Kalpesh Patel

Drama Tragedy

4.9  

Kalpesh Patel

Drama Tragedy

કસર

કસર

7 mins
2.1K


દાળવડા ખાવા લલચાઈ જવાય એવો મોસમનો પહેલો મેહુલિયો વરસતો હતો. આંબલી રોડ ઉપરના તે બી-આર-ટીએસ-બસ સ્ટોપ ઉપર સતત વરસતા મેઘની સાથોસાથ એકાંત અને અંધકાર વ્યાપેલો હતો. આખાય રસ્તે પ્રકૃતિ આવડી રાત્રે નવપલલિત બનવા હવાતિયા મારતી હતી. વિકાસની બાંગ પોકારતા નિર્માણધીન છૂટાંછવાયાં બહુમાળી મકાનો વાતાવરણને વધારે એકાંતમય બનાવતા હાર બંધ નિશ્ચેત પંખી વિહોણા માળા જેવાં લાગતાં હતાં.

પાક્કા હિસાબનીશ પ્રિતમરાય હિસાબ પતાવી શેઠના ફાર્મહાઉસથી બહાર નીકળ્યા ત્યારે દૂર દેખાતા આંબલી બસસ્ટોપની સ્થિતિ વિશે તદ્દન અજાણ હતા. શેઠના અંગત માણસ તરીકે કંપનીના બીજા નબરના ચોપડાઓ લખવા પ્રિતમરાયને દર મહિને રાતે વાળુ કર્યા પછી અહીં શેઠના ઘરે આવવું પડતું. આવી કલાક-દોઢ કલાકની અંગત બેઠકનો એમને વધારાનો પગાર પણ મળતો હતો. ધોળી ગણો કે કાળી, બધીજ કમાણીનો પૈસે પૈસાનો હિસાબ કરવો એ શેઠનો, અને હિસાબ રાખવામાં કોઈજ 'કસર' ના છોડવી એ પ્રિતમરાયનો ધર્મ બની ગયો હતો. યુવાની વટાવી આધેડ બનેલા એકાકી પ્રિતમરાયનું પણ આટલાં વર્ષો પછી શેઠની વફાદારી, એ જ જીવનનું લક્ષ્ય હતું. આમ બની જતાં કોનો હિસાબ છે એ મુદ્દો પ્રિતમરાય માટે ગૌણ બની જતો હતો. હિસાબ વેપાર ધંધાનો લાખોનો હોય કે ઘરખર્ચ માં કરેલા દસકાઓનો હોય, રોજેરોજનો હિસાબ લખ્યા પછી જ પ્રિતમરાયને ઊંઘ આવતી.

આ મહિનાના હિસાબ અંતે સરખી પુરાંત નીકળી આવી હોવાથી પ્રિતમરાયને અંગત કામનો વિશેષ પગાર ઉપરાંત વધારાના રૂપિયા અગિયારની શેઠ તરફથી શીખ મળી હતી . શેઠના હાઉસથી પાછા વળતાં તેઓના કુરતા નીચેની ખાદીહાટની બંડીના અંદરના ગજવામાં પડેલી કડકડતી નોટોના કિનારાની આણીઓની મીઠી નોચ પ્રિતમરાયની છાતીને ભોંકાતી હતી. ઉપર કુરતાનું આવરણ હોવા છતાં નોટોની ઉષ્માથી પ્રિતમરાયના શરીરમાં આવા ઠંડા વરસાદી વાતાવરણમાં દાળવડાની પ્લેટ જેવી હૂંફ આપતી હતી. તેમ છતાં પ્રકૃતિને માણવી કોરાણે મૂકી પ્રિતમરાય તો ઊંધું ઘાલીને બસ સ્ટોપ ઉપર પહોચવા ડગ ભર્યે જતા હતા.

શેઠના ફાર્મ હાઉસની ગલી વટાવી રોડ તરફ એ વળ્યા અને થોડુંક ચાલતાં, ગલીના વૃક્ષોની ઓથ હવે ન રહેતા વરસાદની એક થપાટથી, એમના માય-કાંગલા બદન ઉપર શેઠે આપેલ ઓવર સાઇઝ રેઇનકોટમાં પવન ભરવો ચાલુ થતાં પ્રિતમરાય વાતાવરણ વિશે જાગૃત બન્યા. મુઠ્ઠી વાળીને રેઇનકોટને પકડી પોતાની સાઈઝનો બનાવમાં એ સફળ થયા, પરંતુ એ પહેલા પવન સાથે વરસાદી વાંછટ અંદર ઘુસી ગયેલી હોવાથી, તેઓ માટે હવે રેઇનકોટ પહેર્યા કે ન પહેર્યામાં કોઈ ખાસ તફાવત ન હોય તેવી સ્થિતિ હતી. વિવિધ રીતે રેઇનકોટને પકડવાના દરેક પ્રયાસમાં, પ્રિતમરાય એકસરખા ભીંજાવા માંડતાં, પેલી નોટોની ચૂંભનમાં હવે નોંધપાત્ર ઘટાડો થયો હોય એમ લાગ્યું. ગભરાઈને છાતી, એટલે કે નોટો પર એક હાથ રાખી અને બીજા હાથમાં રેઇનકોટ પકડી, પ્રિતમરાય, હાથવગા આશ્રય માટે વધુ વિચાર કર્યા વિના, બી-આર-ટી-એસના બસ સ્ટોપ તરફ ધસી ગયા.

દોટની હાંફ શમી ગઈ ત્યાં સુધીમાં, બસ સ્ટોપની બેન્ચ પાસે પોતે આવી ગયા પછીનું એમનું પગલું વધુ વરસાદી ઝાપટાંમાં ભીંજાયા વગર બેસી સકાય એવી કોરી જગ્યા શોધવાનું હતું. ચારેકોર ખુલ્લા બસ સ્ટોપમાં આ કામ બહુ મુશ્કેલ કામ હતું. કારણ કે સતત ફૂંકાતા પવન સાથે વરસતા વરસાદની વાંછટ ઉપરાંત, પ્રિતમરાય પોતે એટલા ભીંજાઈ ગયેલા કે, તેઓ જ્યાં પણ ઊભા રહે કે બેસે એ જગ્યા ભીની થઈ જવાની જ હતી. છતાં, પ્રિતમરાયે પ્રયાસ ચાલુ રાખ્યો. બસ સ્ટોપમાં ચારે બાજુ આછો ઉજાસ હતો. ફાંફાં મારતા તેઓ એક તરફ વળ્યા અને ચોંકીને પાછા હટી ગયા.

બસ સ્ટોપના છેવાડે ઝાંખા એ-લી-ડીના ઉજાસમાં એક-બે આકારો હતા. પ્રિતમરાય ગૂપચૂપ પાછા ફર્યા અને ઝડપથી બસ સ્ટોપની બીજી તરફ પહોંચી ગયા.

થોડીક વાર સુધી કોઈ પગરવ ન સંભળાતાં એમને નિરાંત થઈ. હવે બસની રાહ જોયા સિવાય બીજું કશું ન કરવાનું હોવાથી ચિંતા કરવાની એમણે શરૂઆત કરી. પહેલાં ઘરે કેવી રીતે જવાશે એની ચિંતા કરી, અને પછી બંડીમાં રહેલી નોટો વિશે ચિંતા કરી. આ બીજી ચિંતા અંગે તેઓ વધુ સક્રિય બન્યા. સંભાળપૂર્વક લોચા જેવી થઈ ગયેલી આજના બોનસની દસની નોટ, રૂપિયનો સિક્કો તેમજ વધારાના પગારની નોટોની નાનકડી થોકડી હાથમાં બાહર કાઢી .

પાણીથી લથબથ થયેલી નોટોનો અને સિક્કાનો એમને સુખદ: સ્પર્શ થતો હતો. આ નોટો ઘરની અલમારીમાં કેવી લાગશે એ વિશે હજી એમને કંઈક અંદાજ આવે એ પહેલાં તો પ્રિતમરાયને ધૂંધળા, ઉજાસમાં કોઈ ઓળો દેખાયો.

પ્રિતમરાય છળી ઊઠ્યા. પહેલી નજર હાથમાં રહેલ રકમ પર પડી. બીજી નજર વેરાન બસ સ્ટોપ તરફ પડી. ક્ષણનાય વિલંબ વગર નોટો અને સિક્કો, કુરતાની પહેલું ગજવું મળ્યું એમાં સરકાવી દીધા. બીજા હાથની રેઇન કોટની તેમની પકડ હવે આપોઆપ દૃઢ બની ગઈ હતી.

થોડીક જ વારમાં બસ સ્ટોપના બીજ છેડાનો ઓછાયો ઓળખી શકાય એટલો નજીક આવ્યો. હા,..એ એક ભિખારણ હતી. એનો રંગ તો બસ સ્ટોપના આછા ઉજાસમાં કળાતો નહતો, પણ પહેરેલા વસ્ત્રને કારણે અંદાજ આવતો હતો. એના પેટની ઉપરનો ભાગ બહુ ઊપસેલો લાગ્યો. તાકીને જોતાં પ્રિતમરાયને ખ્યાલ આવ્યો કે ત્યાં એક બાળક જેવું બાંધેલું હતું. ભિખારણનો એક હાથ નીચેથી બાળકને પડતાં બચાવી રહ્યો હતો, અને બીજા લંબાવેલા હાથમાં એક મદદની આસ હતી.

પ્રિતમરાયને એમ લાગ્યું કે એમના શરીર પરની ભીનાશમાં પાણીની સાથે પરસેવાનું પણ જે કંઈ પ્રદાન હતું એ વધી ગયું છે. પરંતુ અન્ય કોઈના બદલે બાળક સાથેની સ્ત્રીથી હોવાથી હવે એમને હૈયે કોઈ ડર નહતો . હવે પ્રિતમરાયનો ચહેરો દેખાય, એટલી નજીક તે ભિખારણ આવી ગઈ. ધૂત્કારવા માટે પ્રિતમરાય શબ્દોની પસંદગી તેઓ કરે એ પહેલાં તો ભિખારણે શરૂઆત કરી દીધી.

'સા'બ, હું ભૂખી છું, છોકરો પણ ભૂખ્યો અને બીમાર છે.'

પ્રિતમરાયે ભિખારણ સામે જોયું એના હોઠ પર એક સ્મિત પણ અટક્યું હતું. એમાં લાચારી ઉપરાંત બીજું શું હતું, એ પ્રિતમરાય સમજી ન શક્યા ! પ્રિતમરાયની દૃષ્ટિ હોઠ પરથી નીચે પાલવમાં રહેલા બાળક તરફ જોવા નીચે ગઈ. બાળકની હડપચી સિવાય કંઈ દેખાતું નહોતું.

પ્રિતમરાયે પીછો છોડવા આડું જોયું.

'સા'બ, કઈક દયા કરો ને '

પ્રિતમરાયને ફરી બાળક સામે જોયું,અને ભિખારણ તરફ જોયું અને બહાર નજર કરી. વરસાદ ઘટતો હોય એમ લાગ્યું. કંઈ બોલે એ પહેલાં પ્રિતમરાયને ચારે કોર એકાંતના ઓછાયાનો તથા અન્ય કોઈકની અન-ઉપસ્થિતિ વિશે વિચાર આવ્યો. પરિણામે જ્યારે એમના હોઠ ઊઘડ્યા ત્યારે અવાજ ધાર્યા કરતાં ધીમો નીકળ્યો.

'ચલ, જા જતી રહે અહીંથી .'

'સા'બ કઈ દયા કરો ને , 'સા'બ, હું ભૂખી છું , છોકરો પણ ભૂખ્યો અને બીમાર છે.'

તે ભિખારણ હવે અડી શકાય એટલી નજીક આવી ગઈ હતી. પ્રિતમરાયે ફરી બાળક તરફ જોયું. ભિખારણે બાળકને સહેજ આગળ ધકેલી દીધું હતું. એ એને એટલી સિફત ધકેલેલું હતું કે, ઊંઘતા બાળકના ચહેરાની સાથોસાથ, ભિખારણની છાતી પણ ખુલ્લી થઈ ગઈ હતી.

'જુઓ સહેબ, ખરું ક'વ છું , તમે અડી જુવો ,છોકરાને કેટલો તાવ છે '

ફરી એક વાર પ્રિતમરાય બાળક તરફ નજર કરી. આ વખતે ખુલ્લી થયેલી પુષ્ટ છાતી આપોઆપ દેખાતી હતી. માત્ર ચહેરો જ જોવાનો એક વ્યર્થ પ્રયાસ પણ પ્રિતમરાયે કરી જોયો. પરંતુ સ્વાભાવિક રીતે જ દૃષ્ટિ એવી રીતે સ્થિર થઈ જેમાં છાતી વધારે અને બાળકનો ચહેરો ઓછો અને ન છૂટકે જ દેખાતો હતો.

સહસા પ્રિતમરાયે શરમથી નજર તેના મુખ તરફ ફેરવી. ભિખારણની આંખમાં આગળ વધવાનો સંકેત હતો. તેઓએ આજુબાજુ જોયું. કાન સરવા કર્યા. બધું યથાવત્ હતું. હાથ ઝડપથી કુરતાના પહેલા ખિસ્સામાં ગયો. આંગળીઓને ભીની થયેલી નોટોને અળગી કરી પછી વધુ ઊંડે ગઈ. ઠંડો થયેલો રૂપિયાનો સિક્કો પકડાયો. અને તેઓનો હાથ બહાર આવ્યો.

લંબાયેલો હાથ જોતાં ભિખારણ ધીમેથી બોલી,

'છોકરાને જ આપો સાહેબ .'

પ્રિતમરાયનો હાથ થરથરતો હતો. રૂપિયાનો સિક્કો ક્યાં મૂકવો, એની અવઢવ હતી. પંજો, બાળકની હડપચીથી આગળ વધ્યો. બાળકના માથા સુધી પહોંચતા પંજાના પાછલા ભાગને ભિખારણના સ્તનનો પૂરેપૂરો સ્પર્શ થયો. પંજો, સિક્કો ત્યાં જ રાખી આપોઆપ સ્થિર થયો. તે ભિખારણની છાતીએ  વળગેલી તેમની આંગળીએ વરસો પહેલાની આવી જ વરસાદી સાંજમાં પ્રતિમા સાથે કોલેજની માથેરાનની ટુરની યાદ એકાએક અત્યારે આપવી દીધી.

 'સા'બ, બીજું વધારે આપશો ને ?'

પ્રિતમરાયે ઝટકાથી હાથ ખેંચી લીધો. ભિખારણના ચહેરા સામે જોયું, પણ કઈ કળાયું નહીં ,પણ તે ભિખારણ તરફથી નિમંત્રણ હજુ અકબંધ હતું. પ્રિતમરાયે ફરી આજુબાજુ જોઈ લીધું. રોકવાની લાખ કોશિશ હાથ ખિસ્સામાં ગયો અને આ વખતે દસની નોટ સાથે બહાર આવ્યો. ફરી આખો પ્રસંગ બન્યો. આ વખતે જરાક લાંબી વાર ચાલ્યો. અને કદાચ વધુ પણ ચાલત, પરંતુ એ દરમિયાન બસની હેડ લાઇટનો શેરડો તે ભિખારણના મુખ પર પડતાં પ્રિતમરાયને વીંછીના ડંખ જેવો ઝટકો લાગ્યો, અને સૂમસામ વાતાવરણને ડહોળતા બ્રેકના અવાજ સાથે બસ ઊભી રહેતા, તેઓ નોટનો ડૂચો ત્યાં છોડી આવેલી બસમાં બેસી ગયા.

આટલી ઝડપથી બનેલી ધટનામાં સુન્ન સ્થિતિમાં ઘરે પહોચી, બધી જ રીતે સ્વસ્થ થતાં પ્રિતમરાયને વખત લાગ્યો. રાત ઘણી થઈ ગઈ હતી. કોઈ નફો કે ખોટ ન હતી વધારાના આવ્યા ને ગયા ! છતાં હિસાબ લખીને જ સૂવાના નિયમમાં આજે પણ ફરક ન પડ્યો. સિલક મેળવતાં જતાં , કોલેજ જીવનના વગર પ્રયાસે વરસો જૂના વણ લખાયેલ રોજમેળના પાનાં ખુલતા જતાં હતા. પહેલા કોલેજની પ્રતિમા સાથે વિતાવેલી પળો અને ગેજયુએટ પછી ખમતીધર સ્વસુર પક્ષની લાલચમાં કોઈ 'કસર' ન રહે તેથી પ્રતિમાનો કરેલો ત્યાગનો હિસાબ મેળવતા સરવૈયામાં તેમને અત્યારે પૂરી ખોટ દેખાતી હતી. શહેરના વેપારી ચીમનલાલની એકની એક દીકરી પ્રિયા સાથેના લગન જીવનના પહેલાજ મહિને, તેમની પત્ની પ્રિયા તેના પ્રેમીની સાથે ભાગી ગઈ, અને સમાજમાં એકલા પડતાં ખમતીધર સ્વસૂરનો પરચો બહુ જલ્દી અને પૂરો પામી ગયા. જોત જોતામાં છૂટાછેડાં થઈ ગયા લગ્નનો ખર્ચ માથે પડ્યો. એ પછી વરસો વીતે કોઈ મેળ ન પડવાથી પ્રિતમરાય પરણ્યા છતાં કુંવારા રહી ગયા હતા. લાચાર...પ્રિતમરાય કરે પણ શું ? કડવા સત્ય અંગે પાક્કા હિસાબનીશ પ્રિતમરાયના જીવનના રોજમેળમાં આજ દિવસ સુધી કોઈ પાનું હજુ ઊઘાડેલું નહતું !

પણ રોજિંદા હિસાબના રોજમેળમાં પેલા એક રૂપિયાના સિક્કા અને દસની નોટનો તફાવત બાકી રહ્યો. પ્રિતમરાયે એને આવક અને ખર્ચ ને અવગણી, માત્ર બસ ખર્ચ ઉધાર્યો, પણ મન ના માન્યું અને આવક પહેલા જમા લઈ અગિયાર રૂપિયા ધર્માદા ખાતે ઉધારી દીધા. ચોપડો બંધ કરી બત્તી બુઝાવીને એ આડા પડ્યા.

પ્રયત્ન કરવા છતાં, ઊંઘ ન આવી. ફરી ઊઠ્યા. બત્તી કરી અને રોજમેળ ખોલ્યો. ધર્માદાને બદલે છેકીને એમણે તે અગિયાર રૂપિયા કસર ખાતે એ રકમ ઉધારી નાખ્યા. મેળ વગરના કે ગ્રાહકોની ખુશી માટે જતાં કરેલ આવી નાની મોટી રકમને, આ ખાતે ઉધારવાની એમની પેઢીમાં પ્રથા હતી.

ફરી પાછા આડા પડ્યા ત્યારે પણ પ્રિતમરાયને સંતોષ નહતો થયો. ઘણા વખત પછી જિંદગીની રહી ગયેલી કસરને, આજે કસર ખાતે ઉધારવાંમાં તેમના હૃદયે ચેન નહતું પડતું એમને પ્રતિમા ને છોડીને સરાસર ખોટું કરેલું છે એનો રંજ તેમજ પ્રતિમાની તેમની જિંદગીમાં કસર અનુભવાતા ઊંઘ તેમની આંખોથી જોજન દૂર હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama