amita shukla

Romance Tragedy Thriller

3.6  

amita shukla

Romance Tragedy Thriller

કશ્મકશ

કશ્મકશ

14 mins
469


મોમ, મને મારી કેરિયર પર ધ્યાન આપવા દો. શું લગ્ન એકજ જિંદગીનો મકસદ છે. જીવનમાં એના સિવાય કશું કરવાનું હોતું નથી ?

માં અને દીકરીનો રોજનાં આ સંવાદથી બંને નાની બહેનો પણ થાકી ગઈ હતી. દીદી તું માની જા, માં ની વાત.

હા, તમારે બંનેએ મને ભગાડવી છે કેમ ? તમે મા ની આંખમાં ધૂળ નાંખતા રહો. મનમરજી કરતી રહો અને જિંદગી બગાડો. છેવટે મારેજ તમારું ધ્યાન રાખવા આવવું પડે. નાં બાબા !! હું તો તમને પહેલાં વિદાય કરીશ સાસરે, પછીજ હું !

પાયલના મનમાં રણકાર નહોતા ઉઠતા, પ્રેમ નામનું તત્વ વિજાતીય તરફ ખેંચતું નહતું. મનને કોચલામાં પૂરી રાખ્યું હતું. જિંદગીના કડવા અનુભવોથી મનને ક્ષુબ્ધ કરી દીધું હતું. આજુબાજુ કાંટાળી વાડ ઊભી કરી દીધી હતી જેમાં કોઈને પ્રવેશ નહતો.

કોલેજ દરમ્યાન પવન એક ઝોકાની જેમ એના જીવનમાં પ્રવેશી ગયો. દરેક લહેરખી સાથે મન આનંદમાં તરબોળ રહેતું. મન એનું પવન સંગ ઝૂલા ઝૂલતું. એની સાનિધ્યમાં જ એનું અસ્તિત્વ સમાયેલું રહેતું. દુનિયાથી બેખબર, પ્યારમાં પાગલ, પવનમય બની ગઈ હતી. પાયલના રણકારમાં પ્યારનો પ્રવેશ થઈ ચૂક્યો છે, ઘરમાં જણાઈ ગયું હતું. પ્યારની ભાષા જ એવી હોય કે મૌનની જુબાન આંખોમાંથી બોલાય.

પવન એક દિલફેંક છેલબટાઉ નવજુવાન હતો. પાયલ માટે એને પણ પ્રેમની લાગણી હતી. એને પણ પાયલની સાથેજ જિંદગી માણવી હતી. બંને પ્રેમીપંખીડા પ્રેમની અલગ દુનિયામાં મહાલતા હતા. પ્રેમ પણ પરવાન પર હતો. નસીબ એવું હોય કે ક્યારેય સાચા પ્રેમી મળી શકતા નથી, કસોટીઓનાં સિલસિલા આપવાં પડતાં હોય છે.

પવનની બચપણની મિત્ર પાવની તેના છાયાની જેમ મંડરાયેલી જ રહેતી. પવનને એક પળ જુદો ન મૂકતી જાણે એના વિના શ્વાસની આવનજાવન રોકાઈ જાય. દિલની ધડકન કદાચ બંધ થઈ જાય. પવન એને માત્ર મિત્ર જ માનતો, એના માટે કદીયે દિલમાં સ્પંદન થયા નહતાં. હા, મિત્રતાને લીધે એની ચિંતા સૌથી વધારે રહેતી. સૌથી વધારે ખ્યાલ એનો રાખતો. બિલકુલ ઉદાસ ન થવા દેતો. હરેક પડ્યો બોલ એનો ઝીલતો. મિત્રને સાથ આપવામાં ગૌરવ અનુભવતો. પ્રેમ મિત્રતાનો શુદ્ધ હતો જેને પાવની દિલબરનો પ્રેમ સમજતી રહી મનમાં, ઈઝહાર તો બંનેએ કર્યો જ નહતો. પાવની સમજતી કે એમાં શું કરવાનું અને પવન પણ કેમ કરે ? જ્યારે અમે બંને એકબીજાના માટેજ સર્જાયેલા છે. જે બચપણથી જવાની સુધી પવન ક્યારેય મારાથી અળગો થયો નથી. હવે કોલેજ માટે અમારે થોડા કલાકોનો વિરહ સહેવો પડે છે..એક આત્મવિશ્વાસ મનમાં પવન તો મારો જ છેને !

પવન અને પાયલનાં પ્રેમની પરાકાષ્ઠાની અનુભૂતિ જ્યારે પાવનીને થઈ તો તેનું વર્તન હિંસક બની ગયું. જે હાથમાં આવે તેના ઘા કરતી, બેફામ બોલતી, રડી રડીને આંખો સુજાડી દીધું. પવન મારો છે એ કોઈનો નાં થાય. પવન તું કેવી રીતે બીજાને પ્રેમ કરી શકે ?

આ વાક્યની માળા કરતી રહેતી, માનસિક રીતે ભાંગી પડી. ડોકટરોને ત્યાં અવરજવર વધી ગઈ. પોતાની મિત્રની આવી હાલત માટે પોતાને જવાબદાર ગણાવતો પવન સતત પાવની સાથે રહેવા લાગ્યો.

પાયલ પણ પવનની ગેરહાજરી સતત મહેસૂસ કરતી, કેટલા ફોન કર્યા પણ પવન તરફથી કોઈજ જવાબ નહીં. કોઈ એવું હતું પણ નહીંં કે એની ભાળ એને મોકલે. પવને પાયલને પત્ર લખી હ્રદયની વ્યથા લખી. તારાં વગર જિંદગી કેવી રીતે જઈ રહી છે દિલનાં હાલ લખ્યાં. પાવનીની બધી વાત લખી કે એને સારું થાય ત્યાં સુધી હું એની સાથે જ રહીશ, ત્યાં સુધી તું મારી રાહ જોજે. નસીબને આ મંજૂર નહોતું પવનનો પત્ર પાયલ સુધી પહોંચ્યો જ નહીંં. પાયલની મમ્મીનાં હાથમાં પત્ર આવી ગયો. આમ પણ પાયલની હરકતથી નારાજ હતાં પણ બોલી શક્યા નહતા. યુવાનીમાં કંઈક કહેવાથી કોઈ ખોટું પગલું ભરે તો !

મનોમન ઈશ્વરનો ઉપકાર માન્યો અને પત્ર સંતાડી દીધો.

પવન પત્ર લખીને નિશ્ચિત થઈ ગયો. પાયલ પર પૂરો ભરોસો હતો. પ્રેમમાં પાગલ પ્રેમીઓને રૂહથી રૂહ મળ્યાનો આનંદ હોય છે. મિલન મુલાકાતો રાત દિવસ આત્માની અનુભૂતિ અનુભવે, હમેશાં સાથે હોવાનો ભાવ. પ્રેમમાં મહેસૂસ કરવાનો અહેસાસ જ કાફી હોય છે.

પાયલ પણ એક સ્ત્રી, તેની વેદના અપરંપાર હતી. ન કોઈને કહી શકે ન પવન વિશે જાણી શકે ? બંને બહેનોને અણસાર હતો દીદી કોઈનાં પ્રેમમાં છે પણ કોનાં ? એનાથી અજાણ હતા. પાયલે ક્યારેય પવનને એના વિશે કંઈજ પૂછ્યું નહતું. પવનના પ્રેમમાં ગળાડૂબ છું એટલી જ ખબર હતી બીજું કશું જાણવાની કોશિશ જ નહોતી કરતી. પ્રેમીઓને પ્રેમની વાતો જ ગમે. દુનિયાથી બેખબર, આસમાનની છાવમાં, આંખોમાં પ્રેમ, હાથોમાં હાથ, દિલની ધડકનનો મંદ ધ્વનિ, મૌનની દીવાલ તો પણ અઢળક વાતો. પ્રેમને મહેસૂસ કરતી રહી અને આજુબાજુ એક કાંટાળી વાડ ઊભી કરી દીધી. જેટલો પ્રેમ માણ્યો હતો એ જિંદગી જીવવા માટે પૂરતો હતો, હવે પ્રેમનાં પવનને પણ પ્રવેશ બંધ હતો. એની ભીતર ધરબાયેલો પ્રેમ જતનથી સાચવીને ભિતર જ માણતી. પ્રેમની દુનિયાથી અલિપ્ત થતી ગઈ બસ હવે એનું એક ધ્યેય હતું કે કેરિયર પર ધ્યાન આપી માં ને મદદ કરવી, બંને બહેનોના લગ્ન અને ભણતર પૂરું કરવું.

