કઠિયારો અને વૃક્ષ
કઠિયારો અને વૃક્ષ
એક કઠિયારાને વૃક્ષો કાપવાનું કામ સોંપવામાં આવ્યું. કઠિયારો બિચારો સાવ અભણ માણસ હતો. પોતાના કુટુંબના સભ્યોના પેટ ભરવા માટે જે કામ મળે એ કરી લેતો હતો. બીજે જ દિવસે વહેલી સવારમાં ઉઠીને, હાથમાં કુહાડી લઈને ઉપડ્યો પોતાના કામ પર. જેમ સમજાવેલું હતું તેવી રીતે એક પછી એક વૃક્ષ કાપતો ગયોને બાજુમાં ઢગલો કરતો ગયો. બપોરનો સમય થયો. જમીને ઊભો થયો. ત્યાં તેના માલિક આવ્યાં અને બોલ્યા ; "હવે કેટલા વૃક્ષ કાપવાના બાકી છે ?"
કઠિયારો કહે; "હવે બસ આ લાઇનમાં રહ્યા એ ત્રણ છે. બહુ જ જૂના લાગે છે. પણ વાંધો નહિ આરામ કરીને કાપી નાખીશ."ઉનાળાનો બળબળતો તાપને માથે લું ઝરતી હતી. એવામાં એક વૃક્ષ નીચે એ સુઈ ગયો. આ વાત પેલા ત્રણ વૃક્ષ સાંભળતા હતાં. જેવી કઠિયારાએ આંખ બંધ કરી તરત જ અવાજ આવ્યો. "અમને છોડી દો. અમે તમારું ક્યાં કંઈ ખરાબ કરીએ છીએ." કઠિયારો આમ - તેમ જોવા લાગ્યો. એને માત્ર અવાજ જ આવતો હતો.
આમ - તેમ જોતાં જોતાં કઠિયારો બોલ્યો ; "કોણ છે અહીં ? કોણ બોલે છે ?"
પેલા ત્રણ વૃક્ષોમાંથી અવાજ આવ્યો ; "અમે છી જેને તું હમણાં મારવાનો છો. અમે તમારું કંઈ ખરાબ નથી કર્યું. હંમેશા તમને છાંયડો આપ્યો છે. જેમ અત્યારે તું આ બળબળતા તાપમાં આ છાયામાં સુઈ રહ્યો છે. એમને કાપ્યા પછી ક્યાંથી લાવીશ એવો છાયો ? શું તને આ તિખારા ઝરતાં તડકામાં સૂમસામ રસ્તા વચ્ચે કોઈ આપશે છાયો ?"
કઠિયારો તેની વાત ધ્યાનથી સાંભળતો હતો. અને વિચારમાં પડી ગયો.
ત્યાં તો બીજું વૃક્ષ બોલ્યું ; "તું અમને મારી નાખીશ તો તું કેટલો સમય જીવી શકીશ ? તને ખબર છે ? તમારા બધાનું જીવન અમારા પર નિર્ભર છે. અમે છીએ એટલે તમારું અસ્તિત્વ આ દુનિયામાં છે. તને ખબર છે ? તું જે શ્વાસ લઈ રહ્યો છે એમાં પણ ઑક્સિજન આપવામાં અમારો ફાળો છે. આ જ ઑક્સિજન તું બહાર કૃત્રિમ ખરીદવા જાજે, તને ખબર પડી જશે અમારું મહત્વ. જે શુદ્ધ વાતાવરણમાં તું રહે છે ને એ પણ અમારા કારણે છે. જો અમે ન હોત તો આ વધતા જતા ઉદ્યોગ - ધંધાએ ઓઝોન વાયુનું સ્તર આટલું પણ ન રહેવા દીધું હોત. સમજ્યો ?"
કઠિયારો કશું જ બોલ્યા વગર બસ જોઈ રહ્યો હતો.અને શાંતિથી સાંભળી રહ્યો હતો. જાણે આ બધું પહેલીવાર સાંભળી રહ્યો હોય.!!
ત્રીજું વૃક્ષ બોલ્યું ; "તને ખબર છે પૃથ્વી સુધી આ વરસાદને લાવવાનું કાર્ય કોણ કરે છે ? જો અમે જ નહી રહીએ તો વરસાદ પણ કેમ આવશે. તું જોઈ રહ્યો છે ને હાલના વરસોમાં બીનમોસમ વરસાદ કે માવઠું વધી રહ્યું છે. શેના કારણે થાય છે આ ? ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે શેના કારણે થાય છે આ ? તને ખબર છે એક વૃક્ષ કેટલા લોકોનું જીવન બચાવે છે ? એવી એક પણ જગ્યા નથી જ્યાં અમારા વગર ચાલતું હોય. કોઈ પ્રસંગ હોય તો અમારી જાતીમાંથી જ આસોપાલવની જરૂર પડે. મરણ સમયે પણ અમારા લાકડાની જરૂર પડે. જન્મ સમયે પણ અમારા લાકડામાંથી બનતી વસ્તુની જરૂર પડે. અને સૌથી મહત્વનું કે સૌથી વધુ ઉપયોગમાં આવતાં કાગળમાં પણ અમારું જ અસ્તિત્વ છે તો પછી શું કામને અમને મારો છો ? શું કામને અમને કાપો છો ?"
કઠિયારો ત્રણેય વૃક્ષની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. થોડી વાર વિચાર્યા પછી બોલ્યો ; "આજે આ અભણ કઠીયારાને કોઈએ વૃક્ષોનું સાચું મહત્વ સમજાવ્યું છે. તેના માટે તમારો આભાર. કઠિયારો આગળ બોલવા જતો હતો ત્યાં તેના સાહેબ આવી ગયાં. "અરે કોની સાથે વાતો કરે છે ! આ કામ જલ્દી પુરુ કર."
કઠિયારાએ કુહાડી નીચે મૂકી દીધી અને સાહેબને કહ્યું "હવે આ કામ મારાથી નહીં થાય. આ પાપ હું નહી કરી શકું. આપણા પોષનારને હું નહી મારી શકું. અને મેં જેટલા વૃક્ષો કાપ્યા છે એના બે ગણા વૃક્ષોનું હું વાવેતર કરીશ. અને બીજાને પણ વૃક્ષોનું મહત્વ સમજાવીશ, વૃક્ષો વાવો જીવન બચાવોની પ્રેરણા આપતો રહીશ."
