Kalpesh Patel

Tragedy Inspirational

5.0  

Kalpesh Patel

Tragedy Inspirational

કરુણા સંગ કંગન

કરુણા સંગ કંગન

7 mins
3.0K


રાજકોટ શહેરમાં લાખાજીરાજ લાઈબ્રેરી, પ્રજાપતિ આશ્રમ, કુંભારવાડ, લખુડીતળાવ, મનહરપુર, માધાપર, આનંદપુર, મુંજકા, મોટામૌવા, વાવડી, બેડી અને કોઠારીયાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં મોસમના પહેલા વરસાદે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. લખુડી તળાવ પાસે ખાણી પીણીની લારીઓ નજીક પણ પાણી ભરાયું હતુ.વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હતી. રાજયમાં સર્વેતર ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ટુ-વ્હિલર વાહન ચાલકો પરેશાન થયા હતા. આખાય દિવસ દરમ્યાન રાજકોટ શહેરમાં કાળા વાદળ ઉમટયા અને વરસ્યા હતા. રાજ્યના હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરેલી હતી,આમ સૌરાષ્ટ્રમાં ધીમીધારે પણ મક્કમ ચોમાસાનું આગમન થયું હતુ.

સ્વાદ રસીયા રાજકોટના રહીશો બજારની સ્વાદીષ્ટ વાનગીઓ ખાવા માટે કોઇને કોઇ બહાનુ શોધતા હોય છે. ત્યારે વરસાદની સાથે સાથે ભજીયા તથા ખાણી-પીણીની લારીઓ પર ભીડ જોવા મળી હતી. વરસાદનાં કારણે મોડી રાત્રેય ખાણી-પીણીની લારીવાળાઓને આજે તડાકો થઇ ગયો હતો. ધમધમતી લારી પર જઈ લોકો ઉસળ-પાંઉ અને ભજિયાની સમૂહમાં જ્યાફત ઉડાવતા હતા.રાત્રિના બાર વાગવામાં થોડી વાર હતી, વરસાદનું જોર હવે વધતું હતું અને સ્વાદરસીયાનો જોમ હવે ઢીલો પડેલો હતો. કરસને તપેલીમાં રહેલા દાળવડાંના ખીરામાં તળિયું જોઈ, લારીનો સ્ટવ બંધ કર્યો. કરસને બાંકડાં ઉપરની એંઠી ડીશો ઉપાડી પાણીની ડોલમાં પધરાવી. અને છાપાનાં કાગળમાં વણ વેચાયેલા દાળવડા લીધા અને માથે બચેલી મમરી, ચટણી અને મરચાં લઈને બાંકડા ઉપર આસન જમાવી ખાવા લાગ્યો. છેક સવારે ઘેરથી લારી લઈ નીકળ્યો ત્યારે બાજરીનો રોટલો અને મગની દાળ ખાઈને નીકળેલ. આજના વરસાદી માંહોલે સામાન્ય રીતે બીઝી રહેતા પીઝા – સેન્ડવિચવાળાને નવરા કરી, લારી- ખૂમચા વાળાને આજે આખો દિવસ વ્યસ્ત રાખેલા હોઇ, આજનો દિવસ કરસન માટે કટિંગ ચાના દોરને આધારે હતો.

“કરસનદાસ” જાજું ભણેલો નહીં પણ તેની વરસોથી લખુડી તળાવ પાસે દાળવડાની લારી હતી. દાળવડામાં તો તેની એવી હાથવટી હતી કે લોકો તેને ત્યાંજ આવતા.અત્યારે તે વિચારહીન અવસ્થામાં વડાં ખાતો હતો ત્યાં લારીની તાડ-પત્રી નીચે પૂંછડી પટપટાવતું એક કૂતરું આવ્યું. વરસાદમાં દયામણી નજરે કરસનની સામે જોતું હતું. કરસને છાપામાંથી બેત્રણ વડા તેની તરફ ફેંક્યા. તે લપ-લપ ખાઈ ડોકી ધૂણાવી પૂંછડી પટ-પટાવી જતુ રહયું. કરસન પણ કુદરતની આ માયાવી દુનિયા સામે ફિક્કું હસતાં છાપામાંથી એક વડુ ચટણીમાં બોળી મોમાં મૂકવા જતો હતો, ત્યાં રસ્તાનાની સામે છેડે ધોધમાર વરસતા વરસાદમાં ભીંજાતો જતો એક દસેક વરસનો છોકરો જોયો. કરસનના દિલમાં કરુણા ઊભરી આવી. તેણે હાથમાં લીધેલું વડું પાછું મૂક્યું અને તે છોકરાને હાથના ઇશારે પોતાની પાસે બોલાવ્યો.

છોકરો આવ્યો. અને કરસને છાપામાં રહેલા વડાં તરફ ઈશારો કરી ખાવામાં જોડાવવા ઈંજન આપ્યું. છોકરાએ ખચકાતાં ખચકાતાં વડુ હાથમાં લીધું અને પછી સંકોચ દૂર થતાં તેના ઉપર તૂટી પડ્યો. કરસન તે જોતો રહ્યો. પેટની ગરમી ઠંડી પડી ત્યારે તેને કરસનની સામે આભારની લાગણીએ જોયું. અને અદબ વાળી કરસનની સામે ઉભો રહયો. કરસને તેના ખભે રહેલા ગુમછાંથી તેનું પાણી નીતરતું માથું લૂછયું અને પૂછ્યું. "ક્યાં રહે છે તું ?"

"ક્યારેક બસ સ્ટેન્ડ તો ક્યારેક આ લાઈબ્રેરીના ઓટલે, મારે ઘર નથી."

"શું નામ છે તારું ?"

છોકરો કહે "ખબર નથી. પણ મારી બહેન મને ગગો કહેતી હતી."

"કહેતી હતી, મતલબ ?"

"મારી બેન હવે મારી સાથે નથી, તેને એક લાંબી ગાડીવારા શેઠ તેના બંગલે લઈ ગયા છે"

"હવે તે ત્યાં રહે છે ! તો તું તેની સાથે ના ગયો ?"

"ના, બાપુ, એક દિવસ,હુ જેમતેમ કરી તે શેઠના બંગલે ગયેલો અને મારી બહેનને મળ્યો, પણ કઈ વધારે વાત કરું તે પહેલા શેઠના માણસોએ મને મારી રોડ ઉપર ફેંકી દીધો. તમારો બહુ આભાર, મે બે દિવસથી કઈ ખાધું નહતું અને તમે મારી ભૂખ ભાંગી."

"હું તમને કઈ મદદ કરું ?" એવુ કહેતા ડોલમાં પડેલી ડીશો ધોઈ લૂછી બંને બાંકડા સાફ કરી નાખ્યા તે જોતાં કરસનનું હૃદય દ્રવી ઉઠ્યું, ક્યાં તેનો એકનો એક પુત્ર ભીખો અને ક્યાં આ ગગો. ભીખો કદી લારીએ આવતો નહીંબધુજ કામ કરસનનેજ કરવું પડતું.

કરસન તેના કાકાને ત્યાં ઉછરીને મોટો થયેલો.કાકાની નાસ્તાની લારી હતી. સમય જતાં કાકાએ કરસનને રાધા સાથે લગ્ન કરાવેલ પણ તેનું લગ્ન જીવન ટૂંકું રહ્યું, રાધા ભીખાને કરસનના હવાલે છોડી દેવલોક સીધાવી ગઈ. હવે આ આઘાતમાં કરસનના કાકા પણ દેવલોક સીધાવી ગયા હતા. પહેથીજ લાગણીશીલ કરસનના જીવનમાં મધ્યાને સુરજ આથમ્યો હોય તેવું ઘોર અંધારું હતુ. ગગાને જડપભેર સફાઈથી કામ કરતો જોઈ બોલ્યો, "તારે મારે ત્યાં કામ કરવા આવવું છે ? હું તને કપડાં, ખાવાનું અને રહેવા માટે જગ્યા આપીશ." ગગો તૈયાર થયો. અને તે રાત્રે કરસન ગગાને પોતાને ત્યાં લઈ ગયો.

બેજ દિવસમાં ગગો તૈયાર થઈ ગયો. ત્રીજે દિવસે કરસન સવારે ઉઠ્યો ત્યારે જોયું તો લારી આંગણામાં નહતી,. ભીખાએ કહ્યું, "બાપુ તે ગગો લઈ તલાવડીવાળા સ્ટેન્ડ ઉપર ગયો છે."

કરસન જ્યારે સ્ટેન્ડ ઉપર પહોચ્યો ત્યારે ગગાએ લારીને સજાવી રાખેલી હતી અને પાસે બેસી મગની દાળ વાટતો હતો. તે જોઈ કરસન તો રાજીનો રેડ થઈ ઉપરવાળાનો આભાર માનતા ગગાને ઊભો કર્યો. બોલ્યો,"ના ગગા તું હજુ નાનો છે આવા કામ માટે, તું આરામ કર, હું લારીનું કામ જોઈ લઇશ".

થોડા માહિનામાં કરસનના કસબને ગગાએ આત્મસાધ કરી લીધો હવે દાળ વાટવાથી માંડી ખીરું ફીણવા સુધીનું બધું કામ તે કરતો. સમય જતાં કામમાં એવી તો હથોટી આવી ગઇ, કે કરસન લારીમાંથી દુકાન માલિક બન્યો. કામકાજ વિસ્તરતા હવે બીજા માણસોને પણ નોકરીએ રાખવા પડ્યા અને આજુ બાજુના વિસ્તારમાં "દાસભાઈનાં દાળવડાં"ના નામે મશહૂર થયેલો.

સમય મુઠ્ઠીની રેત જેમ સરતો હતો, ગગાને હવે મૂંછનો દોર ફૂટેલો અને જુવાન થયેલો. કરસનદાસને કામકાજથી ગગાએ બિલકુલ મુક્ત કરી દીધા હતા, કરસન હવે બપોરેજ દુકાને આવતો. એક દિવસ ગામના પોલીસ પટેલ તેમની દુકાને આવ્યા. વાતમાંથી વાત નીકળતા પટેલે ગગા વિષે પૂછ્યું અને કરસને તેની આપવીતી કહી. પોલીસ પટેલે થોડો વિચાર કરી કરસનને કહ્યું, "મને ગગા સાથે વાત કરાવો.. ગગાને પોલીસે તેની બહેનની કથની વિષે પૂછ્યું, "શું તને તે શેઠનો બંગલો ક્યાં આવ્યો તે યાદ છે ?”

વરસોથી બહેનના પ્રેમથી વંચિત રહેલા ગગાની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા, "કેમ નહીં તમે કહો તે ઘડી હું ત્યાં લઇ જઇ શકું !"

"રવિવારે હું આવીશ, તું અને કરસન મારી સાથે જીપમાં આવી મને દૂરથી તે બંગલો બતાવજો. સોમનાથ દાદાની કૃપા હશે તો સૌ સારા વાના થઈ રહેશે."

યોજના મુજબ રવિવારે સવારે પોલીસ પટેલ સાથે વરઘોડો રેસકોર્સના શેઠનાં બંગલે ગયો અને દરવાજામાં પેસતાવેંત ગગાની બહેન બંગલામાં વાસીદું વાળતી હતી. એકજ નજરમાં તે ગગાને ઓળખી બોલી ઉઠી, "ઓ મારા ભાઇલા, મારે નથી રહેવું અંહી, મને તારી સાથે લઈજા. "અવાજ સાંભળી શેઠ બહાર આવ્યા અને ગગાને પોલીસ પાર્ટી સાથે જોતાં પગ પાણી પાણી થઈ ગયા.કોઈ વધારે ભાંજગડ વગર ગગા અને તેની બેનનો મેળાપ થયો.

કરસનનું દિલ તો પહેથીજ કરુણાથી ભરેલું મોટું હતું અને ગગાની બહેનને પણ તે કરુણાનું છત્ર મળ્યું હતું. સમય વિતતા કરસને ગગાની બહેનને પરણાવી, ખુદ કન્યાદાન આપી સાસરે વળાવી. હવે ગગાને પણ જુદું મકાન ખરીદી આપ્યું હતું. કરસનને બધી વાતે સુખ હતું પરંતુ તેનો છોકરો અલ્લડ હતો કોઈ કામ કાજ કરે નહીં અને રખડે રાખે અને વાર તહેવારે કરસન પાસે પૈસા વાપરવા માંગે. કરસન ના પાડે તો ગગા પાસે જાય અને ગગો શરમનો માર્યો કરસનથી છુપા રૂપિયા તેને આપે પણ ખરો.

કરસનની ઉંમર વધતા બિમારીઓએ માથું ઉંચકયું હતું. તે શરીર અને મનથી હવે થાકી ગયો હતો. એમાં સતત ભીખાની બેફિકરાઈ અને આવારાપનની ચિંતા ભળેલી. પોતે નહીં હોય ત્યારે ભીખાનું કોણ ? એ સવાલ પરેશાન કરતો અને તેથી મન ભાંગી પડેલુ હતું, છતાં આ બળતા રણમાં મીઠી વીરડી સમાન ગગાનો મજબૂત સહારો હતો. તેથી પૈસાની ખોટ નહતી. કોઈ ચમત્કાર થાય ને ભીખો ઠરેલ થાય તો તેનું ઘર મંડાય તે આશામાં કરસન દિવસો ખેંચતો હતો.

કરસનની તબીયત બરાબર રહેતી નહતી, તે હવે દુકાને આવતો બંધ થયો પણ, ગગો એક સગા દીકરાની માફક દિવસમાં એકવાર મળવા જરૂર આવતો અને કઈ લાવવું મૂકવું હોય કે કામ હોય તે કરતો. અને ભીખો હવે બેકાબૂ બની ગયો હતો. જુગાર પછીની મદિરા-પાનનાં આશિકની પદવી લઈ ચૂક્યો હતો. અને કહેવાય છે ને 'આ દારૂડિયો દારૂને ત શું મારે ? દારૂજ દારૂડિયાને મારી નાખે છે.'તેમ ભરજુવાનીમાં ભીખો સાવ નંખાઈ ગયો હતો.

ગગો, હવે ભીખાને સમજાવે છે, કરસન જીવે છે ત્યાં સુધી તેને દુખી ન કર અને જુગાર અને દારૂ બંને લિમિટમાં ભોગવ. ભીખાના મગજમા વાત ઉતરી પણ ખરી અને થોડો લાઇન ઉપર આવ્યો. આમ ભીખાને લાઇન ઉપર જોતાં તેને પરણવાવાળીઓની લાઇન ચાલુ થઈ. અને એક મંગળ ઘડીએ ભીખો છગનલાલની છોરી કરુણા સાથે રંગે-ચંગે પરણી ગયો. તે દિવસે કરસનને તેની ઘરવાળી, રાધાએ મરતી વેળા કીધેલું યાદ આવ્યું, રાધાએ કીધેલૂ હતું "કે તેનું સોનાનું કંગન ભીખાની વહુ પરણીને તમને પગે લાગે ત્યારે મારા તરફથી ‘પાય- લાગન’ની “શીખ” જોગ આપશો. 

આજે કરસનની બે આંખ જુદું જુદું રડતી હોત તો આજે એક આંખ રાધાની યાદમાં રોતી હતી અને બીજી આંખ ગગાએ ભીખાને લાઇન ઉપર લાવી પરણાવ્યો હતો એટ્લે રડતી હતી. છગનલાલને ત્યાંથી જાન ઘરે આવી ત્યારે કરુણા કરસનને પગે પડી અને તે વખતે કરસને કરુણાને તે ખાનદાની ‘કંગન” પહેરાવી, રાધાનું વચન પૂરું કર્યું. કરુણા ભારે પગે હતી ત્યારે કરસનનો આનંદ ચરમ સીમાએ હતો.

કરસનની ખુશી લાંબી ના ચાલી. હકીકતમાં વરસોથી બેકાબૂ દારૂ-સિગારેટ પીને ભીખાના ફેફેસા ખલાસ થઈ ગયા હતા. અને તેને ટીબી લાગુ પડી ગયો હતો. નિદાન થયું ત્યારે મોડુ થયેલું અને જોત જોતામાં ઉપડી ગયો. જોતજોતામાં કોડભરેલી કરુણા પરણીને થોડા સમયમાં વિધવા થઈ ગઈ.

ભીખાના તેરમાનાં દિવસે તેના “કેશ’ અને ‘ચૂડી’ ઉતારવાની ક્રિયા કરવાની હતી. કરસનની આખી નાત તેના આંગણે ઉમટી હતી. ત્યાં ચંદુનાઇ અસ્ત્રો લઈને ચામડાનાં પટ્ટે ઘસી કરુણાને મુંડવા ધારદાર બનાવતો હતો. અને ચંદુ દૂર ઊભો તેની પત્ની ગંગું ઘાંયજી કરુણાની ચૂડી ઉતારે તેની રાહ જોતો હતો. આ દરમ્યાન કરસન પાસે બેઠેલો ગગો કરસનને પગે પડી ઊભો થયો, અને દારુણ વિલાપ કરતી કરુણા પાસે જઈ, કરુણાને કહે છે, “મને તારો હાથ આપ." કરુણા અને તેને વીંટળાયેલા રોતા અને છાતી કૂટતાં બૈરાંનું ટોળું વધારે કઈ સમજે તે પહેલા, ગગાએ કરુણાને ખભેથી પકડી ઊભી કરી. તે કરુણાને દોરીને કરસન અને છગન બાપા બેઠા હતા ત્યાં લઈ ગયો અને હાથ જોડી બોલ્યો, આ જગતમાં બાપ વગરનાની શું હાલત હોય છે ?

તે તમારાથી દાસબાપા, વધારે કોણ જાણે ? કરુણાની કુંખે અવતરણ કરનારું ભીખાભાઇનું બાળક જ્યારે જન્મ લેશે, ત્યારે તે નબાપ નહીં હોય. તેની પાછળ મારૂ અડિખંભ નામ રહેશે. દાસબાપા તમેજ મારા ઈશ્વર છો તમારી સાક્ષી અને છગનબાપાની રજા મંદીથી હું કરુણાને સૌની હાજરીમાં જીવનભર સાથ નિભાવવાના કોલ સાથે અપનાવું છું. ગગાએ અવાક થયેલા વડીલો કઈ વધારે બોલે તે પહેલા, નીચી મુંડીએ ઊભેલી કરુણાની કોરી ધાકડ સેંથીમાં સિંદુર પૂરી અપનાવી લીધી. 

ચંદુનાઈનો અને તેની પત્ની ગંગું ઘાંયજીનો ફેરો ફોગટ ગયો હોવાથી બંને નારાજ હતા. ઘડીક પહેલા રોવા કૂટવાનાં ઘોંઘાટની જગ્યાએ ફટાણાં ચાલુ થઈ ગયા હતા. એક વિધવા માટે કોઈના દિલમાં હવે કોડભરેલી 'કરુણા' વસવાની હતી, તે જાણી સૌ ખુશ હતા. આમ ગગા દાખવેલી કરુણાએ, રાધાની મરજી અનુસાર કરસને વહુને આપેલું કંગન છેલ્લી ઘડીએ નંદવાતા રહી ગયું, અને રાધાની ‘પાય- લાગન’ની શીખ યોગ્ય જગ્યાએ પહોચી શોભતી હતી.    


Rate this content
Log in

Similar gujarati story from Tragedy