પાવનીની હાલત વધારે ખરાબ થતી ગઈ. મનની રોગી બની ગઈ. વારેવારે પાગલપનનાં દોરા પડતાં હતાં. તેથી મેન્ટલ હોસ્પિટલમાં એને ભરતી કરવી પડી જ્યાં સારી ટ્રીટમેન્ટ મળી શકે. પવનસંગ ઊડવું હતું પણ મનમાં ધારેલું કંઈ થતું નથી, તમારે વ્યક્ત કરવું પડે. તમારા દિલનાં હાલ કહેવા પડે. જો પવનને પ્રેમનો એકરાર કર્યો હોત તો કદાચ આટલી હાલત ખરાબ નાં થાત.

પવનના મમ્મી તો પાવનીની હાલત અને સતત પવનનું એનું સાથે રહેવું જોઈ, દિલમાં બહુ ગભરાતા પણ બંનેની દોસ્તી જ એવી હતી તો બોલી શકતા નહતા. પાવની જો પવન પર હુમલો કરશે તો શું થશે ? સતત ચિંતા એમને કોરી ખાતી. પાવની હોસ્પિટલમાં એડમિટ થતાં રાહતનો દમ ખેંચ્યો.

પવનના મમ્મી હવે પવનને લગ્ન જીવનમાં બાંધીને મુક્ત થવા માંગતા હતાં. પવનને કોઈનું ખેંચાણ રહે અને ઘરે રહે. દોસ્તીની પાછળ કામ પણ વીસરી જતો, ઘર પણ વિસરતો, પણ સ્વભાવ જ પરગજુ હતો કોઈને કોઈ કામ માટે તત્પર હમેંશા, દોસ્તો પણ પહેલા તેને જણાવતા પોતાની તકલીફ. પાવનીનાં કિસ્સા પછી મમ્મી થોડા કડક થયા અને પવન માટે પારિજાત નામનું ફૂલ શોધી કાઢ્યું.

પવનને જ્યારે પારિજાતને મળવાની વાત કરી, હમસફર બનાવવાની માટે તો પવનના હોશકોશ ઊડી ગયા. હજી હું પાવનીનાં આઘાતમાંથી બહાર નથી આવ્યો મમ્મી આ તમે શું વાત લઈને બેઠા છો ?

એટલેજ વાત લઈને બેઠી છું, તને સમજ નાં પડે, હવે હું કહું એમજ કરવાનું તારે, અત્યાર સુધી તારું બધું સાંભળ્યું હવે તું મારું સાંભળીશ. તું તારી જિંદગી કેવી રીતે જીવે છે જોઈ લીધું. ન કોઈ શિસ્ત, ન કોઈ પ્લાનિંગ, ભવિષ્યમાં શું થશે ? ન ઘરમાં મન ? ન ખાવાપીવા પર ધ્યાન ? આવી તો કોઈ જિંદગી હશે ?

પવન હજી પાયલની રાહમાં જ હતો. પત્ર લખ્યો છે મે પાયલે વાંચ્યો જ હશે, એ મને પ્રેમ કરે છે તો જરૂર મને સમજશે એવા વિચારોમાં જ રાચતો હતો. હકીકત એનાથી કોષો દૂર હતી. પાયલને ફોન કર્યો પણ લાગતો નહતો, એને ક્યાં ખબર હતી કે એને બ્લોક કરી દીધો છે. હવે પાયલની એને પણ ક્યાં કોઈ ખબર હતી ? ક્યાં રહે છે ? શું કરે છે ? શોધવી કેવી રીતે ? બંને પ્રેમીપંખીડા પોતાની ગુટૂર્ગુમાં નિજાનંદ માણતાં.

મમ્મીનાં આગ્રહને વશ પારિજાત સાથે મુલાકાત ગોઠવી, છોકરી સાથે વાતો કરવામાં તો એને વાંધો જ નહોતો આવતો, પણ પ્રેમનાં તાર એને પાયલ સાથેજ જોડી દીધાં હતાં. સ્વભાવવશ પારિજાત સાથે વાતો કરતો રહ્યો. મમ્મીએ માનયું કે ગમી ગઈ છે. પારિજાતના ઘરે હા પણ ભણી દીધી.

પવનને હવે કોઈ છૂટકો નહતો. લગ્ન પણ ગોઠવાઈ ગયા, રંગેચંગે બધું પતી ગયું. પારિજાત પોતાની સાથે સપનાઓનું પોટલું ભરીને આવી પતિગૃહે.

પહેલી રાતે જ પવને પાયલની વાત જણાવી. હું એને જ પ્રેમ કરું છું તને હું નહીંં કરી શકું. હા, એક વચન પણ આપુ છું કે મારાં વર્તન અને વાણીથી દુઃખી નહીંં કરું તને. તું સ્વતંત્ર છે તારા વિચારોમાં.

પારિજાત પણ હોંશિયાર હતી, તેને બાજી સંભાળી લીધી કહ્યું કે, હું શું તમારી મિત્ર તો બની શકું ? પવનને તો મિત્ર એટલે ભગવાન. હા, આપણે જરૂર મિત્ર બની શકીએ છે !

મિત્રતાનો દોર શરૂ થયો. બંનેની હસી મજાક ભરી વાતો, હમેશાં સાથે ને સાથે, મમ્મી તો ખુશ ચાલો સરસ રહે છે. અંદરની વાતથી અજાણ..

પારિજાત આ હાલતથી ડરી નહતી કે રડી નહતી પણ સમજી વિચારીને પરિસ્થિતીનો સામનો કેવી રીતે કરવો એ અંગે વિચારતી રહી અને કામયાબ પણ રહી.

સૌથી પહેલાં તો પવનની નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખતી. માંગે એ પહેલાં હાજર કરી દેતી. સામે કોઈજ સવાલ નહીંં કરતી. માતા પિતાનું ખુબજ ધ્યાન રાખતી. મિત્રનો રોલ જ નિભાવતી ક્યારેય મર્યાદા ન ઓળંગતી. પવનના પ્રિય પકવાન બનાવતી. સારો સમય તેની સાથે પસાર કરતી. આમ કરતાં પવનને હવે તેની આદત બની ગઈ. મિત્રતાનો ભાવ પ્રેમમાં પરિવર્તિત થવા પગરવ માંડી રહ્યો.

પારિજાતને પ્રેમનો એકરાર કર્યો, પણ એ ગંભીર જ રહી. શું પાયલ દિલમાં હવે નથી રહી ? એ સવાલ સાથેજ પવને એને પ્રેમથી ચૂમી લીધી. પવનની લ્હેરખી પ્રેમની સ્પર્શી, તો પારિજાત વેલની જેમ વીંટળાઈ ગઈ ન જુદા થવાની શરતે.

દિલ તો તને જ ઝંખતું હશે,

નહોતી ખબર દસ્તકને,

તારાં બેશુમાર પ્યારની,

જે તારા દ્વાર પર હતું !

પાયલના હાથમાં જ્યારે પત્ર આવ્યો ત્યારે મોડું થઈ ચૂક્યું હતું, પોતાની જાતને પ્રેમથી દૂર કાંટાળી વાડમાં કેદ કરી દીધી હતી. કેરિયર બનાવવાની દોટમાં બહુ આગળ નીકળી ગઈ હતી. જિંદગી માણવા બહાર આવવું અશક્ય હતું. પવનસંગ જિંદગી માણવાનો દોર ત્યાંજ કપાઈ ગયો.

પાવની પણ હોસ્પિટલમાંથી રજા મળીને ઘરે આવી. પોતાની જાતથી વિચારતી હતી. મહેસૂસ કર્યું કે પ્રેમને છીનવીને નાં લેવાય. દિલમાં સ્પંદનો જાગે ત્યારે પ્રેમ આપોઆપ થાય. પવન ફકત મારો મિત્ર જ રહેશે.

જીવનમાં તમામ અંગોની અગત્યતા ભરેલી છે. ક્યારે કયું અંગ કામ વધારે કરી જાય. આમ જીવનમાં કોનો પ્રવેશ ક્યારે આત્મીય બની જાય દિલને પણ ખબર નથી !

સંબંધો ભંગ થાય ત્યારે તૂટવાનો અવાજ નથી આવતો પણ કરચોને સમેટવામાં આત્મીયતાનો સંબંધ અગત્યનો જરૂર બની જાય છે.

પારિજાતમાં કેદ પવન,

ન ઉડાન, સ્થિર ગતિ,

પ્રેમની ન્યારી મતિ.

પવન અને પારિજાતનું લગ્નજીવન હવે ખરા અર્થમાં શરૂ થયું. મિત્ર તરીકે ખુબ સાથ માણ્યો હવે પતિ પત્નીનાં સંબંધોની શરુઆત થઈ રહી હતી. વિશ્વાસ એકબીજા પર આંખો મીંચીને કરી શકાય, દિલની કોઈ પણ વાત ન છૂપાવતા બિન્દાસ કરી શકાય, મૌન આંખોની ભાષા વાંચી શકાય, કહેતા પહેલાં જ સમજી જવાય, એકબીજાની ઈજ્જત પ્રાણપ્યારી હોવી જોઈએ, દરેક બાબતમાં બંને વચ્ચે પારદર્શકતા હોવી જોઈએ તો પ્રેમ આપોઆપ પ્રવેશ કરી લે.

પારિજાતની મ્હેક પ્રસરાવતો પવન મનાલીની વાદીઓમાં લઈ ગયો. વાદીઓની સુંદરતામાં ખોવાઈ ગયા બંને. બરફથી આચ્છદીત શિખરો, સૂરજના કિરણોથી જુદા જુદા રંગમાં પરાવૃતિત થતાં. પાઈનનાં વૃક્ષોની લાઈનબંધ હારમાળા, સહેલાણીઓનાં ટોળાં બરફનાં ગોળા એકબીજા પર નાંખવાની રમત કરતાં.

પારિજાતે પણ બરફનો ઢગલો કરીને પવન પર બરફનાં ગોળા મારીને,ખુબ ચિડવ્યો. પવન ના ના કરતો રહ્યો, પારિજાત એમ માને કંઈ !! પવનને તો બસ એનો હાથ પકડીને ફરવું હતું. ક્યારેય હાથમાંથી તારો હાથ ન છ્ટે પરી. પવનની પકડ હાથ પર વધતી જતી.

પારિજાત જેનું નામ, કસ્તુરી સમ મ્હેક, હરણી જેવી દોડ, હાથ છોડાવીને ભાગી પવનનો. પવન પીછો કરતો રહ્યો પણ હાથમાં આવે તો ને.. સાથ છૂટતો જતો હતો એનાથી બેખબર બંને કસમોની હજી આપલે કરતાં હતાં.

ત્યાં બરફમાં ખીણનો ખ્યાલ ન રહ્યો અને પારિજાત એમાં ગરકાવ થઈ ગઈ. પવનની મદદ માટેની બૂમો સાંભળી સ્થાનિક લોકો દોડી આવ્યા, મહામહેનતે બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા.

બરફમાં આટલીવાર રહેવાથી બેભાન થઈ ગઈ. ડોક્ટરના લાખ પ્રયત્ન છતાં ભાન આવતું નહતું. ઘરથી દૂર, આસપાસ કોઈ સ્વજન નહીંં, કોઈની હૂંફ નહીંં. ઘરે કેવી રીતે જણાવું ? શું કહીશ ? એકલો એકલો તડપતો રહ્યો રાતભર, શુભ સમાચારની રાહમાં.

બંધ આંખે, પ્રિયજનનો દર્દભર્યો અવાજ સંભળાતો હોય એવું લાગ્યું. કોઈ બૂમો પાડી રહ્યું હતું જલદી આવો, મદદ કરો, કોઈ છે, ચિસો પાડીને મદદ માટે બોલાવી રહ્યું હતું. ત્યાં તો હોસ્પિટલમાંથી સ્ટ્રેચર લઈને વોર્ડબોય દોડ્યા દરદીને લેવા. તાત્કાલિક ઈમરજન્સીમાં સારવાર અર્થે લઈ ગયા.

ક્ષણવારમાં બની ગયું, હજી ત્યાં જઈને જોવે એ પહેલાં વિખેરાઈ ગયું હતું. અવાજ તો પ્રિયજનનો હતો એમ બબડતો રૂમમાં પાછો પારિજાત પાસે ગયો. હવે તેને ભાનમાં આવ્યાની રાહ જોવા સિવાય છૂટકો નહતો.

નર્સ રૂમમાં આવીને પારિજાતને ચેક કરી, ટ્યુબ વડે પ્રવાહી આપ્યું. રૂમમાં બીજો બેડ રહી શકશે કે કેમ ? તેનો ક્યાસ કાઢતી ઊભી હતી ત્યાં તો પવને પૂછ્યું શું કોઈ સમસ્યા આવી છે ?

નર્સે પરિસ્થિતી જણાવી કે બીજા બિલ્ડિંગમાં બરફનાં તોફાનને કારણે દરદીને લઈ જઈ શકાશે નહીંં તો શું તમારા રૂમમાં બીજા પેશન્ટને રાખી શકીએ છે ?

દરદીને રૂમમાં લઈ આવ્યા, તેની સારવાર કરી રહ્યા હતા ત્યાંતો દર્દીનાં સગાં દોડતાં રૂમમાં આવ્યા અને પવનનો આભાર માનવા માટે જેવા હેલો મિસ્ટર.. શબ્દો બોલાયા ત્યાં તો પવન એક ઝોકાની જેમ એના સામે આવ્યો, ચાર આંખો એક થઈને સ્થિર થઈ. જોતાંજ રહી ગયા એકબીજાને, કેટલાં વર્ષોના બિછડેલા કેવા સંજોગોમાં મળ્યા ?

સાથ તારો માંગ્યો,

કુદરતને મંજૂર નહોતો,

ફરી કસોટીના એરણ,

કુદરતનાં સર્વ ખેલ.

વિરહની વેદના પીને બળીને ખાક થયેલા બે દિલ, નજરો મળીને છલકાઈ ગયા. સમયના વહેણ સાથે થંભી ગયેલા આંસુ આજે ધોધમાર વર્ષયા. પાયલે પોતાની ફરતે કાંટાળી વાડ ઊભી કરી હતી તે પવનની એક ઝલક મળતાં તૂટીને ચૂર થઈ ગઈ. મુહોબ્બતનાં મોજા ઉછળ્યા દિલમાં,એકબીજાને ગળે લગાડવા પણ પગ ત્યાંજ થંભીને ઊભા રહી ગયા.

આંસુનાં પ્રવાહની સાથે ફરિયાદોનો દોર ચાલ્યો. ફરિયાદોમાં માફી પણ અપાઈ ગઈ, સાચી વાત જાણીને !

પાયલ તેના મમ્મીને મનાલી હવાફેર કરવા માટે લાવી હતી. થોડા મહિનાઓથી શારીરિક અને માનસિક સ્ટ્રેસ વધી ગયો હતો, બંને બહેનોના લગ્ન થયા હતા. હવે ઘરમાં બે જ રહેતાં. પાયલ આખો દિવસ ઓફિસનાં કામમાં, વાતચીતનો દોર ઓછો થયો હતો. ઘરમાં સૂનું સૂનું થયું હતું. મમ્મીની તબિયત તેના કારણે નરમગરમ રહેતી હતી. પાયલ પણ જવાબદારીના બોજમાંથી બહાર નીકળી હતી. તો બંને હવાફેર કરવા મનાલીની વાદિયોમાં આવ્યા હતાં.

ત્યાંજ મમ્મીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો, હોટેલવાળાની મદદથી અહીંયા લઈ આવી. પવન હવે શું થશે ? શું કરીશ હું એકલી ?

પવન તારો હંમેશા તારી સાથે છે. કંઈ નહીંં થાય મમ્મીને, જલદી સ્વસ્થ થઈ જશે ને, બાહોમાં આવવા બે હાથ ફેલાવી ઊભો રહી ગયો, અત્યાર સુધી હિંમત દાખવી હતી પાયલે, આત્મીયભર્યા પવનનાં શબ્દો સાંભળીને અને બાહોમાં પોકારતું વ્હાલ ભર્યું નિમંત્રણ, જઈ વળગીને આંસુનો સૈલાબ વહાવી દીધો. પવને એને રડવા દીધી જ્યાં સુધી એનું મન હલકું ન થયું. હવે તેને કંઈજ ચિંતા નહતી એનો દિલબર એની સાથે હતો, એ ભાવાવેશમાં ભૂલી ગઈ કે પવન હવે કોઈનો પતિ છે !

પારિજાત પણ હવે ભાનમાં આવી હતી. પવને પાયલની ઓળખાણ કરાવી, મમ્મીને કેવી રીતે અહી લાવવા પડ્યા અને આ રૂમમાં પણ કેવી રીતે આવવું પડ્યું તેની વાત કરી. સ્ત્રી સહજ થોડી ઈર્ષા તો થઈ, પણ ઘરથી દૂર કોઈ આપણું નજીક છે એની ખુશી પણ હતી. પાયલ પણ પારિજાતનું ધ્યાન રાખતી. ધીરે ધીરે દોસ્તી જામતી જતી હતી.

અચાનક પારિજાતને પેટમાં દુઃખાવો ઉપડ્યો, સોનોગ્રાફી કરાવી તો એમાં ગર્ભાશયમાં ગાંઠ છે એવો રિપોર્ટ હતો. ઈમરજન્સીમાં ઓપરેશન કરવું પડશે નહીંતો જોખમ થશે. ડોકટરે એ પણ કહ્યું કે જો ગાંઠ ગર્ભાશય જોડે જોડાયેલી હશે અને અમે છૂટી નાં કરી શકીએ તો ગર્ભાશય કાઢવું પડશે.

હજી તો લગ્નજીવન શરૂ થતું હતું ત્યાં આ ખબર. પવન અને પારિજાત તો હબકાઈ જ ગયા પણ પારિજાત કંઈક જુદું વિચારતી હતી. ઈશ્વરની મરજી વિરુદ્ધ કંઈ થતું નથી. જિંદગીમાં હવે જે થશે તેને સાક્ષી ભાવે જોઈશ. મેં વિચાર્યું નહતું આટલા જલદી પવન મને અપનાવીને પ્રેમ કરશે. હવે પણ સારું જ થશે અને કોઈક તો માર્ગ મળશે.

પવનની ઉદાસી પારિજાત અને પાયલ જોઈ શકતા ન હતાં. પવનને છોકરાઓ બહુ ગમતા. હવે મારું કોઈ સંતાન નહીંં એવો વસવસો થતો હતો. બાળક માટે ઘણાં ઓપ્શન છે આપણે બાળક દતક પણ લઈશું, તું ચિંતા ન કર પવન એમ બંને સમજાવતા.

પાયલે એકદમ ધડાકો કર્યો અને કહ્યું કે હું સેરોગેટ મધર બનીશ. પવનને પિતાનું માન મળશે અને પારિજાત મા બનશે. તમારું પોતાનું જ બાળક હશે. પવન અને પારિજાતની ખુશીની સીમા ન રહી. બાળક માટેની ચિંતા પાયલે દૂર કરી દીધી.

પાયલ તું કુંવારી મા કેવી રીતે બની શકે. તારી પાસે આખી જિંદગી છે. તારાં લગ્ન પણ બાકી છે. તું આવું કેવી રીતે વિચારી શકે ? ના, અમે તને જિંદગી જોખમમાં નહીં મૂકવા દઈએ. સરોગેટ માટે બીજા માટે વિચારશું.

પાયલે કહ્યું હું લગ્ન કરવાની નથી, મે પ્રેમ એકવાર કરીને તને દિલમાં સમાવી દીધો છે. મનથી તો હું પવનને ક્યારની વરી ચૂકી છું, એના નામની ચૂંદડી ઓઢી ચૂકી છું. મારો શણગાર પણ એનો જ છે. દેહનું મિલન જરૂરી નથી જ્યાં આત્માનું મિલન થયું હોય. મને પવનનાં દીકરા માટે સેરોગેટ મધર બનવાનું મંજૂર છે. હું મારી મરજીથી આ કરી રહી છું. હું પણ માં બનીશ મારાં પ્રેમીનાં બાળકની. પાયલની જીદ આગળ બધાંએ નમતું જોખી દીધું. તલાશ થઈ એક સારા IVF treatment નાં નિષ્ણાતની.

બ્રેઈન સ્ટ્રોકને કારણે મમ્મી હવે કોમામાં જતાં રહ્યાં હતાં. ક્યારે બહાર આવશે એ કહેવું અશક્ય હતું. એમને મૂકીને મનાલી છોડીને જઈ પણ નાં શકાય. દિલ્હી ઓફિસમાં વાત કરીને ઓનલાઈન કામ કરવાનું નક્કી થયું. પારિજાતને પણ ઓપરેશનને લીધે આરામ કરવાનો હતો, મુસાફરી કરી શકે એમ નહોતી. મનાલીમાં જ અત્યારે રહેવું એવું વિચાર્યું. પાયલ પણ જો સેરોગેટ મધર બને તો તેની પાસે કોઈક તો હોવું જોઈએ સારસંભાળ રાખવા તો પવને પોતાનો બિઝનેસ ઓનલાઈન કરી દીધો. જરૂર પડશે તો દિલ્હી આંટો મારી આવશે.

ઓનલાઈન IVF clinic ની તપાસ થઈ, હોસ્પિટલમાંથી પણ ડો. પરિતોષનાં નામની ભલામણ થઈ. એપોઈન્ટમેન્ટ લેવાઈ ગઈ. પાયલ, પવન અને પારિજાતનાં જરૂરી ટેસ્ટ થયા. પાયલના ગર્ભાશયમાં પ્રત્યારોપણ થયું બીજનું.

આજે સૌથી વધારે ખુશ પાયલ હતી. માતૃત્વ માણતાં આનંદની અનુભૂતિ થઈ રહી હતી. મારાં પવનનું બાળક મારી કોખમાં. મનથી મક્કમ હતી કે પવનની જિંદગીમાં પાછી ફરીને તોફાન નહીં લાવે. પવન પણ એનો ત્યાગ જોઈને મનમાં જ હરખાતો કે મેં સાચો પ્રેમ પાયલને કર્યો. પ્રેમમાં સાથે જ રહેવું જરૂરી નથી. દૂર રહીને પણ સુખ માણી શકાય. બંને એકલા હોય તો પારિજાતના મનમાં પણ ક્યારેય શંકા ન થતી. ઈશ્વરે કામ માટે એકબીજાના દેવદૂત બનાવી મોકલ્યા હતા. બીજા દેવદૂત પણ આવવાની તૈયારીમાં હતા.

પાયલ, પવન અને પારિજાત ચેકઅપ કરાવી ક્લિનિકમાંથી પાર્કિંગ તરફ આવી રહ્યા હતા ત્યાં એક કાર આવીને ઊભી રહી બંને પાસે. દરવાજો ખોલીને દોડતાં જઈ, ઝૂલી ગઈ પવન પર. પવન તો ફાટી આંખે જોઈ રહ્યો શું આ પાવની જ છે ?

પવન અને પાયલને સાથે જોઈ પાવની ખુશ થઈ ગઈ કે ચાલો મારા લીધે બે પ્રેમીઓ જુદા થયા હતા હવે એકસાથે છે. પ્રેમની નિશાનીરૂપ ફૂલ પણ પાયલના પેટથી ચાડી ખાતું હતું.

પવને આખી વાત સમજાવી પાવનીને, ડો. પરિતોષની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. ત્યારે ડો. પરિતોષતો મારા પતિ છે તેમ કહ્યું પાવનીએ. બે દેવદૂતનો વધારો થયો.

પવન કશ્મકશમાં હતો મારી જિંદગીમાં શું થઈ રહ્યું છે. છૂટેલા સંબંધો ફરી આત્મીયતાથી જોડાઈ રહ્યા છે જેમાં નિર્મળ પ્રેમ છે. હું નસીબદાર છું મને ત્રણનો સાચો પ્રેમ મળ્યો. મારું બાળક પણ ખુબ નસીબદાર એને મા અને બે માસીઓનો પ્રેમ મળશે. માસી પણ મા બરાબર જ કહેવાય. પાયલ અને પાવનીથી દૂર મનાલી આવ્યો પારિજાતને લઈને તો ત્યાં પણ ત્રિભેટે સુંદર ભેટો થઈ ગયો. મનાલીની વાદીઓમાં આજે એક અદભુત ખનકાર હતો જે હવામાં ગુંજતો ત્રણે દિલોને ત્રિભેટે મળી આનંદિત હતો.

પવન સંગ થયો હતો ત્રિભંગ,

પ્રેમમાં પાગલ સૌ પા.. પા.. પા..

પ્યારનો સંગમ ત્રિભેટે મળ્યો,

વળાંકો મળ્યા ત્રિભુવનમાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance