ગયો, તેને અર્ધ બેભાન ચંપાનું શીશ પોતાના હાથમાં લેતા, તેને આ હાલત કેમે થઈ ? તે પૂછ્યું, અને ચંપાએ સવિતાના ઘર તરફ ઈશારો કરતાં, સુમા ચારણના ચરણમાં દેહ છોડ્યો. સુમાના દિલ પર હળ ફરતું હોય તેમ લાંબો લસક ચાસ પડી ગયો. છેલ્લા ચાર ઘડીની પહેચાન હવે ભવ ભવ ની બનેલી હોઈ તે પોક મૂકી રડી પડ્યો.. ત્યાં શ્યામલી સળવળી અને ફરીથી સુમાના પાયજામાને દાંતથી ખેંચી પાછો છોડી.. બાજુમાં સવિતાના ખોરડે દોડી … સુમો ચારણ, મૂંગાની વાચા હવે બરાબરનો સમજી ચૂક્યો હતો, તે શ્યામલીની પાછળ દોડ્યો અને સવિતાના ખોરડે જઇ જુવે છે તો, એક આધેડ બાઈ  કોઈ નરાધમોને હડસેલવા મથતી હતી, પલવારમાં સુમા ચારણે કેડેથી કટારી કાઢી અને ઘા કર્યો. કાટારીએ તેનું કામ કરતાં લીઘૂ અને ઘેલાની ડાબી હથેળીને ખાટની ઈસ ભેળા ખીલેથી જડતી હોય તેમ મૂઠ સુધી સોંસરવિ ઉતારી જડી લીધી. અણધાર્યા હુમલાથી સવિતા ઉપર લપકેલો ઘેલો ઉથલીને ભોંય પડી ચીસાચીસ કરવા માંડ્યો. સુમા ચારણે પોતાનો ખેસ ખેંચ્યો અને સવિતા ઉપર ફેંક્યો, હીબકે ચઢેલી સવિતાને મન સુમો ભગવાન બની આવ્યો હોય તેમ  ખેસથી ખુલ્લુ ડીલ ઢાંકી સુમાને ચરણે પડી.

સુમા ચરણના કઠણ કાળજામાં ભારે, ઉત્પાત ઉમટ્યો, પણ શું કરે ? માનેલી બહેન ચંપા તો હવે રહી નહીં. ખૂણે લમણું પકડી બેઠેલા જગલાને પકડી લાતો મારી અધમુવો કર્યો ત્યાં ફળિયામાં ઠીક ભીડ બેગી થઈ બાકીનું કામ હવે તેઓ પતાવતા હતાં. સુમાને ખિસ્સામાં ઘડી પહેલાની પચ્ચીસ રૂપેરી કોરી હવે ઘખતા સીસા જેમ દઝાડતી હતી. ચંપાને સવિતાને હવાલે કરી. ગામમાં વાણિયાને ત્યાંથી અગરચંદનનાં કાષ્ઠો, અબીલગુલાલના પડા, કંકુ, નાડાછડી, ચૂંદડી, મોડિયો, શ્રીફળ અને ઘીનો દાબડો ડબ્બા ક્યડીની પીઠ ઉપર લાદીને બહેનનાં છેલ્લાં દર્શન માટે પાછો આવ્યો.

ભૂરો, ખંભાળિયે પાછો આવ્યો ત્યારે ગામનો રંગ બદલાઈ ગયો હતો. બે દહાડા પહેલાં જોયેલું જામ ખંભાળિયું આજે નહોતું, આજે તેમાં ડરાવણી શાંતિ હતી અને તેમાં તેની ઘોડીનો અનેક ચહચહાટ થતો હતો. અર્ધા નશામાં રહેલ ભૂરો જ્યારે તેને ખોરડે પૂગયો ત્યારે ઓસરીમાં ચોકે પડેલી ચંપાની વિશાળ લલાટમાં કેસરની અને માંથે સિંદુર અને જરકસી કુમખા સાથે આરાસુરી જગદંબા જેવી મુખમુદ્રા ઝળહળી નિશ્ચેતન પડેલી જોતાં નશો ઉતરી ગયો હતો. એની આંખમાં આજે શ્રાવણ-ભાદરવો રેલી રહ્યા હતાં.

ચંપા હવે ચિતા ઉપર હતી, ભૂરાએ ચંપાને પોક મૂકી દાહ દીધો ત્યારે ચરબાજુએ પાથરેલા ડાભ અને લાકડામાં એકસાથે અગ્નિની જ્વાળાઓ નીકળી ને તેણે ચિતાને ભડભડાટ પ્રજવલિત કરી. થોડી વારમાં ચંપાના નશ્વર દેહ સાથે સર્વભક્ષી અગ્નિદેવની રંગબેરંગી જ્વાળાઓ ભડક ભડક અવાજ કરી ચિતા પર ખેલવા લાગી. અને જોતજોતામાં ચંપા પાંચ મહાભૂત માં ભળી ગઈ એવામાં ચિતાની ઘખતી રાખની ઝુંપીમાંથી સ્વર આવ્યો : "વીરા સુમા ! તું મારો સાત જન્મારાનો ભાઈ છે. તું બેધડક ચિતા પાસે આવ અને બેનને ટાઢી વાળ પછી પાછો સિધાવ."

ભડવીર સુમો ચારણ છલાંગ મારી ચિતા પાસે ખુલ્લા પગે આવ્યો, પણ ઘખતી રાખની ઝુંપી તેને ટાઢીબોળ લાગી. બહેનના અસ્થિ ફૂલ પર દૂઘની ઘર કરી ને દદડતી આંખે હાથ જોડી તે ઊભો રહ્યો. ત્યાં રાખને વાચા ફૂટી અને ચંપા બોલી : "ભાઈ, તને શું આપવું ? તારે માયા-મિલકત અપાર છે, છૈયાંછોકરાં છે, ને લાજ આબરૂ પણ છે. પણ મારું વચન છે કે જે તારા કુળનો હશે તેના કદી વચન-સત કે સંસ્કાર નહિ ચૂકે."

"ભલે બુન, મારૂ ગોતર આખુંય તારૂ કરજદાર !" એટલો ઉચ્ચાર કરી, રોતો રોતો સુમો નીચી મુંડીએ ઉપરથી નીચે ઊતર્યો. તેણે કફન બની ચૂકેલ ભોંયથી તેણે ચંપાને આપેલો કુમખો ઉપાડયો, અને સ્મશાનના ચાંડાલને આપી ટાઢી પાડેલી ચિતાએથી ઉતરતો સુમો ચરણ આભને પણ થાંભલો ભરવે તેવો મરદનો બચકો સૌને દીસતો હતો, ધીખતી ચિતાની રાખથી રંગાયેલા તેના જૂતાં વગરના પગ કંકુ વેરતા તેની છાપ ઉપસાવતા હતાં, ત્યારે સૂરજ આથમી ચૂક્યો હતો, પણ કાનો કાન કંકુ વેરતા ચારણના પગલાંવી વાતું જાણી ગામને પાદરે આવેલા મસાણે આવેલા ભોલેનાથના ચોકમાં લોકોની મેદની ફૂલહર લઈ આવી પહોચી, તો કોઈ રણસિંગા જેવા તીણાં અવાજ વાળી ભૂંગળ ફૂંકતા હતાં. દફળી અને દેકરા વચ્ચે સામાન્ય રીતે શાંત રહેતા મસાણનું વાતાવરણ ગર્જી ઉઠ્યું. રડીને ગોંડલીયા મરચાં જેવી થયેલી આંખ્યું સાથે સુમા ચારણને , ભૂરા નોખી ઊભેલી સવિતાની   પાસે આવતો ભાળી, ભર બપોરે સવિતાના વાદે કૂથલી એ ચડેલા બૈરાંઓના પગ પાણી પાણી થઈ રહ્યા હતાં અને સવિતા થર થર કાંપતી સુમાના ચરણે પડી. ભાવવિહીન થયેલા ચારણે તેને બાવડેથી ઊભી કરી, અને તેનો હાથ ભૂરાના હાથમાં થમાવતા બોલ્યો.  

ભૂરા હું જાણું છું કે, માનહને પહેલા પત્ની વગરનું જીવન ધૂળ જેવું દીસે, અને પછી સંતાન વગરનું જીવન ધાણી થે'લું લાગે. પત્ની અને સંતાનની ઝંખના કુદરતી હોય છે અને તે પૂરી નો થાય ત્યાં લાગી જીવનમાં ખાલીપો રહે અને માનહ દુઃખી રહે આખી જિંદગી તલસતો ભટકતો ફરે. જિંદગીમાં કેટલુંક યોગાનુયોગ બનવા નિર્ધારિત હોય છે આપણે તો માત્ર નિમિત્ત !, તારા ભાગ્યમાં જે હતું તે તને મળવા જઈ રહ્યું છે, આતો અટાણે સમય આવ્યો હોય તેમ કુદરતના સોગઠે હું અંહી છું. મારા જીવન ભરના  સુકર્મોને હવાલે આશિષ આપું છું કે ,પૂરા માસે ચંપાના સતે તારે ત્યાં પારણું બંધાશે, તું સવિતાને સ્વીકાર.. કહેતા રડતી આંખયું એ કચડી પાસે પહોચે ત્યાં તેને પણ શ્વાસ છોડી દીધો. ત્યારે જામનગરના દરબારની પોલીસ પલટને જગા- ઘેલાની જોડીને પંચનામું કરી જકડીને જતી હતી,અને ગમગીન બનેલા વાતાવરણમાં એક "કૂજન" ગુંજતું હતું.

ધન ધન્ય ગામ જામ ખંભાળ,

સત ચંપાના તપી રાખશે સંભાળ,

ખીલશે હરકુંખ બાલ ગોપાળ.

લોકોએ પાંચશેર સુંદૂરિયું તેલ પાઈ સુમા ચારણનો પાળિયો ખોડ્યો, જે ઊભા ઊભા આહલેક જગાવી રહેલ છે જ્યાં શીશ ઠેકવી કરેલી અરજથી આજે પણ અનેક સંતાન વિહોણાના ઘેર પારણાં બંધાય છે.

~~~

શબ્દ સૂચિ :- ૧) ક્યડી – જે ઘોડીની કેશવાળી તથા પૂંછડાનો રંગ કાળો અને શરીર રાતું હોય, તેને ક્યડી કહેવાય.

૨) કુમખો – જરી-કસબ વાળું નવ વાર કપડું,જે પાધડી માટે વપરાતું, જેમ સમાજમાં હોદ્દો મોટો તેમ જરી- અને કસબ ની માત્ર વધારે રહેતી. 

૩) કૂજન- મધુર ધ્વનિ 


Rate this content
Log in

Similar gujarati story from Drama